Source : BBC NEWS

બીબીસી ગુજરાતી નીરજ ચોપરા હિમાની મોર લગ્ન ભાલા ફેંક ઓલિમ્પિક્સ

ઇમેજ સ્રોત, @Neeraj_chopra1

ભારતમાં રમત જગતના સુપરસ્ટાર અને ઑલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા હિમાની મોર સાથે લગ્નનાં બંધનમાં બંધાઈ ગયાં છે.

તેમણે થોડા દિવસો પહેલાં એક ખાનગી સમારંભમાં ટેનિસ ખેલાડી હિમાની મોર સાથે લગ્ન કર્યાં.

નીરજે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શૅર કરીને પોતાના ચાહકોને આ માહિતી આપી હતી.

27 વર્ષીય ચોપરાએ 25 વર્ષનાં હિમાની સાથે લગ્નની જાહેરાત કરતી વખતે પોતાના સોશિયલ મીડિયા હૅંડલ પર લખ્યું છે કે, “મેં મારા પરિવાર સાથે મારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. અમને આ ક્ષણ સુધી પહોંચાડવા બદલ દરેકના આશીર્વાદ માટે હું આભારી છું.”

પેરિસ ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા પછી નીરજને સોશિયલ મીડિયા પર ‘મોસ્ટ ઍલિજિબલ બૅચલર’ તરીકે ઓળખાવવામાં આવતા હતા.

હિમાની મોર અને નીરજ ચોપરાનાં લગ્ન એકદમ સાદા સમારોહમાં થયાં હતાં અને મીડિયાને તેની ગંધ પણ આવી નહોતી.

બંને પરિવારો વચ્ચે જૂના સંબંધ

બીબીસી ગુજરાતી નીરજ ચોપરા હિમાની મોર લગ્ન ભાલા ફેંક ઓલિમ્પિક્સ

ઇમેજ સ્રોત, @Neeraj_chopra1

હિમાની મોર સોનીપતનાં છે અને ત્યાંની લિટલ ઍન્જલ સ્કૂલમાંથી શાળાનો અભ્યાસ કર્યો છે. લિટલ ઍન્જલ સ્કૂલે બીબીસીને જણાવ્યું કે આ સ્કૂલમાં હિમાનીએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો.

હિમાનીનાં માતા મીના મોર સોનીપતની આ જ શાળામાં ટેનિસના કોચ છે.

તેમનાં માતા મીના મોરે બીબીસીને જણાવ્યું કે “હિમાનીના પિતા પણ ખેલાડી હતા અને તેઓ કબડ્ડી રમતા હતા.”

હિમાનીના પિતા ચાંદ રામને પછી સ્ટેટ બૅન્કમાં નોકરી મળી ગઈ અને તાજેતરમાં તેઓ નિવૃત્ત થયા છે.

મીના મોરે બીબીસીને જણાવ્યું કે “નીરજ અને તેમના પરિવાર સાથે તેઓ લાંબા સમયથી સંપર્કમાં છે. બંને સ્પૉર્ટ્સ પરિવારમાંથી આવે છે અને તેમના વચ્ચે ઘણાં વર્ષોથી આવવા જવાનું રહ્યું છે.”

નીરજ ચોપરા અને હિમાની એકબીજાને વર્ષોથી ઓળખતાં હતાં.

હિમાની મોર એક પ્રૉફેશનલ ટેનિસ ખેલાડી રહ્યાં છે અને અત્યારે અમેરિકામાં માસ્ટર્સ ઇન સ્પૉર્ટ્સ મૅનેજમેન્ટનો અભ્યાસ કરે છે.

હિમાની બૉસ્ટનની એક યુનિવર્સિટીમાં રિક્રુટમેન્ટ ઑફિસર પણ છે.

મીના મોરે જણાવ્યું કે હિમાની બાળપણથી જ ટેનિસ રમતા રહ્યાં છે. તેઓ અંડર-14 ઉપરાંત અંડર-16 માટે પણ રમ્યાં છે.

લગ્ન પછી નીરજ અને હિમાની અમેરિકા જવા રવાના થઈ ગયાં છે. નીરજ આગામી દિવસોમાં કેટલીક સ્પર્ધાઓમાં ભાગ લેવાના છે.

હિમાનીનાં માતાએ જણાવ્યું કે સાદાઈથી લગ્ન કરવાનો નિર્ણય નીરજ અને હિમાનીનો જ હતો. નીરજને લાગતું હતું કે મોટા પાયે આયોજન કરવાથી તેમના ફોકસને અસર થઈ શકે છે. વધારે મહેમાનોને બોલાવ્યા હોત તો આયોજન પણ મોટું થઈ જાય તેમ હતું.

હિમાની હાલમાં અમેરિકામાં અભ્યાસ કરી રહ્યાં છે.

નીરજ ચોપરાના કાકા ભીમે સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યું કે લગ્ન ભારતમાં થયાં હતાં અને નવદંપતી હનીમૂન માટે રવાના થઈ ગયું છે.

ભીમે જણાવ્યું કે, “લગ્ન બે દિવસ અગાઉ થયાં હતાં. લગ્નસમારોહ ક્યાં થયો તે હું જણાવી શકું તેમ નથી.”

તેમણે કહ્યું કે, “કન્યા (હિમાની) સોનીપતનાં છે અને અમેરિકામાં અભ્યાસ કરે છે. તેઓ બંને હનીમૂન માટે વિદેશ ગયા છે અને ક્યાં ગયાં છે તેની મને ખબર નથી. અમે આ રીત-રિવાજોને યથાવત્ રાખવા માગીએ છીએ.”

હિમાની મોર કોણ છે?

બીબીસી ગુજરાતી નીરજ ચોપરા હિમાની મોર લગ્ન ભાલા ફેંક ઓલિમ્પિક્સ

ઇમેજ સ્રોત, @Neeraj_chopra1

ટૉક્યો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાનાં પત્ની હિમાની પણ રમતજગત સાથે સંકળાયેલાં છે. તેઓ ટેનિસ રમે છે.

સોનીપતના રહેવાસી હિમાની મોર હાલમાં અમેરિકામાં ભણી રહ્યાં છે.

ભણવા માટે વિદેશ જતા પહેલાં તેમણે દિલ્હી યુનિવર્સિટીના મિરિન્ડા હાઉસમાંથી પોલિટિકલ સાયન્સ અને શારીરિક શિક્ષણમાં બૅચલર્સ ડિગ્રી મેળવી હતી.

હિમાનીએ તેમણે 2018માં ઑલ ઇન્ડિયા ટેનિસ ઍસોસિયેશન(એઆઈટીએ) ઇવેન્ટ માટે રમવાનું શરૂ કર્યું હતું.

એઆઈટીએની વેબસાઈટ પ્રમાણે 2018માં હિમાનીનું કારકિર્દીમાં શ્રેષ્ઠ રેન્કિંગ સિંગલ્સમાં 42 અને ડબલ્સમાં 27 હતું.

હિમાનીના લિંક્ડઈન એકાઉન્ટ પ્રમાણે તેઓ રમત ક્ષેત્રે 14 વર્ષ કરતાં વધુ અનુભવ ધરાવે છે તથા સ્પૉર્ટ્સ મૅનેજમેન્ટ અને ઍડમિનિસ્ટ્રેશનમાં બે વર્ષનો અનુભવ છે.

તેમણે લખ્યું છે, “હું એક એવી લીડર છું જે રમતગમતને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા માટે કામ કરે છે. હું માનું છું કે સ્પૉર્ટ્સ એ સરહદના બંધનો, રંગના સીમાડા કે ભૌતિક ઓળખ કરતા પણ આગળ હોય છે. તે વિવિધતા અને સમાવેશિતાને પ્રોત્સાહન આપી શકે છે અને સશક્તિકરણની સંસ્કૃતિને આગળ વધારી શકે છે.”

હિમાનીએ વધુમાં લખ્યું છે કે ઍમ્હર્સ્ટ કૉલેજ ખાતે ગ્રેજ્યુએટ આસિસ્ટન્ટ તરીકે કૉલેજની મહિલા ટેનિસ ટીમનું મૅનેજમેન્ટ કરે છે.

આ ભૂમિકામાં તેઓ મહિલા ટીમની તાલીમ, શિડ્યુલિંગ, ભરતી અને બજેટ પર દેખરેખ રાખે છે.

હિમાની આગળ લખે છે કે, “આ ઉપરાંત હું મૅક્કોર્મેક ઇસેનબર્ગ સ્કૂલ ઑફ મૅનેજમેન્ટમાંથી આ ક્ષેત્રમાં એમએસ કરું છું. હું કૉમ્યુનિકેશન અને ટીમ પ્રેરણામાં ઉત્કૃષ્ટ કાર્ય કરું છું, તથા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ માટે એક સકારાત્મક અને આકર્ષક શિક્ષણનો માહોલ બનાવવા માટે પ્રતિબદ્ધ છું.”

તેઓ કહે છે, “મારું લક્ષ્ય પોતાના કૌશલ્ય અને જ્ઞાનની સાથે સ્પૉર્ટ્સ મૅનેજમેન્ટ અને વહીવટના ક્ષેત્રમાં આગળ વધવાનું છે, આ રીતે હું રમતજગતના વિકાસ અને સફળતામાં યોગદાન આપવા માગું છું.”

નીરજ ચોપરા હરિયાણાના પાનીપતના રહેવાસી

બીબીસી ગુજરાતી નીરજ ચોપરા હિમાની મોર લગ્ન ભાલા ફેંક ઓલિમ્પિક્સ

ઇમેજ સ્રોત, REUTERS/ALEKSANDRA SZMIGIEL

નીરજ પાનીપતના ખંડરા ગામના રહેવાસી છે અને બાળપણમાં તેમનું વજન લગભગ 80 કિલો હતું.

નીરજ જ્યારે કુર્તો પાયજામો પહેરીને ગામમાં નીકળતા ત્યારે લોકો તેમને સરપંચ કહીને બોલાવતા હતા.

પોતાને તંદુરસ્ત રાખવા માટે નીરજે પાનીપતના સ્ટેડિયમમાં જવાનું શરૂ કર્યું અને બીજા લોકોની સલાહ પછી ભાલાફેંક પર હાથ અજમાવ્યો.

ત્યાર પછી જે થયું તે ઇતિહાસ છે. નીરજે ક્યારેય પાછું વળીને જોયું નથી અને આ સફરમાં તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહ્યા છે.

વધુ સારી સુવિધાઓ મેળવવા માટે નીરજ પંચકુલા ગયા જ્યાં પહેલી વખત તેમનો સામનો રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ સાથે થયો.

અહીં તેમને વધુ સારી સુવિધાઓ મળવા લાગી.

નીરજે જ્યારે રાષ્ટ્રીય સ્તર પર રમવાનું શરૂ કર્યું ત્યારે તેમને સારી ગુણવત્તાના ભાલા મળવા લાગ્યા. હવે નીરજની રમત ધીમે-ધીમે બદલાઈ રહી હતી અને તેમનામાં સુધારો આવી રહ્યો હતો.

2016માં ભારત જ્યારે પી.વી. સિંધુ અને સાક્ષી મલિકના મેડલની ઉજવણી કરતું હતું ત્યારે ઍથ્લીટ્સની દુનિયામાં એક નવા સિતારાનો ઉદય થઈ રહ્યો હતો.

તે જ વર્ષે નીરજે પૉલૅન્ડમાં અંડર 20 વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. થોડા જ સમયમાં આ યુવાન ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની ઓળખ બનાવવાનું શરૂ કરી દીધું.

ત્યાર પછી 2018માં એશિયન ગેમ્સમાં તેમણે 88.07 મીટર ભાલો ફેંકીને નૅશનલ રેકૉર્ડ બનાવ્યો અને ગોલ્ડ મેડલ પણ જીત્યો.

પરંતુ 2019નું વર્ષ નીરજ માટે મુશ્કેલીભર્યું રહ્યું. ખભાની ઈજાના કારણે તેઓ રમી શકે તેમ ન હતા અને સર્જરી પછી કેટલાય મહિનાઓ સુધી તેઓ ફિલ્ડ પર ઉતરી ન શક્યા.

2020માં કોવિડના કારણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ યોજાઈ શકી ન હતી.

બબ્બુ માનના ગીતોના શોખીન

બીબીસી ગુજરાતી નીરજ ચોપરા હિમાની મોર લગ્ન ભાલા ફેંક ઓલિમ્પિક્સ

ઇમેજ સ્રોત, Getty Images

ભાલો અથવા જેવલિન એ નીરજ માટે એક ઝનૂન સમાન છે. પરંતુ તેમને બાઇક ચલાવવાનું પણ ગમે છે. આ ઉપરાંત તેઓ હરિયાણવી ગીતોના શોખીન છે.

પંજાબી ગીતો અને બબ્બૂ માન હંમેશા તેમના પ્લે-લિસ્ટમાં હોય છે.

આમ તો ખેલાડીઓ પોતાના આહારની બહુ કાળજી રાખતા હોય છે, પરંતુ નીરજને પાણીપુરી ખાવી બહુ પસંદ છે.

પોતાના લાંબા વાળના કારણે સોશિયલ મીડિયા પર લોકો તેમને મોગલી કહીને બોલાવે છે. તેઓ લાંબા વાળ ઉપરાંત પોતાની ચપળતા અને સ્માર્ટનેસ માટે પણ લોકપ્રિય છે.

પોતાની ચપળતાના કારણે જ તેઓ વર્લ્ડ ચૅમ્પિયન પણ બની ગયા છે.

નીરજે ભાલાફેંકમાં મેળવેલી સફળતાના કારણે ભારતમાં 7 ઑગસ્ટને ‘નૅશનલ જેવલિન ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તેમણે ટૉક્યો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS