Home તાજા સમાચાર gujrati સાથે જમવાથી તમે કલ્પના ન કરી હોય એવા ફાયદા થશે, જાણો ઉપાયો

સાથે જમવાથી તમે કલ્પના ન કરી હોય એવા ફાયદા થશે, જાણો ઉપાયો

4
0

Source : BBC NEWS

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારાં કામ…

આ પ્રાર્થના ઘણી શાળામાં આપણે ત્યાં બાળકોને ગવડાવાતી હોય છે.

સાથે જમવું એ ભારતની સંસ્કૃતિમાં પણ સદીઓથી વણાયેલું છે. પરંતુ એવું કહેવાય છે કે આધુનિકતા સાથે, વિભક્ત કુટુંબોની સંખ્યા વધવાને કારણે, સાથે જમવું, સાથે સમય પસાર કરવો, એ બધું કદાચ વીસરાઈ રહ્યું છે.

કદાચ તમે સાચું ન લાગે, પણ તમારી ખાવાની આદતોમાં એક નાનો ફેરફાર એ તમારા શરીર અને મન માટે ખૂબ ફાયદાકારક બની શકે છે.

આપણે વાત કરી રહ્યા છે સાથે જમવાની આદતની.

એ તમારા ડિપ્રેશનનું જોખમ ઘટાડી શકે છે અને ડિમેન્શિયાને અટકાવી શકે છે. તે તમારા ખોરાકનો આનંદ વધારી શકે છે અને કદાચ તમારા જીવનને પણ લંબાવી શકે છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર અને બિહેવિયરલ સાયન્સના પ્રૉફેસર જીન-એમેન્યુઅલ ડી નેવ કહે છે, “સંબંધોને મજબૂત કરવા, વિશ્વાસ બનાવવા અને અન્ય લોકો સાથે જોડાવા માટે સાથે જમવું એ આવશ્યક ઉપાય છે. તે આપણાં સ્વાસ્થ્ય અને સુખાકારી પર ઊંડી અસર કરે છે.”

દુર્ભાગ્યપૂર્ણ છે કે આજના વિશ્વમાં લોકો વચ્ચે વધતા અંતરને કારણે, સાથે ખાવાનું વલણ ઘટી રહ્યું છે.

પરંતુ એકબીજા સાથે જોડાવું, ખાવાપીવા મારફતે દોસ્તીનો સંબંધ બનાવવો એ તમે વિચારો તેના કરતાં ઘણું સહેલું હોઈ શકે છે.

સાથે ખાવાથી માનસિક મજબૂતી મળે છે

સંશોધકો પ્રમાણે ખાવાની આદતોમાં કંઈક એવું ખાસ છે કે જે અમારા માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે

ઇમેજ સ્રોત, Getty Images

સાથે જમવાની આદતો અંગેના મોટા ભાગનાં સંશોધનો આપણા માનસિક સ્વાસ્થ્ય પર તેની અસરો પર જ કેન્દ્રિત છે.

ઝિન્યી વાંગ અને તેમના સાથીઓએ ચીનના ‘ઝેજિયાંગ સેન્ટર ફૉર ડિસીઝ ઍન્ડ પ્રિવેન્શન’માં એક અભ્યાસ હાથ ધર્યો હતો.

તેમાં 60 વર્ષ અને તેથી વધુ ઉંમરની 9361 મહિલાઓનો સર્વે કરવામાં આવ્યો હતો.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભોજન સમયે ટેબલની આસપાસ બેઠેલા લોકોની સંખ્યા એ વ્યક્તિમાં ડિપ્રેશનના જોખમનું સ્પષ્ટ સૂચક હતું.

સંશોધકોએ લોકોની સુખાકારીને પ્રભાવિત કરતાં અન્ય ઘણાં પરિબળો, જેમ કે તેમનું સામાન્ય સ્વાસ્થ્ય, નાણાકીય પરિસ્થિતિ અને તેઓ એકલા રહે છે કે કેમ તે ધ્યાનમાં લીધું ત્યારે પણ આ પરિણામો યથાવત રહ્યાં હતાં.

સંશોધકોએ તારણ કાઢ્યું કે આ સૂચવે છે કે બીજાઓ સાથે ખાવાની આદતમાં કંઈક ખાસ છે જે આપણા માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે.

ઘણા અન્ય અભ્યાસો પણ સમાન નિષ્કર્ષ તરફ નિર્દેશ કરે છે. ઉદાહરણ તરીકે, ટૉક્યોના સંશોધકોએ શોધી કાઢ્યું કે 65 થી 74 વર્ષની વયના લોકો કે જે તેમના પરિવારો સાથે રહેતા હતા પરંતુ એકલા ભોજન ખાતા હતા, તેમનામાં ડિપ્રેશનનાં લક્ષણો વિકસવાની શક્યતા એવા લોકો કરતા પાંચ ગણી વધુ હતી જેઓ નિયમિતપણે અન્ય લોકો સાથે ભોજન કરતા હતા.

કદાચ આના સૌથી મજબૂત પુરાવા વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાંથી મળે છે. ગૅલપ કંપનીના આ વૈશ્વિક સર્વે પર આધારિત ખુશહાલીનું વાર્ષિક વિશ્લેષણ છે.

2024માં, જાપાની ફૂડ મૅન્યુફૅક્ચરિંગ કંપની અજીનોમોટોએ લોકોની ખાવાની આદતો પર એક વિભાગ ઉમેરવાનું સ્પૉન્સર કર્યું, જેમાં નીચેના પ્રશ્નોનો સમાવેશ થતો હતો:

  • છેલ્લા સાત દિવસમાં, તમે કેટલા દિવસો તમારા કોઈ પરિચિત સાથે બપોરનું ભોજન કર્યું?
  • છેલ્લા સાત દિવસમાં, તમે કેટલા દિવસે કોઈ પરિચિત વ્યક્તિ સાથે રાત્રિભોજન કર્યું?

ડી નેવે તાજેતરના વર્લ્ડ હેપ્પિનેસ ઇન્ડેક્સમાં સાથે જમવાના મહત્ત્વ પર એક ચૅપ્ટર લખ્યું હતું.

તેઓ કહે છે, “જ્યારે મેં એ જોયું, ત્યારે મારી આંખો ચમકી ગઈ. અમે દુનિયાભરના અંદાજે દોઢ લાખ લોકોની વાત કરી રહ્યા છીએ જેમણે આ પ્રશ્નનો જવાબ આપ્યો.”

ડી નેવની ટીમે શોધી કાઢ્યું કે જેટલા વધુ લોકો અન્ય લોકો સાથે ખોરાક શેર કરે છે, તેમનો સ્કોર ઇમોશનલ વેલબિઇંગના માપદંડોમાં ઘણો વધારે છે.

આ પરિણામ જે નિરંતરતા સાથે બહાર આવ્યું, જે ખૂબ જ આશ્ચર્યજનક હતું.

“તે વ્યક્તિની જીવન સંતુષ્ટિનું એટલું જ સારું અનુમાન હતું જેટલું તેની નોકરી અને સંબંધિત આવકનું.”

આ બે પરિબળો છે જે ખુશી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

સાથે જમવાથી કેવા ફાયદા થાય છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ડી નેવે એ વાત પર ભાર મૂકે છે કે સાથે ખાવા વિશેના પ્રશ્નો વ્યક્તિના સામાન્ય સામાજિક જીવનના ‘માર્કર’ તરીકે કામ કરી શકે છે. પરંતુ તેમનું માનવું છે કે સાથે ખાવામાં કંઈક ખાસ છે.

તેઓ સમજાવે છે કે અંગ્રેજી શબ્દ ‘companion’ એ લેટિન શબ્દો ‘cum’ અને ‘panis’ પરથી આવ્યો છે, જેનો અર્થ ‘રોટી સાથે’ એવો થાય છે.

આ જ ખ્યાલ માટેનો ચીની શબ્દ, ‘હુઓ બાન’, એવા પાત્રોથી બનેલો છે જે રસોડામાં એક જ સ્ટવને શેર કરીને રહેતી સૈન્ય ટુકડીને દર્શાવે છે.

તેમનું કહેવું છે કે વહેંચીને ખાવાના સાંસ્કૃતિક મૂળ ઘણાં ઊંડાં છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટીના જૈવિક માનવવિજ્ઞાની રૉબિન ડનબર તેમનાં પુસ્તક ‘ફ્રેન્ડ્સ’ માં કહે છે કે ખોરાક કુદરતી રીતે ઍન્ડોર્ફિન સિસ્ટમને સક્રિય કરે છે.

એન્ડોર્ફિન એવાં રસાયણો છે જે આપણને સારું લાગે છે અને ખુશી આપે છે. આ સાથે ખાવાની આદત આપણા બંધનને મજબૂત બનાવી શકે છે અને આપણને અન્ય લોકો સાથે વધુ જોડાયેલું અનુભવ કરાવે છે.

રસપ્રદ વાત એ છે કે, અન્ય લોકોની હાજરી પણ ખાવાનો આનંદ વધારી શકે છે.

યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા ખાતે એરિકા બૂથબી દ્વારા હાથ ધરવામાં આવેલા અનેક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે જે લોકો અન્ય વ્યક્તિની હાજરીમાં ચૉકલેટ ખાતા હતા તેમને તેનો સ્વાદ વધુ સારો લાગ્યો હતો.

ડિમેન્શિયાનું જોખમ ઓછું

સાથે ખાવાનું ખાવાથી માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય સારું થઈ શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images

સાથે ખાવાથી મગજની વૃદ્ધત્વની પ્રક્રિયા પણ ધીમી પડી શકે છે.

2025માં, જાપાની સંશોધકોએ શોધી કાઢ્યું કે જે લોકો નિયમિતપણે એકલા ખાતા હતા તેમના મગજના એ ભાગોનો આકાર નાનો હોય છે જે જ્ઞાન સંબંધી ક્ષમતા સાથે જોડાયેલા હોય છે. તેમાં મેડિયલ ટેમ્પોરલ લોબ અને હિપ્પોકૅમ્પસનો સમાવેશ થાય છે.

જોકે, આમાંના કેટલાક તફાવતો સીધા આહાર સાથે સંબંધિત હોવાનું જણાય છે. જે લોકો એકલા ભોજન કરે છે તેઓ સામાન્ય રીતે ઓછો પૌષ્ટિક ખોરાક ખાય છે, પરંતુ આ એકમાત્ર કારણ ન પણ હોઈ શકે.

આ સૂચવે છે કે સામાજિક જોડાણનો અભાવ એ લાંબાગાળે તેમના મગજનાં સ્વાસ્થ્યને પણ અસર કરી રહ્યો હતો.

લેખકોએ અનુમાન લગાવ્યું હતું કે સાથે ખાવાથી મળતો આનંદ અને સારો સોશિયલ સપોર્ટ તણાવ ઘટાડી શકે છે, કારણ કે તણાવ એ ન્યૂરલ ડિક્લાઇન એટલે કે મગજની કાર્યક્ષમતામાં ઘટાડા માટે એક જાણીતું રિસ્ક ફૅક્ટર છે.

બીજી શક્યતા એ છે કે ભોજન દરમિયાન થતી વાતચીત એ મગજને વધારાની માનસિક સક્રિયતા પૂરી પાડે છે. જે તેને વૃદ્ધાવસ્થા સુધી સક્રિય રહેવામાં મદદ કરી શકે.

અલગ-અલગ દેશોમાં સાથે ખાવાપીવાની સંસ્કૃતિ કેવી છે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ જણાવે છે કે ખાવાની આદતો દેશોમાં વ્યાપકપણે બદલાય છે.

તેથી, આપણે કોઈ એક દેશ જો ખુશીથી સાથે રહેવાની સંસ્કૃતિને જાળવી રાખવાનો પ્રયત્ન કરતો હોય તો તેમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ.

જાપાનમાં, લોકો અઠવાડિયામાં સરેરાશ ચાર કરતાં ઓછી વાર સાથે ભોજન કરે છે.

બ્રિટન અને અમેરિકામાં આ સંખ્યા સાતથી આઠની આસપાસ છે, જ્યારે ઇટાલીમાં તે નવની આસપાસ પહોંચે છે.

ઇટાલી તેની મિલનસાર ખાનપાનની સંસ્કૃતિ માટે જાણીતું છે. જ્યારે યુનેસ્કોએ ઇટાલિયન ભોજનને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકેનો દરજ્જો આપ્યો ત્યારે સંસ્થાએ એ વાત પર ભાર મૂક્યો હતો કે ભોજન અને પરિવાર અને સમુદાય સાથે જોડાણ ઊભું કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

એ પછી શાળામાં હોય, ઘરમાં હોય કે પછી તહેવારો, સમારોહ અને સામાજિક આયોજનોમાં હોય.

તેથી એમાં કોઈ આશ્ચર્ય નથી કે આધુનિક વિશ્વના દબાણ વચ્ચે પણ ઇટાલી ભોજન વહેંચીને ખાવાની તેની સંસ્કૃતિને જાળવી રાખવાના રસ્તાઓ શોધવામાં મોખરે છે.

ઇટાલીમાં ઉદ્ભવેલી, સ્લો ફૂડ ચળવળ 50 વર્ષ પહેલાં ફાસ્ટ ફૂડની વધતી જતી લોકપ્રિયતાના સીધા જવાબરૂપે શરૂ થઈ હતી.

આ ચળવળ સ્થાનિક પરંપરાઓનું જતન કરવા અને સસ્ટેનેબિલિટીને પ્રોત્સાહન આપવાના તેના ઉદ્દેશ્યો માટે જાણીતી છે. પરંતુ તે લાંબા સમયથી સાથે ખાવાનું ખાવાના મહત્ત્વને

સ્લો ફૂડ ઇટાલિયાના પ્રમુખ બાર્બરા નેપ્પીની કહે છે, “ઇટાલીમાં, ભોજન વહેંચવું એ પોતે જ એક ફિલસૂફી છે.”

“સાથે મળીને રસોઈ કરવા અને ટેબલ પર મૂકેલા ભોજનને લોકો સુધી પહોંચાડવાની તૈયારી કરવી, આ પ્રક્રિયાને શેર કરવું. એ બધું કરવા માટે ધીરજ અને કાળજીની જરૂર પડે છે.”

મિત્રતા માટે સાથે ભોજન કરવું પણ સારો ઉપાય છે

અનેક સંશોધનોથી સામે આવ્યું છે કે લોકો તો તમારું આમંત્રણ સ્વીકારવા તમે આશા ન હોય એટલી જલદી તૈયાર હોય છે

ઇમેજ સ્રોત, Getty Images

આમ છતાં, 21મી સદીના દબાણે ઘણા ઇટાલિયનોને પહેલા કરતાં વધુ એકલતામાં ધકેલ્યા છે. પરંતુ જો તમે એકલા ખાવા માંગતા નથી, તો ઉકેલ અઘરો નથી.

તમારી આસપાસ એવા લોકો હોઈ શકે છે જેમને તમારી સાથે જમવાની તક મળવાથી ખૂબ આનંદ થશે.

ઘણા અભ્યાસો દર્શાવે છે કે લોકો આવા આમંત્રણો સ્વીકારવા માટે આપણી અપેક્ષા કરતાં વધુ તૈયાર હોય છે.

આપણે સામાન્ય રીતે ઓછો અંદાજ લગાવીએ છીએ કે લોકો આપણી કંપનીનો કેટલો આનંદ માણે છે અને તેઓ આપણી સાથે કેટલો સમય વિતાવવા માંગે છે.

તો જો તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જે એકલતા અનુભવી રહી હોય અને સારા ભોજન પર ગપસપ કરવાનો મોકો મેળવવા માંગતી હોય, તો શ્રેષ્ઠ રસ્તો એ છે કે ફક્ત પૂછો.

અને જો તમને ખરેખર આવા કોઈ વ્યક્તિ વિશે વિચારવામાં મુશ્કેલી પડી રહી હોય, તો ટેકનૉલૉજી પણ ઉકેલ પૂરો પાડી શકે છે.

2019 માં, ઇટાલિયન ટેક ઉદ્યોગસાહસિક પાઓલો બાવારોએ એકલા જમતા લોકોને જોડવા માટે ટેબ્લો ઍપ્લિકેશન શરૂ કરી. તેનો ઉપયોગ ત્રણ લાખથી વધુ વખત થયો છે.

કદાચ એમાં કોઈ નવાઈ નથી કે સરેરાશ વપરાશકર્તા યુવાન છે, લગભગ 30 વર્ષનો.

સાથે ખાવાનું ખાવાથી કદાચ તમને એવી દોસ્તી મળી જાય, જે લાંબા સમય સુધી ટકે

ઇમેજ સ્રોત, Getty Images

બાવારો કહે છે કે, “આ ઉંમરે મિત્રો બનાવવા મુશ્કેલ છે.તમે ઘણું કામ કરો છો, અને તમારા ઘણા મિત્રોના પરિવારો છે.”

“તમે લોકો સાથે સમય વિતાવવા માંગો છો, પણ તમને ખબર નથી કે કોની સાથે બહાર જવું.”

બાવારો ભાર મૂકે છે કે તેમની એપ કોઈ ચોક્કસ પ્રકારની વ્યક્તિ માટે નથી અને તેને ડેટિંગ ઍપ સમજી લેવી જોઈએ નહીં.

તેનો ઉદ્દેશ્ય એવા સમયે લોકોના સોશિયલ સર્કલને વિસ્તૃત કરવાનો છે જ્યારે તેમને તેની સૌથી વધુ જરૂર હોય છે.

જ્યારે અમે ડી નેવને આ એપ વિશે કહ્યું, ત્યારે તેમણે સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીના મનોવિજ્ઞાની જમીલ ઝાકીના એક પ્રયોગનો ઉલ્લેખ કર્યો.

ઝાકીએ કેમ્પસ કૉફી શોપમાં શરમાળ વિદ્યાર્થીઓને મળવા માટે ‘પ્લેટૉનિક ડેટ્સ’ ગોઠવવામાં મદદ કરી.

આ પહેલથી વિદ્યાર્થીઓનો સોશિયલ કૉન્ફિડન્સ વધારવામાં મદદ મળી. ડી નેવના મતે, આવા હસ્તક્ષેપો લાંબા ગાળાના ફાયદાઓ આપી શકે છે.

આ રીતે સાથે ખાવાથી સ્થાયી મિત્રતા બની શકે છે, અને આ પ્રક્રિયામાં, તમારા સ્વાસ્થ્ય અને સુખાકારીમાં સુધારો થઈ શકે છે.

ડૅવિડ રૉબ્સન એક પુરસ્કાર વિજેતા વિજ્ઞાન લેખક છે, અને એલેસિયા ફ્રાન્કો એક પત્રકાર છે જે ઇતિહાસ, સંસ્કૃતિ, સમાજ, સ્ટોરીટેલિંગ અને તેનો પ્રભાવ વગેરે પર લખે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS