Home તાજા સમાચાર gujrati મોટી ઉંમરે ઍલર્જી કેવી રીતે થઈ શકે અને કોરોનાના ચેપ સાથે શું...

મોટી ઉંમરે ઍલર્જી કેવી રીતે થઈ શકે અને કોરોનાના ચેપ સાથે શું સંબંધ?

4
0

Source : BBC NEWS

નિષ્ણાતોના મતે ઍલર્જી જીવનમાં ગમે ત્યારે થઈ શકે છે, ક્યારેક તો પુખ્ત વયે પણ પહેલી વાર ઍલર્જી થાય છે

આપણે ઘણી વાર માનીએ છીએ કે ઍલર્જી બાળપણમાં અથવા બાળકના જન્મ પહેલાં જ, મળેલા ખરાબ વારસાનું પરિણામ છે, પરંતુ ઍલર્જી નિષ્ણાત કેલી કોલાસ કહે છે, “વ્યક્તિને જીવનના કોઈ પણ તબક્કે નવી ઍલર્જી થઈ શકે છે.”

ઍલર્જી જીવનમાં ગમે ત્યારે થઈ શકે છે, ક્યારેક તો પુખ્ત વયે પણ પહેલી વાર ઍલર્જી થાય છે. આવી સમસ્યા જાણે અચાનક કોઈ કારણ વિના ઊભી થઈ હોય એવું લાગે છે, પરંતુ સંશોધકો જેમ જેમ આ અંગે વધુ જાણકારી મેળવી રહ્યા છે, તેમ ટીક (એક પ્રકારની જીવાત)ના કરડવાથી લઈને હોર્મોનમાં થતા ફેરફારો સુધીનાં, નવી ઍલર્જી થવાનાં કેટલાંક વિચિત્ર અને આશ્ચર્યજનક કારણો જાણમાં આવી રહ્યાં છે.

કોરોનાનો ચેપ લાગ્યો હોય તો ઍલર્જીનું જોખમ વધુ રહે?

કેટલાક લોકોમાં ઍલર્જી થવાની આનુવંશિક સંભાવના જન્મથી જ હોય છે, પરંતુ ઇલિનોયની નૉર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના સેન્ટર ફૉર ફૂડ ઍલર્જી ઍન્ડ અસ્થમાનાં ડાયરેક્ટર રુચિ ગુપ્તા કહે છે કે આમાં માત્ર જિનેટિક્સ જ જવાબદાર નથી. ઘણી વાર “કોઈ વસ્તુ તેને સક્રિય કરે છે.”

આવું કરનાર એક કારણ કોરોના પણ હોઈ શકે છે. કોવિડ-19 થયા પછી શરીરની રોગપ્રતિકારક પ્રણાલીમાં એવા ફેરફાર થઈ શકે છે, જે નવી ઍલર્જીનું કારણ બને.

2026માં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે કોરોનાનો ચેપ લાગ્યા પછી ઍલર્જિક રાઇનાઇટિસ અને અસ્થમા થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે. ઍલર્જિક રાઇનાઇટિસને સામાન્ય રીતે ‘હે ફીવર’ કહેવામાં આવે છે.

કોરોના દરમિયાન રોગપ્રતિકારક પ્રણાલી કાબૂ બહાર જઈ શકે છે.

સ્વીડનની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટના ત્વચારોગ નિષ્ણાત અને આ અભ્યાસના સહ-લેખક ફિલિપ કરમેન કહે છે, “ચેપ લાગવાથી જોખમ વધ્યું, જ્યારે રસી લેવાથી જોખમ ઘટ્યું.”

તેમના કહેવા પ્રમાણે, કોરોના દરમિયાન રોગપ્રતિકારક પ્રણાલી કાબૂ બહાર જઈ શકે છે અને શરીરમાં સોજો વધારી શકે છે. આમાં એક પ્રકારનો સોજો એવો હોય છે, જે ઍલર્જી સાથે સંકળાયેલો હોવાનું જાણીતું છે.

રેસ્પિરેટરી સિન્સિશિયલ વાઇરસ (આરએસવી) એટલે કે બાળકોમાં થતો એક સામાન્ય ચેપ અને શરદી માટે જવાબદાર રાઇનોવાઇરસ પણ આવી જ અસર કરી શકે છે. અગાઉના અભ્યાસોમાં બાળકોમાં આમ જોવા મળ્યું હતું.

આવા ચેપ પછી ક્યારેક આડઅસરથી ઍલર્જી થઈ શકે છે. રુચિ ગુપ્તા કહે છે કે શરીરની દૃષ્ટિએ આ એવી સ્થિતિ છે, જેમાં વ્યક્તિ જાણે ખોટા સમયે ખોટી જગ્યાએ આવી જાય છે.

તેઓ કહે છે, “તમારું શરીર કોઈ વાઇરસ સામે લડી રહ્યું હોય અને એ દરમિયાન કોઈ ખાદ્ય પદાર્થ કે પર્યાવરણમાં રહેલું ઍલર્જન શરીરમાં પ્રવેશે, ત્યારે તમારી રોગપ્રતિકારક પ્રણાલી પહેલેથી જ વાઇરસ સામે લડવામાં વ્યસ્ત હોય છે. એ વખતે જાણે તે કહેતી હોય, ‘હવે શું છે આ? બધું જ દૂર કરો.'”

રોગપ્રતિકારક પ્રણાલીમાં મૂંઝવણ

સામાન્ય વાઇરસ બાળકો અને પુખ્ત વયના લોકોમાં પણ ઍલર્જીનું કારણ બની શકે છે

વિડંબના એ છે કે કેટલીક સામાન્ય બીમારીઓની સારવાર માટે વપરાતી દવાઓની પણ આવી જ અનિચ્છિત અસરો થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ઍન્ટિબાયોટિક લેવાને કારણે પાછળથી ઍલર્જી થવાનું જોખમ વધી શકે છે, એવું અભ્યાસોમાં જોવા મળ્યું છે.

ઍલર્જી થવાનું કારણ બની શકે તેવાં પરિબળોનો અભ્યાસ કરી ચૂકેલાં રુચિ ગુપ્તા કહે છે કે આમ કદાચ એટલા માટે થાય છે કે ઍન્ટિબાયોટિક્સ આંતરડામાં રહેલા માઇક્રોબાયોમનું નાજુક સંતુલન ખોરવી નાખે છે. માઇક્રોબાયોમ એટલે માણસના પાચનતંત્રમાં રહેતા અબજો બૅક્ટેરિયાનો વિશાળ સમુદાય.

વિજ્ઞાનીઓને આંતરડાના માઇક્રોબાયોમ વિશે હજુ ઘણું જાણવાનું બાકી છે, પરંતુ એવું જણાય છે કે તે આપણા સ્વાસ્થ્યનાં અનેક પાસાંમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જેમાં રોગપ્રતિકારક પ્રણાલીની કામગીરીનો પણ સમાવેશ થાય છે.

ગુપ્તા કહે છે કે માઇક્રોબાયોમનું સંતુલન ખોરવાય તો “રોગપ્રતિકારક પ્રણાલીમાં મૂંઝવણ” થઈ શકે છે. પરિણામે, જે પદાર્થો સામાન્ય રીતે હાનિકારક ન હોય, તેને પણ રોગપ્રતિકારક પ્રણાલી એવા ખતરા તરીકે ઓળખી શકે છે, જેને શરીરમાંથી દૂર કરવાની જરૂર છે.

ગર્ભાવસ્થા પણ રોગપ્રતિકારક પ્રણાલીમાં મોટો ફેરફાર લાવે છે અને તેની ઍલર્જી પર પણ અણધારી અસર થઈ શકે છે. વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં ઍલર્જીની સારવાર અને ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન થતી ઍલર્જીના નિષ્ણાત કોલાસ આમ કહે છે.

કોલાસના જણાવ્યા પ્રમાણે, પહેલેથી પર્યાવરણને લગતી ઍલર્જી ધરાવતી લગભગ એક તૃતીયાંશ મહિલાઓએ ગર્ભધારણ કર્યા પછી ઍલર્જીનાં લક્ષણો વધુ ગંભીર બને છે. આ ઉપરાંત, ‘પ્રેગ્નન્સી રાઇનાઇટિસ’ નામની એક સ્થિતિ પણ જોવા મળે છે. તેમાં અગાઉ ક્યારેય ઍલર્જી ન થઈ હોય એવી ગર્ભવતી મહિલાને પણ છીંક આવવી, નાક બંધ થવું અને નાકમાંથી પાણી વહેવું જેવાં ઍલર્જીનાં લક્ષણો જોવા મળે છે.

કોલાસ કહે છે કે પ્રેગ્નન્સી રાઇનાઇટિસ કદાચ ખરેખરી ઍલર્જી નથી, પરંતુ ઍલર્જી જેવાં લક્ષણો પેદા કરતી એક કામચલાઉ સ્થિતિ છે. એક મહત્ત્વનો તફાવત એ છે કે આ લક્ષણો સામાન્ય રીતે પ્રસૂતિ પછી દૂર થઈ જાય છે, કાયમ માટે રહેતાં નથી.

આવું કેમ થાય છે એ વિશે “હજુ બહુ ઓછું સમજાયું છે,” કોલાસ કહે છે. જોકે, આ સ્થિતિ હોર્મોનમાં થતા ફેરફારો સાથે સંકળાયેલી હોવાનું જણાય છે. છેવટે, સ્ત્રીના પ્રજનન સાથે સંકળાયેલા હોર્મોન એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન રોગપ્રતિકારક પ્રણાલી સાથે કેવી રીતે ક્રિયા કરે છે, એ વાત જાણીતી છે.

સંશોધન એવું પણ સૂચવે છે કે મહિલાઓને મેનોપોઝ એટલે કે માસિક બંધ થવાના સમયગાળા પછી નવી ઍલર્જી થઈ શકે છે. આ સમયગાળો પણ હોર્મોનમાં મોટા ફેરફારોનો હોય છે.

કોલાસ કહે છે, “આ હોર્મોન શરીરમાં જાતજાતની અસરો કરી શકે છે.”

ઝાંખરામાં છુપાયેલી ઍલર્જી

ગર્ભધારણ કર્યા પછી ઘણી મહિલાઓને પોતાની ઍલર્જી વધુ ગંભીર બનતી હોવાનું જણાય છે

લોન સ્ટાર ટિક નામના એક જીવડાનું કરડવું પણ ઍલર્જી થવાનું એક આશ્ચર્યજનક કારણ બની શકે છે. ઉત્તર અમેરિકામાં જોવા મળતી કરોળિયા વર્ગની આ જીવાત છે, પરંતુ વાતાવરણ ગરમ થવાને કારણે હવે તે દુનિયાના નવા વિસ્તારોમાં પણ ફેલાઈ રહી છે. આ ટિકના કરડ્યા પછી લાલ માંસ ખાવાથી વ્યક્તિને ઍલર્જી થઈ શકે છે.

2007માં લંડનની મુલાકાત દરમિયાન થૉમસ પ્લેટ્સ-મિલ્સે લેમ્બ ચૉપ્સ અને ફ્રેન્ચ વાઇન સાથે ભરપૂર ભોજન કર્યું અને આરામથી રાતની ઊંઘ લેવા માટે હોટલ પાછા ફર્યા. પરંતુ તેઓ કહે છે, “રાત્રે અઢી વાગ્યે મારી ઊંઘ ઊડી ગઈ. ત્રણ વાગ્યા સુધીમાં તો મારા આખા શરીર પર ચકામાં પડી ગયાં હતાં.”

પ્લેટ્સ-મિલ્સ મેડિસિન અને માઇક્રોબાયૉલૉજીના પ્રોફેસર હતા અને આ વિચિત્ર ઘટનાને સમજવા માટે તેમની પાસે જરૂરી જાણકારી અને અનુભવ હતાં. એ સમયે તેમની લૅબમાં એક તબીબી રહસ્ય ઉકેલવા માટે ઊંડો અભ્યાસ ચાલી રહ્યો હતો.

તેમની ટીમ એ સમજવાનો પ્રયાસ કરી રહી હતી કે અમેરિકામાં કેટલાક લોકોને વર્ષોથી બધું જ ખાતા હોવા છતાં અચાનક લાલ માંસથી ઍલર્જી કેમ થવા લાગી હતી.

ત્યાં સુધીમાં પ્લેટ્સ-મિલ્સે એક અનુમાન બાંધ્યું હતું: આવી વિચિત્ર ઍલર્જી ટિકના કરડ્યા પછી થતી હોય એમ જણાતું હતું. તેમનો પોતાનો અનુભવ આ અનુમાનને વધુ મજબૂત બનાવનારો હતો.

થોડા મહિના પહેલાં હાઇકિંગ દરમિયાન પ્લેટ્સ-મિલ્સના શરીર પર લાર્વા અવસ્થાની ટિક ચોંટી ગઈ હતી અને તેમને કરડી હતી. ત્યાર પછી કરવામાં આવેલા રક્ત પરીક્ષણમાં ઍલર્જી સાથે સંકળાયેલી ઍન્ટિબૉડીઝનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું. અને હવે લેમ્બનું ભોજન કર્યા પછી તેમના શરીર પર ચકામાં ઊપસી આવ્યાં હતાં.

પ્લેટ્સ-મિલ્સને થયેલી આ અણધારી ઍલર્જીક પ્રતિક્રિયાથી તેમની ટીમને આજે આલ્ફા-ગૅલ સિન્ડ્રોમ તરીકે ઓળખાતી બીમારીને સમજવામાં મદદ મળી.

ટિક પોતાની લાળમાં આલ્ફા-ગૅલ નામનો શર્કરા અણુ ધરાવી શકે છે. આ અણુ આપણે જે પ્રાણીઓનું માંસ ખાઈએ છીએ તેના સહિત મોટાં ભાગનાં સસ્તન પ્રાણીઓના શરીરમાં કુદરતી રીતે બને છે. પરંતુ પ્લેટ્સ-મિલ્સ સમજાવે છે કે માણસોએ “લગભગ એક કરોડ વર્ષ પહેલાં આ અણુ બનાવવાની ક્ષમતા ગુમાવી દીધી હતી.”

પ્લેટ્સ-મિલ્સ કહે છે, “પ્રાઇમેટ (મનુષ્ય અને વાનર સમૂહ) સિવાયનું બધું જ તમારું દુશ્મન છે.”

પછી જ્યારે એ વ્યક્તિ ફરીથી આલ્ફા-ગૅલના સંપર્કમાં આવે, ત્યારે તેને ઍલર્જીની પ્રતિક્રિયા થઈ શકે છે. ધારો કે તેણે રસદાર હૅમબર્ગર ખાધું. એ પછી તેને ચકામાં પડી શકે, શરીર પર સોજો આવી શકે અને પાચનતંત્રને લગતી તકલીફો પણ થઈ શકે છે.

સરકારી આંકડા અનુસાર, કેવળ 2017થી 2022 દરમિયાન જ 90,000થી વધુ લોકોમાં આ લક્ષણનું નિદાન થયું હતું.

અચાનક થતી ઍલર્જીનો કોઈ ઇલાજ ખરો?

આ નાની ટિક આખા અમેરિકામાં માંસની ઍલર્જી ફેલાવી રહી છે

પ્રેગ્નન્સી રાઇનાઇટિસ સામાન્ય રીતે બાળકના જન્મ પછી મટી જાય છે, પરંતુ અચાનક ઍલર્જી થતી હોય એવા ઘણા લોકો એટલા નસીબદાર નથી. બીમારી પછી, ટિકના કરડવાથી અથવા કોઈ દેખીતા કારણ વિના નવી ઍલર્જી થાય, તો તે કાયમી પણ બની શકે છે.

તમને પરાગરજથી ઍલર્જી હોય કે મગફળીથી, ધૂળથી હોય કે કૂતરાથી-ઍલર્જી થવાની મૂળ પ્રક્રિયા એકસરખી છે. ઍલર્જી ત્યારે થાય છે જ્યારે શરીર સામાન્ય રીતે હાનિકારક ન હોય એવા પદાર્થને ખતરનાક બાહ્ય તત્ત્વ માની લે છે.

એ પછી શરીર એ પદાર્થ સામે ઍન્ટિબૉડીઝ નામનાં રોગપ્રતિકારક પ્રોટીનનું ઉત્પાદન કરવા લાગે છે. રોગપ્રતિકારક વ્યવસ્થા સક્રિય થતાં નાકમાંથી પાણી વહેવું, આંખોમાં ખંજવાળ આવવી જેવાં લક્ષણો જોવા મળે છે. ગંભીર કિસ્સામાં જીવલેણ એનાફિલેક્સિસ પણ થઈ શકે છે.

ગુપ્તા સમજાવે છે, “તમારી રોગપ્રતિકારક પ્રણાલીએ કોઈ પદાર્થને હાનિકારક તરીકે ઓળખી લીધો છે અને તેની સામે ઍન્ટિબૉડીઝ બનાવી છે. હવે જ્યારે પણ તમારું શરીર એ પદાર્થના સંપર્કમાં આવશે, ત્યારે રોગપ્રતિકારક પ્રણાલી તેના પર હુમલો કરશે.”

મોટી ઉંમરે થતી ઍલર્જીનું કોઈ કારણ જાણી શકાયું હોય, તો તેને રોકવા કે તેની અસર ઓછી કરવા માટે કંઈક કરી શકાય છે. જેમ કે, કોઈ બીમારીને કારણે શરીરમાં બળતરા થઈ હોય અથવા ઍન્ટિબાયોટિક્સ લીધા પછી આંતરડાંના માઇક્રોબાયોમમાં ફેરફાર થયો હોય. આવા કિસ્સામાં નુકસાનને અમુક અંશે રોકવાની કે પાછું સુધારવાની શક્યતા રહે છે.

ઉદાહરણ તરીકે, ગુપ્તા સલાહ આપે છે કે ઍન્ટિબાયોટિક્સ લેતા લોકો પ્રોબાયોટિક્સ, પ્રીબાયોટિક્સ, દહીં અને આથેલા ખોરાકનું પણ સેવન કરે. આ બધું આંતરડાંના માઇક્રોબાયોમને સ્વસ્થ અને વૈવિધ્યસભર રાખવામાં મદદ કરી શકે છે.

સંશોધકો ઍલર્જી દૂર કરવા માટે રોગપ્રતિકારક પ્રણાલિને નવી રીતે તાલીમ આપવાના બીજા રસ્તાઓનો પણ અભ્યાસ કરી રહ્યા છે

કરમેન કહે છે કે વાઇરસના ચેપ દરમિયાન શરીરમાં થતી બળતરાને કાબૂમાં રાખી શકાય તો પછીથી થતી ઍલર્જી જેવી સમસ્યાઓને પણ કદાચ રોકી શકાય. તેઓ પૂછે છે, “શરૂઆતમાં જ સારવાર કરવામાં આવે, તો શું અસ્થમા જેવી બીમારીઓને થતી અટકાવી શકાય?” તેઓ કહે છે કે આનો જવાબ હજુ મળ્યો નથી. પરંતુ આ અંગે વધુ સંશોધન કરવું જરૂરી છે.

સામાન્ય રીતે, રોગપ્રતિકારક પ્રણાલીની કામગીરીને નિયંત્રિત કરતી દવાઓ ઍલર્જીથી હમણાં જ પીડાવા લાગેલા અને લાંબા સમયથી ઍલર્જી ધરાવતા, બંને પ્રકારના લોકો માટે આશાસ્પદ છે.

સંશોધકો ઍલર્જી દૂર કરવા માટે રોગપ્રતિકારક પ્રણાલિને નવી રીતે તાલીમ આપવાના બીજા રસ્તાઓનો પણ અભ્યાસ કરી રહ્યા છે. તેમાં રસી જેવા પ્રાયોગિક ઉપાયોનો સમાવેશ થાય છે.

આવી રસી રોગપ્રતિકારક પ્રણાલીને ઍલર્જન સામે વધુ નિયંત્રિત રીતે પ્રતિક્રિયા આપવાનું શીખવી શકે છે. જેમ રસી શરીરને વાઇરસ સામે લડવા માટે તૈયાર કરે છે, પરંતુ રોગપ્રતિકારક પ્રણાલિને અતિશય પ્રતિક્રિયા આપતી અટકાવે છે, એવી જ રીતે આ ઉપાય ઍલર્જન સામેની પ્રતિક્રિયાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે.

ગુપ્તા કહે છે કે અત્યારે નવી થયેલી ઍલર્જીને સંપૂર્ણપણે દૂર કરવાની કોઈ ખાતરીપૂર્વકની રીત નથી. પરંતુ ભવિષ્ય આશાસ્પદ છે. તેઓ કહે છે, “હું છેલ્લાં 20 વર્ષથી ખાદ્ય પદાર્થોની ઍલર્જીનો અભ્યાસ કરી રહી છું. ઍલર્જીની સારવારમાં આટલી પ્રગતિ થઈ રહી છે એ જોવું ખરેખર ઉત્સાહજનક છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS