Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી હિંદી માટે બૅંગ્લુરુથી
-
25 મે 2025, 16:42 IST
અપડેટેડ 55 મિનિટ પહેલા
ચેતવણી – આ અહેવાલના કેટલાક અંશ અમુક વાચકોને વિચલિત કરી શકે છે, પાઠકનો વિવેક અપેક્ષિત.
કર્ણાટકના બેલગાવી જિલ્લામાં એક મહિલાના મૃત્યુના મામલે પોલીસે તેનાં સાસુ, સસરા તથા પતિની ધરપકડ કરી છે.
આરોપ મુજબ, મહિલા નિઃસંતાન હોવાને કારણે સાસરિયાંએ તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આ કેસમાં પતિની ભૂમિકા અંગે પણ તપાસ હાથ ધરી છે.
જોકે, ગુનાને અંજામ આપવા માટે જે રીત અજમાવવામાં આવી હતી, તે તપાસ દરમિયાન સામે આવી હતી, જેના કારણે મહિલા કર્મશીલો અને પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયાં છે.
આરોપ મુજબ, શનિવારે 34 વર્ષીય રેણુકા સંતોષ હોનાકાંડેને તેમનાં સાસુ જયંતી તથા સસરા કમન્ના મોટરસાઇકલ ઉપર પોતાની સાથે લઈ ગયાં હતાં.
પ્રથમદર્શીય રેણુકાનું મૃત્યુ મોટરસાઇકલ અકસ્માતમાં થયું હોય એમ લાગતું હતું. આ અકસ્માત અથણી તાલુકા પાસે મલબાડી ગામ ખાતે થયો હતો.
જોકે, પોલીસે વિસ્તારપૂર્વક તપાસ હાથ ધરતા રેણુકાને તેમનાં સાસરિયાંએ મોટરસાઇકલ ઉપરથી ધક્કો દઈને પછાડી દીધાં હોવાનું સામે આવ્યું હતું. રેણુકા જ્યારે જમીન ઉપર પટકાયાં, ત્યારે તેમનાં માથા ઉપર પથ્થર મારવામાં આવ્યો તથા સાડીથી તેમનાં ગળે ટૂંપો પણ આપવામાં આવ્યો હતો, જેથી કરીને તે માર્ગ અકસ્માત લાગે.
આ બંને વૃદ્ધોની ઉંમર 64 તથા 62 વર્ષ છે. વૃદ્ધ દંપતીએ રેણુકાની સાડીને મોટરસાઇકલનાં પાછલાં પૈડાંમાં બાંધી દીધી હતી અને તેમને લગભગ 120 ફીટ ઢસડ્યાં હતાં.
પતિની ભૂમિકા શું હતી?

ઇમેજ સ્રોત, Getty Images
બેલગાવી પોલીસના એસ.પી. (સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) ભીમશંકર ગુલેદે બીબીસી હિંદીને જણાવ્યું, “હત્યાના મામલે વૃદ્ધ દંપતીની ધરપકડ કરવામાં આવી છે તથા રેણુકાના પતિ સંતોષ હોનાકાંડેને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જોકે, તેઓ અપરાધના સ્થળે હાજર ન હતા.”
એસ.પી. ગુલેદના કહેવા પ્રમાણે, “પત્નીની હત્યાના ષડયંત્રના કેસમાં તેમની (સંતોષ) ભૂમિકા તપાસવામાં આવી રહી છે. તેમની દહેજ નિષેધ અધિનિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. સંતોષે તેમનાં પત્નીના પરિવાર પાસેથી દહેજ માટે રૂ. પાંચ લાખની માગણી કરી હતી. એમાંથી ગયા મહિને રૂ. 50 હજાર મળ્યા હતા.”
મળતી માહિતી મુજબ, સંતોષ પુણેસ્થિત સૉફ્ટવૅર કંપનીમાં કામ કરે છે. અધિકારીઓના કહેવા પ્રમાણે, “એવું નહોતું કે તેઓ (મહિલા) ઓછું ભણેલાં હતાં. તેઓ બીએએમએસ ડિગ્રી સાથે ડૉક્ટર હતાં.”
એસ.પી.ના કહેવા પ્રમાણે, મહિલાને સંતાન ન થવાને કારણે તેમની હત્યા કરી દેવામાં આવી હતી.
એસ.પી. ભીમાશંકરના કહેવા પ્રમાણે, “સંતોષે અન્ય એક મહિલા સાથે પણ લગ્ન કર્યાં હતાં તથા તેઓ ગર્ભવતી છે.”
હિંસાની બર્બર રીત

ઇમેજ સ્રોત, Getty Images
મહિલા ઍક્ટિવિસ્ટોનું કહેવું છે કે મહિલાઓ વિરુદ્ધ જે પ્રકારની હિંસા થાય છે, તેની રીત છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન બદલી છે.
તેમના કહેવા પ્રમાણે, રેણુકા તથા તાજેતરમાં નોંધાયેલા અન્ય કેટલાક કેસમાં જે પદ્ધતિ અપનાવવામાં આવી છે, તે અગાઉની સરખામણીમાં વધારે બર્બર તથા અમાનવીય બની રહી છે.
મહિલા અધિકાર સંગઠન ‘અવેક્ષા’નાં ડોના ફર્નાન્ડિસે બીબીસી હિંદીને જણાવ્યું, “અમે વર્ષ 1997માં બેંગ્લુરુમાં એક અભ્યાસ હાથ ધર્યો હતો. અહીં દહેજના ત્રાસને કારણે દર મહિને લગભગ 100 મહિલાઓનાં મૃત્યુ થઈ રહ્યાં હતાં. જેમાંથી લગભગ 70 ટકા મહિલાઓનાં મૃત્યુ સળગી જવાને કારણે થયાં હતાં.”
“આજે પણ સ્થિતિમાં ખાસ કંઈ પરિવર્તન નથી આવ્યું, કારણ કે કાયદા અસરકારક નથી નીવડી રહ્યા.”
ડોના ફર્નાન્ડિસે કહ્યું, “એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે જેમાં પુરુષો ઇરાદાપૂર્વક એવી રીતે ગાડી ચલાવે છે કે જેથી કરીને મહિલા મૃત્યુ પામે અથવા તો ગંભીરપણે ઈજાગ્રસ્ત થાય. એ પછી પુરુષો બીજા લગ્ન કરી લેતાં હતાં, હવે હિંસાનું સ્વરૂપ બદલાઈ ગયું છે.”
ગ્લોબલ કન્સર્ન્સ ઇન્ડિયા ઍન્ડ મુક્તિ અલયાન્સ અગેઇન્સ્ટ હ્યુમન ટ્રાફિકિંગ ઍન્ડ બૉન્ડેડ લેબરનાં ડાયરેક્ટર બૃંદા અડિગેએ કહ્યું, “બેલગાવીમાં જે પ્રકારનો કેસ સામે આવ્યો છે, જે પ્રકારે હિંસા આચરવામાં આવી રહી છે, તે ક્રૂરતા છે, કારણ કે કાયદાઓને ગંભીરતાપૂર્વક લેવાતા નથી.”
કાયદા તો છે, પરંતુ લાગુ નથી થતા

ઇમેજ સ્રોત, Getty Images
બૃંદા અડિગેએ બીબીસી હિંદીને જણાવ્યું, “પોલીસ સ્ટેશનમાં કોઈપણ કેસ દાખલ કરવામાં સમય લાગે છે, કારણ કે પોલીસે પુરાવા શોધવા પડે છે. જેમ કે, મહિલાએ કોઈ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ તો નથી કરીને. બીજું કે, જ્યારે કેસ કોર્ટમાં પહોંચે, ત્યારે પોલીસ બહુ થોડા પુરાવા રજૂ કરે છે.”
“અમને લાગે છે કે પોલીસ ફરિયાદ મળ્યે તાત્કાલિક કાર્યવાહી ન કરે અથવા તો 24 કલાકની અંદર પુરાવા એકઠા ન થાય, તો તે કોર્ટમાં બહાના બનાવે છે. જો આપણે માનીએ કે પોલીસે તમામ નિયમોનું પાલન કર્યું છે, તો પણ કોર્ટમાં પરિસ્થિતિજન્ય પુરાવા માન્ય નથી ગણાતા.”
ફર્નાન્ડિસે ઉદાહરણ આપતા કહ્યું, “સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે (ભારતીય દંડ સંહિતાની દહેજ સંબંધિત કલમ) 498-અ લાગુ કરતા પહેલાં મહિલાને કાઉન્સેલિંગ આપવામાં આવે છે. એ પછી જ 498-અ (અથવા ભારતીય ન્યાય સંહિતાની કલમ 85) હેઠળ તપાસ હાથ ધરવામાં આવે છે.”
“પતિ ફરીથી પોલીસ સ્ટેશને નથી આવતો અને મહિલા એકલી પડી જાય છે. પુરુષ બચી નીકળે છે, કારણ કે પોલીસ તેને ‘કાઉન્સેલિંગ નિષ્ફળ રહ્યું’ તરીકે ચોપડે નોંધે છે. આ ખૂબ જ દુખદ સ્થિતિ છે.”
આ પ્રકારના કિસ્સાઓને અલગ-અલગ સ્તરે સુલટાવી દેવામાં આવે છે, જેના વિશે ઍક્ટિવિસ્ટો સવાલ ઉઠાવે છે.
કર્ણાટક પોલીસના આંકડા પ્રમાણે, વર્ષ 2023ના ડિસેમ્બર મહિના સુધીમાં પતિ દ્વારા ક્રૂરતા આચરવામાં આવી હોય તેવા ત્રણ હજાર પાંચ કેસ નોંધાયા હતા. બીજી બાજુ, દહેજને કારણે 156 મૃત્યુ થયાં હતાં.
વર્ષ 2024ના અંતભાગ સુધીમાં પતિ દ્વારા ક્રૂરતા સંબંધિત બે હજાર 943 કેસ નોંધાયા હતા અને દહેજને કારણે 110 મૃત્યુ થયાં હતાં. એપ્રિલ-2025 સુધી આ આંકડો 946 અને 45નો રહેવા પામ્યો હતો.
મહારાષ્ટ્રનો ચર્ચિત કેસ

દરમિયાન મહારાષ્ટ્રના પુણેના મુલશી વિસ્તારમાં વૈષ્ણવી હગાવનેનાં મૃત્યુનો કેસ પણ ખૂબ જ ચર્ચામાં છે. પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે વૈષ્ણવીએ આત્મહત્યા કરી છે.
જોકે, પોસ્ટમૉર્ટમમાં વૈષ્ણવીનાં શરીર ઉપર મારઝૂડના નિશાન જોવા મળ્યા હતા. વૈષ્ણવીનાં માતા-પિતાનું કહેવું છે કે તેને દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હતો તથા તેની હત્યા કરવામાં આવી હતી.
પોલીસે આ કેસમાં વૈષ્ણવીના પતિ શશાંક, સાસુ લતા, નણંદ કરીશ્મા, સસરા તથા અન્ય એક દીકરાની પણ ધરપકડ કરી છે.
અડિગેના કહેવા પ્રમાણે, “કેસ વધી રહ્યા છે, પરંતુ સજા થવાનો દર ત્રણ ટકા કરતાં પણ ઓછો છે. જો કોઈ મહિલા પરિણીત હોય તો તે અપ્સરા જેવી સુંદર દેખાવી જોઈએ. તે કેટલી ભણેલી છે, તે ગૌણ બાબત બની જાય છે.”
“બધું દહેજ, સંતાન પેદા કરવા અને એ પણ દીકરા….આ બધી બાબતો ઉપર આધારિત હોય છે. તે સૉફ્ટવૅર ઍન્જિનિયર છે, તબીબ કે ઍસ્ટ્રોનૉટ, એ બાબતનું કોઈ મહત્ત્વ નથી રહેતું.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS