Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, વડનગર, ઇતિહાસ, કંકાલ, પુરાતત્ત્વ ખાતું, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Kushal Batunge/BBC

વડનગરના ઇતિહાસની એક ખાસ શોધ ગણાતા એવા ‘યોગીક’ મુદ્રામાં બેઠેલા મળી આવેલા માનવકંકાલને આખરે ગુરુવારે મંડપમાંથી કાઢીને વડનગર મ્યુઝિયમ કૅમ્પસમાં ખસેડવામાં આવ્યું છે.

વર્ષ 2019માં પુરાતત્ત્વ વિભાગના ઉત્ખનનમાં મળી આવેલું વડનગરના ઇતિહાસનાં રહસ્યો ધરબીને બેઠેલું આ કંકાલ આશરે એક હજાર વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે.

પુરાતત્ત્વીય ઉત્ખનન દરમિયાન દેશભરમાં ભાગ્યે જ જોવા મળતું હોય એવું આ કંકાલને વિભાગની ખાસ શોધ માનવામાં આવતું હતું. જોકે, વર્ષ 2019થી અત્યાર સુધી તેને સરકારી વસાહત અને પછી એક કામચલાઉ મંડપ નીચે રાખવામાં આવતાં સ્થાનિકો દ્વારા તેને મ્યુઝિયમમાં ખસેડવાની માગ કરાઈ રહી હતી.

નોંધનીય છે કે વર્ષ જાન્યુઆરી 2025માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડનગર ખાતે આશરે 200 કરોડ રૂ.ના ખર્ચે બનેલા મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. જે આ કંકાલના કામચલાઉ મંડપ કરતાં માત્ર અઢી કિમી દૂર હતું.

સ્થાનિકોની માગને પગલે આ સમગ્ર ઘટના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે સમાચારોમાં ચમકી હતી.

હવે આખરે આ કંકાલને પણ આ મ્યુઝિયમમાં રાખવામાં આવેલી પાંચ હજાર કરતાં વધુ ઐતિહાસિક વસ્તુઓમાં સ્થાન મળ્યું છે.

કેવી રીતે ખસેડાયું કંકાલ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, વડનગર, ઇતિહાસ, કંકાલ, પુરાતત્ત્વ ખાતું, નરેન્દ્ર મોદી

કંકાલને ખસેડવાની પ્રક્રિયા ગુરુવાર સવારથી જ શરૂ થઈ ગઈ હતી, જેમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) અને રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગના નિષ્ણાતો હાજર રહ્યા હતા.

હાલ કંકાલને વડનગરના “આર્કિયૉલૉજિકલ ઍક્સપિરિન્સિયલ મ્યુઝિયમ”ના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવામાં આવ્યું છે.

મ્યુઝિયમના ક્યુરેટર મહેન્દ્ર સુરેલાએ આ અંગે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “પ્રાચીન અવશેષને અત્યંત કાળજીપૂર્વક અને નિષ્ણાતોની દેખરેખ હેઠળ ખસેડવામાં આવ્યું. હવે તે મ્યુઝિયમના કૅમ્પસમાં પહોંચી ગયું છે અને ટૂંક સમયમાં લોકો માટે ખુલ્લું મુકાશે.”

પ્રક્રિયા મુજબ, કંકાલનું અંતિમ સ્થાન નક્કી કરતાં પહેલાં ASIના નિષ્ણાતો તેના હાલતની ફરી તપાસ કરશે, દેખરેખ રાખશે અને પછી અંતિમ સ્થાન નક્કી કરશે. સુરેલા જણાવે છે કે, “તેને બીજા માળે ખસેડાય તેવી પણ શક્યતા છે, જ્યાં તેની તસવીર પહેલેથી જ મૂકવામાં આવી છે. પરંતુ આખરી નિર્ણય નિષ્ણાતોની સલાહ ઉપર આધારિત રહેશે.”

મ્યુઝિયમમાં ત્રણ માળમાં વિવિધ પુરાતત્ત્વીય અવશેષો અને પ્રાચીન ચીજવસ્તુઓ રાખવામાં આવી છે. જેમાં વાસણો, પ્રાચીન સિક્કા અને કંકાલ વગેરે સામેલ છે.

પરંતુ આ કંકાલને તંબુમાંથી મ્યુઝિયમ સુધી ખસેડવું સહેલું કાર્ય નહોતું. એક નાની ભૂલથી પણ મોટું નુકસાન થવાની શક્યતા હતી. આખી પ્રક્રિયામાં સાત કલાક જેટલો સમય લાગ્યો.

સુરેલા કહે છે કે, “ટૂંક સમયમાં કંકાલને લોકો મ્યુઝિયમમાં જોઈ શકશે. એ લોકો સુધી પ્રાચીન ભારતનો સંદેશ પહોંચાડશે. આ ખૂબ ખાસ છે, કારણ કે આ પ્રકારનું કંકાલ દેશમાં બીજાં અમુક જ સ્થળોએ જોવા મળ્યું છું.”

‘કંકાલ છે આપણા ભૂતકાળનો અરિસો’

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, વડનગર, ઇતિહાસ, કંકાલ, પુરાતત્ત્વ ખાતું, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Roxy Gagdekar Chhara/BBC

આ કંકાલ અગાઉ એક મંડપ નીચે મુકાયું હતું, જ્યાં સુરક્ષા ગાર્ડ પણ નહોતા અને કુદરતી તત્ત્વોના સંપર્કનું સતત જોખમ પણ હતું.

પુરાતત્ત્વવિદ અભિજિત આંબેકરે 2019માં આ મહત્ત્વપૂર્ણ શોધ કરી હતી.

તેમને તેમના ઉત્ખનન દરમિયા સૌપ્રથમ ખોપરીનો એક ભાગ દેખાયો હતો.

હાલ કંકાલને મ્યુઝિયમમાં ખસેડાતાં તેમણે જણાવ્યું હતું કે, “હવે જ્યારે આ અવશેષ નિયંત્રિત વાતાવરણમાં મુકાતાં તેનું આયુષ્ય વધશે અને વધુ નુકસાનથી બચવી શકાશે.”

મંડપમાં મૂકતાં પહેલાં પુરાતત્ત્વવિદોએ કંકાલ પર પોલિવિનાઇલ આલ્કોહૉલ (PVA)નું કોટિંગ કર્યું હતું અને લોખંડની મોટી પ્લેટો વડે તેને ફ્રેમ કર્યું હતું.

આંબેકરે ઉમેર્યું હતું કે, “મ્યુઝિયમના ઉદ્ઘાટન પહેલાં પણ અમે ખાતરી કરી હતી કે તે તંબુમાં હોવા છતાં સુરક્ષિત રહે અને કોઈ નુકસાન ન થાય.”

ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના મુંબઈ વિભાગના વડા આંબેકર અનુસાર આ કંકાલ એટલા માટે કંકાલ સમયના પ્રવાહમાં ટકીને રહી શક્યો, કારણ કે આસપાસની જમીન મજબૂત હતી અને આ જમીન એવાં લક્ષણો ધરાવતી હતી જે કંકાલનો ક્ષય થવાથી બચાવી રહ્યાં હતાં.

આ કંકાલની આસપાસ મટી હતી. એ માટીનો એક આખો ખંડ આસપાસની જમીનમાંથી કાપીને કાઢવામાં આવ્યો. પછી કંકાલ અને તેની આસપાસની માટીને વિવિધ રસાયણોથી ટ્રીટ કરી તેના બંધારણને મજબૂત બનાવવામાં આવ્યું.

આંબેકર જણાવે છે કે એ સમયે આખું ઑપરેશન પૂરુ થવામાં છ દિવસ લાગ્યા હતા. તે સમયે બીજા પણ અનેક પ્રાચીન અવશેષો પણ જોવા મળ્યા હતા, જે તમામ અવશેષો હાલમાં વડનગરના મ્યુઝિયમમાં લોકો માટે પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

આંબેકરે આ કંકાલના મહત્ત્વ અંગે વાત કરતાં બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, “આ કંકાલ માત્ર વડનગર માટે નહીં, પરંતુ આખા દેશ માટે અગત્યનું છે. તે આપણાં પૂર્વજોની જીવનશૈલી અને હજુ અજ્ઞાત રહેલા ઇતિહાસને સમજવામાં મદદરૂપ થઈ શકે છે.”

નોંધનીય છે કે વડનગર ગુજરાતમાં ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ પ્રદેશ મનાય છે. અહીં ASIનાં ખોદકામોએ 2,000 વર્ષથી વધુ જૂની માનવવસાહતોનાં નિશાન મળ્યાં છે. આંબેકર કહે છે કે, “પ્રદેશની પ્રથમ વસાહતો દ્વારા બનાવવામાં આવેલો કાચો કિલ્લો આજે પણ અસ્તિત્વમાં છે.”

આંબેકર આગળ કહે છે કે આ કંકાલ હિંદુઓમાં એક પ્રાચીન સંસ્કારરૂપ રિવાજ — “સમાધિ દફનવિધિ” — ઉપર પણ પ્રકાશ પાડે છે, જેમાં મૃત્યુ પામનારની અગ્નિદાહ વિધિ કરવાને બદલે તેમને દફનાવવામાં આવતા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS