Home તાજા સમાચાર gujrati સદ્દામ હુસૈનનું એક હજાર કરોડનું એ સપનું જે મિસાઇલો અને વરસતા બૉમ્બ...

સદ્દામ હુસૈનનું એક હજાર કરોડનું એ સપનું જે મિસાઇલો અને વરસતા બૉમ્બ વચ્ચે કોઈએ ના જોયું

5
0

Source : BBC NEWS

સદ્દામ હુસૈને ઇરાકમાં હૉલીવૂડ શૈલીની એક ભવ્ય ફિલ્મ શી રીતે બનાવી

ઇમેજ સ્રોત, Iraqi Film Corporatio

જુલાઈ 1983માં ‘ક્લેશ ઑફ લોયલ્‍ટીઝ’ને પહેલવહેલી—અને લગભગ છેલ્લી વખત—દર્શાવાઈ હતી. તેના નિર્માતાએ 2020માં ફરજિયાત ભરતી, પૂછપરછ અને નશામાં ધૂત ઑલિવર રીડ વિશે બીબીસીને જણાવ્યું હતું.

સદ્દામ હુસૈનની હૉલીવૂડ શૈલીની ભવ્ય ફિલ્મ ‘ક્લેશ ઑફ લોયલ્‍ટીઝ’ માટે સૌથી મોટો ખતરો બગદાદ નજીકના રણમાં શૂટિંગ શરૂ થયાના થોડાં અઠવાડિયાં પછી, 1980માં ઈરાન અને ઇરાક વચ્ચે ફાટી નીકળેલું યુદ્ધ નહોતું. ફિલ્મના કલાકારો અને કસબીઓમાંથી લોકોને સતત લડવા માટે બોલાવાતા અને તેઓ કશી સૂચના આપ્યા વિના ફિલ્મના સેટ પરથી અદૃશ્ય થઈ જતા—આ પણ સૌથી મોટો ખતરો નહોતો.

પ્રથમ વિશ્વયુદ્ધના પ્રોપ તરીકે ઉપયોગમાં લેવાતાં શસ્ત્રોને તુર્કીની સરહદ પાર લઈ જવાનો પડકાર પણ નહોતો; કસ્ટમ્સના અધિકારીઓએ ફિલ્મની લૉરીઓને રોકી દીધી હતી, કારણ કે તેમને લાગ્યું કે ઇરાકી સૈનિકોની મદદ માટે વાસ્તવિક શસ્ત્રાગારની આયાત કરાઈ રહી છે.

તેને બદલે, ફિલ્મનું શૂટિંગ અટકી જવાને આરે આવી જાય એવી પરિસ્થિતિ એક હોટલની રેસ્ટોરાંમાં બનેલી નશાની ઘટનાને કારણે ઊભી થઈ હતી. ફિલ્મના મુખ્ય અભિનેતા ઑલિવર રીડે ખાલી વાઇનની બૉટલમાં પેશાબ કર્યો હતો. “તેણે વેઇટરને એ બૉટલ બાજુના ટેબલ પર લઈ જવા કહ્યું અને કહ્યું, ‘મારા તરફથી સપ્રેમ.”

ઇરાકમાં જન્મેલા અને બ્રિટિશ ફિલ્મ નિર્માતા લતીફ જોરેફાનીએ 2020માં બીબીસીના ‘વીટનેસ હીસ્ટરી’ને જણાવ્યું હતું. “અધિકારીઓ સાવ સ્તબ્ધ થઈ ગયા હતા… મને ઇરાકના પ્રધાનોના ટેલેક્સ મળ્યા. તેમણે લખેલું, ‘આ માણસને બહાર કાઢો, હવે અમારે એ અહીં નથી જોઈતો.’ કરોડોના ખર્ચે બનતી ફિલ્મના નિર્માતા તરીકે હું ફિલ્મનું અડધું નિર્માણ થઈ ગયા પછી તેના મુખ્ય અભિનેતાને કેવી રીતે તગેડી શકું?”

સદ્દામ હુસૈન,

ઇમેજ સ્રોત, Getty Images

જોરેફાનીએ અધિકારીઓને રીડને ફિલ્મમાં રાખવા માટે મનાવી લીધા, જેથી આખી ફિલ્મ ફરીથી શૂટ કરવાની નોબત ન આવે—પરંતુ મામલો માંડ માંડ થાળે પડ્યો હતો.

“મારે તેના માટે પૂરેપૂરી તાકાતથી લડવું પડ્યું હતું.” તેમણે યાદ કરતાં કહ્યું. ત્રણ વર્ષ ચાલેલા અને 3 કરોડ ડૉલરનો (આજના 10 કરોડ ડૉલર કે 7.6 કરોડ યુરોનો) ખર્ચ થઈ ચૂકેલા નિર્માણની આ એક એવી ક્ષણ હતી જેમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો.

આજના હિસાબે આ રકમ 100 મિલિયન ડૉલર અથવા 76 મિલિયન પાઉન્ડ જેટલી થાય છે. (ભારતીય ચલણમાં 950 કરોડ કરતાં પણ વધારે) આ બજેટ એ સમયની ફિલ્મ ‘રિટર્ન ઓફ ધ જેદાઈ’ના બજેટ જેટલું જ હતું. ફિલ્મ આખરે પૂરી થઈ, ત્યારે જુલાઈ 1983માં મૉસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થયા પછી પુરસ્કાર જીતવા છતાં ‘ક્લેશ ઑફ લોયલ્ટીઝ’ને માત્ર થોડા વખત માટે જ પ્રદર્શિત કરવામાં આવી અને ત્યાર પછી તેને ઇંગ્લૅન્ડના સરેમાં આવેલા જોરેફાનીના ગૅરેજમાં ફિલ્મનાં ડબલાંમાં પૂરી દેવામાં આવી.

તેનો આ નિરાશાજનક અંત સદ્દામ હુસૈનની મહત્ત્વાકાંક્ષાઓથી ઘણો દૂર હતો. જુલાઈ 1979માં આ ઇરાકી સરમુખત્યાર સત્તા પર આવ્યા પછી તરત જ તેમણે એવું દર્શન રજૂ કરેલું કે ઇરાકમાં એવો ફિલ્મઉદ્યોગ ઊભો કરવો જોઈએ, જે પશ્ચિમી પ્રેક્ષકો માટે દેશભક્તિથી ભરપૂર ભવ્ય ફિલ્મો બનાવી શકે. “હુસૈન ઇરાકને આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્માણનું કેન્દ્ર બનાવવા માટે ખૂબ ઉત્સાહી હતા,” જોરેફાનીએ બીબીસીને જણાવ્યું હતું. “કદાચ તેમને એમ હશે કે બગદાદ એક દિવસ ટાઇગ્રિસ નદી પરનું બૉલીવૂડ બની શકશે.”

“પહેલી વાર તેમણે ઑલિવર રીડને જોયો ત્યારે રીડને હોટલની પાંચમા માળની બારીમાંથી પગની ઘૂંટીઓથી પકડીને બહાર લટકાવવામાં આવ્યો હતો.”

હુસૈને એવા અનેક પ્રકલ્પની કલ્પના કરી હતી જે વિશ્વભરમાં ઇરાકની છબીને સુધારી શકે. શરૂઆતમાં તેઓ હૉલીવૂડના ભવ્ય સ્તરની એવી ફિલ્મ બનાવવા માગતા હતા જે 1920માં બ્રિટિશ શાસનને ઉથલાવી પાડનારા ઇરાકી ક્રાંતિકારીઓ સાથે તેમની બાઅથ પાર્ટીને સાંકળે. ‘ક્લેશ ઑફ લોયલ્ટીઝ’ અથવા ‘અલ મસઅલા અલ કુબ્રા’ (ધ ગ્રેટ ક્વેશ્ચન) મેસોપોટેમિયામાંથી ઉદ્‍ભવેલા ઇરાકની વાર્તા કહેતી હતી અને ફિલ્મના એક અભિનેતાએ તેને ‘લોરેન્‍સ ઑફ અરેબિયા’નું સદ્દામની આવૃત્તિ ગણાવી હતી.

“તે 1920ની એક વાસ્તવિક ઘટના પર આધારિત છે,” જોરેફાનીએ કહ્યું. વસાહતી કબજામાંથી ઇરાકને મુક્ત કરાવવાની રાષ્ટ્રવાદી ચળવળ દરમિયાન બ્રિટિશ લેફ્ટનન્ટ કર્નલ ગેરાર્ડ લીચમેનની એક બળવાખોરે ફલ્લૂજાહ શહેર નજીક હત્યા કરી હતી. ‘ક્લેશ ઑફ લોયલ્ટીઝ’ સદ્દામ દ્વારા રાષ્ટ્રના જન્મનું ભવ્ય પુનર્કથન બની રહેવાની હતી.

જોરેફાની 1950ના દાયકાથી ફિલ્મઉદ્યોગમાં કાર્યરત્ હતા અને મધ્ય પૂર્વમાં ઓછા બજેટની કેટલીક ફિલ્મો બનાવી હતી. અને હુસૈનની સરકારમાં રહેલા તેમના સંપર્કો દ્વારા તેમને આ પ્રોજેક્ટ વિશે વાત કરવામાં આવી.

1970ના દાયકામાં તેલના વધતા ભાવોથી ઇરાકની તિજોરીમાં આવેલાં નાણાંને લઈને એની કશી સમસ્યા નહોતી. “બગદાદમાં અમારા મિત્રોએ સદામને મળીને તેમને કહ્યું, ‘આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશવા માટે પૈસાની વાત કરવી જરૂરી છે.’ તેમણે કહ્યું, ‘જે પણ ખર્ચ થાય તે કરો.'”

મોટા બજેટની ‘ક્લેશ ઑફ લોયલ્ટીઝ’માં હૉલીવૂડ શૈલીના સેટ, સ્પેશિયલ ઈફેક્ટ્સ અને સેંકડો કલાકારો તથા કસબીઓ હતા. એ બધાને બધા બગદાદ લઈ જવામાં આવ્યા. અને પછી હુસૈને ઇરાન પર આક્રમણ કર્યું.

“યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ઇરાકમાં મારા 140 લોકો હતા,” જોરેફાનીએ 2016ની ડૉક્યુમેન્ટરી ‘સદ્દામ ગોઝ ટુ હૉલીવુડ’માં યાદ કર્યું હતું. “એ લોકો શેપર્ટન, પાઇનવુડ અને હૉલીવૂડમાં ફિલ્મો બનાવવાના ટેવાયેલા હતા— ચારે તરફ ખરેખરી મિસાઇલો અને બૉમ્બ ફૂટી રહ્યાં હોય એવા રણની વચમાં નહીં.

યુદ્ધના વિસ્તારમાં ફિલ્માંકન

'ખરેખરી મિસાઇલો અને બૉમ્બ ફૂટી રહ્યા હતાં': સદ્દામ હુસૈને ઇરાકમાં હૉલીવૂડ શૈલીની એક ભવ્ય ફિલ્મ શી રીતે બનાવી

ઇમેજ સ્રોત, Getty Images

આક્રમણને કારણે કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ. “અમારે નિર્માણ અટકાવવું પડ્યું, પણ ઉપરથી સંદેશો આવ્યો કે જીવન સામાન્ય છે એવી છાપ તમારે ઊભી કરવી જ જોઈએ,” જોરેફાનીએ 2016માં બીબીસીના ‘આઉટલૂક’ને જણાવ્યું હતું.

“ઇરાકી નેતૃત્વની વાત કરીએ તો એમને હતું, ‘કોઈ ચિંતા નથી, થોડાં અઠવાડિયાંમાં બધું પૂરું થઈ જશે. કામ ચાલુ રાખો, બૉય્ઝ. બધું બરાબર થઈ જશે.'” બે અઠવાડિયાં પછી શૂટિંગ ફરી શરૂ થયું.

કશી ચિંતા કરવાની જરૂર નથી એમ દેખાડવાની સત્તાધીશોની ઇચ્છા છતાં કલાકારોને કેટલાક સંકેતો મળી રહ્યા હતા. એક અભિનેતાએ યાદ કર્યું કે તે રીડ અને અન્ય કલાકારો સાથે ઇરાક જવા વિમાનમાં બેઠા ત્યારે ઇરાકની હવાઈ હદમાં પ્રવેશતાં તેમણે એક ફાઇટર જેટને તેમના વિમાનની સાથે આવતું જોયું હતું.

મિસાઇલ હુમલો ટાળવા માટે તેઓ લાઇટ બંધ રાખીને ઊતર્યા હતા. સ્થાનિક કલાકારોને અચાનક સેનામાં ભરતી કરી દેવામાં આવ્યા પછી કેટલાંક દૃશ્યો ફરીથી શૂટ કરવા પડ્યાં અને બ્રિટનમાંથી તુર્કીની સરહદ પાર કરીને લશ્કરી પ્રોપ્સ પહોંચાડવામાં પણ મુશ્કેલી ઊભી થઈ હતી.

જોરેફાનીના જણાવ્યા પ્રમાણે, “તુર્કોએ કહ્યું, ‘એક મિનિટ, ભાઈ! અમે યુદ્ધમાં તટસ્થ છીએ. આ સામાન તમે અહીંથી લઈ નહીં જઈ શકો.”

તેમણે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, “જુઓ, આ પ્રથમ વિશ્વયુદ્ધની ફિલ્મ માટેનો સામાન છે, તેનાથી ગોળી ચલાવી શકાતી નથી, આ ફિલ્મ બનાવવાની બંદૂક છે.” પણ કશો ફાયદો થયો નહીં.

તેને બદલે, જોરેફાનીના જણાવ્યા પ્રમાણે, તેમણે તેમની લૉરીઓ “ગ્રીસ થઈને, જહાજોમાં, લેબનોન થઈને, સિરિયા થઈને રણમાંથી પસાર થઈને બગદાદ મોકલવી પડી. સિરીયા તે સમયે ઇરાક કરતાં ઇરાન સાથે વધુ મૈત્રીપૂર્ણ હતું. ત્યાં સુધીમાં હું ખરેખર ખૂબ જ હતાશ થઈ ગયો હતો.”

પણ નિર્માણની સૌથી કુખ્યાત ઘટના ટ્રેનવિસ્ફોટના એક દૃશ્ય સાથે સંકળાયેલી હતી. “તે એક એવી સૈનિકોની ટ્રેન હતી જેમાં દારૂગોળો ભરેલો હતો… અને ઇરાકી બળવાખોરો તેના પર હુમલો કરે છે.” જોરેફાનીએ કહ્યું. જો કે, તેઓ મોટા ભાગે વાસ્તવિક યુદ્ધથી દૂરનાં સ્થળોએ શૂટિંગ કરતા હતા. તેમને મળેલી, વપરાશમાં ન હોય એવી એક માત્ર રેલવે લાઇન ઇરાનની સરહદની નજીક હતી.

“શૂટિંગના બીજા દિવસે ઇરાનના માધ્યમોએ દાવો કર્યો કે રિવોલ્યુશનરી ગાર્ડે ઇરાકની અંદર હુમલો કરીને એક લશ્કરી ટ્રેનનો નાશ કર્યો અને ઘણા ઇરાકી સૈનિકોને મારી નાખ્યા.”

કલાકારો વચ્ચે બનતી પણ ઘટનાઓ એટલી જ નાટકીય હતી. વાઇનની બૉટલની ઘટના ઉપરાંત રીડની હરકતોમાં હાથ લડાવવા, દરવાજા પર લાત મારવી અને લોકો સાથે ઝઘડા કરવાનું પણ સામેલ હતું.

અભિનેતા ડોનાલ્ડ સિન્ડેનના પુત્ર અને તેમના સહકલાકાર માર્ક સિન્ડેને 2014માં ‘એસ્ક્વાયર’ને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે તેણે રીડને પહેલી વાર જોયા ત્યારે તેમને બગદાદની અલ-મન્સૂર મેલિયા હોટલની પાંચમા માળની બારીમાંથી પગની ઘૂંટીઓથી પકડીને બહાર લટકાવવામાં આવ્યા હતા.

તેના એક ફ્રેન્ચ ભૂતપૂર્વ સ્પેશિયલ ફોર્સ સૈનિક અંગરક્ષકને તેઓ ગુસ્સે કરી ચૂક્યા હતા. રીડ હસતાં હસતાં ચીસો પાડી રહ્યા હોય એમ જણાતું હતું. “ઓલીએ શું કહ્યું હતું તે અમને ક્યારેય ખબર ન પડી,” સિન્ડેને યાદ કર્યું. ફિલ્મની બીજી અભિનેત્રી વર્જિનિયા ડેનહમે કહ્યું હતું: “ઑલિવર રીડ સામૂહિક વિનાશનું શસ્ત્ર હતો.”

‘ક્લેશ ઑફ લોયલ્ટીઝ’નું શૂટિંગ કરતી વખતે સિન્ડેનને એક અલગ પ્રકારનો યાદગાર અનુભવ થયો હતો.

2014ની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે ઇરાક જવા માટે વિમાનમાં બેસતા પહેલાં તેમને એક શંકાસ્પદ બ્રિટિશ ગુપ્ત એજન્સી માટે બગદાદના ફોટોગ્રાફ્સ લેવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

“બે સૂટ પહેરેલા સજ્જનો મને મળવા આવ્યા. તેમણે કહ્યું કે તેઓ ફૉરેન ઑફિસમાંથી આવેલા છે… તેમણે પૂછ્યું કે હું ઇરાક જઈ રહ્યો છું કે કેમ. મેં હા પાડી. મારે તેમને તારીખ જણાવવાની પણ જરૂર નહોતી. હું ક્યારે નીકળી રહ્યો છું તેની તેમને પહેલેથી જ ખબર હતી.”

પ્રદર્શિત થઈ અને પછી પડતી મૂકી દેવાઈ

સદ્દામ હુસેન તેમના લશ્કરી અધિકારીઓ સાથેની બેઠકમાં, ઓક્ટોબર ૧૯૯૪.

ઇમેજ સ્રોત, Getty Images

સિન્ડેનને કહેવામાં આવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓને તેના વેકેશન દરમિયાન પાડેલા ફોટોગ્રાફ્સ જોવામાં રસ હશે—જેમાં લશ્કરી દૃષ્ટિએ ઉપયોગી હોઈ શકે તેવી કોઈ વસ્તુ દેખાતી હોય, જેમ કે સંદેશાવ્યવહાર માટેનાં ઍન્ટેના, સરકારી ઇમારતો અથવા મહેલો. કમનસીબે, સિન્ડેનના જણાવ્યા પ્રમાણે, આ ફોટોગ્રાફ્સને કારણે ઇરાકમાં તેને પૂછપરછ કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો, કારણ કે હુસૈનની ગુપ્ત પોલીસે તેનો પીછો કર્યો હતો.

ઇરાક પહોંચ્યા પછી તરત જ તેને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો—પણ તેણે પોતાની પૂછપરછ કરનારને કહ્યું, “હું તમારા મહાન નેતા સદ્દામના કહેવાથી અહીં આવ્યો છું. હું જે ફિલ્મ કરી રહ્યો છું તેનાં નાણાં તેઓ આપી રહ્યા છે. જુઓ, એક અઠવાડિયા પહેલાં મેં તેમની સાથે રાત્રિભોજન લીધું હતું.”

તેમણે તેને ઝડપથી છોડી દીધા અને બીજા જ દિવસે સિન્ડેન ઇરાકમાંથી નીકળી ગયા. ત્યારે તેમણે 1920ના દાયકાના લશ્કરી ગણવેશવાળો પોશાક પહેર્યો હતો, જેમાં પિથ હેલ્મેટ અને પિસ્તોલ પણ હતાં.

જોરેફાનીએ લંડનમાં ‘ક્લેશ ઑફ લોયલ્ટીઝ’નું સંપાદન કર્યું, પણ કેટલાક ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થયા પછી તેને પડતી મૂકી દેવામાં આવી.

1990માં હુસૈને કુવૈત પર કબજો કર્યા પછી સંયુક્ત રાષ્ટ્રસંઘે ઇરાક પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદ્યા, જે 2003માં હુસૈન સત્તા પરથી હટ્યા ત્યાં સુધી ચાલુ રહ્યા, અને ફિલ્મ ફરી ક્યારેય દર્શાવવામાં ન આવી.

ઇરાકમાં અનેક મોટી આંતરરાષ્ટ્રીય ફિલ્મો બનાવવાની સરમુખત્યારની ભવ્ય કલ્પના એક એવી ફિલ્મ સુધી સીમિત થઈને રહી ગઈ, જેને માત્ર થોડાક સો લોકોએ જોઈ. “ઇરાકીઓએ ધાર્યું એવું બન્યું હોત, તો અત્યાર સુધીમાં અમે આ પ્રકારની છઠ્ઠી કે સાતમી મોટી ફિલ્મ બનાવી રહ્યા હોત,” જોરેફાનીએ 2016માં બીબીસીના નિક એરિક્સનને જણાવ્યું હતું.

ઇરાકીઓ સાથે બીજી ફિલ્મ બનાવવાની તક ક્યારેય ન મળતાં તેઓ નિરાશ થયા હતા, જો કે, 2020માં તેમણે બીબીસીને કહ્યું હતું: “30થી વધુ વર્ષોનાં યુદ્ધો, બૉમ્બમારા, વિનાશ, હત્યાઓ અને સાંપ્રદાયિકતાની સરખામણીએ … ફિલ્મ બનાવવી એટલે શું? ખરેખર તો કંઈ કહેતાં કંઈ જ નહીં.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS