Source : BBC NEWS
Guj info dept/Faruk Ughardar
વાંચવાનો સમય: 4 મિનિટ
ગુજરાતના કવિ તથા ‘ગુજરાત ટુડે’ અખબારના તંત્રી અઝીઝ ટંકારવીની કવિતાને સરકારી મૅગેઝિનમાંથી હઠાવાતા વિવાદ થયો છે.
આ કવિતા ગુજરાતના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતાં મૅગેઝિન ‘ગુજરાત દીપોત્સવી’માં છપાઈ હતી અને પછી વિશ્વ હિન્દુ પરિષદે મુખ્ય મંત્રીને ઉદ્દેશીને પત્ર લખ્યો હતો અને આ કવિતા હઠાવવાની માગ કરી હતી.
વિશ્વ હિન્દુ પરિષદે હિન્દુ આસ્થાની મજાક ઉડાવતી રચના ગણાવીને આ કવિતા હઠાવવા માગ કરી હતી.
ત્યારબાદ માહિતી વિભાગે આ મૅગેઝિનમાંથી આ કવિતા હઠાવીને નવેસરથી અંક વેબસાઇટ પર પ્રકાશિત કર્યો છે.
હવે, આ મામલે વિવાદ થયો છે અને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આવી રહી છે.
અઝીઝ ટંકારવીની કવિતા શું હતી?
Gujarat Deepotsavi Magazine
મૅગેઝિનના પાના નંબર 389 પર અઝીઝ ટંકારવીની કવિતા “પ્રેમમાં ના હોય કૈં એવી શરત…” શીર્ષકથી છપાઈ હતી.
કવિતા આ પ્રમાણે છે:
રામ ના આવે હવે જલદી પરત,
એટલે મૂકે છે પાદુકા ભરત.
હાથતાણી છો તને દીધી ભલા
ભાગ્યનું એવું જ છે જાગે તરત.
તું જ કેવળ તું રહે પોંખાયલો,
કેમ તું રાખી રહ્યો એવી મમત!
સ્હેજ સરખું તું હસે તો હું હસું,
પ્રેમમાં ના હોય કૈં એવી શરત.
તાપણું ખુદનું જતાં તું થરથરે,
કોઈ બીજાના દરદની પાડ લત.
શેખ, મીરાંના મદરસે લૈ દરસ,
થઈ શકે તો તારી અંદર થા તું રત.
આ કવિતા હઠાવીને હવે મૅગેઝિનમાં તેના સાથે કવિ પ્રકાશ ‘જલાલ’ની કવિતા ‘જોઈએ’ છાપવામાં આવી છે.
વિશ્વ હિન્દુ પરિષદે શું વાંધો ઉઠાવ્યો હતો?
વિશ્વ હિન્દુ પરિષદના અમદાવાદના ક્ષેત્રમંત્રી અશ્વિન પટેલે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને આ કવિતા અંગે એક પત્ર લખ્યો હતો.
આ પત્રમાં તેમણે કવિતાને હિન્દુ આસ્થાની મજાક ઉડાવતી રચના ગણાવી હતી અને તેને દૂર કરવાની માગણી કરી હતી.
વિશ્વ હિન્દુ પરિષદે પત્રમાં લખ્યું હતું કે, “આ રચનામાં પ્રભુ શ્રીરામ અને ભક્ત શિરોમણી મીરાંબાઈ વિશે અત્યંત આપત્તિજનક અને હીન કક્ષાની પંક્તિઓ લખવામાં આવી છે.”
“રામ ના આવે હવે જલદી પરત,
એટલે મૂકે છે પાદુકા ભરત.
શેખ, મીરાંના મદરસે લૈ દરસ,
થઈ શકે તો તારી અંદર થા તું રત.”
આ બે પંક્તિઓ સામે વિશ્વ હિન્દુ પરિષદે વાંધો ઉઠાવ્યો હતો.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ
Faruk Ughardar
બીબીસી ગુજરાતીએ વારંવાર અઝીઝ ટંકારવીનો સંપર્ક કરવાની ફોન અને મૅસેજથી કોશિશ કરી હતી પરંતુ તેમનો મોબાઇલ બંધ આવતો હતો. તેમનો સંપર્ક થઈ શક્યો નથી.
ગુજરાત દીપોત્સવી મૅગેઝિનના સહતંત્રી સંજય કચોટને પણ વારંવાર ફોન લગાડવામાં આવ્યો હતો પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહોતો. તેમણે મૅસેજ જોયો હતો પરંતુ કોઈ પ્રતિભાવ આપ્યો નથી.
મૅગેઝિનના સંપાદક જયેશ દવેએ જણાવ્યું હતું કે ”આ વિશેની પ્રતિક્રિયા સંજય કચોટ જ આપી શકશે, કવિતા હઠાવી છે એવું મારા સાંભળવામાં આવ્યું છે ખરું.”
આ વિવાદને લઈને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
પૂર્વ આઈપીએસ અધિકારી રમેશ સવાણીએ લખ્યું હતું કે, “આખી રચના પ્રેમને એક સાધના તરીકે જુએ છે. તેમાં રામ-ભરત જેવો ત્યાગ, ભાગ્ય સામે ધીરજ, અહંકાર વગરનો ભાવ, બીજાના દર્દની અનુભૂતિ અને છેલ્લે ભીતરની શોધ છે.”
તેમણે સવાલો ઉઠાવ્યા હતા કે, “શું હવે કવિતા, ગઝલ, વાર્તા કે નવલકથા જેવું સાહિત્ય વિશ્વ હિન્દુ પરિષદ મંજૂર કરે એ પછી જ ગુજરાત સરકારના દીપોત્સવી અંકમાં છાપી શકાશે? ધર્મ આધારિત સંકુચિતતા આપણને ક્યાં લઈ જાય છે તેનું આ ઉદાહરણ છે.”
જાણીતાં પત્રકાર શીલા ભટ્ટે પણ તેમના ફેસબુક પર લખ્યું છે કે હું રમેશ સવાણીની વાતનું સમર્થન કરું છું.
તેમણે લખ્યું હતું કે, “અઝીઝભાઈએ સાચું કહ્યું છે. પ્રેમમાં કોઈ શરત હોતી નથી. બહુ સરસ…”
અમેરિકાસ્થિત જાણીતા ગુજરાતી સાહિત્યકાર બાબુ સુથારે પણ આ કવિતાના વિવાદ વિશે લખ્યું છે.
બાબુ સુથાર લખે છે કે, “કોઈ પણ વિચારધારા સાથે સંમત થવું કે અસંમત થવું એનો પ્રશ્ન જુદો છે. પરંતુ કોઈ પણ વિચારધારાને જ્યારે તેના કેટલાક અનુયાયીઓ ચરમસીમાએ લઈ જાય છે, ત્યારે એક તબક્કે એ વિચારધારા મટીને ઉન્માદમાં ફેરવાઈ શકે છે. વિચારધારા અને ઉન્માદ વચ્ચેનો આ ભેદ સમજવો જરૂરી છે. અઝીઝ ટંકારવીની એક કવિતાને લઈને તાજેતરમાં જે વિવાદ થયો, તે મને આ ભેદ વિશે વિચારવા પ્રેરે છે.”
તેઓ લખે છે કે, “આ ઘટનાને માત્ર એક કવિતાના વિરોધ તરીકે જોવી પૂરતી નથી. અહીં એક સાથે અનેક પ્રશ્નો ઊભા થાય છે : ધાર્મિક લાગણી અને સાહિત્યિક અભિવ્યક્તિ વચ્ચેનો સંબંધ શું છે? કોઈ ધાર્મિક-સાંસ્કૃતિક પ્રતીક પર કોઈ એક સમુદાયનો એકાધિકાર હોઈ શકે? કોઈ સંગઠનના વિરોધને કારણે સરકારી પ્રકાશનમાંથી કવિતા દૂર કરવામાં આવે, ત્યારે સરકારની સાંસ્કૃતિક અને સંપાદકીય જવાબદારીનું શું થાય? એ સવાલ વિશે પણ વિચારવું રહ્યું કે વિચારધારા ક્યારે ઉન્માદ બની જાય છે?”
અઝીઝ ટંકારવી કોણ છે?
gujarattoday.in
અઝીઝ ટંકારવી એ ગુજરાતના જાણીતા પત્રકાર, વાર્તાકાર અને ગઝલકાર છે.
તેમનો જન્મ વર્ષ 1944માં ભરૂચ જિલ્લાના ટંકારિયામાં થયો હતો અને તેમનું ઉપનામ ઉમર અહમદ ઉઘરાતદાર છે.
તેઓ તેમની ગઝલ ‘કેમ સઘળા થઈ ગયા પથ્થરના દોસ્ત’ અને નવલિકા ‘સનદ વગરનો આંબો’ તથા વાર્તાસંગ્રહ ‘લીલોછમ સ્પર્શ’ માટે જાણીતા છે.
ગુજરાતી સાહિત્ય પરિષદ અનુસાર, અઝીઝ ટંકારવીને શ્રેષ્ઠ તંત્રીલેખ ઍવૉર્ડ તથા શેખાદમ આબુવાલા શ્રેષ્ઠ્ર પત્રકાર પુરસ્કાર મળ્યો હતો.
તેઓ હાલમાં પણ ગુજરાત ટુડે અખબારના તંત્રી છે. આ અખબાર વર્ષ 1991થી પ્રકાશિત થતું જાણીતું દૈનિક છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




