Source : BBC NEWS
Hannah Peters/Getty Images
વાંચવાનો સમય: 6 મિનિટ
ભારતે પ્રથમ વન-ડે મૅચમાં ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ ન્યૂઝીલૅન્ડને પાંચ વિકેટે હરાવ્યું.
વરસાદથી પ્રભાવિત આ મૅચમાં ભારતને જીત માટે 143 રનનું સુધારેલું લક્ષ્ય મળ્યું હતું.
પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલૅન્ડની સંપૂર્ણ ટીમ 185 રનમાં સમેટાઈ ગઈ. તેમની તરફથી ટિમ સીફર્ટે સૌથી વધુ 38 રન બનાવ્યા. ભારત તરફથી અર્શદીપસિંહ સૌથી સફળ બોલર રહ્યા. તેમણે 70 રન આપીને ચાર વિકેટ લીધી.
લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમ માટે વિરાટ કોહલીએ 74 રનની ઇનિંગ રમી, જ્યારે કૅપ્ટન શુભમન ગિલે 37 રન બનાવ્યા. બંનેની ઇનિંગ્સે ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
રોહિત શર્મા આ મૅચમાં ખાતું પણ ખોલી શક્યા નહોતા. ન્યૂઝીલૅન્ડ તરફથી જેકબ ડફીએ ત્રણ વિકેટ લીધી. તેમણે 49 રન આપ્યા.
ઇઝરાયલના વિપક્ષી નેતાએ કહ્યું : USની મિડટર્મ ચૂંટણીનાં પરિણામોથી નેતન્યાહૂની આશાઓને ઝાટકો
Getty Images
અમેરિકાની મિડટર્મ ચૂંટણીનાં પ્રારંભિક પરિણામોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મળેલા ઝટકાના પગલે ઇઝરાયલના પૂર્વ વડા પ્રધાન અને વિપક્ષના નેતા યાએર લાપિડે પ્રતિક્રિયા આપી છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “આજે સવારે આવેલાં અમેરિકન ચૂંટણી પરિણામોની એક અનપેક્ષિત અસર થઈ છે. આ પરિણામોથી નેતન્યાહૂના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય એકતા સરકાર બનવાની બધી શક્યતાઓ સમાપ્ત થઈ ગઈ છે.”
તેમણે આગળ કહ્યું, “ઇઝરાયલ નેતન્યાહૂને વડા પ્રધાનપદ પર યથાવત્ રાખવાનું જોખમ ઉઠાવી શકતું નથી. તેનાથી દેશની સુરક્ષા અને લોકશાહી બંને જોખમમાં મુકાઈ શકે છે અને વિશ્વમાં અમારી છબિને પણ નુકસાન પહોંચી શકે છે.”
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ઇઝરાયલમાં યોજાયેલી વડા પ્રધાનપદની ચૂંટણીમાં બિન્યામિન નેતન્યાહૂની પાર્ટીના નેતૃત્વ હેઠળના ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી નહોતી.
ત્યાં આરબ પાર્ટીઓના અત્યાર સુધીના સૌથી સશક્ત પ્રદર્શન બાદ વિપક્ષી પક્ષોને ગઠબંધન સરકાર રચવાની આશા જાગી છે. પરિણામે ઇઝરાયલની રાજનીતિમાં સત્તા પરિવર્તનની સંભાવનાઓ વધુ મજબૂત બની છે.
મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની હાર પછી બરાક ઓબામાએ કહ્યું, “બાંયો ચઢાવવાનો સમય આવી ગયો છે…”
Getty Images
અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની ખરાબ હાર થઈ છે.
ડેમૉક્રેટિક પાર્ટીએ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ અને સેનેટ બંને ગૃહોમાં બહુમતી મેળવી લીધી છે.
હવે આ મામલે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પ્રતિક્રિયા આપી છે.
બરાક ઓબામાએ કહ્યું છે કે “આજે અમેરિકાના લોકોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેઓ એવું રાજકારણ ઇચ્છે છે કે જેનાથી લોકોમાં ભાગલા ન પડાવે, પરંતુ લોકોમાં એકતા વધારે. એવા નેતાઓ ઇચ્છે છે જે તેમની સમસ્યાઓનો નક્કર ઉકેલ લાવે.”
ઓબામાએ કહ્યું હતું કે, “આ સરકારના હજુ સત્તામાં બે વર્ષ બાકી છે ત્યારે આપણે બાંયો ચઢાવવાનો સમય આવી ગયો છે. જ્યાં આપણી પાસે શક્તિ છે ત્યાં બદલાવ લાવવાની કોશિશ કરી અને જેટલું બને તેટલું નુકસાન થતું રોકીએ. ભવિષ્ય માટે ગ્રાઉન્ડવર્ક કરીએ.”
અહીં ઉલ્લેખનીય છે કે ઓબામાએ પણ આ ચૂંટણીપ્રચારમાં ઝંપલાવ્યું હતું અને ડેમૉક્રેટિક પાર્ટી માટે પ્રચાર કર્યો હતો.
તેમણે આ પરિણામો પછી તમામ ઉમેદવારોનો પણ આભાર માન્યો હતો.
અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની પાર્ટીની હાર પર ઈરાને શું કહ્યું?
Hamed Malekpour / Middle East Images / AFP via Getty Images
અમેરિકાની મિડટર્મ ચૂંટણીનાં પ્રારંભિક પરિણામોમાં વિરોધ પક્ષ ડેમૉક્રેટિક પાર્ટીને બંને ગૃહોમાં બહુમતિ મેળવી લીધી છે.
ઈરાની સંસદના સ્પીકર એમ.બી. ગાલિબાફે અમેરિકાનાં મિડટર્મ ચૂંટણીના પરિણામો અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “પછી ભલે તે અંતરાત્માની અવાજ હોય કે જીવનનિર્વાહના વધતા ખર્ચનો પ્રશ્ન, અમેરિકન લોકોએ યુદ્ધ વિરુદ્ધ ‘ના’ કહી છે. અમે તેમના આ સંદેશનું સમર્થન કરીએ છીએ.”
તેમણે આગળ લખ્યું, “જો અમેરિકી સરકાર આંતરરાષ્ટ્રીય દબાણકારો અને બ્લૅકમેલ કરનારાઓના દબાણમાં આવીને પોતાની પ્રજાની ઇચ્છા વિરુદ્ધ કાર્ય કરશે, તો તેને અમારી ‘ના’નાં ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.”
કિંગ ચાર્લ્સે ગુલામોના વેપારને ગણાવ્યો શરમજનક ઇતિહાસ
Getty Images
બ્રિટનના કિંગ ચાર્લ્સે એન્ટિગુઆ અને બાર્બુડામાં કૉમનવેલ્થ નેતાઓની બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેમાં તેમણે ગુલામોના વેપારના ઇતિહાસનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે ઇતિહાસનો આ શરમજનક સમયગાળો તેમને ડરાવે છે. કિંગ ચાર્લ્સે આ મુદ્દા પર તેમની અંગત લાગણીઓ વ્યક્ત કરી હતી.
જોકે, તેમણે બ્રિટન વતી સીધી માફી માંગી ન હતી.
બીબીસીના વરિષ્ઠ રૉયલ સંવાદદાતાના જણાવ્યા અનુસાર, “કિંગે તેમના ભાષણમાં શબ્દોનો કાળજીપૂર્વક ઉપયોગ કર્યો હતો. તેમણે આ મુદ્દા પર વ્યક્તિગત સ્તરે વાત કરી હતી, જેનો પ્રભાવ ત્યાં હાજર નેતાઓ પર પડી શકે છે.”
કિંગ ચાર્લ્સે વિશ્વ સામેના ઘણા મોટા પડકારોનો પણ ઉલ્લેખ કર્યો.
તેમણે વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષો, આબોહવા પરિવર્તનની ગંભીર અસર અને ઝડપથી બદલાતી ટૅક્નૉલૉજીનો ઉલ્લેખ કર્યો.
બ્રિટનના વડા પ્રધાન ઍન્ડી બર્નહામે આ બેઠકમાં કહ્યું હતું કે તેઓ ગુલામોના વેપાર માટે બ્રિટન તરફથી ઔપચારિક માફી માગવાના વિચારની વિરુદ્ધમાં નથી.
જોકે, તેમનું માનવું છે કે વળતર આપવું એ સાચો રસ્તો નથી. બર્નહામ કૉમનવેલ્થ નેતાઓ સાથેની તેમની વાતચીતમાં દેવા સાથે જોડાયેલી એક નવી યોજનાનો પણ પ્રસ્તાવ મૂકી શકે છે.
તેનો હેતુ એવા દેશોને મદદ કરવાનો છે જે લોન પર વધતા વ્યાજના બોજનો સામનો કરી રહ્યા છે.
કૉમનવેલ્થ નેતાઓની આ બેઠક દર બે વર્ષે યોજાય છે. 56 દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ તેમની ભાગીદારીના ભવિષ્યની ચર્ચા કરે છે.
ઓમર અબ્દુલ્લાહ સામે જમ્મુ-કાશ્મીરમાં મોટું રાજકીય સંકટ
ANI
શ્રીનગરથી નૅશનલ કૉન્ફરન્સના સાંસદ આગા સૈયદ રુહુલ્લાહે પાર્ટી પ્રત્યે લાંબા સમયથી ચાલી રહેલા અસંતોષ બાદ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
તેમના રાજીનામા સાથે જ જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહ સામે એક મોટો પડકાર ઉભો થયો છે.
ઓમર અબ્દુલ્લાહની સરકારે ગયા મહિને જ તેના વર્તમાન કાર્યકાળનાં બે વર્ષ પૂર્ણ કર્યાં છે.
ગત 27 ઑક્ટોબરે ચાર કાશ્મીરી ધારાસભ્યોને તેમની કૅબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓમર અબ્દુલ્લાહને તેમના જ પક્ષના કેટલાક નેતાઓ તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો.
ત્રણ દિવસ પછી 30 ઑક્ટોબરના રોજ પાર્ટીના 17 અસંતુષ્ટ ધારાસભ્યોએ શ્રીનગરમાં ચાર કલાકની બેઠક યોજી હતી.
શ્રીનગરના સાંસદ રુહુલ્લાહે મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહ પર 2024ની જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં મળેલા જનાદેશ સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો છે.
નૅશનલ કૉન્ફરન્સે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કલમ 370ની પુનઃસ્થાપના અને જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ બંધારણીય અધિકારો માટે લડવાનું વચન આપ્યું હતું.
પાર્ટીએ જમ્મુ-કાશ્મીરને વીજળી પ્રોજેક્ટ સોંપવાનું, દરેક ઘરને 200 યુનિટ મફત વીજળી આપવાનું અને જમ્મુ-કાશ્મીરના એક લાખ યુવાનોને રોજગાર આપવાનું પણ વચન આપ્યું હતું.
પરંતુ આમાંના મોટાભાગના વચનો હજુ સુધી પૂરા થયા નથી.
ઓમર અબ્દુલ્લાહે પોતાની સરકારના કથિત નબળા પ્રદર્શન અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી તરીકે તેમની પાસે મર્યાદિત સત્તાઓ છે.
નૅશનલ કૉન્ફરન્સના એક ધારાસભ્યએ નામ ન આપવાની શરતે કહ્યું, “હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અમરા પોતાના મતદારો અમારી મજાક ઉડાવે છે.”
“જો અમે મફત વીજળી જેવા મૂળભૂત મુદ્દા પર કંઈ કરી શકતા નથી, તો પછી અમે મોટા વચનો કેવી રીતે પૂરા કરીશું?”
રાહુલ ગાંધીએ ફરી નરેન્દ્ર મોદીને ચર્ચા કરવા ફેંક્યો પડકાર
ANI
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો અને તેમના પર નિશાન સાધ્યું હતું.
રાહુલ ગાંધીએ ગત 2 નવેમ્બરે વડા પ્રધાન મોદીને ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો.
વડા પ્રધાન મોદીએ 31 ઑક્ટોબરે વિપક્ષની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, વિદેશમાં રાષ્ટ્ર વિરોધી શક્તિઓને ટેકો આપીને દેશને નબળો પાડવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
રાહુલ ગાંધીએ આ જ આરોપ પર ચર્ચા માટે વડા પ્રધાનને પડકાર ફેંક્યો હતો.
આનો પીએમ મોદીએ કોઈ જવાબ આપ્યો નથી પરંતુ ભાજપના નેતાઓએ તેમની ટીકા કરી છે અને નિશાન બનાવ્યા છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક વીડિયોમાં કહ્યું , “મોદીજી, 24 કલાક થઈ ગયા છે. મેં તમને પડકાર ફેંક્યો છે. તમે કહો છો કે વિપક્ષ રાષ્ટ્રવિરોધી છે. કોઈપણ મંચ અને સ્થાન પસંદ કરો અને મારી સાથે ચર્ચા કરો. રાષ્ટ્રવિરોધી કોણ છે? વિદેશી તાકાતો સાથે કોના સંબંધો છે, અને કેવા પ્રકારના જોડાણો છે? જલદી કરો. ડરશો નહીં.”
બિહારના ભાગલપુરમાં ભાજપ પ્રમુખ નીતિન નબીને જણાવ્યું હતું કે , “અમારું અભિયાન જનતાને મુદ્દાઓ વિશે જણાવવાનું છે કે ક્યાંક રાહુલ ગાંધીનો ઉપયોગ વિદેશી ટૂલકિટ માટે થઈ રહ્યો છે. તેમના દ્વારા વિદેશી શક્તિઓ ભારતના વિકાસને રોકવા માગે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




