Home તાજા સમાચાર gujrati હિટલરના ખતરનાક V2 રૉકેટના ભાગોને નાઝીઓની નાક નીચેથી બ્રિટન કેવી રીતે પહોંચાડાયા?

હિટલરના ખતરનાક V2 રૉકેટના ભાગોને નાઝીઓની નાક નીચેથી બ્રિટન કેવી રીતે પહોંચાડાયા?

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી દ્વારા 1977માં, 1944ના ઉનાળાની એ ઘટનાને ફરી યાદ કરવામાં આવી હતી, જ્યારે મિત્રરાષ્ટ્રોના એજન્ટોએ હિટલરના ‘ચમત્કારી શસ્ત્ર’ના કેટલાક ભાગને એક જર્મન અધિકારીના ફ્લૅટમાં સંતાડીને ગુપ્ત રીતે બહાર કાઢ્યા હતા.

સોવિયેત સંઘનું રેડ આર્મી 6 ઑગસ્ટ, 1944ના રોજ રઝેશોવની ઉત્તર-પશ્ચિમે આવેલા બ્લિઝના ગામ સુધી પહોંચી ગયું અને તેને નાઝી કબજામાંથી મુક્ત કરાવ્યું.

ખેતરો અને પાઇનનાં ગાઢ જંગલોથી ઘેરાયેલી આ અંતરિયાળ ગ્રામ્ય વસાહત લશ્કરી દૃષ્ટિએ ખાસ મહત્ત્વની ન લાગી હોત.

જોકે, જંગલની જમીન પર પડેલા ઊંડા ખાડા, ધાતુના કાટમાળ અને નકલી ફાર્મહાઉસો થકી અણસાર મળ્યો કે તેનો કોઈક ગુપ્ત હેતુ હતો.

નાઝીઓ થોડા દિવસ અગાઉ ત્યાંથી પીછેહઠ કરી ગયા એ પહેલાં બ્લિઝના એક નવા શસ્ત્રના પરીક્ષણનું અને પ્રક્ષેપણનું સ્થળ હતું.

ઍડોલ્ફ હિટલરને આશા હતી કે તેની મદદથી પશ્ચિમી મિત્રરાષ્ટ્રો સામેના યુદ્ધનું પરિણામ ઊલટાવી શકાશે. જર્મનો જેને ફેરજેલટન્‍ગ્સવેફ (બદલો લેવાનું શસ્ત્ર) 2 કહેતા હતા તે V2 રૉકેટ દુનિયાનું પ્રથમ આધુનિક બૅલિસ્ટિક શસ્ત્ર હતું.

ઍન્જિનિયર વર્નર વોન બ્રાઉને તૈયાર કરેલા આ રૉકેટની સંહારક્ષમતા આશરે 170 માઇલ (280 કિમી) હતી અને તેનું વૉરહેડ એક ટન વજન ધરાવતું હતું.

પણ 1944ના ઉનાળામાં, બીજા વિશ્વયુદ્ધના સૌથી સાહસિક ગુપ્ત મિશનો પૈકીના એક દ્વારા V2ના કેટલાક ભાગને પોલૅન્ડમાંથી બ્રિટન પહોંચાડવામાં આવ્યા હતા.

નાઝીઓએ 1936માં V2ને વિકસાવવાનું શરૂ કરેલું. જો કે, 1977ની ડૉક્યુમેન્ટરી ‘ધ સિક્રેટ વૉર’માં નિષ્ણાતોએ બીબીસીને જણાવ્યા અનુસાર, બ્રિટિશ ગુપ્તચર તંત્રને 1943ના આરંભ સુધી આ રૉકેટ વિશે જાણ નહોતી થઈ. “1939 પહેલાં થોડી છૂટીછવાઈ માહિતી મળી હતી કે જર્મનો કદાચ લાંબા અંતર સુધી પ્રહાર કરી શકે એવાં રૉકેટ વિકસાવી રહ્યા હતા.”

વૈજ્ઞાનિક હવાઈ ગુપ્તચર વિભાગના વડા ડૉ. આર.વી. જોન્સે જણાવ્યું હતું. “ત્યાર પછી ડિસેમ્બર 1942 સુધી અમને કશું જાણવા મળ્યું નહોતું. એ વખતે એક નવા એજન્ટે અમને જણાવ્યું કે બર્લિનમાં તેણે બે ઇજનેરો વચ્ચેની વાતચીત સાંભળી હતી.”

“તેઓ કહેતા હતા કે એક નવું શસ્ત્ર વિકસાવવામાં આવી રહ્યું છે અને બાલ્ટિક સમુદ્રના કિનારે તેનું પરીક્ષણ થઈ રહ્યું છે.” એ એજન્‍ટ ડૅનિશ રાસાયણિક ઍન્જિનિયર હોવાની પછી ખબર પડેલી.

1943માં નિર્ણાયક વળાંક આવ્યો. બે જર્મન જનરલોને અલગ અલગ રીતે પકડી લેવામાં આવ્યા અને પૂછપરછ માટે તેમને બ્રિટન લાવવામાં આવ્યા.

પછી તેમને એકલા વાત કરવા દેવાની છૂટ આપવામાં આવી, કારણ કે તેમને ખબર નહોતી કે એ ઓરડામાં વાતચીત રેકૉર્ડ કરવામાં આવી રહી હતી.

તેમણે ચર્ચા કરી કે રૉકેટોનો ઉપયોગ હજી સુધી કેમ થયો નથી.

તેમણે કહ્યું કે કંઈક ખોટું થયું હોવું જોઈએ, કારણ કે એક વર્ષ કરતાં વધુ સમય પહેલાં તેમને કહેવામાં આવેલું કે શસ્ત્રો માત્ર થોડા મહિનામાં જ તૈયાર થઈ જશે.

જોન્સના જણાવ્યા મુજબ, તેમાંથી એકે કહ્યું હતું, “આપણે લંડનની આસપાસ ક્યાંક છીએ અને આપણને કોઈ ધડાકો સંભળાયો નથી, આથી કશું થયું નહીં હોય.”

જોન્સે 1977માં યાદ કરતાં કહેલું, “(ગુપ્તચર વિશ્લેષક) ચાર્લ્સ ફ્રૅન્ક… મારી સામે જ બેઠા હતા અને પૂછપરછનો અહેવાલ વાંચી રહ્યા હતા. અચાનક તેમણે માથું ઊંચું કર્યું અને કહ્યું, ‘જુઓ, આપણે આ રૉકેટોને ગંભીરતાથી લેવા જોઈએ.'”

બ્રિટિશ લોકોએ બાલ્ટિક કિનારાની નજીક આવેલા એક ટાપુ પર પીનેમ્યુન્ડે ખાતે નાઝીઓનું ગુપ્ત V2 સંશોધન કેન્દ્ર શોધી કાઢ્યું અને ઑગસ્ટ, 1943માં તેના પર બૉમ્બમારો કર્યો. હવાઈ હુમલા પછી નાઝીઓએ V2 રૉકેટનું પરીક્ષણ, તાલીમ અને પ્રક્ષેપણનું સ્થળ જર્મનીથી દૂર ખસેડી દીધું.

તેમણે પોલૅન્ડમાં વધુ પૂર્વ તરફ, વૉર્સોની દક્ષિણે આશરે 150 માઇલ (240 કિમી) દૂર, જંગલોથી આચ્છાદિત એક સ્થળ પસંદ કર્યું.

બ્લિઝનાને વ્યૂહાત્મક રીતે એટલું મહત્ત્વપૂર્ણ માનવામાં આવતું હતું કે ત્યાર પછીના મહિનાઓમાં હિટલર અને યહૂદીઓના સામૂહિક નરસંહારના ઘડવૈયા હાઇન્હરિખ હિમ્લર બંનેએ તેની મુલાકાત લીધી હતી.

પણ V2નાં પરીક્ષણ રૉકેટોમાં એક ક્ષતિ હતી, જેને કારણે તેને ઉપયોગમાં લેવામાં લગભગ એક વર્ષનો વિલંબ થયો.

તેમાંના મોટા ભાગનાં રૉકેટો પૂર્વ પોલૅન્ડમાં બગ નદી નજીક, 200 માઇલ (320 કિમી) દૂર આવેલા તેમના લક્ષ્ય સુધી પહોંચે એ પહેલાં હવામાં જ તૂટી પડતા હતા.

જર્મન સૈનિકોની એક ખાસ ટુકડી ત્યાં તૈનાત કરવામાં આવી હતી, જે વિજ્ઞાનીઓ વિશ્લેષણ કરી શકે એ માટે તૂટી પડેલાં રૉકેટોના ટુકડા એકઠા કરી લેતી હતી.

શાકભાજીની નીચે સંતાડેલાં રૉકેટની હેરફેર

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

‘ધ સિક્રેટ વૉર’ સાથે સંકળાયેલા વિલિયમ વૂલાર્ડે 1977માં જણાવ્યું હતું કે, “આ નવા સ્થળનો મુખ્ય ગેરફાયદો એ હતો કે સ્થાનિક નાગરિકોને આકાશમાંથી તેમની પર જર્મન ગુપ્ત શસ્ત્રો પડતાં રહે એ જરાય પસંદ નહોતું.”

“પૉલિશ રેઝિસ્ટન્‍સ મૂવમેન્ટે તેમને સૂચના આપી હતી કે જર્મનો ત્યાં પહોંચે એ પહેલાં તેઓ આ કાટમાળ એકઠો કરી લેવાનો પ્રયાસ કરે.”

બગ નદીના કાદવીયા કાંઠે, મે 1944માં એક V2 રૉકેટ તૂટી પડ્યું. તે પ્રમાણમાં સલામત સ્થિતિમાં હતું.

સ્થાનિક ગામલોકોએ તેને બરુની નીચે ઢાંકી દીધું અને પૉલિશ રેઝિસ્ટન્‍સ મૂવમેન્ટના નેતા લેફ્ટનન્ટ તાદેઉશ યાકોબ્સ્કીને જાણ કરી.

એ સ્થળે, 33 વર્ષ પછી બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, “રૉકેટ વિસ્ફોટ થયા વિના અહીં પડ્યું હતું.”

“જર્મનો તેને શોધી શક્યા નહીં અને થોડા દિવસો પછી તેમણે શોધખોળ સદંતર બંધ કરી દીધી. ત્યાર પછી અમે રોકેટને કિનારા સુધી ખેંચી કાઢ્યું. વૉર્સોથી નિષ્ણાતોની ટીમ આવી અને તેને છૂટું પાડ્યું.”

તેના ભાગોને કોથળાઓમાં ભરવામાં આવ્યા. તેમને શાકભાજીની નીચે સંતાડીને, ઓછા વપરાતા ગ્રામીણ માર્ગે ગાડાંમાં વૉર્સો લઈ જવામાં આવ્યા.

જંગલમાં સશસ્ત્ર પ્રતિકારકર્તાઓ તેમની સાથે સાથે પડછાયાની જેમ ચાલી રહ્યા હતા. પોલૅન્ડની રાજધાનીમાં સતત સુરક્ષાતપાસ થતી હોવા છતાં રોકેટના ટુકડાઓને સફળતાપૂર્વક શહેરમાં પહોંચાડવામાં આવ્યા.

ઇલેક્ટ્રૉનિક ઘટકોનું વિશ્લેષણ કરનારા વિજ્ઞાનીઓમાં ભૌતિકશાસ્ત્રી પ્રોફેસર જાનુશ ગ્રોશકોવ્સ્કી પણ હતા.

ગેસ્ટાપો તેમની યુનિવર્સિટીની પ્રયોગશાળાની તપાસ કરી શકે એવી આશંકાને કારણે રેઝિસ્ટન્‍સ મૂવમેન્‍ટે એમ ઠરાવ્યું કે તેમના કામ માટે ખાનગી ફ્લૅટ વધુ યોગ્ય રહેશે—એક અજાણ જર્મન અધિકારીનો ફ્લૅટ.

“સામાન ભરાઈ ગયા પછી વિમાન ઉડાન ભરી શક્યું નહીં”

1943-1944માં વી1 અને વી2 રૉકેટની લૉન્ચિંગ અને ટેસ્ટ એરિયા

ઇમેજ સ્રોત, Getty Images

રાત્રે તે અધિકારીની પોતાની સૂટકેસમાં ઇલેક્ટ્રૉનિક એકમોને સંતાડવામાં આવ્યા.

ગ્રોશકોવ્સ્કીએ બીબીસીને જણાવ્યું હતું કે, “હું ત્યાં પહોંચું એ પહેલાં આ સૂટકેસ અધિકારીઓના ઓરડામાંથી કાઢીને મારી તપાસ માટે ખાસ તૈયાર કરવામાં આવેલા ઓરડામાં મૂકી દેવામાં આવી હતી.”

એ નાનકડા ઓરડામાં તે કલાકો સુધી કામ કરતા રહ્યા. પેલો જર્મન અધિકારી અચાનક પાછો આવી જાય એવો ભય સતત તોળાતો રહેતો હતો.

જો કે, ગ્રોશકોવ્સ્કીએ જણાવ્યું હતું કે, “મારા રોકાણ દરમિયાન એવું કદી બન્યું નહીં.” રેઝિસ્ટન્સ મુવમેન્‍ટના એજન્ટો જર્મન અધિકારી પર નજર રાખી રહ્યા હતા. “નોકરે તેને ફોન પર પૂછ્યું કે તે રાત્રિભોજનમાં શું લેવા માગે છે… જેથી ખાતરી કરી શકાય કે તેઓ એ સમયે એરપોર્ટ પરની પોતાની ઑફિસમાં છે.”

ભૌતિકશાસ્ત્રીએ કહ્યું હતું. “પરંતુ દાખલા તરીકે, તે એમ કહે કે પોતે વહેલો આવવા તૈયાર છે, તો હું ગાયબ થઈ જાઉં.”

વૉર્સોમાં આ છળકપટ પછી એક અત્યંત ગુપ્ત અભિયાન દ્વારા આ પૂરજાને બહાર કાઢવામાં આવ્યા, જેને વાઇલ્ડહૉર્ન III (અથવા ઑપરેશન મોસ્ટ III) જેવું સાંકેતિક નામ આપવામાં આવ્યું હતું.

25 જુલાઈની રાત્રે આર.એ.એફ. નું ડાકોટા પરિવહન વિમાન પોલૅન્ડના વાલ-રુડા ગામ નજીકના એક વેરાન હવાઈમથક પર ઊતર્યું.

18 કલાક સુધી ઉડાન ભરી શકે એ માટે વિમાનમાં વધારાની ઈંધણ ટાંકીઓ લગાવવામાં આવી હતી.

આ હવાઈમથક એવા વિસ્તારમાં હતું, જે ચારે તરફથી જર્મન લશ્કરી ટુકડીઓ વડે ઘેરાયેલું હતું.

તેમાં V2ના મહત્ત્વના ટુકડા, ટેક્નિકલ નકશા અને વૈજ્ઞાનિક અહેવાલો ધરાવતી 19 સૂટકેસ ભરવાની હતી.

બીબીસી રેડિયો પર પ્રસારિત થયેલા ગુપ્ત સંકેતો દ્વારા આ અભિયાનની જાણ તેમને અગાઉથી કરી દેવામાં આવી હતી.

ડાકોટા મધરાત પછી ઊતર્યું ત્યારે નજીકનાં જંગલોમાં છુપાયેલા સશસ્ત્ર પ્રતિકારકર્તાઓ બહાર આવી ગયા. પણ સામાન ભરાઈ ગયા પછી વિમાન ઉડાન ભરી શક્યું નહીં; તેના પૈડાં કાદવમાં ફસાઈ ગયાં હતાં.

બબ્બે વખત બધો સામાન ઉતારવામાં આવ્યો. પૈડાંને પકડ મળે એ માટે તેમની નીચે ઘાસ અને લાકડાનાં પાટિયાં મૂકવાના પ્રયાસો કરવામાં આવ્યા.

કેટલાક પ્રતિકારકર્તાઓ તો પોતાના હાથ વડે પૈડાંની નીચેથી કાદવ હટાવી રહ્યા હતા.

એક તબક્કે મિશનના કમાન્ડરોને લાગ્યું કે મુસાફરોને ઉતારીને વિમાનને સળગાવી દેવું પડશે.

વિમાનના ક્રૂએ લેન્ડિંગ ગિયર પર પેટ્રોલ પણ છાંટ્યું. પણ આખરે વિમાન ઉડાન ભરવામાં સફળ રહ્યું.

V2ને હરાવવાનો એકમાત્ર ઉપાય

સાહસિક મિત્રરાષ્ટ્રોના આ હવાઈ અભિયાનને કારણે થર્ડ રાઇખનાં સૌથી ભયાનક શસ્ત્રોમાંનું એક, જર્મન સૈન્યની આંખમાં ધૂળ નાખીને નાઝી તાબા હેઠળના યુરોપમાંથી બહાર કાઢી શકાયું.

બીજા શબ્દોમાં કહીએ તો, જર્મન સૈન્યના નાક નીચે જ આ શસ્ત્રને ગુપ્ત રીતે યુરોપની બહાર પહોંચાડી દેવામાં આવ્યું. V2 રૉકેટના ભાગો 28 જુલાઈ, 1944ના રોજ સલામત રીતે લંડન પહોંચ્યા અને બ્રિટિશ ગુપ્તચર તંત્રે હિટલરના ‘ચમત્કારી શસ્ત્ર’નું વિશ્લેષણ શરૂ કર્યું.

‘સ્ટીલિંગ હીટલર્સ રોકેટ’ના ઇતિહાસકાર અને લેખક ગાય વૉલ્ટર્સ બીબીસીને જણાવે છે કે,”આખેઆખા રૉકેટને લઈ જવું બિનજરૂરી અને અશક્ય હતું—V2નું વજન આશરે 12.5 ટન અને લંબાઈ 14 મીટર (46 ફીટ) હતી—પણ પોલૅન્ડવાળાઓએ તેને ઝીણવટપૂર્વક છૂટું પાડ્યું, જેથી તેના તમામ જરૂરી ઘટકો બ્રિટન પરત જતી ઉડાનમાં સાથે લઈ જઈ શકાય.”

“આ ટુકડા અત્યંત મહત્ત્વપૂર્ણ હતા, કારણ કે પહેલી વાર બ્રિટિશ વિજ્ઞાનીઓના હાથમાં એવા ભાગ આવ્યા હતા, જે અગાઉની જેમ અડધાપડધા નષ્ટ થયેલા નહોતા.”

આ ગુપ્ત અભિયાનને કારણે એવા ભયાનક શસ્ત્ર વિશે મહત્ત્વની માહિતી મળી હતી કે જે છ અઠવાડિયાં કરતાં પણ ઓછા સમય પછી પહેલી વાર લંડન પર ત્રાટકવાનું હતું.

“રૉકેટમાં માર્ગદર્શન પ્રણાલી હતી કે નહીં, એની બ્રિટિશ લોકોને જાણ નહોતી. તેમાં માર્ગદર્શન પ્રણાલી હોત, તો તેને દૂરથી જામ કરવાનું કામ કરી શકાય અને આમ રૉકેટોને તેમના માર્ગથી ભટકાવી શકાય.”

“આ ચોરાયેલાં રૉકેટોના અભ્યાસમાંથી બ્રિટિશ લોકોને એ જાણવા મળ્યું કે રૉકેટમાં કોઈ માર્ગદર્શક પ્રણાલી જ નહોતી.”

“પરિણામે, બ્રિટિશ વિજ્ઞાનીઓને તેનો સામનો કરવા માટેની પ્રતિરોધક વ્યવસ્થાઓ વિકસાવવામાં લાગનારો ઘણો સમય બચી ગયો.તેથી V2ને હરાવવાનો એક માત્ર વાસ્તવિક ઊપાય યુદ્ધ જીતવાનો હતો.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS