Home તાજા સમાચાર gujrati ‘હું ઇચ્છું છું કે મારો હવે પછીનો જનમ પણ ગે હોય, કારણ...

‘હું ઇચ્છું છું કે મારો હવે પછીનો જનમ પણ ગે હોય, કારણ કે…’, LGBTQ+ સમુદાયના લોકો ઘડપણમાં કઈ સમસ્યાઓનો સામનો કરે છે?

4
0

Source : BBC NEWS

એલજીબીટીક્યૂ, સમલૈંગિકતા, બીબીસી, મુંબઈ, પ્રાઈડ, સીનેજર્સ 'હું ઇચ્છું છું કે મારો હવે પછીનો જનમ પણ ગે હોય, કારણકે....', LGBTQ+ સમુદાયના લોકો વૃદ્ધત્વ અંગે શું વિચારે છે? ગે લેસ્બિયન બીબીસી ગુજરાત ગુજરાતી ન્યૂઝ સમાચાર

ઇમેજ સ્રોત, BBC/PuneetKumar

“મુંબઈમાં અત્યારે કશિશ પ્રાઇડ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. કોઈ મને નીચે સુધી લઈ જાત, તો હું થોડું ઘણું ફરી લેત. આજે ત્યાંના લોકોની તસવીરો જોઈને મારું મન ભરાઈ આવ્યું. કોઈને પણ એવું ન લાગ્યું કે મને પણ સાથે લઈ જવો જોઈએ.”

મુંબઈમાં રહેતા 65 વર્ષીય ધવલ (બદલેલું નામ) આટલી વાત કરતા ખૂબ ભાવુક થઈ ગયા.

તેમણે કહ્યું કે, “હવે આ જ મારા જીવનની હકીકત છે અને મેં સ્વીકારી લીધી છે,” અને પછી તેમણે વાત બદલી નાખી.

2022માં બ્રેન સ્ટ્રોક આવ્યા પછી ધવલનું આખું જીવન બદલાઈ ગયું. પહેલાં તેમનું જીવન હંમેશાં લોકોથી ઘેરાયેલું રહેતું હતું, પરંતુ હવે ચાર દીવાલોની વચ્ચે સીમિત થઈ ગયું છે.

ઘણા લોકોના નસીબમાં ઢળતી ઉંમરે એકલવાયું જીવન આવે છે. ખાસ કરીને બાળકો પોતાનાં જીવનમાં વ્યસ્ત થઈ જાય કે પતિ-પત્નીમાંથી કોઈ એકનું અવસાન થઈ જાય ત્યારે. આપણી આસપાસ આવું એકલવાયું જીવન જીવતાં અનેક લોકો જોવા મળે છે.

પરંતુ ક્વિયર સમુદાય (ગે, લેસ્બિયન, બાયૉસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર)ના લોકોની વૃદ્ધાવસ્થાની કહાણી કંઈક અલગ જ હોય છે.

ઘણી વાર તેમની પાસે ન તો કોઈ જીવનસાથી હોય છે, ન તો આવકનું કોઈ સ્થિર સાધન. આવી સ્થિતિમાં ઢળતી ઉંમરે તેમને માત્ર એકલતાનો જ નહીં, પરંતુ રોજિંદું ગુજરાન ચલાવવા માટે નાનાં-મોટાં કામ કરતાં કરતાં ઘણો સંઘર્ષ પણ કરવો પડે છે.

ધવલ પોતાનું ઘર ચલાવવા માટે સાજસજ્જાની વસ્તુઓ બનાવીને વેચે છે, પરંતુ આ વસ્તુઓની માંગ મોટાભાગે તહેવારોના સમયમાં જ રહે છે.

આ લેખ માટે જ્યારે હું ધવલને મળવા ગયો, ત્યારે એક 65 વર્ષીના વૃદ્ધે દરવાજો ખોલ્યો.

મેં પૂછ્યું, “શું તમે જ ધવલ છો?”

તેમણે માથું હલાવીને હા પાડી.

બ્રેન સ્ટ્રોકને કારણે તેમનું શરીર ઘણું નબળું પડી ગયું હતું. વાળ સફેદ થઈ ગયા હતા અને ચાલવા-ફરવામાં પણ તકલીફ પડી રહી હતી. ધવલે મને બેસવા માટે ખુરશી આપી અને પછી અમારી વાતચીત શરૂ થઈ.

ક્વિયર સમુદાયના વૃદ્ધો એકલતા સામે ઝઝૂમી રહ્યા છે

એલજીબીટીક્યૂ, સમલૈંગિકતા, બીબીસી, મુંબઈ, પ્રાઈડ, સીનેજર્સ

ઇમેજ સ્રોત, Getty Images

મુંબઈના ભીડભાડવાળા ભુલેશ્વર વિસ્તારમાં આવેલી એક જૂની ઇમારતની દસ બાય દસની નાનકડી ઓરડીમાં તેઓ રહે છે. વર્ષ 2000માં તેમની માતાના અવસાન પછીથી તેઓ એકલા જ રહે છે.

મેં તેમને પૂછ્યું, “શું ત્યાર પછી તમારા જીવનમાં કોઈ આવ્યું જ નહોતું?”

તેમણે જવાબ આપ્યો, “આવ્યું હતું.”

તેમણે જણાવ્યું, “જ્યારે હું કિશોરાવસ્થામાં હતો, ત્યારે મને 21 વર્ષના એક યુવક સાથે પ્રેમ થયો હતો. તે રોજ મારા ઘરે આવતો હતો. અમે લગભગ દસ વર્ષ સુધી સાથે રહ્યા. પરંતુ પછી તેણે એક યુવતી સાથે લગ્ન કરી લીધાં અને કામ માટે વિદેશ ચાલ્યો ગયો. ત્યારથી હું એકલો જ છું.”

મેં પૂછ્યું, “પછી શું તેણે ફરી ક્યારેય તમારો સંપર્ક ન કર્યો?”

આના જવાબમાં ધવલે કહ્યું, “કર્યો હતો. વિદેશથી પાછા ફર્યા પછી તેણે મારો સંપર્ક કર્યો. હવે તેનાં બાળકો પગભર થઈ ગયાં છે. તેથી તે એકલતા અનુભવવા લાગ્યો છે. આ કારણે તેણે એ જાણવા માટે મારો સંપર્ક કર્યો હતો કે શું તે ફરીથી મારા જીવનમાં પાછો આવી શકે. પરંતુ મેં ના પાડી દીધી.”

“આ ઉંમરે હવે હું કોઈ બીજા વ્યક્તિની જવાબદારી લેવા માંગતો નથી. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આટલો બીમાર પડી જઈશ અને ચાર દીવાલોની વચ્ચે સીમિત થઈ જઈશ.”

આવું કહેતી વખતે ધવલના મુખ પર દુઃખ, એકલતા અને પોતાના જ લોકો તરફથી મળેલા અવિશ્વાસની છાપ સ્પષ્ટ દેખાઈ રહી હતી.

આ લેખના સંદર્ભમાં જ્યારે હું તેમને મળવા ગયો, ત્યારે તેમણે કહ્યું કે ઘણા દિવસો પછી કોઈ તેમને મળવા આવ્યું છે.

દરરોજ આવતાં રસોઇયા અને કામવાળી બહેનને બાદ કરીએ, તો ઘણી વખત અનેક દિવસો સુધી તેમની કોઈની સાથે રૂબરૂ વાતચીત પણ થતી નથી.

બહેન, તેમના પતિ અને ભાણેજ સિવાય તેમને મળવા બહુ ઓછા લોકો આવે છે.

ધવલે પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું, “મેં ક્વિયર સમુદાયના ઘણા લોકોની મદદ કરી છે, પરંતુ આજે જ્યારે મારે મદદની જરૂર પડી ત્યારે બધાએ મોં ફેરવી લીધું.”

વર્ષ 2024માં સંગત દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં સામે આવ્યું હતું કે એલજીબીટિક્યૂઆઈએ+ સમુદાયના લોકોને ઢળતી ઉંમરે એકલતાનો ભય સતત સતાવતો રહે છે.

ઉંમર વધવાની સાથે આરોગ્ય અને રોજિંદા કામકાજ માટે બીજા લોકો પર નિર્ભર થવું પડશે, એ વાતની ચિંતા તેમને રહેતી હોય છે.

અભ્યાસમાં એવું પણ જણાવાયું છે કે આવા લોકો માટે મિત્રો જ સૌથી મોટો ભાવનાત્મક, સામાજિક અને જરૂર પડે ત્યારે સારસંભાળનો આધાર બને છે.

આ અભ્યાસ માટે સંગતે ભારતમાં 50 કરતાં વધારે વર્ષનાં 20 ક્વિયર લોકોના ઇન્ટરવ્યૂ લીધા હતા.

2020માં ભારતમાં મધ્યવયી અને વૃદ્ધ સમલૈંગિક પુરુષોના માનસિક આરોગ્ય અંગે કરવામાં આવેલા એક અભ્યાસમાં પણ એકલતાની સમસ્યાની ગંભીરતા સામે આવી હતી.

40 કરતાં વધારે આયુ ધરાવતાં 200થી વધુ સહભાગીઓમાંથી 60 ટકાથી વધુ લોકોએ જણાવ્યું હતું કે તેઓ એકલતા અનુભવી રહ્યા છે.

મનોચિકિત્સક નિલેશ મોહિતનું કહેવું છે કે, “જો તમે ક્વિયર હો, તો તમારા માટે શારીરિક અને માનસિક તંદુરસ્તી ખૂબ મહત્ત્વની છે.”

સુશીલ અને પીયૂષ છેલ્લાં 30 વર્ષથી સાથે રહે છે. બંનેની ઉંમર 61 વર્ષની છે અને બંને દરરોજ જિમમાં જાય છે.

વાતચીત દરમિયાન સુશીલે કહ્યું, “ગમે તે થાય, મારે અને પીયૂષે અંત સુધી તંદુરસ્ત રહેવું જ પડશે. અમે કોઈ પણ સંજોગોમાં વ્યાયામ નથી છોડતા.”

જ્યારે મેં તેમને પૂછ્યું, “એવું શા માટે?”, ત્યારે તેમણે પોતાનો એક અનુભવ જણાવ્યો.

તેમણે કહ્યું, “કોરોના મહામારી દરમિયાન પીયૂષને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. હું તેને તરત જ હૉસ્પિટલ લઈ ગયો.”

“તમામ દસ્તાવેજો પર મેં મિત્ર તરીકે સહી કરી. પરંતુ કેટલીક તપાસ માટે હૉસ્પિટલનો સ્ટાફ માત્ર લોહીના સંબંધ ધરાવતાં સગાંની જ મંજૂરી ઇચ્છતો હતો.”

“મેં તેમને જણાવ્યું કે અમે સાથે રહીએ છીએ, છતાં સ્ટાફ સગાંની મંજૂરી મેળવવાની વાત પર અડગ રહ્યો.”

તેમણે જણાવ્યું, “સ્ટાફે મને છેક ત્યાં સુધી પૂછ્યું હતું કે શું તેમનાં કોઈ સગાં નથી? શું તેઓ અનાથ છે? તેમનું આવું વર્તન જોઈને હું અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયો હતો.”

કેટલું મુશ્કેલ હોય છે ક્વિયર લોકોનું જીવન?

એલજીબીટીક્યૂ, સમલૈંગિકતા, બીબીસી, મુંબઈ, પ્રાઈડ, સીનેજર્સ

ઇમેજ સ્રોત, BBC/PuneetKumar

સુશીલ નથી ઇચ્છતા કે તેમને ફરી ક્યારેય આવો અનુભવ થાય. આ જ કારણે તેઓ તંદુરસ્ત રહેવા માટે જિમમાં જાય છે, સ્વિમિંગ કરે છે, ટેબલ ટેનિસ રમે છે અને નૃત્ય પણ કરે છે.

છતાં પીયૂષને બીજી એક ચિંતા સતાવે છે.

તેઓ કહે છે, “અમારા સંબંધને કોઈ કાનૂની માન્યતા મળી નથી. આટલાં વર્ષોથી સાથે રહેતા હોવા છતાં અમે હૉસ્પિટલમાં એકબીજા માટે કોઈ મોટો નિર્ણય લઈ શકતા નથી. જો અમારામાંથી કોઈ ગંભીર રીતે બીમાર પડી જાય અને કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાની સ્થિતિ ઊભી થાય, તો એ નિર્ણય અમે લઈ શકીશું નહીં.”

“એ જ રીતે, સામાન્ય લગ્નજીવન જીવતાં દંપતીમાં એક વ્યક્તિના અવસાન પછી બીજી વ્યક્તિને મિલકત અને અન્ય અધિકારો આપોઆપ મળી જાય છે. પરંતુ અમારે તો એકબીજાનું જીવન સરળ બને એ માટે વસિયતનામું લખવું પડે. અને જો તેના પર પણ કોઈ વાંધો ઉઠાવે તો આ ઉંમરે કોર્ટ-કચેરીના ધક્કા પણ ખાવા પડે.”

તેમણે આગળ જણાવ્યું, “જો અમારા પરિવારજનો અથવા લોહીના સંબંધીઓ મિલકત અને વારસાના અધિકારોને લઈને અમારા અવસાન પછી મુશ્કેલીઓ ઊભી કરવા ઇચ્છે, તો તેઓ એવું કરી શકે છે.”

આ વાત સમજાવવા માટે પીયૂષે પોતાના એક મિત્રનું ઉદાહરણ આપ્યું.

તેમણે જણાવ્યું, “અમારા બે ક્વિયર મિત્રોએ મળીને એક વ્યવસાય શરૂ કર્યો હતો. પરંતુ કમનસીબે તેમાંથી એકનું અવસાન થઈ ગયું. હવે બીજા સાથીએ પોતાના અધિકારો માટે લડવું પડે છે. આ લડતથી તે ખૂબ થાકી ગયો છે. તેને જે માનસિક તણાવ અને દુઃખમાંથી પસાર થવું પડ્યું, તેની તો કલ્પના પણ મુશ્કેલ છે.”

જોકે પીયૂષનું માનવું છે કે ક્વિયર લોકોએ આર્થિક રીતે મજબૂત થવું અત્યંત જરૂરી છે. તેનાથી કમ સે કમ જીવવામાં એક આધાર તો મળી રહે.

‘જો સમયસર લગ્ન કર્યાં હોત, તો આજે આટલો એકલો ન હોત’

એલજીબીટીક્યૂ, સમલૈંગિકતા, બીબીસી, મુંબઈ, પ્રાઈડ, સીનેજર્સ

ઇમેજ સ્રોત, Getty Images

55 વર્ષીય રવિ (બદલેલું નામ) કહે છે કે, “આખું જીવન અમે સ્વીકારભાવ મેળવવા અને સંબંધોની શોધમાં પસાર કરીએ છીએ. અંતે એ જ લોકો કામ આવશે એવું માનીને ઘણી વખત સગાં-સંબંધીઓ પર પૈસા પણ ખર્ચીએ છીએ. પોતાના લોકો પર ખર્ચ કરવો જોઈએ, પરંતુ સાથે સાથે એ પણ વિચારવું જોઈએ કે વૃદ્ધાવસ્થામાં કોઈ સાથે ન રહ્યું તો શું થશે. તેથી યોગ્ય રોકાણ કરી રાખવું પણ ખૂબ જ જરૂરી છે.”

રવિનો ઇન્ટિરિયર ડિઝાઇનનો નાનો વ્યવસાય છે. અંધેરીમાં આવેલા એક નાનકડા ઘરમાં રહેતા રવિ મોટાભાગે પોતાના મિત્રોથી ઘેરાયેલા રહે છે. રસપ્રદ વાત એ છે કે તેમના મોટા ભાગના મિત્રો તેમની ઉંમર કરતાં લગભગ અડધી ઉંમરના છે.

જ્યારે મેં પૂછ્યું, “તમારા મોટા ભાગના મિત્રો તમારી ઉંમર કરતાં અડધી ઉંમરના શા માટે છે?”

જવાબમાં તેમણે કહ્યું, “મારી ઉંમરના લગભગ બધા જ મિત્રોનાં લગ્ન થઈ ગયાં છે. તેઓ પોતાનાં જીવન અને બાળકોમાં વ્યસ્ત છે. હું એકલો છું.”

“મારી પાસે ઘણો સમય હોય છે અને યુવાન છોકરાઓ પાસે પણ સમય હોય છે. ઉપરાંત, જેન-ઝી પેઢીના યુવાઓને કોઈ ક્વિયર મિત્ર સાથે હરવા-ફરવામાં સંકોચ કે શરમ નથી લાગતા.”

સુશીલ અને પીયૂષે પણ જણાવ્યું કે તેમની મોટાભાગનું મિત્રવર્તુળ યુવાન લોકો જ છે.

રવિ કહે છે કે જ્યારે પણ તેમને કોઈ મદદની જરૂર પડે, ત્યારે આ યુવાન મિત્રો તરત હાજર થઈ જાય છે.

છતાં રવિને સાઠ વર્ષની ઉંમર પછી એકલા પડી જવાનો ભય સતત સતાવે છે. તેઓ અત્યારથી જ પૈસા બચાવી રહ્યા છે, જેથી સાઠ વર્ષની ઉંમર પછી પોતાના ગામ રત્નાગિરિ જઈને રહી શકે.

રવિ કહે છે કે, “ક્યારેક એવું લાગે છે કે જો સમયસર લગ્ન કરી લીધાં હોત, તો આજે આટલો એકલો ન હોત. વૃદ્ધાવસ્થાની પણ આટલી ચિંતા ન રહેત.”

‘સિનએજર્સ’ નામની સંસ્થા કેવી રીતે મદદ કરી રહી છે?

એલજીબીટીક્યૂ, સમલૈંગિકતા, બીબીસી, મુંબઈ, પ્રાઈડ, સીનેજર્સ

ઇમેજ સ્રોત, Getty Images

આ જ ચિંતાને કારણે પીયૂષના એક મિત્રે, એક યુવક સાથેનો તેમનો સંબંધ સફળ ન રહ્યા બાદ, 40 વર્ષની ઉંમરે એક મહિલા સાથે લગ્ન કરી લીધાં હતાં.

વર્ષ 2018માં સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક સંબંધોને ગુનાની શ્રેણીમાંથી બહાર ગણાવ્યા હતા. 2020માં કરવામાં આવેલા એક ઑનલાઇન સર્વેક્ષણમાં 10 લાખથી વધુ ક્વિયર લોકોએ ભાગ લીધો હતો.

આ સર્વેક્ષણમાં ભાગ લેનાર લોકોમાંથી 40 ટકા લોકોની ઉંમર 45 વર્ષથી વધુ હતી અને તેમાંના લગભગ 30 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમણે મહિલાઓ સાથે લગ્ન કર્યાં છે.

65 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા અને જીવનના અનેક અનુભવોમાંથી પસાર થયેલા સુશીલે વાતચીતના અંતે કહ્યું કે, “મારી તો ભગવાનને એટલી જ પ્રાર્થના છે કે આવતા જન્મમાં પણ મને ‘ગે’ જ બનાવજો. કારણ કે મારા સમુદાયના લોકો માટે મારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે.”

મુંબઈના પ્રસાદ ડાંડેકર અને અશોક રો કવીએ સાથે મળીને 50 વર્ષથી વધુ ઉંમરના ક્વિયર પુરુષો માટે ‘સિનએજર્સ’ નામનો એક સમૂહ શરૂ કર્યો છે. આ સમૂહના સભ્યો એકબીજાની મદદ કરે છે અને મહિને એક વાર મધ્યાહ્મ ભોજન, રાત્રિભોજન, ફિલ્મ કે પિકનિક માટે મળે છે. સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરે છે.

શૈલેશ ઠાકુર આ જ સમૂહના સભ્ય છે.

તેમણે જણાવ્યું કે, “અમે સમયાંતરે મળતા રહીએ છીએ અને એકબીજાની મદદ પણ કરતા રહીએ છીએ. પરંતુ મુંબઈની ભૌગોલિક પરિસ્થિતિઓને જોતાં અમે હજુ સુધી ‘મોટી સિસ્ટમ’ સંપૂર્ણ રીતે અમલમાં મૂકી શક્યા નથી.”

“‘મોટી સિસ્ટમ’નો અર્થ એ છે કે દરેક વૃદ્ધ અને એકલા રહેતા વ્યક્તિને તેના પોતાના વિસ્તારમાં જ એવો કોઈ સાથી મળી રહે, જે જરૂર પડે ત્યારે તરત મદદ કરવા પહોંચી જાય. આ દિશામાં અમારું કામ ચાલુ છે.”

“સારસંભાળ અને સહયોગની વ્યવસ્થા કઈ રીતે વધારે સારી કરી શકાય તે બાબતે પણ અમે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છીએ. જોકે, જ્યારે પણ કોઈ સભ્યને મદદની જરૂર પડે, ત્યારે અમે ખડે પગે રહીએ છીએ.”

‘સિનએજર્સ’ સમૂહમાં હાલમાં 150થી વધુ સભ્યો છે, જે ભારતના વિવિધ ભાગોમાં રહે છે.

પરંતુ આ વાર્તા મુખ્યત્વે શહેરી જીવનની છે. જો કોઈ ક્વિયર વ્યક્તિ કોઈ નાના ગામ કે નગરમાં રહેતી હોય અને જન્મથી સ્ત્રી હોય, તો તેની સ્થિતિ ઘણી અલગ હોઈ શકે છે.

60 વર્ષ વટાવી ચૂકેલાં સોનુ (બદલેલું નામ) જણાવે છે કે તેમનાં સગાં-સંબંધીઓ આજે પણ તેમના પર લગ્ન માટે દબાણ કરી રહ્યાં છે.

“મારા સગાં-સંબંધીઓ આજે પણ મને કહે છે કે લગ્ન કરી લો, એકલા જીવન જીવવું મુશ્કેલ છે. તેના જવાબમાં હું કહું છું કે જીવન સહેલું કે મુશ્કેલ, ઉપરવાળો નક્કી કરે છે. લગ્ન એ કોઈ અનિવાર્ય બાબત નથી.”

સોનુ રાજસ્થાનના એક નાના ગામમાં પોતાના નાના ભાઈ સાથે રહે છે.

એક તો સ્ત્રી હોવું, અને વળી મુસ્લિમ પરિવારમાં જન્મ, અને પુરુષો જેવા કપડાં પહેરવાં તથા એ જ રીતે રહેવું. આ બધાં કારણોને લીધે ગામના લોકો તેમની મજાક ઉડાવતા રહેતાં હતાં.

લોકો કહેતા, “આ છોકરી નથી, છોકરો છે. છોકરાઓ જેવા વાળ રાખે છે. બુરખો પણ પહેરતી નથી.”

પરંતુ હવે ગામના લોકોએ પણ તેમને સ્વીકારી લીધાં છે.

બી.એ. સુધી અભ્યાસ કરનાર સોનુએ શરૂઆતમાં એક કંપનીમાં નોકરી કરી હતી. હવે તેઓ પાર્ટ-ટાઇમ ડ્રાઇવર તરીકે કામ કરે છે.

સોનુ કહે છે, “ઉંમર વધતી જાય તેમ એકલતા અનુભવાય છે. પરંતુ હવે હું આ વિશે વધારે વિચારતી નથી. મારા મોટા ભાઈ અને તેમનાં બાળકો મારા ઘરની નજીક જ રહે છે. લગભગ આખો પરિવાર મારી આસપાસ જ છે. તેમને બધાને મારા વિશે ખબર છે અને તેમણે મને સ્વીકારી લીધી છે. તેથી જ્યારે પણ જરૂર પડે, ત્યારે તેઓ મારી ખૂબ મદદ કરે છે.”

સોનુ જણાવે છે કે તેમને આઠમા ધોરણથી જ છોકરીઓ ગમતી હતી. તે સમયે તેમની એક ગર્લફ્રૅન્ડ પણ હતી. સાથે જ, તેમના પરિવારે પણ શરૂઆતથી જ તેમને સ્વીકારી લીધાં હતાં.

તેઓ કહે છે કે, “મારાં માતાપિતા સરકારી નોકરી કરતાં હતાં. મારી માતા નર્સ હતાં. તેમને શરૂઆતથી જ મારા વિશે ખબર હતી. તેમણે મને ક્યારેય રોકી નહોતી. હું મારી ઇચ્છા મુજબ પુરુષોનાં કપડાં પહેરતી હતી. મેં હંમેશાં નિઃસંકોચપણે મારું જીવન વિતાવ્યું છે. મારા પરિવારે હંમેશાં મારો સાથ આપ્યો છે.”

કદાચ આ જ સહયોગને કારણે જ સોનુ પોતાનું જીવન પોતાની રીતે જીવ્યાં અને આજે પણ જીવી રહ્યાં છે.

ધવલ, સોનુ, રવિ, સુશીલ અને પીયૂષ તો માત્ર થોડાં ઉદાહરણો છે. ક્વિયર સમુદાયના ઘણા વૃદ્ધો આજે પણ છુપાઈને અથવા બેધારું જીવન જીવવા મજબૂર છે.

વધતી ઉંમર સાથે આવતી મુશ્કેલીઓ દરેકના જીવનનો એક ભાગ છે. તેમાંથી કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણપણે બચી શકતી નથી. પરંતુ ક્વિયર લોકો માટે આ પડકારો વધુ જટિલ અને વધુ કઠિન રીતે સામે આવે છે.

‘સિનએજર્સ’ જેવા કેટલાક પ્રયાસો ચોક્કસપણે શરૂ થયા છે, પરંતુ તેમની જરૂરિયાત કેટલી મોટી છે, તે ત્યારે જ સાચા અર્થમાં સમજાઈ શકે જ્યારે આ સમુદાયના વૃદ્ધ લોકોની વાસ્તવિક સંખ્યા અને તેમની પરિસ્થિતિઓ અંગે વ્યાપક અભ્યાસ થાય.

કેટલીક સંસ્થાઓ અને વ્યક્તિઓ આ દિશામાં સંશોધન કરીને પોતાનું યોગદાન આપી રહ્યાં છે, પરંતુ હજુ પણ ઘણું કામ થવાનું બાકી છે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS