Home તાજા સમાચાર gujrati વિદેશ ભણવા જવા માગતા ભારતના વિદ્યાર્થીઓમાં હવે ખચકાટ કેમ વધી રહ્યો છે?

વિદેશ ભણવા જવા માગતા ભારતના વિદ્યાર્થીઓમાં હવે ખચકાટ કેમ વધી રહ્યો છે?

4
0

Source : BBC NEWS

ભારત, વિદ્યાર્થીઓ, શિક્ષણ, રોજગાર, બીબીસી, સમાચાર કેરિયર કેનેડા યુકે ઇંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઘણાં વર્ષોના કાળજીપૂર્વકના પ્લાનિંગ પછી ઝારખંડમાં રહેતાં 29 વર્ષનાં કન્ટેન્ટ ક્રિએટર પ્રગતિ પ્રિયાએ આખરે આ વર્ષે વિદેશમાં માસ્ટર્સ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવવાનો નિર્ણય કર્યો.

પ્રિયા વૈશ્વિક આર્થિક પ્રવાહોનો અભ્યાસ કરવા માટે આગામી સપ્ટેમ્બરમાં રોમની યુનિવર્સિટીમાં જશે. આ પગલું યુરોપમાં તેમના માટે બહેતર વ્યાવસાયિક તકોનાં દ્વાર ખોલી નાખશે, એવી તેમને આશા છે.

ભવિષ્યની સંભવિતતાઓ માટે તેઓ રોમાંચ અનુભવી રહ્યાં છે. પરંતુ સાથે જ, તેમણે લીધેલો નિર્ણય યોગ્ય છે કે કેમ, તેને લઈને તેમને આશંકા પણ સતાવી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં યુરો સહિતનાં વિવિધ ચલણો સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય ધોવાઈ જવાને કારણે તેમણે તેમના અભ્યાસ માટે જે લોન લેવી પડશે છે, તે રકમમાં પણ તીવ્ર વધારો થયો છે.

પ્રિયાએ ફોન પર બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, “આ ચિંતાને લીધે હું રાતે સૂઈ નથી શકતી. હું મારા ઉપર એવી સ્ટુડન્ટ લોનનો બોજ નથી લાદવા માગતી, કે જે ચુકવવામાં મારી જિંદગી નીકળી જાય.”

પ્રિયાની આ ચિંતા યુરોપ, ઉત્તર અમેરિકા અને ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટે દર વર્ષે ઘર છોડીને જનારા હજ્જારો મધ્યમવર્ગીય ભારતીય વિદ્યાર્થીઓની દ્વિધાનું પ્રતિબિંબ પાડે છે.

2025માં 12 લાખ કરતાં વધારે ભારતીય વિદ્યાર્થીઓએ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો. છેલ્લાં કેટલાંક વર્ષો પૂર્વે જ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના મુખ્ય સ્રોત તરીકે ચીનને પાછળ છોડીને ભારત તેનાથી આગળ નીકળી ગયું છે.

પરંતુ, નબળો પડી રહેલો રૂપિયો, અમેરિકા તથા યુરોપમાં નોકરીની પાંખી સંભવિતતાઓ, વિઝાના કડક નિયમો અને ઇમિગ્રેશન પરનાં નિયંત્રણોને લીધે ઘણાં વિદ્યાર્થીઓને એ વિશે ફેરવિચારણા કરવાની ફરજ પડી છે કે, વિદેશમાં જવા માટે આટલું ઊંચું દેવું કરવું યોગ્ય છે ખરૂં?

પ્રિયાએ કહ્યું હતું, “મેં મારી યોજના પડતી મૂકવાનું પણ વિચાર્યું હતું, પણ મારાં માતાપિતા અને મારી બહેને મને મદદ કરવાનું વચન આપ્યું હતું. બસ, એક આ જ કારણસર હું આ જોખમ ઊઠાવી શકી છું.”

પરંતુ, બીજાં ઘણાં વિદ્યાર્થીઓને આવી સુવિધા પરવડી શકે તેમ નથી – આ વાસ્તવિકતા વિદેશોની યુનિવર્સિટીઓમાં આગામી સપ્ટેમ્બર માસ માટે ઍડમિશનના ઘટી રહેલા આંક પરથી પ્રગટ થાય છે.

ભારત, વિદ્યાર્થીઓ, શિક્ષણ, રોજગાર, બીબીસી, સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

દર વર્ષે હજ્જારો ભારતીય વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીઓમાં મોકલતી સંસ્થા ઍડવાઇઝ ઇન્ટરનૅશનલના સ્થાપક સુશીલ સુખવાનીએ બીબીસીને જણાવ્યું હતું, “બજાર સ્પષ્ટપણે મંદીના સંકેતો બતાવી રહ્યું છે. અમે જોયું છે કે, બ્રિટન તથા અમેરિકાની યુનિવર્સિટીઓ માટેનાં ઍડમિશનમાં છેલ્લાં બે વર્ષોમાં 20 ટકા સુધીનો ઘટાડો થયો છે અને મારા અંદાજ પ્રમાણે આગામી સમયમાં તે સ્તરથી પણ બીજો 10થી 15 ટકાનો ઘટાડો નોંધાશે.”

રૂપિયાના મૂલ્યમાં તીવ્ર ઘટાડો થવાને કારણે સંભવિત વિદ્યાર્થીઓ અને અગાઉથી જ વિદેશોમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સામેના પડકારો વધી ગયા છે.

સુખવાનીએ કહ્યું હતું, “પહેલેથી જ વિદેશમાં અભ્યાસ કરી રહેલા હોય, એવા ઘણા વિદ્યાર્થીઓએ તેમની ટ્યૂશન ફીનો અમુક ભાગ ચૂકવી દીધો છે, પણ હવે તેમણે લોનની રકમ ફરીથી નક્કી કરવી પડી રહી છે અને ભવિષ્યના હપ્તા ચૂકવવા માટે ઉમેરારૂપ રકમની ગોઠવણ કરવી પડશે, કારણ કે, છેલ્લા એક વર્ષમાં અમેરિકન ડૉલર સામે રૂપિયો 10 ટકા કરતાં વધુ ગગડ્યો છે.”

તેમના અંદાજ પ્રમાણે, 2019થી લઈને અત્યાર સુધીમાં વિદેશમાં અભ્યાસનાં સ્થળોનાં ચલણોની સામે ભારતીય રૂપિયો 35 ટકાથી 47 ટકાની વચ્ચે તૂટ્યો છે.

વિદેશમાં નોકરી મેળવીને સ્થાયી થઈ ચૂકેલા કેટલાક સ્નાતકોની આવકમાં ચોક્કસ વધારો થયો છે, પણ ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કારકિર્દી શરૂ કરવાનું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે.

વૉશિંગ્ટનમાં નૉર્થ અમેરિકન ઍસોસિએશન ઑફ ઇન્ડિયન સ્ટુડન્ટ્સના સ્થાપક સુધાંશુ કૌશિકે બીબીસીને જણાવ્યા પ્રમાણે, “વિદ્યાર્થીઓ તેમણે જે ક્ષેત્રોમાં તાલીમ મેળવી મેળવી હોય, તે ક્ષેત્રમાં કૌશલ્યયુક્ત નોકરીઓ મેળવવાની આશા સાથે આવે છે, પણ અંતે તેઓ ગીગ ઇકૉનૉમી (ડિલીવરી, ડ્રાઇવિંગ વગેરે જેવાં કામચલાઉ કામો)માં જોતરાઈ જાય છે. અગાઉ આવાં કામો તેમના શિક્ષણ માટેનો ખર્ચ નીકાળવામાં ઉપયોગી રહેતાં હતાં, પણ હવે ઘણા વિદ્યાર્થીઓ ગ્રૅજ્યુએટ થયા પછી ફુલ-ટાઇમ આવાં જ કામો કરી રહ્યા છે.”

આ પરિસ્થિતિ ભારતના ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારોના જોખમ ઊઠાવવાના વલણ પર વિપરિત અસર પહોંચાડી રહી છે અને ખાસ કરીને નબળા રૂપિયાએ વિદેશમાં શિક્ષણને અગાઉ કદીયે નહોતું એટલું મોંઘું કરી નાખ્યું છે.

તેમ છતાં વિદેશી શિક્ષણની સર્વાંગી માગ તો હજુયે મજબૂત જ છે.

ગ્લોબલ સ્ટુડન્ટ ફ્લોઝ રિપોર્ટ, 2026માં જણાવ્યા મુજબ, અમેરિકા, બ્રિટન, કૅનેડા અને ઑસ્ટ્રેલિયા (જે સામાન્યપણે “ચાર મુખ્ય દેશો” તરીકે ઓળખાય છે)માં ભારતીય વિદ્યાર્થીઓનાં ઍડમિશનોમાં 2030 સુધીમાં વાર્ષિક ધોરણે 0.5 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે.

તેની સાથે જ, વૈકલ્પિક જગ્યાઓ તરફનું આકર્ષણ વધી રહ્યું છે.

વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા પૂરી પાડતા પ્લૅટફોર્મ “યુનિવર્સિટી લિવિંગ”ના સહ-સ્થાપક તેમજ સીઓઓ મયંક મહેશ્વરીએ જણાવ્યું હતું, “ભારતીય વિદ્યાર્થીઓમાં જર્મની, આયર્લૅન્ડ, ઇટાલી જેવા દેશો સહિત યૂરોપનાં ઘણાં સ્થળો તરફનું આકર્ષણ વધી રહ્યું છે, જેનું કારણ છે, ટ્યૂશન ફીનો ઓછો ખર્ચ, અભ્યાસ બાદ કામ કરવાની સાનુકૂળ નીતિઓ, રોજગારીની મજબૂત સંભવિતતાઓ તેમજ એકંદરે વધુ સારો ફાયદો.”

ભારત, વિદ્યાર્થીઓ, શિક્ષણ, રોજગાર, બીબીસી, સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

સુખવાની કહે છે કે, તેમની કંપનીએ પણ વિદ્યાર્થીઓના વધી રહેલા રસને પગલે તેનું ફોકસ આ “નવા જમાનાનાં સ્થળો” તરફ કેન્દ્રિત કર્યું છે.

પ્રિયાએ બ્રિટન કે અમેરિકાને બદલે ઇટાલી પર પસંદગી ઊતારી, તેની પાછળનું ચાવીરૂપ કારણ આર્થિક પાસું હતું.

તેમની ટ્યૂશન ફી બ્રિટનમાં તેમણે ચૂકવી હોત, તેના કરતાં લગભગ અડધી છે, જ્યારે અમેરિકાનો તો “પ્રશ્ન જ નથી ઉદ્ભવતો”, એમ તેમણે કહ્યું હતું, કારણ કે, તેમણે અમેરિકામાં ડિગ્રી મેળવવા માટે બે વર્ષ અભ્યાસ કરવો પડ્યો હોત, જ્યારે રોમમાં એક વર્ષમાં ડિગ્રી પૂરી થઈ જશે.

નિષ્ણાતો કહે છે કે, આ પ્રવાહો બ્રિટન અને અમેરિકા જેવા દેશો માટે ચિંતાજનક સંકેત છે, કારણ કે, તેમણે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉચ્ચતર શિક્ષણનાં ક્ષેત્રો ઊભાં કરવા પાછળ દાયકાઓ પસાર કર્યા છે.

ચિંતા વધુ ગંભીર એટલા માટે છે, કેમકે, ચીનમાંથી વિદ્યાર્થીઓના પ્રવેશનું પ્રમાણ ઓછું થયું હોવા છતાં ભારત બંને દેશો માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સૌથી મોટા સ્રોતમાં સ્થાન ધરાવે છે.

કૌશિકે જણાવ્યા અનુસાર, “તૂટી રહેલું ચલણ, તૂટી રહેલું જૉબ માર્કેટ, એઆઇનો ઉદ્ભવ, વિઝાની સમસ્યાઓ અને હાલના (ડોનાલ્ડ ટ્રમ્પ) વહીવટી તંત્રની નીતિઓ – આ સઘળાં પરિબળોએ એક થઈને તોફાન મચાવી દીધું છે, આમાં કોઈનો ફાયદો નથી.”

“વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાય છે, યુનિવર્સિટીઓ મુસીબતમાં મૂકાય છે, કૉલેજ ધરાવનારાં શહેરો મુસીબતમાં મૂકાય છે અને વ્યાપક અર્થવ્યવસ્થા પણ મુશ્કેલીમાં મૂકાય છે.”

તેઓ દલીલ કરે છે કે, ખાસ કરીને અમેરિકા વિદેશમાં તેના પ્રભાવના એક સફળ સ્રોતને નબળો પાડવાનું જોખમ વહોરી રહ્યું છે.

તેમણે આગળ કહ્યું હતું, “આપણે ઉચ્ચતર શિક્ષણને આપણા અત્યંત પ્રભાવશાળી અને નફાકારક સૉફ્ટ પાવર તરીકે વેગ આપીને જે ફાયદો મેળવ્યો હતો, તેનાથી હવે આપણે પીછેહઠ કરી રહ્યાં છીએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS