Source : BBC NEWS
અપડેટેડ 11 મિનિટ પહેલા
બોલિવૂડના અભિનેતા સૈફ અલી ખાન પર મુંબઈમાં તેમના નિવાસસ્થાને એક ઘૂસણખોરે છરી વડે હુમલો કર્યા પછી તેમને ઈજા થઈ છે તેમ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું.
પીટીઆઈના અહેવાલ પ્રમાણે બાંદ્રા વિસ્તારમાં અભિનેતાના ઘરે મધ્યરાત્રિની આસપાસ આ ઘટના બની હતી. ત્યાર પછી ખાનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ એક અજાણી વ્યક્તિ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી આવી હતી અને બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટના સમયે અભિનેતાના પરિવારના કેટલાક સભ્યો પણ ઘરમાં હાજર હતા.
પોલીસ અધિકારી દીક્ષિત ગોડામેએ બીબીસી મરાઠીને જણાવ્યું, એક અજાણી વ્યક્તિ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી. ત્યાર બાદ સૈફ અને આ વ્યક્તિ વચ્ચે ઝપાઝપી થઈ. અભિનેતા સૈફ અલી ખાન તેમાં ઈજાગ્રસ્ત થઈ ગયા અને તેમની સારવાર ચાલી રહી છે. તપાસ પણ ચાલી રહી છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ મુંબઈ પોલીસને ટાંકતા કહ્યું છે કે એક વ્યક્તિએ સૈફી અલી ખાનના ઘરમાં ઘૂસણખોરી કરી અને તેમના ઘરમાં કામ કરનાર સહાયક સાથે પહેલાં વાદ-વિવાદ કર્યો.
જોકે, જ્યારે સૈફ અલી ખાને આમાં બચાવ કરવાનો પ્રયત્ન કર્યો તો ઘૂસણખોરે તેમના પર હુમલો કરી દીધો.
સૈફ અને કરીનાની ટીમે શું કહ્યું?
સૈફ અલી ખાન અને તેમનાં પત્ની કરીના કપૂર ખાનની ટીમે એક નિવેદનમાં કહ્યું છે કે તેમના ઘરમાં ચોરીનો પ્રયાસ થયો.
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સૈફ અલી ખાનના ઘરમાં ચોરીનો પ્રયાસ થયો. તેઓ હાલ હૉસ્પિટલમાં છે અને તેમની સર્જરી ચાલી રહી છે. અમે મીડિયા અને પ્રશંસકોને અપીલ કરીએ છીએ કે તેઓ ધીરજ રાખે. આ પોલીસ સાથે સંકળાયેલો મામલો છે. અમે આ બાબતે માહિતી આપતા રહીશું.
કરીના કપૂર ખાનની પીઆર એજન્સી તરફથી કહેવામાં આવ્યું છે કે કાલ રાત્રે તેમના અને સૈફના ઘરમાં ચોરીની કોશિશ થઈ. સૈફના હાથમાં ઈજા થઈ છે અને તેઓ હૉસ્પિટલમાં દાખલ છે. પરિવારના બાકીના સભ્યો સલામત છે.
નિવેદનમાં જણાવાયું હતું કે, “અમે મીડિયા અને પ્રશંસકોને ધીરજ રાખવા અને અટકળો ન કરવા વિનંતી કરીએ છીએ, કારણ કે પોલીસ પહેલેથી આ કેસની તપાસ કરે છે. તમે સૌએ વ્યક્ત કરેલી ચિંતા બદલ આભાર.”
હૉસ્પિટલે શું કહ્યું
ત્યાં, લીલાવતી હૉસ્પિટલના સીઓઓ ડૉક્ટર નીરજ ઉત્તમણીએ હિંદુસ્તાન ટાઇમ્સે કહ્યું કે, સૈફ પર તેમના ઘરમાં એક અજાણી વ્યક્તિએ હુમલો કર્યો. તેમને લગભગ સાડા ત્રણ વાગ્યે લીલાવતી હૉસ્પિટલ લઈ જવાયા હતા.
તેમને છ જગ્યાએ ઈજા થઈ છે, જેમાં બે ઈજા ઊંડી છે. એક ઘા કરોડરજ્જુ નજીક છે. તેમની સર્જરી કરવામાં આવી રહી છે. આ ઈજા કેટલી ઊંડી છે, આ વિશે સર્જરી પછી વધુ જણાવી શકાશે.
ડૉક્ટર ઉત્તમણીએ એવું પણ કહ્યું કે એક ઈજા સૈફની ગર્દન પાસે થઈ છે. તપાસ ચાલી રહી છે કે આ ઈજા કેટલી ઊંડી છે. તેમણે કહ્યું કે સર્જરી સવારે સાડા પાંચ વાગ્યે શરૂ થઈ હતી.
તેમણે કહ્યું કે “હાલમાં કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગે, કન્સલ્ટન્ટ પ્લાસ્ટિક સર્જન ડૉ. લીના જૈન, કન્સલ્ટન્ટ ઍનેસ્થેસિયોલોજિસ્ટ ડૉ. નિશા ગાંધી, ઇન્ટેન્સિવિસ્ટ ડૉ. કવિતા શ્રીનિવાસ અને કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ ડૉ મનોજ દેશમુખની દેખરેખ હેઠળ સર્જરી થઈ રહી છે. સર્જરી પૂર્ણ થયા બાદ કેટલું નુકસાન થયું છે તે જાણી શકાશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS