Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Gopal Italiya/FB
- લેેખક, વિક્રમ મહેતા
- પદ, બીબીસી ગુજરાતી
-
24 માર્ચ 2025
અપડેટેડ એક કલાક પહેલા
કેન્દ્રીય ચૂંટણીપંચે રવિવારે ચાર રાજ્યની પાંચ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતની કડી અને વીસાવદર બેઠકનો પણ સમાવેશ થાય છે.
જોકે વીસાવદરમાં પેટાચૂંટણી જાહેર થાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું હતું. ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં આપના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
10 માર્ચે ગુજરાત હાઈકોર્ટે ફેબ્રુઆરી 2023માં ભાજપના નેતા હર્ષદ રિબડિયા દ્વારા દાખલ કરાયેલી ચૂંટણીની અરજીનો નિકાલ કર્યો હતો. જેમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં વીસાવદર બેઠક પરથી ભાયાણીની જીતને પડકારવામાં આવી હતી, જે બાદ હવે અહીં પેટાચૂંટણી થઈ રહી છે.
ગોપાલ ઇટાલિયાની વીસાવદર બેઠક માટે પસંદગી થવા પાછળ અને એમનું નામ વહેલું જાહેર કરી દેવા પાછળ આમ આદમી પાર્ટીની કઈ ગણતરી હોઈ શકે એની ચર્ચા રાજકીય વર્તુળમાં વહેતી થઈ છે. ત્યારે બીબીસી ગુજરાતીએ આ અંગે રાજકીય વિશ્લેષકોનો મત જાણ્યો હતો.

વીસાવદર બેઠક અને પાટીદાર મતદારોનું પરિબળ

ઇમેજ સ્રોત, Gopal Italiya/FB
ગુજરાતની વીસાવદર વિધાનસભા બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ મનાતી રહી છે. આ બેઠક ગુજરાતના જૂનાગઢ જિલ્લાની વિધાનસભા બેઠકોમાંથી એક છે. વીસાવદર બેઠક ભાજપના દિગ્ગજ નેતા સ્વ. કેશુભાઈ પટેલ સાથે પણ સંકળાયેલી રહી છે.
વર્ષ 1995માં ગુજરાતમાં પહેલી વાર ભાજપ સરકાર આવી હતી. ભાજપ સત્તામાં આવ્યો અને વીસાવદર બેઠક પરથી ધારાસભ્ય કેશુભાઈ પટેલે 14 માર્ચ 1995ના રોજ ભાજપના પ્રથમ મુખ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
કેશુભાઈ પટેલ 1995 અને 1998માં ભાજપમાંથી તથા 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)માંથી વીસાવદર બેઠક પરથી વિજેતા બન્યા હતા.
વિશ્લેષકો અનુસાર જ્યારે પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાએ આમ આદમી પાર્ટીનો પ્રભાવ ઓછો થઈ રહેલો જણાય છે, એવા સમયે ગોપાલ ઇટાલિયાની રાજ્યના યુવાનોમાં લોકપ્રિયતાના પરિબળનો લાભ લેવા માટે પક્ષે આમ કર્યું હોઈ શકે.
આ ઉપરાંત વીસાવદર વિધાનસભામાં પાટીદાર મતદારો ખૂબ અસરકારક પરિબળ માનવામાં આવે છે. ગોપાલ ઇટાલિયા પાટીદાર હોવાથી આમ આદમી પાર્ટીએ તેમને ટિકિટ આપીને માસ્ટરસ્ટ્રૉક માર્યો હોવાનું પણ રાજકીય વિશ્વલેષકો માની રહ્યા છે.
વીસાવદર બેઠકની પેટાચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાની પસંદગીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર ડૉ. અમિત ધોળકિયા પક્ષમાં ટિકિટ માટે જોવા મળતા ‘આંતરિક ઘર્ષણને ટાળવાનો એક પ્રયાસ’ ગણાવે છે.
તેમણે બીબીસી ગુજરાતીને કહ્યું, “હજુ પેટાચૂંટણી જાહેર થઈ નથી ત્યારે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થવું એ થોડી આશ્ચર્યજનક ઘટના તો છે. ગઈ વિધાનસભા ચૂંટણી-2024માં ગોપાલ ઇટાલિયાનું પ્રદર્શન પણ સંતોષકારક રહ્યું નહોતું અને ગોપાલ ઇટાલિયાની હાર થઈ હતી.”
તેમણે વધુમાં કહ્યું, “અલબત્ત, ગોપાલ ઇટાલિયાની વીસાવદરના સ્થાનિક પાટીદાર પરિબળને ધ્યાનમાં રાખીને પસંદગી કરી હોવાનું માની શકાય. આ ઉપરાંત ટિકિટ માટે અંદરના ગજગ્રાહનો અંત આણવા પણ ગોપાલ ઇટાલિયાના નામની કેન્દ્રીય નેતાગીરીના ઇશારે પસંદગી થઈ હોવાનું અનુમાન લગાવી શકાય એમ છે.”
ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા આક્રમક નેતા તરીકે જાણીતા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગોપાલ ઇટાલિયા એમના આક્રમક વલણ માટે જાણીતા છે. ગોપાલ ઇટાલિયા તેમનાં નિવેદનોને કારણે ચર્ચાસ્પદ રહ્યા છે.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડી હતી.
આ બેઠક પર ઇટાલિયાએ ભાજપના ઉમેદવાર વિનોદ મોરડિયા સામે ચૂંટણી લડી હતી. ઇટાલિયાને તેમની પહેલી ચૂંટણીમાં 55,878 મત મળ્યા હતા અને ઇટાલિયા વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા હતા.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “આમ આદમી પાર્ટીના યુવા નેતા ગોપાલ ઇટાલિયા આક્રમક છે અને પટેલ યુવાવર્ગમાં લોકપ્રિય છે. આ પરિબળને ધ્યાનમાં રાખીને ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા હોઈ શકે. અને આમ આદમી પાર્ટી આગામી પેટાચૂંટણી માટે પૂરજોશમાં પ્રયત્નશીલ છે એવું દર્શાવવા માટે ગોપાલ ઇટાલિયાની આગામી પેટાચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેરાત કરી હોવાનું માની શકાય છે.”
જગદીશ આચાર્ય વધુમાં કહે છે, “આમ આદમી પાર્ટી અત્યારે માત્ર કાગળ પર અસ્તિત્વમાં છે. વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસના વિકલ્પ તરીકે આશા જન્માવેલી. વિધાનસભા ચૂંટણી-2022માં ગુજરાતની પાંચ બેઠક પર આમ આદમી પાર્ટીને જીત મળી પણ ખરી, પરંતુ પછી પાર્ટીમાં ભંગાણ થયું અને મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા.”
તેમણે વધુમાં કહ્યું, “આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ પણ એ માહોલ ઊભો કર્યો હતો. પરંતુ તેઓ ધારી અસર પેદા ન કરી શક્યા. આમ આદમી પાર્ટીમાં ગ્રામ્ય, તાલુકા, જિલ્લા લેવલ પર મજબૂત નેતાઓ નથી.”
તેમના મતે દિલ્હીની ચૂંટણીમાં હાર થયા પછી રાષ્ટ્રીય સ્તરે પણ આમ આદમી પાર્ટીનો પ્રભાવ ઓછો થયો છે. સમાચારમાં રહેવા માટે પાર્ટી પોતાના માળખામાં આંતરિક ફેરફાર કરતી હોય છે. નવા નેતાને આગળ કરતી હોય છે.
પેટાચૂંટણીની જાહેરાત અગાઉ ગોપાલ ઇટાલિયાનું નામ કેમ જાહેર કરાયું?

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહની વાતમાં પણ આ જ મતનો સૂર સંભળાય છે.
તેમણે બીબીસી ગુજરાતીને કહ્યું, “આમ આદમી પાર્ટીની અંદર આંતરિક ખેંચતાણ ખૂબ છે. એટલે આ આંતરિક વિવાદને ખાળવા માટે, કોઈ અન્ય ટિકિટ માગે નહીં એ માટે અગાઉથી ગોપાલ ઇટાલિયાનું નામ ઘોષિત કરી દીધું હોવાની સંભાવના જણાઈ રહી છે.”
ઉલ્લેખનીય છે કે તાજેતરની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ રાષ્ટ્રીય સ્તરે આમ આદમી પાર્ટીના અસ્તિત્વ પર સવાલો ઊઠી રહ્યા છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સ્થિતિ આશાજનક નથી રહી. આમ આદમી પાર્ટીની હાલની જે સ્થિતિ છે એ જોતા ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં આપનો એક મજબૂત ચહેરો બની શકવાની ક્ષમતા ધરાવે છે એવું વિશ્લેષકોનું માનવું છે.
બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દિલીપ પટેલ કહે છે, “આપ કદાચ આવનારી પેટાચૂંટણીને લઈને ગંભીર છે એ પ્રકારનો છૂપો સંદેશ આપવા માગતી હોય. પરંતુ પ્રજાના પ્રશ્નો ઉઠાવવામાં આમ આદમી પાર્ટીના નિષ્ફળ નીવડી છે. જમીન સાથે નાતો ધરાવતા નેતાઓ આમ આદમી પાર્ટી પાસે નથી.”
તેમણે કહ્યું, “ગોપાલ ઇટાલિયાની પસંદગીનો સવાલ છે ત્યાં સુધી આપનો આ નિર્ણય નવાઈ પમાડે એવો છે, કારણ કે ગોપાલ ઇટાલિયાને વીસાવદર બેઠક સાથે લાગતું વળગતું નથી. હા, તેઓ પાટીદાર છે. ભૂતકાળમાં અહીંથી પાટીદાર નેતા કેશુભાઈ પટેલ ચૂંટણી લડી ચૂક્યા છે. પણ વીસાવદર બેઠક માટે આમ આદમી પાર્ટીની પહેલી પસંદ કોઈ સ્થાનિક ઉમેદવારની જોઈએ, એને બદલે ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી છે.”
ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરવા અંગે દિલીપ પટેલ કહે છે, “અત્યારે આપના ધારાસભ્ય એક પછી એક પાર્ટી છોડી રહ્યા છે. વિધાનસભામાં કોઈ મજબૂત નેતાને મોકલવાના હેતુસર ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી હોઈ શકે. ઉમેદવારોના નામની વહેલી જાહેરાત કરી દેવી એ આમ આદમી પાર્ટીની પ્રણાલી રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ આપે આ પ્રણાલીને અનુસરી હતી. આ પ્રણાલીને વીસાવદર ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અનુસરી રહી હોય એવું લાગે છે.”
વીસાવદર બેઠકનો રાજકીય ઇતિહાસ

ઇમેજ સ્રોત, BHUPENDRABHAI BHAYANI@FACEBOOK
વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીમાં વીસાવદર વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો ચૂંટણી જંગ જોવા મળ્યો હતો. જેમાં ભાજપના હર્ષદ રિબડિયા અને કૉંગ્રેસના કરસનભાઈ વડોદરિયાને હરાવીને આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી ‘જાયન્ટ કિલર’ સાબિત થયા હતા અને વીસાવદર બેઠક પોતાના ખાતે કરી હતી.
ભાયાણીએ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાને 7,063 મતોથી હરાવ્યા હતા. 2017માં કૉંગ્રેસમાંથી જીતેલા હર્ષદ રિબડિયા 2022ની ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયા હતા.
જોકે બાદમાં તેમણે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યો હતો કે ‘આપ’ લોકોની સેવા કરવા માટે યોગ્ય પ્લૅટફૉર્મ નથી.
આપમાંથી રાજીનામું આપ્યા પછી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભૂપત ભાયાણી વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોમાંથી એક હતા. ભાયાણીના રાજીનામા બાદ વીસાવદર બેઠક ખાલી પડી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS