Home તાજા સમાચાર gujrati અર્નબ વાવાઝોડું : બંગાળની ખાડીમાં સર્જાયું ભયાનક વાવાઝોડું, દરિયાકિનારે ત્રાટકશે ત્યારે શું...

અર્નબ વાવાઝોડું : બંગાળની ખાડીમાં સર્જાયું ભયાનક વાવાઝોડું, દરિયાકિનારે ત્રાટકશે ત્યારે શું થશે?

5
0

Source : BBC NEWS

ભારતના દરિયામાં અર્નબ નામનું વાવાઝોડું સક્રિય થયું છે

વાંચવાનો સમય: 3 મિનિટ

ભારત પર ચોમાસા બાદ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં ‘અર્નબ’ નામનું વાવાઝોડું સર્જાયું છે. આ વાવાઝોડું આગામી બે દિવસમાં હજી પણ વધારે ખતરનાક બનવાની સંભાવના છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે અર્નબ વાવાઝોડું બુધવારના બપોર પહેલાં આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના દેખાઈ રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે આ વાવાઝોડું વિશાખાપટ્ટનમ નજીકના દરિયાકિનારે પહોંચે તે પહેલાં અતિ ગંભીર ચક્રવાતમાં પરિણમે તેવી શક્યતા છે.

હવામાન વિભાગનું કહેવું છે કે વાવાઝોડું જ્યારે અતિ ગંભીર ચક્રવાત બનશે એટલે કે અતિ મજબૂત બનશે ત્યારે તેમાં પવનની ગતિ 140 કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચે તેવી સંભાવના છે.

હાલ બંગાળની ખાડીના દરિયાનું તાપમાન 29થી 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે અને આ ગરમ પાણી વાવાઝોડાને તાકાત આપી રહ્યું છે. આજે સાંજ સુધીમાં વાવાઝોડું વધારે મજબૂત બને તેવી સંભાવના છે.

વાવાઝોડાની સ્થિતિને જોતાં આંધ્ર પ્રદેશમાંથી હજારો લોકોને સલામત સ્થળે ખસેડાઈ રહ્યા છે અને કેટલાક વિસ્તારોમાં બે દિવસ માટે શાળાઓ બંધ રાખવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

અર્નબ વાવાઝોડું દરિયાકિનારે ત્રાટકશે ત્યારે શું થશે?

અર્નબ વાવાઝોડું : બંગાળની ખાડીમાં સર્જાયું ભયાનક વાવાઝોટું, દરિયાકિનારે ત્રાટકશે ત્યારે શું થશે?

આ વાવાઝોડું આંધ્ર પ્રદેશ, યાનમ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી પવનની સાથે અત્યંત ભારે વરસાદ પણ લાવશે. આ ઉપરાંત દરિયાનાં મોજાં પણ ઊંચાં ઊછળવાની શક્યતા છે.

જેના કારણે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ પેદા થઈ શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સંભાવના છે. આ ઉપરાંત આટલા ઝડપી પવનને કારણે વૃક્ષો તૂટી પડવાં, વીજળીની લાઇનો પડી જવી, નબળાં અને કાચાં મકાનો પડી જવા જેવી સ્થિતિ પેદા થવાની સંભાવના છે.

આંધ્ર પ્રદેશ અને ઓડિશાની સરકાર વાવાઝોડું આવે તે પહેલાં જ લોકોને સાવચેત કરવાની અને તેમને સલામત સ્થળે લઈ જવાની કાર્યવાહી કરવા લાગી છે.

રૉયટર્સના અહેવાલ પ્રમાણે આ વાવાઝોડાના કારણે 570,000 જેટલા લોકોને સીધી અસર થવાની શક્યતા છે અને લોકોને સોમવાર સાંજેથી જ સુરક્ષિત જગ્યાઓએ લઈ જવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

ઓડિશાની સરકારે પાંચ જિલ્લામાં શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી દીધી છે અને જે લોકોને વાવાઝોડાથી ખતરો છે તેમને અન્ય સ્થળોએ લઈ જવાની કામગીરી શરૂ કરી દીધી છે.

આંધ્ર પ્રદેશ પર ત્રાટક્યા બાદ વાવાઝોડું કઈ તરફ જશે?

અર્નબ વાવાઝોડું : બંગાળની ખાડીમાં સર્જાયું ભયાનક વાવાઝોટું, દરિયાકિનારે ત્રાટકશે ત્યારે શું થશે?

હવામાન વિભાગે વાવાઝોડું કઈ તરફ જશે તેનો ટ્રેક આપ્યો છે, તે પ્રમાણે વાવાઝોડું હાલની સ્થિતિ પ્રમાણે આંધ્ર પ્રદેશ અને યાનમના દરિયાકાંઠે ત્રાટકશે અને ત્યારબાદ તે વળાંક લેશે.

વાવાઝોડું વળાંક લીધા બાદ સીધું ઉત્તર તરફ આગળ વધે તેવી પૂરી સંભાવના છે. જેના કારણે તેલંગણા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને નેપાળના વિસ્તારો સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

જેના કારણે મધ્ય ભારત, ઉત્તર ભારત અને પૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે અને કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાય તેવી સંભાવના છે. જોકે, દેશના પશ્ચિમ તરફના વિસ્તારોમાં આ વાવાઝોડાની કોઈ ખાસ અસર જોવા મળે તેવી સંભાવના નથી.

ભારતમાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ વાવાઝોડાંની સિઝન આવે છે. એટલે કે એપ્રિલથી જૂનનો ગાળો જ્યારે ચોમાસું શરૂ થવાનું હોય છે અને ચોમાસું પૂરું થયા બાદ ઑક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં વાવાઝોડાં સર્જાતાં હોય છે.

સામાન્ય રીતે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસા દરમિયાન વાવાઝોડાં સર્જાતાં નથી. જોકે, ભૂતકાળમાં ક્યારેક બનતી ઘટના પ્રમાણે ચોમાસામાં પણ વાવાઝોડાં બન્યાનું નોંધાયું છે.

બંગાળની ખાડીમાં અરબી સમુદ્ર કરતાં વધારે વાવાઝોડાં સર્જાય છે. હવામાન વિભાગ પ્રમાણે 2020થી 2024 સુધીનાં પાંચ વર્ષમાં ભારતનાં દરિયામાં કુલ 23 વાવાઝોડાં સર્જાયાં હતાં. જેમાં 16 વાવાઝોડાં બંગાળની ખાડી અને 7 વાવાઝોડાં અરબી સમુદ્રમાં સર્જાયાં હતાં.

ગુજરાત પર વાવાઝોડાની કોઈ અસર થશે?

અર્નબ વાવાઝોડું : બંગાળની ખાડીમાં સર્જાયું ભયાનક વાવાઝોટું, દરિયાકિનારે ત્રાટકશે ત્યારે શું થશે?

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત પર અર્નબ વાવાઝોડાનો કોઈ ખતરો નથી. બંગાળની ખાડીની અંદર સર્જાતાં વાવાઝોડાં સીધી રીતે ગુજરાતને અસર કરતાં નથી.

જોકે, ક્યારેક એવું બને કે વાવાઝોડાની બાકી રહેલી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચતી હોય છે અને તેના કારણે વરસાદ થતો હોય છે. જોકે, અર્નબ વાવાઝોડું ત્રાટક્યા બાદ વળાંક લેશે અને ઉત્તર તરફ આગળ વધશે. જે ગુજરાતથી સેંકડો કિલોમીટર દૂર હોવાને કારણે તેની સીધી અસરની શક્યતા નથી.

હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે 29 ઑક્ટોબરના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં નજીવો વધારો થઈ શકે છે. આ ઉપરાંત 30 અને 31 ઑક્ટોબરના રોજ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાઈ શકે છે. એટલે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાવાની સંભાવના છે.

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં આ સિસ્ટમને કારણે વધારે વરસાદ થવાની સંભાવના દેખાતી નથી અને ગરમીમાંથી પણ ખૂબ રાહત મળે તેવી સંભાવના દેખાતી નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS