Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Reuters
અપડેટેડ 18 મિનિટ પહેલા
ગુરુવારે રૉબર્ટ પ્રીવોસ્ટને વેટિકનના નવા પોપ પસંદ કરવામાં આવ્યા છે. પ્રીવોસ્ટને હવે પોપ લિયો ચૌદમાના નામથી ઓળખવામાં આવશે.
શિકાગોમાં જન્મેલા નવનિર્વાચિત પોપે વેટિકનમાં ઉત્સાહિત ભીડને ઇટાલિયન ભાષામાં સંબોધિત કરી હતી.
તેમણે કહ્યું હતું કે “આપણે સૌ સાથે શાંતિ જળવાઈ રહે. ભાઈઓ અને બહેનો, હું તમારા પરિવારો, તમારા સૌ સુધી, ભલે તમે ક્યાંય પણ હો, શાંતિનું અભિવાદન પહોંચાડવા માગું છું. શાંતિ તમારી સાથે રહે.”
તેમણે પોતાના પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેઓ લોકોને આશીર્વાદ આપવા માગતા છે, જેમકે પોપ ફ્રાન્સિસે સેંટ પીટર્સ સ્ક્વાયરમાં પોતાની ગત હાજરી વખતે કર્યું હતું.
ત્યાર બાદ પોપ લિયો ચૌદમાએ તે કાર્ડિનલ્સનો આભાર વ્યક્ત કર્યો જેમણે બે દિવસીય સંમેલન દરમિયાન તેમની પસંદગી કરી.
‘આતંકીઓના જનાજામાં પાકિસ્તાની સેના શું કરે છે?’ વિક્રમ મિસ્રીએ તસવીર બતાવી પૂછ્યો સવાલ

ઇમેજ સ્રોત, MEA
ભારતના વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ પાકિસ્તાનમાં ભારતના હુમલામાં માર્યા ગયેલા લોકોના અંતિમ સંસ્કારમાં સેનાની હાજરી પર સવાલ ઉઠાવ્યા છે.
જનાજાના ફોટો બતાવતા મિસ્રીએ કહ્યું કે, “શું આતંકવાદીઓને સરકારી સન્માન આપતું પાકિસ્તાન?”
મિસ્રીએ કહ્યું કે, “ભારતના હવાઈ હુમલા પછી આતંકવાદીઓના અંતિમ સંસ્કારની કેટલીક તસવીરો અમે જોઈ છે. જો માત્ર સામાન્ય લોકો માર્યા ગયા હતા તો મને નથી ખબર કે અંતિમ સંસ્કારની આ તસવીર શું સંદેશ આપે છે? આ સવાલ પૂછવો જોઈએ.
તેમણે એક તસવીર બતાવી જેમાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપતા દેખાય છે.
તેમણે કહ્યું કે, “આ જોવું અજીબ લાગે છે કે સિવિલિયનના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાની ઝંડો અને સરકારી સન્માન કેમ આપવામાં આવી રહ્યું છે.”

ઇમેજ સ્રોત, ANI
તેમણે કહ્યું કે, “જ્યાં સુધી અમારો (ભારતનો) સવાલ છે, અમારું માનવું છે કે તે ઠેકાણાં પર આતંકવાદીઓ હતા અને જે લોકો ત્યાં માર્યા ગયા છે તેઓ આતંકવાદી હતા. અમને લાગે છે કે આ હુમલામાં એક ટેરરિસ્ટ માર્યો ગયો છે જેના અંતિમ સંસ્કારમાં સરકારી સન્માન આપવામાં આવ્યું .”
આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇસહાક ડારે રૉઇટર્સ સાથે વાત કરતા દાવો કર્યો કે પાકિસ્તાન અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોના કાર્યાલય વચ્ચે સંપર્ક થયો છે.
તેમણે કહ્યું છે કે બંને દેશોની સેનાઓ વચ્ચે હૉટલાઇન સંચાલિત થઈ રહી છે.
આ વિશે દિલ્હીની પ્રેસ બ્રીફિંગમાં વિદેશ સચિવને પૂછવામાં આવેલું તો તેમણે કહ્યું કે આ વિશે જાણકારી હોવાનો ઇન્કાર કર્યો છે.
મિસ્રીએ કહ્યું કે, “આ વિશે મને કોઈ જાણકારી નથી.”
પાકિસ્તાને સરહદ પાર ગોળીબારમાં શીખ સમુદાયને નિશાન બનાવ્યો છે

ઇમેજ સ્રોત, ANI
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ કહ્યું છે કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં પુંછ સેક્ટરમાં સરહદ પાર ગોળીબારમાં શીખ સમુદાયને નિશાન બનાવ્યો છે.
તેમણે કહ્યું કે પાકિસ્તાની ગોળીબારીમાં એક ગુરુદ્વારાને નિશાન બનાવ્યું છે, જેમાં શીખ સમુદાયના ત્રણ લોકોનાં મોત થયાં છે. ભારત પહલગામ હુમલા માટે ધ રેસિસ્ટેન્સ ફ્રન્ટ એટલે ટીઆરએફને જવાબદાર માને છે.
દિલ્હીમાં પ્રેસ બ્રીફિંગમાં મિસ્રીએ કહ્યું કે ટીઆરએફ પાકિસ્તાન સ્થિત ચરમપંથી સંગઠન લશ્કર-એ-તૈયબાનું ફ્રન્ટ છે. લશ્કર-એ-તૈયબા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત સંગઠન છે.
પાકિસ્તાન એ વાતને ફગાવે છે કે તેણે કોઈ પણ ગ્રૂપને ભારત વિરુદ્ધ પોતાની જમીન વાપરવાની મંજૂરી આપી છે.
મિસ્રીએ પાકિસ્તાનના એ દાવાને “સ્પષ્ઠ જૂઠ” ગણાવ્યો છે, જેમાં તેેણે કહ્યું કે ભારતના હવાઈ હુમલાથી નીલમ-ઝેલમ બાંધને નુકસાન થયું છે.
તેમણે કહ્યું કે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં માત્ર “આતંકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર”ને નિશાન બનાવ્યાં છે.
મિસ્રીએ કહ્યું કે, “અમે તણાવને વધારવા નથી માગતા, આ ક્રમ જે 22 એપ્રિલના પહલગામ હુમલાથી શરૂ થયો છે અને તે ઉશ્કેરણીજનક કાર્યવાહીનો જવાબ ભારતે કાલે (મંગળવારે રાત્રે) આપ્યો છે.”
તણાવ વચ્ચે પાકિસ્તાનના શૅરબજારનો સૂચકાંક છ ટકા તૂટ્યો, ભારતીય બજારોમાં પણ ઘટાડો

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ગુરુવારે ભારત અને પાકિસ્તાનના શૅરબજાર ઘટાડા સાથે બંધ થયા.
મુંબઈમાં, ભારતના પ્રમુખ સ્ટૉક ઍક્સચેન્જ ઇન્ડેક્સ – સેન્સેક્સ અને નિફ્ટી – માં લગભગ અડધા ટકાનો ઘટાડો નોંધાયો.
પાકિસ્તાનમાં કરાચી સ્ટૉક ઍક્સચેન્જમાં રોકાણકારોમાં ગભરાટ જોવા મળ્યો અને વેચાવલી હાવી રહી.
કારોબારી સત્ર દરમિયાન ટ્રે઼ડિંગ રોકવું પડ્યું, કારણ કે શૅરોમાં ભારે ઘટાડો થયો – તેની બેન્ચમાર્ક ઇન્ડેક્સ KSE 100માં ટ્રેડિંગમાં છ ટકા કરતાં વધુ ઘટાડો જોવા મળ્યો.
કરન્સી માર્કેટમાં પણ સ્પષ્ટપણે ગભરાટ જોવા મળ્યો, જ્યાં ભારતીય રૂપિયો અમેરિકન ડૉલરની સરખામણીએ એક ટકા કરતાં વધુ ઘટ્યો, ત્યાં જ બીજી તરફ પાકિસ્તાની રૂપિયામાં પણ ઘટાડો થયો.
રોકાણકારોની ચિંતા વધી ગઈ છે, કારણ કે બંને દેશોએ ગુરુવારે એકમેક પર ડ્રોન હુમલાનો આરોપ કર્યો છે. બુધવારે ભારતે જણાવ્યું હતું કે મંગળવારની રાત્રે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં હવાઈ હુમલા કર્યા છે.
અમેરિકાએ લાહોરમાં પોતાના કર્મચારીઓને ‘સુરક્ષિત જગ્યાએ’ જવાનો નિર્દેશ આપ્યો

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનમાં અમેરિકન મહાવાણિજ્ય દૂતાવાસે પોતાના કર્મચારીઓને ‘સુરક્ષિત સ્થળે’ જવાનો નિર્દેશ આપ્યો છે.
પાકિસ્તાનના લાહોરસ્થિત અમેરિકન મહાવાણિજ્ય દૂતાવાસે લાહોર અને તેનાં ઉપનગરોના હવાઈ ક્ષેત્રમાં ‘ડ્રોન વિસ્ફોટો’ અને ભારત દ્વારા ‘સંભવિત હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી’ને જોતાં પોતાના કર્મચારીઓને સુરક્ષિત સ્થળે જવાના નિર્દેશ આપ્યા છે.
વાણિજ્ય દૂતાવાસની વેબસાઇટ પર એક નિવેદનમાં કહેવાયું, “વાણિજ્ય દૂતાવાસને પ્રારંભિક રિપોર્ટ પણ મળ્યો છે કે પાકિસ્તાની અધિકારી લાહોરના મુખ્ય હવાઈમથક નિકટના વિસ્તારો ખાલી કરાવી શકે છે.”
તેમણે અમેરિકન નાગરિકોને સલાહ આપતાં કહ્યું છે કે, “જે અમેરિકન નાગરિક આ ક્ષેત્રોમાં છે, તેમણે શક્ય હોય તો ત્યાંથી નીકળીને સુરક્ષિત સ્થળોએ જતા રહેવું જોઈએ.”
અમેરિકન નાગરિકોને શું કહેવાયું –
- સુરક્ષિત સ્થળોએ જતા રહો
- જે અમેરિકન સરકારની સહાય પર આધારિત નથી, તેમની પાસે ત્યાં (પાકિસ્તાન)થી નીકળવાની યોજના હોય
- ટ્રાવેલ દસ્તાવેજો તૈયાર રાખો
- પોતાનો યોગ્ય ઓળખપત્ર રાખો અને અધિકારીઓ સાથે સહયોગ કરો
ભુજ સહિતનાં સ્થળોએ પાકિસ્તાનના હુમલા નાકામ કર્યાનો ભારતનો દાવો, પાકિસ્તાને ભારતીય ડ્રોન તોડવાની વાત કહી

ઇમેજ સ્રોત, Getty Images
મંગળ-બુધવારે ભારતીય સૈન્યએ હવાઈ હુમલો કરીને ‘ઑપરેશન સિંદૂર’ અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર ખાતે નવ સ્થળોએ આવેલાં ‘આતંકી કૅમ્પ’ નષ્ટ કરવાની માહિતી આપી હતી.
પાકિસ્તાને આ હુમલા અને એલઓસી પર થયેલા ગોળીબારમાં 31 લોકોનાં મૃત્યુ થયાં હોવાનો દાવો કર્યો હતો.
ત્યાર બાદ બંને દેશો વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે.
આ દરમિયાન ભારતના પ્રેસ ઇન્ફૉર્મેશન બ્યૂરો (પીઆઇબી)એ સોશિયલ મીડિયા ઍક્સ પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે 7 મેના ભારતના હુમલા બાદ પાકિસ્તાને 7-8 મેની રાત્રે ઉત્તર અને પશ્ચિમ ભારતના અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોડી, ઉત્તરલાઈ અને ભુજ સહિતનાં સ્થળોએ ડ્રોન અને મિસાઇલ વડે સૈન્ય ટાર્ગેટ સાથે અથડામણનો પ્રયાસ કર્યો હતો.
જોકે, તેને ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર યુએએસ ગ્રિડ અને ઍર ડિફેન્સ સિસ્ટમ્સ વડે નાકામ કરવામાં આવ્યા હતા.
ઘણાં સ્થળોએથી હાલ આ હુમલા બાદ પડેલ કાટમાળ એકઠો કરાઈ રહ્યો છે, જે પાકિસ્તાનના હુમલાની સાક્ષી પૂરે છે.
પીઆઇબીએ જાહેર કરેલી માહિતી અનુસાર ગુરુવારે સવારે ભારતીય સૈન્ય દળોએ પાકિસ્તાનમાં કેટલાંક સ્થળોએ ઍર ડિફેન્સ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવી હતી. ભારતે પણ પાકિસ્તાનની માફક એ જ ક્ષેત્રોમાં અને તેટલી જ તીવ્રતા સાથે જવાબ આપ્યો હતો.
ભારતે સાત મેના દિવસે ‘ઑપરેશન સિંદૂર’ પર પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું કે પાકિસ્તાન સૈન્ય ઠેકાણાંને નિશાન નથી બનાવવામાં આવ્યાં. ભારતે એમ ભાર દઈને એમ પણ કહ્યું હતું કે ભારતીય સૈન્ય ઠેકાણાં પર કોઈ પણ હુમલો થશે તો ઉચિત જવાબ આપવામાં આવશે.
ભારતના રક્ષા મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કુપવાડા, બારામૂલા, ઉરી, પુંછ, મેંઢર અને રજૌરી સેક્ટરમાં મોર્ટાર અને ભારે તોપોનો ઉપયોગ કરીને નિયંત્રણ રેખા પર ‘કોઈ ઉશ્કેરણી વગર’ ગોળીબાર કર્યો છે.
મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાન ગોળીબારમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકો સહિત 16 નિર્દોષ લોકોનું મૃત્યુ થયું છે.
ત્યારે પાકિસ્તાને દાવો કર્યો છે કે તેણે ભારતના 25 ડ્રોન તોડી પાડ્યાં છે. પાકિસ્તાન અનુસાર આ ડ્રોન પાકિસ્તાનનાં અલગઅલગ શહેરોમાં તોડી પડાયાં છે.
પાકિસ્તાન સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ આજે ગુરુવારના દિવસે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું કે ભારત સાતમેની રાત્રે જ “ડ્રોનની મદદથી ઘૂસણખોરીના પ્રયાસ” કરી રહ્યું છે.
જનરલ ચૌધરીએ કહ્યું કે સેનાની કાર્યવાહી ચાલુ છે. તેમણે કહ્યું કે ડ્રોન્સ લાહોર, ગુજરાંવાલા, ચકવાલ, અટક, રાવલપિંડી, મિયાંવાલી અને કરાચીમાં તોડી પાડવામાં આવ્યાં. પાકિસ્તાનના પ્રવક્તાએ આ નિવેદન પર ભારતે કોઈ પ્રતિક્રિયા નથી આપી. બીબીસી પાકિસ્તાને આ દાવાની સ્વતંત્ર રૂપથી પુષ્ટિ નથી કરી.
બંને દેશોએ કરેલા દાવાની બીબીસી સ્વતંત્રપણે પુષ્ટિ નથી કરી શક્યું.
સર્વપક્ષીય બેઠક બાદ કેન્દ્રીય મંત્રી રિજિજૂ બોલ્યા- ‘ઑપરેશન સિંદૂર’ ચાલુ છે

ઇમેજ સ્રોત, ANI
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ગુરુવારે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક મળી હતી. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે સંરક્ષણ મંત્રીએ બેઠકમાં ઉપસ્થિત તમામ નેતાઓને ઑપરેશન સિંદૂર મામલે જાણકારી આપી.
કિરેન રિજિજૂએ કહ્યું, “ઑપરેશન સિંદૂર ઑનગોઇંગ ઑપરેશન છે.”
તેમણે કહ્યું કે “રાજનાથસિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક સારી રીતે સમાપ્ત થઈ. ગંભીર વિષય હતો અને તમામે વિષયને ગંભીરતાથી લીધો. સૌથી પહેલા સંરક્ષણ મંત્રીએ ઑપરેશન સિંદૂર મામલે જાણકારી આપી. તમામ હાલત અને સરકારની મનસા મામલે તેમને જાણકારી આપી. વિભિન્ન પાર્ટીના નેતાઓએ પણ પોતાની વાત મૂકી. અને કેટલાક સૂચનો કર્યા.”
તેમણે એમ પણ કહ્યું કે તમામ પાર્ટીના નેતાઓએ સેનાની તમામ કાર્યવાહી પર સાથ આપવાનો વાયદો કર્યો છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શરીફે તુર્કીના રાષ્ટ્રપતિને કેમ કર્યો ફોન?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું છે કે તેમની તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ આર્દોઆન સાથે વાતચીત થઈ છે.
તેમણે કહ્યું કે ભારત તરફથી કરવામાં આવેલા હુમલામાં માર્યા ગયેલા લોકો માટે તુર્કીએ કરેલી પ્રાર્થનાની તેઓ સરાહના કરે છે.
શહબાઝ શરીફે ઍક્સ પર લખ્યું, “આ નાજુક સમયમાં પાકિસ્તાન માટે તુર્કીના સમર્થન માટે તેમને ધન્યવાદ આપ્યા.”
પાકિસ્તાની પીએમે લખ્યું, “અમે તમામ કિંમત પર પોતાની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું રક્ષણ કરીશું. પાકિસ્તાન દક્ષિણ એશિયામાં તણાવ ઓછો કરવા માટે અને શાંતિ બનાવવા માટે તુર્કીના પ્રયાસો બદલ આભારી છે.”
7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર પર ભારતની કાર્યવાહી બાદ તુર્કીના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કર્યું હતું.
જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું, “અમે સામાન્ય લોકો અને નાગરિક ભવનો પર કોઈ પણ પ્રકારની ઉશ્કેરનારી કાર્યવાહી તથા હુમલાની નિંદા કરીએ છીએ. અમને આશા છે કે તણાવ ઓછો કરવા માટે યથાશીઘ્ર પ્રયત્નો કરવામાં આવશે.”
નિવેદનમાં બંને પક્ષોને એકતરફી કાર્યવાહીથી બચવા માટે અપીલ પણ કરવામાં આવી. એમ પણ કહેવામાં આવ્યું કે પહલગામ હુમલાની તપાસ અંગેની પાકિસ્તાનની માગનું તુર્કી સમર્થન કરે છે.
પાકિસ્તાન સામે ભારતની કાર્યવાહી બાદ આજે થશે સર્વપક્ષીય બેઠક

ઇમેજ સ્રોત, ANI
પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં હુમલા બાદ કેન્દ્ર સરકારે પહેલી વખત સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક આજે એટલે કે 8મી મેના રોજ યોજાશે.
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ ઍક્સ પર તેની જાણકારી આપતા લખ્યું, “સરકારે 8મી મેના રોજ સવારે 11 કલાકે નવી દિલ્હીમાં પાર્લામેન્ટ લાઇબ્રેરી બિલ્ડિંગની કમિટી રૂમ જી-074માં સર્વદપક્ષીય નેતાઓની બેઠક બોલાવી છે.”
કૉંગ્રેસે આ બેઠકને લઈને આશા વ્યક્ત કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમામ દળો સાથે વાત કરીને તેમને વિશ્વાસમાં લેશે.
કૉંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે ઑપરેશન સિંદૂર બાદ પહેલી સર્વપક્ષીય બેઠક હશે.
તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું, “24મી એપ્રિલના રોજ સર્વપક્ષીય બેઠકની માગ કરી હતી. તે દિવસે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. અમને આશા હતી કે વડા પ્રધાન તેની અધ્યક્ષતા કરશે. પરંતુ કોઈ કારણસર વડા પ્રધાન તેમાં ઉપસ્થિત નહોતા.”
જયરામ રમેશે 8મી મેના રોજ થનારી સર્વપક્ષીય બેઠક મામલે કહ્યું, “અમને આશા છે કે વડા પ્રધાન આ બેઠકની અધ્યક્ષતા કરે. આ બેઠકમાં રાજ્યસભાના નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેશે. અમે આશા રાખીએ છીએ કે પીએમ મોદી તમામ દળો સાથે વાત કરીને તેમને વિશ્વાસમાં લેશે.”
પાકિસ્તાને કહ્યું કે ભારતની કાર્યવાહીમાં 31 લોકો માર્યા ગયા, 57 ઘાયલ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે બુધવારે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં હવાઈ હુમલાઓ કર્યાની જાણકારી આપી. ભારતે આ કાર્યવાહીને ‘ઑપરેશન સિંદૂર’ નામ આપ્યું.
ભારતે કહ્યું કે તેણે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં નવ જગ્યાને નિશાન બનાવી હતી જ્યારે પાકિસ્તાને કહ્યું કે હુમલાઓ છ જગ્યાઓ પર થયા હતા.
પાકિસ્તાને દાવો કર્યો કે તેણે પાંચ ભારતીય જેટ અને એક ડ્રૉનને પાડી નાખ્યું છે જ્યારે કે ભારતે તેની પુષ્ટિ નથી કરી.
પાકિસ્તાને કહ્યું છે કે ભારતની આ કાર્યવાહીમાં મરનારા લોકોની સંખ્યા વધીને 31 થઈ છે જ્યારે કે 57 લોકો ઘાયલ થયા છે.
ભારતીય સેનાએ કહ્યું છે કે નિયંત્રણ રેખા પર પાકિસ્તાની બૉમ્બમારામાં ઓછામાં ઓછા 15 નાગરિકો માર્યા ગયા છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું, ‘હવે ભારતે ભૂલનું પરિણામ ભોગવવું પડશે’

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે રાષ્ટ્રજોગ સંદેશમાં કહ્યું કે “ભારતે હવે ગઈ કાલે રાત્રે ઉગ્રતા દાખવીને કરેલી ભૂલનું પરિણામ ભોગવવું પડશે.”
તેમણે કહ્યું કે, “કદાચ તેમને લાગ્યું હશે કે અમે પીછેહઠ કરશું.”
શહબાઝ શરીફે કહ્યું, “અમે આ જંગને તાર્કિક અંત સુધી લઈ જઈશું અને શહીદોના લોહીનાં એક એક ટીપાંનો હિસાબ લેવાશે.”
પોતાના સંબોધનમાં શહબાઝ શરીફે કહ્યું, “મારા વહાલા દેશવાસીઓ, સંખ્યાબળમાં વધુ શક્તિશાળી શત્રુને હરાવવામાં અમુક કલાકનો સમય લાગ્યો. ભારતનાં પાંચ ફાઇટર વિમાનો તોડી પડાયાં. ભારતનાં ગૌરવ ગણાતાં વિમાનો ધૂળમાં મેળવી દેવાયાં.”
તેમણે કહ્યું કે, “ગઈ કાલે રાત્રે અમારાં ફાલ્કન વિમાનોએ આકાશમાં વાવાઝોડું સર્જી દીધું.”
તેમના દાવા પ્રમાણે, “પોતાના બચાવમાં યોગ્ય જવાબ આપતા પાકિસ્તાનને આવડે છે, એ વાત આપણે ગઈ કાલે સિદ્ધ કરી બતાવી.”
તેમણે કહ્યું કે ભારતીય હુમલામાં 26 નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 46 ઈજાગ્રસ્ત થયા હતા. તેમણે કહ્યું કે હુમલામાં માર્યા ગયેલામાં બાળકો પણ સામેલ છે.
શહબાઝ શરીફે કહ્યું કે, “ગઈ કાલે રાત્રે પાકિસ્તાને ફરી એક વાર પરંપરાગત હથિયારોના જંગમાં પણ શત્રુ સામે પોતાની શ્રેષ્ઠતા બતાવી હતી.”
તેમણે કહ્યું કે, “હું સૈન્ય દળોના વડા અને તમામ સૈનિકોને સલામ કરું છું.”
અમેરિકાએ કહ્યું અમારી ભારત અને પાકિસ્તાન પર નજર

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે અમેરિકા ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ પર નજર રાખી રહ્યું છે.
પ્રવક્તાએ કહ્યું, “અમેરિકાના અધિકારીઓ બંને પક્ષના સંપર્કમાં છે અને બંનેને આગ્રહ કરી રહ્યા છે કે તેઓ એક જવાબદાર સમાધાનને હાંસલ કરવા માટે કામ કરે. જે દીર્ઘકાલિક શાંતિ અને દક્ષિણ એશિયામાં ક્ષેત્રીય સ્થિરતા બનાવવામાં મદદ કરે.”
આ પહેલાં વિદેશ મંત્રાલય કવર કરતા બીબીસી સંવાદદાતા ટૉમ બૅટમૅને કહ્યુ હતું કે પાકિસ્તાન પર ભારતીય હુમલા બાદ અમેરિકા દ્વારા સંયમ વર્તવાની સ્પષ્ટ અપીલનો અભાવ દર્શાવે છે કે કેટલાંક વર્ષોમાં અમેરિકા અને ભારતના સંબંધો મજબૂત થયા છે. જ્યારે કે તુલનાત્મક રૂપે પાકિસ્તાન અલગ પડી ગયું છે.
ગઈ રાત્રે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ટ્રમ્પના એક નિવેદનને ફરી વખત ટાંકતા એ વાત પર ભાર મૂક્યો હતો કે તેમને આશા છે કે આ તણાવ જલદી સમાપ્ત થઈ જશે અને એક શાંતિપૂર્ણ સમાધાનની દિશામાં કામ થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS