Home તાજા સમાચાર gujrati વડોદરા : ‘વૉશરૂમમાં ગયા ને 15 મિનિટમાં આઠ કરોડના દાગીના ભરેલી બૅગ...

વડોદરા : ‘વૉશરૂમમાં ગયા ને 15 મિનિટમાં આઠ કરોડના દાગીના ભરેલી બૅગ ગાયબ’, આખો મામલો શું છે?

5
0

Source : BBC NEWS

સાંઈ ગણેશ કૉમ્પલેક્સમાં આવેલી શ્રી અંબિકા જ્વેલર્સમાંથી સોનું ભરેલી બેગ ગુમ થઈ છે

વડોદરાના વાઘોડિયા રોડ ઝવેરનગર પાસે સાંઈ ગણેશ કૉમ્પલેક્સમાં આવેલી શ્રી અંબિકા જ્વેલર્સમાંથી સોનું ભરેલી બૅગ ગુમ થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ ફરિયાદ અનુસાર, મુંબઈના એક સેલ્સ મૅનેજરને વિશ્વાસમાં લઈ અંદાજે સાડા પાંચ કિલો સોનાના દાગીનાને લઈને અજાણ્યા શખ્સો ભાગી ગયા છે.

આ મામલે ભાવિક સોની સહિતના બે અજાણ્યા શખ્સો સામે બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મુંબઈના સેલ્સ મૅનેજર મુંબઈથી સોનાના દાગીનાની ડિલિવરી આપવા માટે વડોદરા આવ્યા હતા. વાઘોડિયા રોડ પર બે મહિના અગાઉ જ દુકાન ભાડે રાખનાર ભાવિક સોનીએ આ દાગીના પોતાની દેખરેખ હેઠળ દુકાનમાં રખાવ્યા હતા. ત્યાર બાદ જમવાનું હોવાનું કહીને આરોપી દુકાન બંધ કરીને ચાવી સાથે લઈ ગયો હતો. આ દરમિયાન સેલ્સ મૅનેજર વૉશરૂમ ગયા અને પાછળથી દાગીના ભરેલી બંને બૅગ ગાયબ થઈ ગઈ હતી.

પોલીસ ફરિયાદમાં શું લખાયું છે?

સાંઈ ગણેશ કૉમ્પલેક્સમાં આવેલી શ્રી અંબિકા જ્વેલર્સમાંથી સોનું ભરેલી બેગ ગુમ થઈ છે

30 વર્ષીય હિમાંશુ મહેશ જૈન મુંબઈમાં રહે છે અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ અનુસાર, આરોપીએ કાવતરું ઘડીને ફરિયાદ પાસેથી વેપાર માટે સોનાના અલગ-અલગ દાગીના (જેનું વજન પાંચ કિલો, 500 ગ્રામ, 510 મિમી ગ્રામ) છે અને કિંમત રૂપિયા આઠ કરોડ, 28 લાખ, 37 હજાર) મંગાવ્યા હતા.

આરોપીએ વાઘોડિયા રોડ ઉપર સાંઈ ગણેશ કૉમ્પલેક્સમાં આવેલી શ્રી અંબિકા જ્વેલર્સ નામની પોતાની દુકાનમાં પોતાની રખેવાળીમાં મુકાવી જમવાનું કહીને દુકાનને તાળું મારી દુકાનની ચાવી પોતાની પાસે રાખી હતી. અને ફરિયાદી વૉશરૂમ કરવા જતા પોતાની દુકાનમાંથી સોનું ભરેલ દાગીનાની બે બૅગ કાઢી લઈ જઈ ફરિયાદી સાથે ‘છેતરપિંડી’ કરી છે.

ફરિયાદમાં લખાયું કે, હિમાંશુ જૈન મુંબઈમાં ફુગન ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની સોનાના દાગીનાની હોલસેલ કંપનીમાં સેલ્સ મૅનેજર તરીકે નોકરી કરે છે.

તેમને કંપનીએ ગુજરાતના સેલ્સ મૅનેજર તરીકે રાખેલા હોવાથી ગુજરાતના તમામ વેપારીઓ ડીલ કરતા હોય છે અને બધાને માલ પહોંચાડતા હોય છે. તેમજ વેપારી પાસેથી પેમેન્ટ પણ તેઓ લેતા હોય છે.

‘મેં ના પાડી છતાં પરાણે જમવા લઈ ગયા’

પોલીસ ફરિયાદમાં તેમણે જણાવ્યું કે, “ભાવિકકુમાર દીપેશભાઈ સોની ડાકોરમાં સોનાની દુકાન ચલાવે છે. હું 2017થી વેપાર કરતો હતો અને 2022 સુધી તેની સાથે વેપાર કરેલો હતો, તેથી તેને ઓળખું છું. ભાવિક સોનીએ મને ફોન કરીને જણાવ્યું કે મેં વડોદરા વાઘોડિયા રોડ ઝવેરનગર પાસે સાંઈ ગણેશ કૉમ્પલેક્સમાં શ્રી અંબિકા જ્વેલર્સ નામની દુકાન ચાલુ કરી છે અને મારે દશેરાના દિવસે દુકાનનું ઓપનિંગ કરવાનું છે અને મને સોનાના દાગીનાની જરૂર છે.”

“હિમાંશુ જૈનને આરોપીએ કહ્યું હતું કે સોનાના દાગીના આપવા તેમને વડોદરા આવવું પડશે અને એ જ દિવસે પૈસા મળી જશે એવું નક્કી થયું હતું.”

“એ પછી હિમાંશુ જૈન 11 ઑક્ટોબરે ભાવિકકુમાર દીપેશકુમાર સોનીના કહેવાથી સોનાના દાગીના ભરેલી બે બેગ લઈને અંબિકા જ્વેલર્સ પહોંચ્યા હતા.”

“એ પછી દુકાનમાં આવીને લાવેલા દાગીના ભાવિક સોનીને બતાવ્યા હતા. આ દરમિયાન જમવાનો સમય થતાં આ આરોપી ભાવિકે કહ્યું કે પહેલાં જમી લઈએ અને પછી ડીલ કરીશું,” હિમાંશુ જૈને ફરિયાદમાં જણાવ્યું હતું.

હિમાંશુ જૈનના જણાવ્યા પ્રમાણે, “મારે ઉપવાસ હોઈ મેં જમવાની ના પાડી હતી, છતાં ભાવિક સોનીએ મને દબાણ કરેલું અને જણાવેલું કે ચાલો દુકાનને તાળું મારીને જઈએ, તમે અમારી સાથે ત્યાં બેસજો અને વેફર ખાજો.”

જોકે, હિમાંશુ જૈન જમવા ન ગયા અને તેમની સાથે આવતા તેમના ભાઈ નીલ જૈન અને ભાવિક બંને બાજુની હોટલમાં જમવા ગયા હતા.

જ્યારે તેઓ જમવા ગયા ત્યારે હિમાશું જૈન એ દુકાનની બહાર ઊભા હતા, જેમાં સોનાના દાગીના રાખ્યા હતા.

પોલીસ ફરિયાદમાં હિમાંશુ જૈને જણાવ્યું કે “આ દરમિયાન મને વૉશરૂમ લાગતા હું અંબિકા જ્વેલર્સની બાજુમાં વૉશરૂમ કરવા ગયો. વૉશરૂમ કરી પરત આવ્યો ત્યાં અંબિકા જ્વેલર્સની દુકાનનું તાળું ખુલ્લું હતું અને દુકાનમાં રાખેલી મારી સોનાની દાગીના ભરેલી બે બૅગ ગાયબ હતી. જ્યારે અન્ય દાગીના જેમના તેમ હતા.”

“આથી મેં તાત્કાલિક મારા ભાઈ નીલને ફોન કર્યો હતો અને કહ્યું કે દુકાનમાં સોનાની દાગીના ભરેલી બે બૅગ નથી. ત્યારે મારા ભાઈ નીલે મને જણાવેલું કે ભાવિક સોની કોઈની સાથે ફોન ઉપર વાત ચાલુ હતી અને થોડી વાર પહેલા જ તે હાથ ધોવાનું કહીને જતો રહ્યો છે, હજુ સુધી આવ્યો નથી.”

આમ, દુકાનમાંથી દાગીના ગાયબ થઈ જતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

10-15 મિનિટના ગાળામાં સોનાની બૅગ ગુમ થઈ ગઈ

એસીપી (જી ડિવિઝન) જી.બી. બાંભણિયા

એસીપી (જી ડિવિઝન) જી.બી. બાંભણિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે “આરોપીની ડાકોરમાં સોના-ચાંદીના દાગીનાની દુકાન હતી, ત્યારથી તેઓ (ફરિયાદી) એકબીજાના સંપર્કમાં હતા અને વેપાર કરતા હતા.”

“આરોપીએ કહ્યું હતું કે તેમને દશેરાના દિવસે દુકાનનું ઓપનિંગ કરવાનું છે અને પ્રથમ નોરતે બે કિલો ઘરેણાંની ડિલિવરી આપવાની હતી. આથી મુંબઈથી હિમાંશુ જૈન અને તેમના ભાઈ નીલ જૈન અને વિધાન જૈન સાથે કારમાં વડોદરા દાગીના લઈને આવ્યા હતા.”

“ફરિયાદે ના પાડી હોવા છતાં આરોપી સો મીટરની અંદર આવેલી એક કાઠિયાવાડી હોટલમાં જમવા લઈ ગયા હતા અને એ દુકાનને તાળું મારીને ચાવી પોતાની પાસે લઈ ગયો હતો.”

પોલીસે કહ્યું કે ફરિયાદી હિમાંશુ જૈન વૉશરૂમ ગયા હતા અને 10-15 મિનિટના ગાળામાં પાછા આવ્યા ત્યારે દુકાનનું તાળું ખુલ્લું હતું અને દુકાનમાંથી બૅગ ગુમ હતી.”

પોલીસે જણાવ્યું કે, સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યું કે બે અજાણ્યા શખ્સો આવે છે અને દુકાનનું તાળું ખોલે છે અને બૅગ લઈને જતા રહે છે.

હાલમાં પોલીસે બીએનએસની કલમ 316 (5), 318 (4), 61 (2) અને 54 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીનો ફોન સ્વિચ ઑફ આવતાં તેનું છેલ્લું લોકેશન, કૉલ ડિટેઇલ્સ અને બૅન્ક એકાઉન્ટની વિગતો પોલીસ મેળવી રહી છે.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, પોલીસની ચાર ટીમો તપાસમાં લાગેલી છે અને અત્યાર સુધીમાં 40થી 45 સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવામાં આવ્યાં છે.

આરોપી અંગે બીબીસીએ એસીપી જી.બી. બાંભણિયા સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, હાલમાં આરોપી ફરાર છે અને તેને શોધવાની કામગીરી ચાલી રહી છે. આરોપીના મિત્રોની પણ પૂછપરછ ચાલી રહી છે.

બીબીસીની ટીમે આરોપીનો સંપર્ક કરવાની ઘણી કોશિશ કરી હતી પરંતુ કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો.

આરોપીના પક્ષ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવશે તો આ અહેવાલમાં ઉમેરી દેવાશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS