Home તાજા સમાચાર gujrati રોબૉટે કથિત રીતે 16 વર્ષની કિશોરી સાથે જાતીય દુર્વ્યવહાર કર્યો, રોબૉટ જપ્ત,...

રોબૉટે કથિત રીતે 16 વર્ષની કિશોરી સાથે જાતીય દુર્વ્યવહાર કર્યો, રોબૉટ જપ્ત, તેને કોણ ચલાવતું હતું?

6
0

Source : BBC NEWS

જર્મનીમાં 16 વર્ષની એક કિશોરી પર કથિત રીતે જાતીય હુમલો

જર્મનીમાં 16 વર્ષની એક કિશોરી પર કથિત રીતે જાતીય હુમલો કરવાના આરોપમાં રોબૉટને નિયંત્રિત કરનારા બે યુવાનો સામે પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસે કોલોન શહેરમાંથી લાલ અને સોનેરી રંગનો રોબૉટ જપ્ત કર્યો છે.

અહેવાલો અનુસાર, રોબૉટે કિશોરીની પીઠ પકડીને શરીરને આગળ-પાછળ હલાવ્યું હતું. આથી કિશોરી ચીસ પાડીને ત્યાંથી ભાગી ગઈ હતી.

નૉર્થ રાઇન-વેસ્ટફેલિયા રાજ્યની પોલીસે જણાવ્યું કે રોબૉટના 16 વર્ષના માલિક અને તેની સાથે રહેલા 19 વર્ષના યુવકે આ ઘટનાનું સોશિયલ મીડિયા પર લાઇવ પ્રસારણ કર્યું હોવાની અને તેના પર ટિપ્પણીઓ કરી હોવાની આશંકા છે.

પોલીસે ફેસબુક પર મુકેલા નિવેદન અનુસાર, શનિવારે સ્થાનિક સમય પ્રમાણે મધરાતના થોડા સમય પહેલાં, મિત્રો સાથે રહેલી કિશોરીની પાછળથી 120 સેન્ટિમીટર (3.9 ફૂટ) ઊંચો રોબૉટ આવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે શહેરના મધ્ય ભાગની નજીક આવેલી એક ફાસ્ટ-ફૂડ રેસ્ટોરાંની બહાર આ ઘટના બની હતી.

આ અંગે ઇમર્જન્સી સેવાઓને જાણ કરવામાં આવી હતી.

થોડા સમય પછી, પોલીસને નજીકની એક શેરીમાંથી આ કિશોર અને તેની સાથે રહેલા 19 વર્ષના યુવક મળી આવ્યા હતા. બંને સામે આ કેસમાં તપાસ ચાલી રહી છે.

પોલીસે જણાવ્યું કે કિશોરની કારના પાછળના ભાગમાં રાખેલો રોબૉટ પણ ત્યાંથી મળી આવ્યો હતો.

પોલીસે જાહેર કરેલી એક તસવીરમાં રોબૉટે કાળી મૂછ, સોનેરી ચેઇન અને સફેદ રંગનાં અન્ડરવેર જેવાં કપડાં પહેરેલાં જોવા મળે છે.

રોબૉટની સાથે પોલીસે આરોપીઓના બે મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે.

ઘટના બની ત્યારે કોઈએ જાણીજોઈને રોબૉટની હિલચાલને નિયંત્રિત કરી હતી કે કેમ, તેની તપાસ કરવામાં આવી રહી છે.

ફેસબુક પર મુકેલી બીજી એક પોસ્ટમાં પોલીસે આ કેસ અંગે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ વિશે ચેતવણી આપી હતી.

પોલીસે જણાવ્યું હતું કે આવી ટિપ્પણીઓ કાયદાની દૃષ્ટિએ વાંધાજનક હોઈ શકે છે અને ગંભીર કિસ્સામાં તેને ગુનાહિત કૃત્ય પણ ગણવામાં આવી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS