Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ચા અને કૉફી જેવાં ખૂબ જ ગરમ પીણાં નિયમિતપણે પીવાથી અન્નનળીના કૅન્સરનું જોખમ વધે છે, જેને અન્નનળીનું કૅન્સર કહેવાય છે.
સંશોધકોનો દાવો છે કે, લગભગ દસ લાખ લોકો પર કરવામાં આવેલો આ અભ્યાસ અત્યારસુધીનું સૌથી મોટું રિસર્ચ છે.
સ્ટડીમાં જાણવા મળ્યું છે કે જે લોકો “ખૂબ ગરમ” પીણાં પીતા હતા, તેમને સામાન્ય ગરમ ચા કે કૉફી પીનારાઓની સરખામણીમાં કૅન્સરનું જોખમ લગભગ ત્રણ ગણું વધારે હતું.
જોકે, નિષ્ણાતો ભાર મૂકે છે કે આ પ્રકારનાં કૅન્સર થવાની શક્યતાઓ ખૂબ ઓછી છે.
ખૂબ ગરમ પ્રવાહી પેટ તરફ દોરી જતી ખોરાકની નળીના અસ્તરવાળા કોષોને નુકસાન પહોંચાડી શકે છે.
ઑક્સફર્ડ યુનિવર્સિટીના અને ઇન્ટરનૅશનલ જર્નલ ઑફ કૅન્સરમાં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં 65 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ તાપમાન ધરાવતાં કોઈપણ પ્રવાહીને “ખૂબ ગરમ” અને સંભવિત જોખમી ગણાવવામાં આવ્યું છે.
977,282 મધ્યમ વયના પુરુષો અને સ્ત્રીઓના ડેટા અનુસાર, દરરોજ છ કે તેથી વધુ પ્રકારનાં ગરમ પીણાં પીવાથી પણ જોખમ વધે છે.
ઠંડુ કરીને પીવું જ સમજદારી
ઇમેજ સ્રોત, Getty Images
સંશોધકો કહે છે કે દૂધ ઉમેરવાથી પીણાં થોડા ઠંડાં થઈ શકે છે, પરંતુ પીતાં પહેલાં તે ઠંડા થાય ત્યાં સુધી રાહ જોવી શ્રેષ્ઠ છે.
કીટલીમાં પાણી સંપૂર્ણપણે ઉકળે પછી તરત જ બનેલી ચાનું તાપમાન બૉઇલિંગ પૉઇન્ટ પર આશરે 100 ડિગ્રી સેલ્સિયસ હોય છે.
કપમાં પાણી રેડ્યા પછી, આ તાપમાન લગભગ 90 કે 95 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે.
પીણું સુરક્ષિત તાપમાને ઠંડુ થાય તે માટે પીતાં પહેલાં થોડી મિનિટો રાહ જોવાની સલાહ આપવામાં આવે છે.
કૅન્સર રિસર્ચ-યુકે કહે છે કે, ગરમ પીણાંને ઠંડાં થવા માટે કેટલો સમય રાખવો તે ચોક્કસ રીતે નક્કી કરવું મુશ્કેલ છે.
“પરંતુ જો તમને ચિંતા હોય, તો અમે સૂચન કરીશું કે તે ખૂબ ગરમ હોય ત્યારે પીવાને બદલે પીવામાં આરામદાયક લાગે ત્યાં સુધી રાહ જુઓ,” આ ચૅરિટીએ કહ્યું.
મુખ્ય સંશોધક ડૉ. કરેન પપીરે જણાવ્યું હતું કે, દક્ષિણ અમેરિકામાં થયેલા સંશોધનમાં જ્યાં ઘણા લોકો મેટ નામનું ખૂબ જ ગરમ હર્બલ પીણું પીવે છે – તેમાં પહેલેથી જ ગરમ પીણાં અને અન્નનળીના કૅન્સર વચ્ચે સમાન સંબંધ દર્શાવવામાં આવ્યો છે.
તેઓ કહે છે “જોકે, કયા તાપમાને પીણાં કૅન્સરનું જોખમ વધારે છે તે નક્કી કરવા માટે વધુ સંશોધન કરવાની જરૂર છે.”
એક અલગ અભ્યાસમાં, 118 યુવાનોએ વિવિધ પ્રકારની બ્લૅક કૉફીનો વારંવાર સ્વાદ ચાખ્યો અને જાણવા મળ્યું કે મોટાભાગના લોકો આ પીણું ફક્ત ત્યારે જ ખૂબ ગરમ માનતા હતા જ્યારે તાપમાન 70 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ હોય.
એક ટેક-અવે કૉફી કપ નિર્માતાના મતે, હરતાં ફરતાં ગરમ કૉફી માટે આદર્શ તાપમાન 49થી 60 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય છે.
એમટીપીકે કૉફી અનુસાર, જો કોઈ બરિસ્તા કૉફીને વધુ સમય સુધી ગરમ રાખવા માંગે, અને જો ગ્રાહક વધારે ગરમ કૉફીની વિનંતી કરે તો તેને 82 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને પીરસી શકાય છે.
જોખમ ક્યારે ઓછું થાય?
ઇમેજ સ્રોત, Getty Images
સંશોધકો સૂચવે છે કે જો લોકો ખૂબ ગરમ પીણાં પીવાનું બંધ કરે તો અન્નનળીના કૅન્સરના દર 10માંથી એક કે બે કેસ ટાળી શકાય છે.
સ્ક્વેમસ ઇસૉફેજિયલ કૅન્સર એક દુર્લભ રોગ છે, જે દર વર્ષે ફક્ત થોડા હજાર લોકોને જ અસર કરે છે. બ્રિટનમાં લગભગ 1% વસ્તીને તેમના જીવનકાળમાં આ પ્રકારનું કૅન્સર થવાનું જોખમ રહેલું છે.
તેથી, ભલે ખૂબ ગરમ પીણાં પીવાથી વ્યક્તિમાં કૅન્સરનું જોખમ વધી શકે છે, પરંતુ કૅન્સર થવાનું જોખમ ઓછું છે.
અને ધૂમ્રપાન જેવાં અન્ય પરિબળો પણ છે, જે અન્નનળીના કૅન્સર માટે વધુ જોખમી છે.
“આ પ્રકારનાં કૅન્સરનું જોખમ ઘટાડવાનો સૌથી મહત્ત્વપૂર્ણ રસ્તો એ છે કે ધૂમ્રપાન ન કરવું અને દારૂનું સેવન ઓછું કરવું.”
કૅન્સર રિસર્ચ યુકેના ફિયોના ઓસાગુને ભાર મૂક્યો જે આ અભ્યાસને ભંડોળ પૂરું પાડનાર સંસ્થા છે.
અન્નનળીના કૅન્સરનાં લક્ષણોમાં છાતીમાં બળતરા, અપચો, ગળા કે છાતીમાં દુ:ખાવો, તેમજ વજન ઘટવું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




