Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Reuters
અમેરિકન મીડિયાના અહેવાલ મુજબ, ગયા મહિને તુર્કીમાં નાટો સમિટમાંથી બહાર નીકળતી વખતે ઈરાન તરફથી સંભવિત ખતરાના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે એક સિક્રેટ પ્લાન હેઠળ વિમાન બદલ્યું હતું.
વૉશિંગ્ટન પોસ્ટે જણાવ્યું હતું કે, અમેરિકન રાષ્ટ્રપતિ ટેલિવિઝન કેમેરામાં જોતા એરફોર્સ વનમાં પ્લેનમાં ચઢ્યા હતા, પરંતુ પાછળથી કેટરિંગ ટ્રકની મદદથી તેમને એક સૈન્ય વિમાનમાં પહોંચાડવામાં આવ્યા હતા. પ્લેનમાં સવાર પત્રકારો અને વ્હાઇટ હાઉસના કેટલાક સ્ટાફને પણ ખબર ન હતી કે ટ્રમ્પને છુપી રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
અધિકારીઓએ બીબીસીના અમેરિકામાં સહયોગી સીબીએસ ન્યૂઝને જણાવ્યું હતું કે અમેરિકાને ઈરાન દ્વારા વિમાન પર મિસાઈલ છોડવાની ધમકી મળી હતી. જોકે, વ્હાઇટ હાઉસે આ ગુપ્ત રીતે થયેલા ફેરબદલના પ્લાનની પુષ્ટિ કરી નથી.
અંકારામાં સમિટ દરમિયાન ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે તેઓ ઈરાનના “નંબર વન ટાર્ગેટ” છે.
વૉશિંગ્ટન અને તેહરાન વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો નિષ્ફળ ગયા પછી, અમેરિકાએ ઈરાન પર ફરીથી લશ્કરી હુમલા કર્યાના એક દિવસ પછી આ સિક્રેટ કામગીરી કરવામાં આવી હતી.
ટ્રમ્પ કતાર દ્વારા ભેટમાં આપવામાં આવેલા નવા બોઇંગ 747-8 પ્લેનમાં તુર્કી પહોંચ્યા હતા, પરંતુ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ તેઓ “જૂની યાદો તાજી કરવા માટે” જૂના ઍર ફોર્સ વનમાં પાછા જશે.
આઠ જુલાઈના રોજ, ફૂટેજમાં તેઓ અંકારા ઍરપૉર્ટ પર રાષ્ટ્રપતિના જેટ(વિમાન)માં ચઢતા જોવા મળ્યા હતા. પરંતુ વૉશિંગ્ટન પોસ્ટ અનુસાર, તેમને ત્યાર બાદ છુપી રીતે એક નાના C-32A સૈન્ય વિમાનમાં લઈ જવામાં આવ્યા હતા જેને અવારનવાર ઉપપ્રમુખ દ્વારા વાપરવામાં આવે છે. જે એક સુધારેલું બોઇંગ 757 છે ટ્રમ્પ જે બાજુથી ચઢ્યા હતા તેની સામેની બાજુએ પ્લેનની ઊંચાઈ સુધી એક કેટરિંગ ટ્રક ઊભી રાખીને તેમને લઈ જવામાં આવ્યા હતા.
ઇમેજ સ્રોત, Reuters
ઇમેજ સ્રોત, Reuters
અખબારના જણાવ્યા અનુસાર, ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ અલગથી બહારની સીડીઓનો ઉપયોગ કરીને C-32A માં ચઢ્યા હતા જેથી આ ફ્લાઇટ સામાન્ય લાગે.
પત્રકારો અને વ્હાઇટ હાઉસના કેટલાક કર્મચારીઓ ઍરફોર્સ વનમાં ચઢ્યા અને તેમને બારીના પડદા બંધ કરવાનું કહેવામાં આવ્યું હોવાનું કહેવાય છે. તેઓ જાણતા ન હતા કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે આ વિમાનમાં નથી આવી રહ્યા.
ત્યારબાદ ટ્રમ્પ યુકે થઈને અમેરિકા ગયા, જ્યાં તેઓ ફરીથી જૂના ઍર ફોર્સ વનમાં ચઢ્યા અને RAF મિલ્ડનહોલ પર લૅન્ડ થયા પછી તેમને તે વિમાનમાંથી ઊતરતા જોવામાં આવ્યા. તેઓ C-32A માંથી જૂના જેેટમાં કેવી રીતે શિફ્ટ થયા તે સ્પષ્ટ નથી.
ઇમેજ સ્રોત, Reuters
ત્યારબાદ રાષ્ટ્રપતિ વૉશિંગ્ટન પાછા જવા માટે કતર દ્વારા આપવામાં આવેલા નવા ઍર ફોર્સ વનમાં શિફ્ટ થઈ ગયા હતા.
તે ફ્લાઇટ દરમિયાન, ટ્રમ્પે બોર્ડ પર પત્રકારો સાથે વાત કરી હતી જ્યાં તેમણે ઈરાન દ્વારા ઊભા થયેલાં જોખમોનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ અગાઉના પ્લેન સ્વેપ (વિમાન બદલવા) વિશે કશું કહ્યું નહોતું.
તુર્કીથી આવતા વિમાનમાં પત્રકારોને બારીના પડદા નીચે કરવાનું કેમ કહેવામાં આવ્યું હતું તે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે, “કારણ કે અમારે ખરાબ લોકોનો સામનો કરવો પડતો હોય છે તેમના કારણે તમે કદાચ એક ખતરનાક ફ્લાઇટમાં સફર કરે છો.”
તેમણે કહ્યું કે તેમના જીવન પર “હંમેશાં ખતરો” રહેલો છે અને તેઓ ઈરાનની “હિટ લિસ્ટમાં નંબર વન” પર છે.
“પરંતુ જો હું જઈશ, તો તમે પણ જશો, બરાબર?”, તેમણે ઉમેર્યું: “કદાચ કોઈ દિવસ તમે તમારો વ્યવસાય બદલવા માંગશો.”
ઇમેજ સ્રોત, Reuters
વ્હાઇટ હાઉસના કૉમ્યુનિકેશન ડિરેક્ટર સ્ટીવન ચ્યુંગે આ અહેવાલોની સીધી પુષ્ટિ કે ખંડન કર્યું ન હતું, પરંતુ કહ્યું હતું કે નવું ઍરફોર્સ વન એક “અત્યાધુનિક વિમાન” છે જે રાષ્ટ્રપતિ અને તેમના સ્ટાફની સુરક્ષા માટે સુરક્ષા પગલાંથી સજ્જ છે.
સીબીએસ ન્યૂઝના અગાઉના અહેવાલ મુજબ, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ અગાઉ ટ્રમ્પ અથવા તેમના વિમાન પર હુમલાના ચોક્કસ ખતરાની ચેતવણી આપી હતી.
તેના જવાબમાં પબ્લિકેશનના કેટલાક પત્રકારોને શપથ હેઠળ જુબાની આપવા માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા. ન્યાય વિભાગે પાછળથી બીબીસીને કહ્યું કે તે ગેરકાયદેસર માહિતી લીક થવાની તપાસ કરી રહ્યું છે.
અમેરિકાએ રાષ્ટ્રપતિ માટે તૈયાર કરવા માટે 400 મિલિયન ડૉલરના બોઇંગ 747-8ને રિટ્રોફિટ કરવામાં મહિનાઓ વિતાવ્યા છે. જૂના ઍરફોર્સ વન વિમાનોમાં આવનારી મિસાઇલોને બ્લાઇન્ડ કરવા માટે લેસર ટેકનૉલૉજી છે, એમ સૂત્રોએ સીબીએસ ન્યૂઝને જણાવ્યું છે. કતારના આ જેટમાં કઈ સિસ્ટમ છે તે સ્પષ્ટ નથી.
“નવું ઍરફોર્સ વન રાષ્ટ્રપતિની મુસાફરી માટે સંપૂર્ણપણે સલામત છે, પરંતુ વધારાના અપગ્રેડ પૂર્ણ થવામાં લગભગ હજુ એક મહિનાનો સમય લાગશે” વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે સીબીએસ ન્યૂઝને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




