Home તાજા સમાચાર gujrati હિમાલય ઝડપથી પીગળી રહ્યો છે, ભારતનું અર્થતંત્ર કેવી રીતે ‘જોખમમાં’ મુકાઈ રહ્યું...

હિમાલય ઝડપથી પીગળી રહ્યો છે, ભારતનું અર્થતંત્ર કેવી રીતે ‘જોખમમાં’ મુકાઈ રહ્યું છે?

7
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Nur Photo via Getty Images

નવા સંશોધન અનુસાર, હિમનદીઓ ઝડપથી પીગળી રહી છે, હિમનદી સરોવરો વધુ અસ્થિર બની રહ્યાં છે અને હિમાલયમાં દેખરેખની વ્યવસ્થા પણ અપૂરતી છે. આ બધું મળીને હિમાલયમાં જોખમ વધારી રહ્યું છે.

નેપાળ અને તિબેટમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર પછી આ તારણો પ્રકાશિત થયાં છે. આ પૂરથી 1,300થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને વ્યાપક વિનાશ થયો હતો. ઝડપથી બદલાતા હિમાલયના પર્યાવરણને કારણે વધી રહેલાં જોખમોને આ ઘટનાએ ઉજાગર કર્યા છે.

ગ્લોબલ કન્સલ્ટન્સી કંપની સિસ્ટમિકના અહેવાલ અનુસાર, હિમાલયની હિમનદીઓ હવે એક દાયકા પહેલાંની સરખામણીએ 65 ટકા વધુ ઝડપે બરફનો જથ્થો ગુમાવી રહી છે. આ અહેવાલ ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ઇનિશિયેટિવ સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં ઇન્ટરનૅશનલ સેન્ટર ફૉર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (આઈ.સી.આઈ.એમ.ઓ.ડી.) તથા જી. બી. પંત નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન ઍન્વાયર્નમેન્ટનું તકનીકી યોગદાન છે.

અહેવાલ અનુસાર, હિમાલય-કારાકોરમ વિસ્તારમાં અંદાજે 40,000 હિમનદીઓ છે, પરંતુ તેમાંથી માત્ર આશરે 21ની જ વિગતવાર અને સતત ધોરણે દેખરેખ રાખવામાં આવી રહી છે.

દેખરેખમાં રહેલી આ ખામી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે કુદરતી ભૂપૃષ્ઠ ઝડપથી બદલાઈ રહ્યું છે.

હિમનદીઓ પાછળ હટે ત્યારે તેમની જગ્યાએ એવાં સરોવરો બની શકે છે, જેનું કદ સતત વધી રહ્યું હોય અને જેને અસ્થિર ખડકો તથા બરફના થર રોકી રાખતા હોય. સાથે જ, તાપમાન વધવાથી પર્માફ્રોસ્ટ—એટલે કે કાયમ થીજી રહેલી જમીન—પણ અસ્થિર બની રહી છે અને પીગળી શકે છે. ઊંચા પર્વતીય ઢોળાવો પણ અસ્થિર બની રહ્યા છે, જેના કારણે એક પછી એક અનેક જોખમો સર્જાવાની શક્યતા વધી રહી છે, એમ અહેવાલમાં જણાવાયું છે.

ભારતમાં જોખમના પુરાવા

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ભારતમાં આ જોખમની વ્યાપકતા દર્શાવતા પુરાવા પહેલેથી જ છે.

અહેવાલ અનુસાર, ભારતના લગભગ 18 ટકા ભૂભાગમાં હિમાલય આવેલો છે, છતાં દેશની આશરે 35 ટકા આપત્તિઓ આ વિસ્તારમાં આવે છે.

જુલાઈમાં સરકારે સંસદને જણાવ્યું હતું કે ભારતીય હિમાલય વિસ્તારમાં ઊંચા જોખમવાળાં 189 સરોવરોનું 2025માં વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમાંથી 56 હિમનદી સરોવરોને ‘અત્યંત ઊંચા જોખમ’વાળાં તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે. સરકારે જણાવ્યું હતું કે સેન્ટ્રલ વૉટર કમિશન ભારતના હિમાલયના નદીના તટપ્રદેશોમાં 10 હેક્ટરથી મોટાં 2,485 હિમનદી સરોવરો પર દેખરેખ રાખે છે.

હિમનદી સરોવરો પોતાનાં કુદરતી બંધ તોડી નાખે ત્યારે શું થઈ શકે છે તેનાં વિનાશક ઉદાહરણો હિમાલયમાં અગાઉ પણ જોવા મળ્યાં છે.

પરંતુ જોખમ કેવળ વિનાશક પૂર પૂરતું મર્યાદિત નથી.

હિમાલય એક વિશાળ કુદરતી જળપ્રણાલી છે, જેમાંથી નીકળતી નદીઓ દક્ષિણ એશિયામાં કરોડો લોકોનાં જીવનનો આધાર છે. આઈ.સી.આઈ.એમ.ઓ.ડી. અનુસાર, હિંદુકુશ હિમાલયની મોટા ભાગની નદીઓની ખીણોમાં આ સદીના મધ્ય સુધીમાં હિમનદીઓમાંથી મળતા પાણીનો પ્રવાહ ટોચ પર પહોંચવાની ધારણા છે. એ પછી હિમનદીઓનો બરફનો જથ્થો ઘટતો જશે અને તેની સાથે પાણીના પ્રવાહમાં પણ ઘટાડો થવા લાગશે.

નવા સંશોધનમાં આ જળપ્રણાલી પર ભારતની નિર્ભરતાનું આર્થિક મૂલ્ય કેટલું મોટું છે તેનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

અહેવાલમાં અંદાજ મૂકવામાં આવ્યો છે કે હિમાલયનું પાણી ભારતના જીડીપીમાં આશરે 20 ટકા હિસ્સો ધરાવે છે અને ઘઉં, ચોખા, ચા, જળવિદ્યુત તથા તીર્થયાત્રા આધારિત અર્થતંત્રને ટકાવી રાખે છે. જોકે, અહેવાલ કહે છે કે આ મૂલ્યમાંથી પર્વતીય રાજ્યોને માત્ર આશરે 5 ટકા જ મળે છે.

લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સના ગ્રાન્થમ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑન ક્લાઇમેટ ચેન્જ ઍન્ડ ધ એન્વાયર્નમેન્ટના અધ્યક્ષ અને અર્થશાસ્ત્રી લૉર્ડ નિકોલસ સ્ટર્ને કહ્યું, “હિમાલય ત્રીજો ધ્રુવ છે. આર્કટિક કે ઍન્ટાર્કટિકાથી વિપરીત, હિમાલયની આસપાસના વિસ્તારમાં કરોડો લોકો વસે છે.”

‘ખતરનાક તબક્કા તરફ આગળ વધતો હિમાલય’

બીબીસી ગુજરાતી, ભારતીય હિમાલય

ઇમેજ સ્રોત, Corbis via Getty Images

તેમણે કહ્યું, “આ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માળખાગત સુવિધા છે.” તેમણે ચેતવણી આપી કે તેને આધાર આપતી પર્યાવરણ પ્રણાલી હવે એવી નાજુક સ્થિતિએ પહોંચી રહી છે, જ્યાં મોટા ફેરફારો થઈ શકે છે. હિમનદીઓના પીગળવા માટે જવાબદાર બધાં કારણો એવા નથી કે જેને આ પ્રદેશમાં નિયંત્રિત ન કરી શકાય.

સિસ્ટમિકના સંશોધન અનુસાર, હિમાલયની હિમનદીઓનો લગભગ એક તૃતીયાંશ બરફ પીગળવા પાછળ બ્લૅક કાર્બન જવાબદાર છે. તેનો મોટો હિસ્સો મેદાની વિસ્તારોની ઈંટની ભઠ્ઠીઓમાંથી આવે છે. બરફ અને હિમ પર જમા થતો કાળો કાર્બન સૂર્યપ્રકાશ વધુ પ્રમાણમાં શોષી લે છે અને પીગળવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

વિશ્વમાં થતા ગ્રીનહાઉસ ગૅસના ઉત્સર્જનથી વિપરીત, બ્લૅક કાર્બનનું પ્રદૂષણ એવું પરિબળ છે, જેને ભારત અને તેના પડોશી દેશો સીધી રીતે નિયંત્રિત કરી શકે છે, એમ અહેવાલમાં જણાવાયું છે.

સિસ્ટમિકનાં વરિષ્ઠ નિયામક અને અહેવાલનાં મુખ્ય લેખક અરુશી ચોપરાએ કહ્યું, “હિમાલય એક ખતરનાક તબક્કા તરફ આગળ વધી રહ્યો છે અને લાખો લોકોનાં જીવન તથા આજીવિકા જોખમમાં છે. એક દાયકા પહેલાંની સરખામણીએ હિમનદીઓ હવે વધુ ઝડપથી પીગળી રહી છે.”

અહેવાલમાં 10 મહત્ત્વનાં પગલાં સૂચવવામાં આવ્યાં છે. તેમાં બ્લૅક કાર્બનનું ઉત્સર્જન ઘટાડવું અને હિમનદીઓ પર દેખરેખ વધારવાનો સમાવેશ થાય છે. આપત્તિની વહેલી ચેતવણી આપતી વ્યવસ્થામાં સુધારો કરવાનું પણ સૂચવાયું છે. આ ઉપરાંત, પર્વતીય વિસ્તારોમાં પ્રવાસન વિકસાવવાની રીતમાં ફેરફાર કરવાની ભલામણ કરવામાં આવી છે.

આ પૈકીનું એક મહત્ત્વનું પગલું આપત્તિનો સામનો કરવા માટેની તૈયારી મજબૂત કરવાનું છે. જોખમ ઊભું થાય ત્યારે શું પગલાં લેવાં તે અંગે સરકારોએ અગાઉથી સંમતિ સાધવી જોઈએ. તેમાં લોકોને સ્થળાંતર કરાવવાથી લઈને જોખમવાળી માળખાગત સુવિધાઓનું રક્ષણ કરવા સુધીનાં પગલાંનો સમાવેશ થાય છે.

બીજી પ્રાથમિકતા પ્રવાસન અંગે ફેરવિચાર કરવાની છે. અહેવાલ અનુસાર, ભારતીય હિમાલય વિસ્તારમાં દર વર્ષે આશરે 40 કરોડ પ્રવાસીઓ આવે છે. સંશોધકોનું કહેવું છે કે કેવળ પ્રવાસીઓની સંખ્યા વધારવા પર જ ધ્યાન ન આપવું જોઈએ. પ્રવાસનથી સ્થાનિક સ્તરે વધુ આર્થિક લાભ થાય અને તે લાભ ફરી સ્થાનિક વિકાસમાં રોકી શકાય, તેના પર ધ્યાન આપવું જોઈએ.

આઈ.સી.આઈ.એમ.ઓ.ડી.ના મહાનિર્દેશક પેમા ગ્યામત્સોએ કહ્યું કે જોખમો વધુ ને વધુ જટિલ બની રહ્યાં છે.

તેમણે કહ્યું, “હિમનદીઓ પાછળ હટી રહી છે. પર્માફ્રોસ્ટ અને ઊંચા પર્વતીય ઢોળાવો પણ અસ્થિર બની રહ્યા છે. તેના કારણે નીચેના વિસ્તારોમાં રહેતા લોકો અને માળખાગત સુવિધાઓ સામે અનેક પ્રકારનાં જોખમો વધી રહ્યાં છે. અને આ જોખમો હિમાલયની એક દેશની સરહદથી બીજા દેશની સરહદ સુધી ફેલાઈ શકે છે.”

ગ્યામત્સોએ કહ્યું કે આવાં જોખમો “રાષ્ટ્રીય સરહદોને ગણતાં નથી અને કોઈ એક દેશ એકલે હાથે તેમનો સામનો કરી શકે નહીં.”

આથી સરહદ પાર પણ દેખરેખ રાખવી અને જોખમને લગતી માહિતી એકબીજા સાથે વહેંચવી જરૂરી છે. વહેલી ચેતવણી આપતી વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાની પણ જરૂર છે.

જોખમોનો સામનો કરવાની ક્ષમતા વધારવા માટે દેશોએ સાથે મળીને પગલાં લેવાં પણ હવે વધુ જરૂરી બન્યાં છે.

માત્ર લોકોના જીવ બચાવવા માટે જ નહીં, પરંતુ પર્વતો પર નિર્ભર કરોડો લોકોની આજીવિકા અને અર્થતંત્રને સુરક્ષિત રાખવા માટે પણ આ જરૂરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS