Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, યુક્રેન-રશિયા, વ્લાદિમીર પુતિન, વોલોદિમીર ઝેલેન્સ્કી, સમાચાર, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

16 મે 2025, 09:16 IST

અપડેટેડ 5 કલાક પહેલા

યુક્રેનમાં ચાલી રહેલા જંગને ખતમ કરવા માટે યુક્રેનિયન અને રશિયન પ્રતિનિધિમંડળ વચ્ચે તુર્કીના ઇસ્તાંબુલ ખાતે થયેલી બેઠક ખતમ થઈ ગઈ છે.

બેઠક બાદ યુક્રેનના સંરક્ષણમંત્રી રુસ્તમ ઉમેરોવે કહ્યું છે કે બંને દેશ એક-એક હજાર યુદ્ધબંદીઓને મુક્ત કરવા રાજી થયા છે.

તેમણે કહ્યું, “અમે યુદ્ધવિરામ અને લોકોની અદલાબદલી મુદ્દે ચર્ચા કરી. એક હજાર લોકોની મુક્તિ પર સંમતિ સધાઈ એ અમારી આ બેઠકનું પરિણામ છે.”

શાંતિ વાર્તામાં રશિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા વ્લાદિમીર મેંડિસ્કીએ કેદીઓની અદલાબદલી પર સધાયેલી સંમતિ અંગે પુષ્ટિ કરી.

તેમણે કહ્યું, “યુક્રેનિયન પક્ષે અનુરોધ કર્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે સીધી વાતચીત થાય. અમે તેમના આ અનુરોધની નોંધ લીધી છે.”

મેંડિસ્કીએ જણાવ્યું કે અમે એ વાત પર સંમત થયા છીએ કે દરેક પક્ષ ભવિષ્યના સંભવિત યુદ્ધવિરામ અંગે પોતાનું વિઝન ધરાવે છે.

બંને પેક્ષોએ યુદ્ધબંદીઓની મુક્તિની તારીખ નક્કી કરી છે, તેથી એ જાહેર નથી કરાઈ.

પી. ચિદંબરમના નિવેદન અંગે જેડીયુએ કહ્યું, “નીતીશકુમારના બહાર નીળકતાં જ ઇન્ડિયા ગઠબંધનની કમર તૂટી”

બીબીસી ગુજરાતી, ગુજરાત, યુક્રેન-રશિયા, વ્લાદિમીર પુતિન, વોલોદિમીર ઝેલેન્સ્કી, સમાચાર, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમની ‘ઇન્ડિયા ગઠબંધનનું કોઈ ભવિષ્ય નથી’વાળી ટિપ્પણી પર જેડીયુએ પ્રતિક્રિયા આપી છે.

જેડીયુ નેતા કેસી ત્યાગીએ ન્યૂઝ એજન્સી એએનઆઇને કહ્યું, “પી. ચિદંબરમ કૉંગ્રેસ પાર્ટીના મોટા નેતા છે અને તેમણે એ સ્વીકારી લીધી છે કે ઇન્ડિયા ગઠબંધન મજબૂત નથી. હું તેમના નિવેદન સાથે સંમત છું. નીતીશકુમાર અને જેડીયુ બહાર ગયાં અને એ બાદ ઇન્ડિયા ગઠબંધનની કમર તૂટી ગઈ.”

ચિદંબરમે ગુરુવારે કહ્યું હતું કે, “(ઇન્ડિયા ગઠબંધનનું)ભવિષ્ય એટલું ઉજ્જવળ નથી, જેવું મૃત્યુંજયસિંહ યાદવે જણાવ્યું.”

“તેમને લાગે છે કે ગઠબંધન હજુ પણ બરકરાર છે, પરંતુ એ વાતથી હું આશ્વસ્ત નથી. માત્ર સલમાન (ખુર્શીદ) આ અંગે જવાબ આપી શકે છે, કારણ કે તેઓ ઇન્ડિયા ગઠબંધન માટે વાતચીત કરનારી ટીમનો ભાગ હતા.”

ચિદબંરમે કહ્યું, “જો ગઠબંધન સંપૂર્ણપણે જળવાયેલું હોય તો મને રાજીપો થશે, પરંતુ એવું લાગે છે કે એ નબળું પડી ગયું છે.”

ખરેખર, બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે ભાજપનાં વિરોધી દળોને એક કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

જોકે, બાદમાં નીતીશકુમાર ઇન્ડિયા ગઠબંધનથી બહાર થઈ ગયા અને તેમણે ફરી ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) સાથે હાથ મિલાવ્યો.

હાલ બિહારમાં ભાજપ અને જેડીયુ ગઠબંધનની જ સરકાર છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું, “ભાજપના લોકો સૈન્યને અપમાનિત કરી રહ્યા છે”

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સમાચાર, ભારત-પાકિસ્તાન, મધ્યપ્રદેશ, પ્રિયંકા ગાંધી,

ઇમેજ સ્રોત, ANI

મધ્યપ્રદેશના ડેપ્યુટી સીએમ જગદીશ દેવડાના સૈન્ય પર અપાયેલા નિવેદન અંગે કૉંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.

કેરળના વાયનાડથી કૉંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, “ભાજપના નેતાઓ તરફથી સતત આપણા સૈન્યનું અપમાન અત્યંત શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. પહેલાં મધ્યપ્રદેશના એક મંત્રીએ મહિલા સૈનિકો અંગે અભદ્ર ટિપ્પણી કરી અને હવે તેમના ઉપમુખ્ય મંત્રીએ સૈન્યનું ઘોર અપમાન કર્યું છે.”

“આખા દેશની જનતા સૈન્યના શૌર્ય પર ગૌરવાન્વિત છે, પરંતુ ભાજપના લોકો સૈન્યને અપમાનિત કરી રહ્યા છે અને ભાજપ પોતાના આ નેતાઓ પર કાર્યવાહી કરવાને બદલે તેમને બચાવવામાં પૂરું જોર લગાવી રહ્યો છે. ભાજપ આવું કરીને આપણા સૈન્ય અને દેશવાસીઓને શો સંદેશ આપવા માગે છે?”

જગદીશ દેવડાનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ એવું કહેતા સંભળાઈ રહ્યા છે, “યશસ્વી વડા પ્રધાનજીનો આભાર માનવો જોઈએ. આખો દેશ, દેશનું એ સૈન્ય, એ સૈનિક… તેમના ચરણોમાં નતમસ્તક છે. તેમના ચરણોમાં આખો દેશ નતમસ્તક છે. તેમણે જે જવાબ આપ્યો છે. તેની જેટલી સરાહના કરાય, જેટલું કહેવાય, એક વાર તેમના માટે જોરદાર તાળીઓ પાડીને તેમનું સ્વાગત કરો.”

કૉંગ્રેસ આને ‘સૈન્યનું અપમાન’ ગણાવ્યું છે, તો બીજી તરફ ભાજપના પ્રવક્તા આશીષ અગ્રવાલે કહ્યું છે કે કૉંગ્રેસ ડેપ્યુટી સીએમના નિવેદનને ખોટી રીત રજૂ કરી રહી છે.

ભુજ ઍરબેઝથી રાજનાથસિંહે કહ્યું – ‘ઑપરેશન સિંદૂર હજુ ખતમ નથી થયું, એ માત્ર એક ટ્રેલર હતું’

રાજનાથસિંહ

ઇમેજ સ્રોત, @rajnathsingh/X

“ઑપરેશન સિંદૂર હજુ ખતમ નથી થયું. જે કંઈ પણ થયું એ માત્ર એક ટ્રેલર હતું. જ્યારે યોગ્ય સમય પાકશે, અમે આખા વિશ્વને પિક્ચર પણ દેખાડીશું.”

ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ગુજરાતના ભુજ ઍરબેઝ ખાતે જવાનોને સંબોધિત કરતી વખતે કંઈક આવી વાત કહી છે.

તેમણે કહ્યું, “ઑપરેશન સિંદૂરમાં ખરેખર તમે લોકોએ ચમત્કારિક કામ કર્યું છે. આખી દુનિયામાં ભારતનું માથું તમે ઊંચું ઉઠાવી દીધું.”

સંરક્ષણમંત્રીએ કહ્યું કે ‘ઑપરેશન સિંદૂર’ નામ પણ વડા પ્રધાન મોદીએ જ પાડ્યું હતું.

તેમણે કહ્યું, “હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાનમાં આતંકવાદ અને ત્યાંની સરકારનો નિકટનો સંબંધ છે. આ સ્થિતિમાં જો ત્યાં પરમાણુ શસ્ત્રો અને ઑટેમેટિક હથિયારો હોય તો એ વાતની સંભાવનાને નકારી ન શકાય કે ક્યારેક એ આતંકવાદી તત્ત્વોના હાથમાં લાગી જશે.”

રાજનાથસિંહે કહ્યું, “આ માત્ર ભારત માટે નહીં, પરંતુ આખી દુનિયા અને પાકિસ્તાનની સામાન્ય જનતા માટે પણ એક ગંભીર ખતરારૂપ વાત હશે.”

તેમણે કહ્યું, “આ સ્થિતિ માટે પાકિસ્તાનની સેનાને એવો સંદેશ આપવા માગીશ કે કાગઝ કા હૈ લિબાસ, ચિરાગો કા શહેર હૈ, ચલના સંભલ-સંભલ કર ક્યોંકિ તુમ નશે મેં હો.”

સપાના નેતા રામગોપાલ યાદવે વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ વિશે ટિપ્પણી કરતા વિવાદ

બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ નીરવ મોદી ઇઝરાયલ ગાઝા વ્યોમિકા સિંહ સોફિયા કુરેશી

ઇમેજ સ્રોત, Getty Images/ANI

સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે ગુરુવારે એક એવું નિવેદન આપ્યું જેના કારણે વિરોધ પક્ષોએ તેમની ટીકા કરી છે.

રામગોપાલ યાદવે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું કે, “સોફિયા કુરેશીને ભાજપના મંત્રી એટલા માટે નિશાન બનાવે છે કે તેઓ મુસ્લિમ છે. પરંતુ વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ પોતાની જાતિના કારણે બચી ગયાં.”

રામગોપાલ યાદવે કહ્યું કે “તેમને વ્યોમિકાસિંહ કે ઍર માર્શલ એકે ભારતી વિશે કંઈ ખબર ન હતી. નહીંતર તેમણે તેમને પણ અપશબ્દો કહ્યા હોત.”

આ નિવેદન પછી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે સેનાના યુનિફૉર્મને જાતિવાદી ચશ્માંથી જોવા ન જોઈએ.

સીએમ યોગીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “ભારતીય સેનાના દરેક સૈનિક રાષ્ટ્રધર્મ નિભાવે છે. તેઓ કોઈ જાતિ કે ધર્મના પ્રતિનિધિ નથી હોતા.”

ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરી અને કર્નલ સોફિયા કુરેશીની સાથે વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ ‘ઑપરેશન સિંદૂર’ની પ્રેસ બ્રીફિંગમાં સામેલ થતાં હતાં.

અગાઉ મધ્ય પ્રદેશની ભાજપ સરકારના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યાર પછી મધ્ય પ્રદેશ હાઈકોર્ટે તેમની વિરુદ્ધ એફઆઇઆરના આદેશ આપ્યા હતા.

નીરવ મોદીની નવી જામીન અરજી લંડન હાઇકોર્ટે ફગાવી

બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ નીરવ મોદી ઇઝરાયલ ગાઝા

ઇમેજ સ્રોત, Getty Images

લંડનમાં જેલવાસ ભોગવતા હીરાના વેપારી નીરવ મોદીની નવી જામીન અરજીને ગુરુવારે લંડનની હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

નીરવ મોદી છેલ્લાં છ વર્ષથી બ્રિટનની જેલમાં છે અને પ્રત્યર્પણથી ભારતને સોંપણી ન કરાય તે માટે કાનૂની લડત આપે છે.

તેમના પર પંજાબ નૅશનલ બૅન્ક સાથે 13 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. તેમણે પોતાના મામા મેહુલ ચોકસી સાથે મળીને આ કૌભાંડ કર્યું હતું તેવો આરોપ છે.

સીબીઆઇએ એક નિવેદનમાં કહ્યું કે, “નીરવ દીપક મોદી દ્વારા દાખલ થયેલી નવી જામીન અરજીને લંડનની હાઇકોર્ટ ઑફ જસ્ટિસ, કિંગ્સ બેન્ચ ડિવિઝને ગુરુવારે ફગાવી દીધી હતી.”

19 માર્ચ, 2019ના રોજ લંડનના હોબર્ન ખાતે મેટ્રો બૅન્ક બ્રાન્ચમાંથી નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી હતી જ્યાં તેઓ પોતાનું ખાતું બૅન્ક ખાતું ખોલાવવા ગયા હતા.

2018ની શરૂઆતમાં પંજાબ નૅશનલ બૅન્કમાં હજારો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું. તે વખતે બૅન્કે મેહુલ ચોકસી, નીરવ મોદી સહિત કેટલાક લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

ઇઝરાયલી હુમલામાં મૃત્યુઆંક 114 થયો, નાકાબંધીથી લોકોની હાલત ખરાબ

બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ નીરવ મોદી ઇઝરાયલ ગાઝા

ઇમેજ સ્રોત, Abdalhkem Abu Riash/Anadolu via Getty Images

ગાઝામાં ગુરુવારે મધરાત પછી ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 114 લોકો માર્યા ગયા છે.

હમાસ સંચાલિત સિવિલ ડિફેન્સ એજન્સી અને બચાવકર્મીઓએ આ માહિતી આપી છે.

ઇઝરાયલ તરફથી આ હવાઈ હુમલા એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે ઇઝરાયલે 10 અઠવાડિયાથી ગાઝામાં રાહત સામગ્રી પહોંચાડવાનું રોકી દીધું છે.

ઇઝરાયલે ગાઝામાં પત્રકારોના પ્રવેશને પણ પ્રતિબંધિત કર્યો છે.

ગાઝાના એક મહિલાએ બીબીસીને મૅસેજ દ્વારા કહ્યું કે બાળકો ભૂખથી રડે છે અને માતા પણ રડે છે કારણ કે તેમની પાસે બાળકોને ખવડાવવા માટે કંઈ નથી.

જોકે,ઇઝરાયલી સરકારનો દાવો છે કે ગાઝામાં ખોરાકની કોઈ અછત નથી.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઑક્ટોબર, 2023થી યુદ્ધ શરૂ થયું હતું. ગાઝામાં યુદ્ધવિરામની સમજૂતીનો ભંગ થયા પછી ઇઝરાયલે ત્યાં અનેક હવાઈ હુમલા કર્યા છે. 7 ઑક્ટોબર 2023થી અત્યાર સુધીમાં ગાઝામાં ઓછામાં ઓછા 52,829 લોકો માર્યા ગયા છે એમ હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS