Source : BBC NEWS

બીબીસી ગુજરાતી સૈફ અલી ખાન કરીના કપૂર

ઇમેજ સ્રોત, Getty Images

17 જાન્યુઆરી 2025, 08:12 IST

અપડેટેડ એક કલાક પહેલા

બોલીવૂડના અભિનેતા સૈફ અલી ખાન પર ગુરુવારે પરોઢિયે હુમલો થયા પછી હુમલાખોર હજુ ફરાર છે અને તેને પકડવા માટે પોલીસની 20 ટુકડીઓ બનાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હુમલાખોર કોણ હતો તે જાણવા માટે બાતમીદારોના નેટવર્કનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

હુમલાખોર સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેમના પર છ વખત છરીથી હુમલો કર્યો હતો જેના કારણે તેમની સર્જરી કરવી પડી હતી. પોલીસ હવે આ બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે. હુમલાખોર પાસે એક લાકડી અને લાંબો છરો હતો. બાંદ્રામાં સતગુરુ શરણ બિલ્ડિંગની અંદર તે લૂંટ કરવાના ઈરાદાથી ઘૂસી આવ્યો હતો તેવું માનવામાં આવે છે.

વહેલી સવારના 2.33 વાગ્યાના સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરનો ચહેરો જોઈ શકાય છે. તે એક યુવાન હતો જેણે બ્રાઉન રંગનું ટી-શર્ટ પહેર્યું હતું અને લાલ રંગનો ગમછો વીંટાળ્યો હતો.54 વર્ષના સૈફ અલી ખાન આ બિલ્ડિંગમાં 12મા માળે રહે છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ખાન ઉપરાંત તેમના ઘરમાં રહેતાં 56 વર્ષનાં નર્સ, અને ઘરમાં કામ કરતી એક વ્યક્તિને પણ હુમલામાં ઈજા થઈ હતી. પોલીસ માને છે કે બિલ્ડિંગ છોડીને ભાગતા પહેલાં હુમલાખોરે પોતાનાં કપડાં બદલી નાખ્યા હશે.

ઇલોન મસ્કની કંપની સ્પેસઍક્સનું સ્ટારશિપ પરીક્ષણ નિષ્ફળ

બીબીસી ગુજરાતી ઈલોન મસ્ક સ્પેસએક્સ રોકેટ ટેસ્લા સ્ટારશિપ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના અબજોપતિ ઇલોન મસ્કની કંપની સ્પેસઍક્સનું સ્ટારશિપ રૉકેટ મિશન નિષ્ફળ ગયું છે.

સ્પેસઍક્સે જણાવ્યું કે ગુરુવારે ઉડાન ભરતાની સાથે જ તેમાં સમસ્યા થવા લાગી હતી. ત્યાર પછી મિશનનું ‘અપર સ્ટેજ’ પૂર્ણ થઈ શક્યું ન હતું.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરની એક પોસ્ટમાં સ્પેસ ઍક્સે લખ્યું છે કે, “ઍસેન્ટ બર્ન દરમિયાન સ્ટારશિપમાં સમસ્યા પેદા થઈ હતી. હવે ટીમ દ્વારા ઉડાનને લગતા ડેટાનો અભ્યાસ કરવામાં આવશે જેથી કરીને સમસ્યાનું મૂળ કારણ સારી રીતે સમજી શકાય.”

ચડતા બર્ન દરમિયાન સ્ટારશિપમાં સમસ્યા હતી. સમસ્યાના મૂળ કારણને સારી રીતે સમજવા માટે ટીમ આ ફ્લાઇટ સાથે સંબંધિત ડેટાનો અભ્યાસ કરશે.

સોશિયલ મીડિયા પર જોવા મળેલા એક અપ્રમાણિત વીડિયોમાં રોકેટને આગમાં સળગતું જોઈ શકાય છે.

સોશિયલ મીડિયા પર લોંચ પછીનો વિડિયો રિલીઝ કરતાં ઈલોન મસ્કે લખ્યું, “સફળતા અનિશ્ચિત છે, પરંતુ મનોરંજનની ખાતરી છે.”

તેમણે એમ પણ કહ્યું છે કે શિપ અને બૂસ્ટરનું વધુ સારું વર્ઝન લોન્ચ થવાની રાહ જોઈ રહ્યું છે.

ગાઝા યુદ્ધવિરામ પર કેબિનેટના વોટિંગમાં ઇઝરાયલ તરફથી વિલંબ

બીબીસી ગુજરાતી ઈઝરાયલ ગાઝા બેન્જામિન નેતન્યાહૂ

ઇમેજ સ્રોત, Getty Images

ઇઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી થઈ ગઈ છે, પરંતુ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ આ સમજૂતીને મંજૂરી આપવા માટે ગુરુવારે યોજાનારી બેઠકને ટાળી દીધી હતી.

બેન્જામિન નેતન્યાહૂએ હમાસ પર આરોપ મૂક્યો છે કે હમાસ અંતિમ પળોમાં આ સમજૂતિમાં ફેરફાર કરવાની માંગણી કરે છે.

અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિન્કિને કહ્યું છે કે, “બધું બરાબર થઈ ગયું છે. મને વિશ્વાસ છે કે યોજના મુજબ રવિવારથી યુદ્ધવિરામ લાગુ થઈ જશે.”

ઇઝરાયલના પ્રતિનિધિમંડળે સમજૂતી પર સહમતી વ્યક્ત કરી છે. પરંતુ સુરક્ષા કૅબિનેટ અને સરકારની મંજૂરી ન મળે ત્યાં સુધી આ સમજૂતીને લાગુ કરી શકાય તેમ નથી.

હમાસનું કહેવું છે કે તેઓ સમજૂતીને લઈને પ્રતિબદ્ધ છે. પરંતુ બીબીસીની જાણકારી મુજબ હમાસ સમજૂતી હેઠળ મુક્ત થનારા પેલેસ્ટાઇનના કેદીઓની યાદીમાં પોતાના કેટલાક સભ્યોનાં નામ ઉમેરવા પ્રયાસ કરી રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS