Source : BBC NEWS

બીબીસી ગુજરાતી વકફ સુધારા કાયદો ખરડો મુસ્લિમો હિંદુ સુપ્રીમ કોર્ટ મસ્જિદ જોગવાઈ બોર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદાને લઈને સુનાવણી ચાલુ થઈ તેના બે દિવસ અગાઉ ભારત સરકાર થોડી પીછેહઠ કરતી જોવા મળી છે.

સરકારે અદાલતમાં જણાવ્યું કે આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી તે આ કાયદાની કેટલીક મહત્ત્વની જોગવાઈઓને લાગુ નહીં કરે.

કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે વકફ સુધારા કાયદાની ઘણી જોગવાઈઓ આગામી સુનાવણી સુધી લાગુ નહીં થાય.

તેનાથી એક દિવસ અગાઉ જ બુધવારે સુપ્રીમ કોર્ટે વકફ સુધારા કાયદા સામે દાખલ થયેલી અરજીઓ પર સુનાવણી કરતી વખતે એ પ્રકારના સંકેત આપ્યા હતા કે કેટલીક જોગવાઈઓ પર સ્ટે લાગી શકે છે.

અદાલત કોઈ આદેશ આપે તે અગાઉ બુધવારે સરકાર તરફથી હાજર થતાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એક દિવસની મુદત માંગી હતી. બીજા દિવસે તેમણે કોર્ટને ભરોસો આપ્યો કે વકફ સુધારા કાયદાની અમુક જોગવાઈઓ હાલમાં અમલમાં નહીં આવે.

તુષાર મહેતાએ અદાલતમાં જણાવ્યું કે આગામી સુનાવણી સુધી સરકાર વકફ બોર્ડમાં બિનમુસ્લિમ સભ્યોની નિમણૂક નહીં કરે.

વકફ સંપત્તિઓના ચરિત્રને હાલ બદલવામાં નહીં આવે, તેમાં ‘ઉપયોગના આધાર’ પર વકફ જાહેર થયેલી સંપત્તિઓ પણ સામેલ હશે.

આ મામલે સુપ્રીમ કોર્ટમાં પાંચમી મેએ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે આ મામલે હજુ સુધી કોઈ સ્ટે ઑર્ડર નથી આપ્યો.

શું વકફ કાયદા મામલે સરકારને અદાલતના વલણનો અંદાજ હતો?

બીબીસી ગુજરાતી વકફ સુધારા કાયદો ખરડો મુસ્લિમો હિંદુ સુપ્રીમ કોર્ટ મસ્જિદ જોગવાઈ બોર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વકફ સુધારા કાયદાની ઘણી જોગવાઈઓને લઈને કાયદાકીય અને બંધારણીય ચિંતા જાહેર કરવામાં આવી હતી.

આ કાયદાનો વિરોધ કરતા લોકોનો તર્ક છે કે વકફ કાયદામાં નવા સંશોધનથી મુસલમાનોની સંપત્તિના વ્યવસ્થાપનમાં બિનમુસ્લિમોની દખલગીરી વધશે. કેટલાકે એવી ચિંતા વ્યક્ત કરી કે આનાથી મુસ્લિમોના બંધારણીય અધિકારોનું હનન થશે.

બુધવારે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ જણાવ્યું હતું કે અદાલત કેટલાક વચગાળાના આદેશ આપી શકે છે.

પ્રથમ, જે સંપત્તિઓ વકફ જાહેર થયેલી છે તેને ડિનૉટિફાઈ કરવામાં નહીં આવે. અદાલતે વકફ કાઉન્સિલ અને વકફ બોર્ડમાં બિન મુસ્લિમ સભ્યોની ભરતી અટકાવવાના સંકેત પણ આપ્યા હતા.

ગુરુવારે સરકાર તરફથી ઉપસ્થિત રહેતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતમાં જવાબ આપવા માટે વધુ સાત દિવસનો સમય માંગ્યો હતો.

અદાલતમાં વકફ સુધારા કાયદા વિરુદ્ધ 10થી વધુ અરજીઓ દાખલ થયેલી છે.

વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓની સુનાવણીમાં શું થશે?

બીબીસી ગુજરાતી વકફ સુધારા કાયદો ખરડો મુસ્લિમો હિંદુ સુપ્રીમ કોર્ટ મસ્જિદ જોગવાઈ બોર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્ર સરકાર દ્વારા મુખ્ય જોગવાઈઓ પર હાલમાં રોક લગાવાઈ તે વિશે અરજકર્તાઓનું કહેવું છે કે સરકારને અંદાજ આવી ગયો હતો કે અદાલત સ્ટે ઑર્ડર આપી શકે છે. આવા સંજોગોમાં સરકારે સમય લીધો છે.

તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ અને અરજકર્તા મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે “સરકારને એવા સંકેત મળી ગયા હતા કે અદાલત સ્ટે ઑર્ડર આપી શકે છે. આવામાં વધુ સમય મેળવવા માટે સરકારે કોર્ટમાં કહ્યું કે તે હાલમાં જોગવાઈઓ લાગુ નહીં કરે.”

અરજકર્તાઓ વતી અદાલતમાં હાજર થયેલા વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે “સરકારે સમય મેળવવા માટે અદાલતમાં કહ્યું કે તે જોગવાઈઓ લાગુ નહીં કરે. જો સરકારે અદાલતમાં આ દરખાસ્ત કરી ન હોત, તો કોર્ટે આદેશ આપી દીધો હોત. 13 મેએ ચીફ જસ્ટિસ સંજીવ ખ્નના પણ નિવૃત્ત થઈ રહ્યા છે.”

નિષ્ણાતો પણ માને છે કે સરકારને અદાલતના વલણનો અંદાજ આવી ગયો હતો. કાનૂની જોગવાઈઓ પર સ્ટે લાગુ થાય તો તેનાથી પેદા થતી સ્થિતિથી બચવા માટે જાતે જ પાછળ ખસી ગઈ.

કાયદાકીય અને બંધારણીય બાબતોના નિષ્ણાત પ્રોફેસર ફૈઝાન મુસ્તફા કહે છે કે “તુષાર મહેતાએ અદાલતમાં પોતાના અનુભવનો ઉપયોગ કર્યો અને જવાબ દેવા માટે એક દિવસનો સમય માંગી લીધો. બીજા દિવસે તેમણે સરકાર તરફથી કહી દીધું કે સરકાર જાતે એવી જોગવાઈઓ લાગુ નહીં કરે જેના પર અદાલતને વાંધો હોઈ શકે છે.”

ફૈઝાન મુસ્તફા કહે છે કે અદાલત પહેલા જ દિવસે કેટલીક જોગવાઈઓ પર સ્ટે લગાવી દેત તો સરકાર માટે શરમજનક સ્થિતિ પેદા થાય તેમ હતું.

મુસ્તફા કહે છે કે “આ મામલે અદાલત કોઈ સ્ટે લાવે તેવી શક્યતા ઓછી છે. સરકાર પોતાના તરફથી જ અમુક છૂટ આપી દે તેવું શક્ય છે. એક રીતે કહી શકાય કે અરજકર્તાઓને પ્રથમ રાઉન્ડમાં અમુક સફળતા મળી છે.”

મહુઆ મોઇત્રા પણ ગુરુવારે અદાલતમાં થયેલા ઘટનાક્રમને અરજકર્તાઓ માટે એક મોટી સફળતા તરીકે જુએ છે.

તેઓ કહે છે, “વકફ સુધારા કાયદો પસાર થતા જ યુપી જેવા ભાજપશાસિત રાજ્યમાં વકફ સંપત્તિ વિશે વહીવટી પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પછી સ્પષ્ટ છે કે સરકારો કે અધિકારીઓ સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી કંઈ નહીં કરી શકે.”

ભાજપ શું ઇચ્છે છે?

બીબીસી ગુજરાતી વકફ સુધારા કાયદો ખરડો મુસ્લિમો હિંદુ સુપ્રીમ કોર્ટ મસ્જિદ જોગવાઈ બોર્ડ

ઇમેજ સ્રોત, ANI

બીજી તરફ ભાજપનું વલણ અલગ છે. ભાજપનાં પ્રવક્તા શાઝિયા ઇલ્મીએ કહ્યું કે કેન્દ્ર સરકાર સંસદમાં પસાર થયેલા વકફ સુધારા ખરડાને સંપૂર્ણપણે લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે.

શાઝિયા ઇલ્મીએ જણાવ્યું કે “સરકાર અદાલતમાં પોતાનો પક્ષ રજૂ કરશે. આ ખરડો બહુ વિચારીને ગરીબ મુસ્લિમોના હિતને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યો હતો. સરકાર તેમાં પીછેહઠ નહીં કરે.”

શાઝિયા ઇલ્મી કહે છે કે “ભારતમાં અમુક મુસ્લિમોને જ વકફ સંપત્તિઓનો ફાયદો મળે છે. મોટા ભાગના લોકો, ખાસ કરીને ગરીબ લોકોને તેનો કોઈ ફાયદો નથી થતો. મુસ્લિમોના સૌથી અમીર અને વગદાર લોકો, જેઓ રાજકીય રીતે પણ પ્રભાવશાળી છે અને ઉચ્ચ જાતિઓમાંથી આવે છે, તેઓ વકફ સંપત્તિઓનો ફાયદો લે છે. વકફ સુધારાનો હેતુ ગરીબ મુસ્લિમોને તેમનો અધિકાર અપાવવાનો છે.”

અદાલતે હવે આ મામલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને વકફ બોર્ડોને સાત દિવસમાં જવાબ આપવા કહ્યું છે.

અદાલતે એમ પણ જણાવ્યું કે પ્રતિવાદીઓની પ્રતિક્રિયા પર જવાબી ઍફિડેવિટ તેના નિર્દેશની તારીખથી પાંચ દિવસની અંદર ફાઇલ કરી શકાય છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને એ આશ્વાસન આપ્યું છે કે જો કોઈ રાજ્ય બોર્ડ આ દરમિયાન કોઈ સભ્યને નામાંકિત કરશે તો તેને શૂન્ય ગણવામાં આવશે.

તેમણે કોર્ટને ભરોસો આપ્યો કે આ મામલે સુનાવણી દરમિયાન યથાવત્ સ્થિતિ જાળવવામાં આવશે.

બીબીસી ગુજરાતી વકફ સુધારા કાયદો ખરડો મુસ્લિમો હિંદુ સુપ્રીમ કોર્ટ મસ્જિદ જોગવાઈ બોર્ડ

કેન્દ્ર સરકારે અદાલતને જોગવાઈઓ લાગુ ન કરવાનો ભરોસો આપ્યો તેના પરથી એવું લાગે છે કે સરકારની આ સહમતિ સુલેહપૂર્ણ છે. પરંતુ વિશ્લેષકો માને છે કે આ પીછેહઠ પાછળ સરકારની રણનીતિ પણ હોઈ શકે છે.

ફૈઝાન મુસ્તફા કહે છે, “અદાલતમાંથી સ્ટે આવી ગયો હોત તો સરકારની શાખને નુકસાન થયું હોત. સરકારે વ્યૂહાત્મક પગલું લીધું છે અને તેને જવાબ આપવા માટે થોડો સમય મળી ગયો છે.”

બીજી તરફ વકફ સુધારા કાયદાના ટીકાકારો કહે છે કે આ કાયદાની કેટલીક જોગવાઈ, જેમ કે “ઉપયોગથી વકફ”ને હટાવવું અને બિનમુસ્લિમોને બોર્ડમાં સામેલ કરવા જેવા પગલાં પાછળ સરકારની યોજના વકફ સંપત્તિઓ પર નિયંત્રણ સ્થાપવાની છે.

મહુઆ મોઇત્રા કહે છે “મુસ્લિમોની ધાર્મિક સ્વતંત્રતા અને સ્વાયત્તતા સામે ખતરો છે. તેમની સંપત્તિઓ પર ખતરો છે.”

ભાજપનાં પ્રવક્તા શાઝિયા ઇલ્મી આ તર્કને નકારી કાઢતાં કહે છે, “સરકાર ચોખ્ખા ઇરાદા સાથે ગરીબ મુસ્લિમોને ફાયદો કરાવવા માટે વકફ કાયદો લાવી છે. તેનાથી મુસ્લિમોની સંપત્તિને નહીં, પરંતુ આ સંપત્તિઓ પર કબજો જમાવીને અંગત ઉપયોગ કરનારા લોકો માટે ખતરો છે. આવા લોકો જ ખરડાથી પરેશાન છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS