Home તાજા સમાચાર gujrati ગુજરાત : માણસ પર હુમલો કરીને ‘આજીવન કેદ’ પામેલા ગીરના સિંહોને સરકાર...

ગુજરાત : માણસ પર હુમલો કરીને ‘આજીવન કેદ’ પામેલા ગીરના સિંહોને સરકાર હવે ક્યાં રાખશે?

3
0

Source : BBC NEWS

ગુજરાત સરકારે સિંહો માટે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડી ગામમાં એક મોટો વાડો બનાવવાનો નિર્ણય કર્યો છે

ઇમેજ સ્રોત, ani

આ વર્ષે 25 મેથી 11 જુલાઈના દોઢેક મહિનાના સમયગાળામાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં સિંહોના કથિત હુમલાના નવ બનાવ બન્યા હતા. અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા એ હુમલામાં બે બાળકો સહિત સાત લોકોનાં મોત થયાં હતાં.

જે ઘટનાઓમાં અમરેલી જિલ્લાના વારાહસ્વરૂપ, કોવાયા, જૂના સાવર, ચતુરી અને અંટાળિયા ગામે, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગઢડા ગામે તેમજ જૂનાગઢ શહેર નજીક ગિરનાર પર્વતની સીડીઓ પર માનવમૃત્યુ નોંધાયાં.

આ હુમલા બાદ વન વિભાગે ઓછામાં ઓછા 20 સિંહોને પકડી લઈને પાંજરે પૂર્યા હતા. એક તરફ ટૂંકા ગાળામાં સિંહોના હુમલામાં અડધો ડઝન કરતાં પણ વધારે માનવમૃત્યુ નોંધાતા સ્થાનિક લોકોમાં રોષ વ્યપાયો હતો, તો બીજી બાજુ ટૂંકા સમયમાં આટલી મોટી સંખ્યામાં સિંહોને પાંજરે પૂરવામાં આવતા વન્ય જીવપ્રેમીઓમાં પણ કચવાટ ફેલાયો હતો.

જે સિંહો માણસો પર હુમલા કરી માણસોનું મોત નીપજાવે છે તે સિંહોને ઘર્ષણની ઘટના બાદ સામાન્ય રીતે આજીવન કેદની સજા મળે છે. આવા સિંહો માણસોની સલામતી સામે ફરી વાર પડકાર ઊભો ન કરે તે માટે રાજ્ય સરકાર તેમને પકડીને સામાન્ય રીતે તેમના મૃત્યુ સુધી પાંજરામાં પૂરી રાખે છે.

આખી દુનિયામાં માત્ર આફ્રિકા ખંડ અને એશિયા ખંડ જ એવી જગ્યા છે જ્યાં મુક્ત રીતે ફરતા સિંહોની વસ્તી છે. વળી, એશિયા ખંડમાં ગીરનું જંગલ એકમાત્ર જગ્યા છે જ્યાં એશિયાઈ સિંહો મુક્ત રીતે વિચરણ કરે છે.

સામાન્ય સંજોગોમાં સિંહો માણસો પર હુમલા કરતા નથી તેમ અનુભવી પ્રકૃતિવિદો અને વન વિભાગના અધિકારીઓ કહે છે, પરંતુ જો માણસો પર હુમલો કરે તો જંગલ પર રાજ કરતા સિંહો ગુજરાતમાં અચાનક ‘કેદી’ બની જાય છે.

જંગલમાં દરરોજ કેટલાય કિલોમીટર ચાલતા અને 40 વર્ગ કિલોમીટરથી 400 વર્ગ કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલા પોતાના વિસ્તારનું ડણક મારીને રક્ષણ કરતા સિંહોની બાકીની જિંદગી લોખંડના મજબૂત સળિયાવાળા અને અમુક ફૂટ લાંબા અને પહોળા પાંજરામાં સીમિત થઈ જાય છે, પરંતુ હવે આવા સિંહોને તેમની બાકીની જિંદગી સળિયાવાળી કોટડીઓમાં વિતાવવી ન પડે તેમજ તેઓ બંધનમાં પણ રહે તે માટે સરકારે તેમના માટે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડી ગામમાં એક મોટો વાડો બનાવવાનો નિર્ણય કર્યો છે.

સિંહોને પકડ્યા બાદ ક્યાં રખાય છે?

ગીર અભયારણ્ય, ગીરનું જંગલ, ગીરનો સિંહ, એશિયન સિંહ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Information Department, Gujarat

જો કોઈ સિંહ કે સિંહ પરિવાર માનવ સાથે ઘર્ષણમાં આવ્યાની શંકા હોય તો વન વિભાગ બને તેટલી ઝડપથી આવા શંકમંદ સિંહોને પકડી પાડવાના પ્રયત્નો કરે છે.

પકડી લીધા બાદ તેને રૅસ્ક્યૂ સેન્ટર એટલે કે બચાવ કેન્દ્રો પર લઈ જવાય છે અને તેના મળના નમૂનાનું પૃથક્કરણ કરવામાં આવે છે. જો તે નમૂનામાં માનવ વાળ, રુવાંટી કે અન્ય કોઈ ભાગની હાજરી જણાય તો આવા સિંહોને સામાન્ય રીતે જંગલમાં ફરી વાર ક્યારેય મુક્ત કરાતા નથી.

હાલ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરી રહ્યા છે. માનવો સાથે ઘર્ષણમાં આવેલા સિંહોને કેદમાં રાખવા માટે રાજ્યના વન વિભાગે દસેક જગ્યાઓએ ખાસ પાંજરાં બનાવ્યાં છે. તેમાં જૂનાગઢ શહેરમાં આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય, ગીર જંગલમાં સાસણ નજીક આવેલા દેવળિયા સફારી પાર્ક, સાસણનું સાસણ રૅસ્ક્યૂ સેન્ટર, ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં આવેલા જામવાળા રૅસ્ક્યૂ સેન્ટર, ગીર સોમનાથના ઉના તાલુકાના જસાધારમાં આવેલા જસાધાર રૅસ્ક્યુ સેન્ટર, અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડી ગામ નજીક આંબરડી સફારી પાર્ક, અમરેલીના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક બાબરકોટ રૅસ્ક્યૂ સેન્ટર વગેરેનો સમાવેશ થાય છે.

આંબરડીનો વાડો પાંજરાથી કઈ રીતે અગલ હશે?

એશિયા ખંડમાં ગીરનું જંગલ એકમાત્ર જગ્યા છે જ્યાં એશિયાઈ સિંહો મુક્ત રીતે વિચરણ કરે છે (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, ani

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય, દેવળિયા અને આંબરડી સફારી પાર્ક તેમજ વિવિધ રૅસ્ક્યૂ સેન્ટરમાં પાંજરાની સાઇઝ ખૂબ નાની છે. આ પાંજરાં એકબીજાની નજીક કતારોમાં બનાવાયાં છે. વળી આ બધાં પાંજરાં દીવાલોથી ઘેરાયેલાં છે. તેથી પકડી લેવાયેલા સિંહોને સામાન્ય રીતે તેમના કુદરતી રહેઠાણ એટલે કે પાંખા જંગલ કે ઘાસની વાડીઓ દેખાતાં નથી.

આંબરડીમાં સિંહો માટે બનનાર વાડો આ પાંજરાથી સાવ અલગ હશે. રવિવારે રાજ્ય સરકારે એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યું કે આંબરડીમાં બનનાર વાડો 100 હેક્ટર એટલે કે આશરે 625 વીઘામાં ફેલાયેલો હશે.

અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું કે આંબરડી સફારી પાર્ક આશરે 365 હેક્ટરમાં ફેલાયેલો છે (100 હેક્ટર=1 વર્ગ કિલોમીટર). તેની અંદરના 100 હેક્ટરમાં અલગથી જાળી બાંધીને માનવો સાથે ઘર્ષણમાં આવેલા સિંહોને રાખવા માટેનો વાડો બનાવાશે, તેમ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું.

એ નોંધનીય છે કે ધારી શહેર નજીક શેત્રુંજી નદી પર બાંધવામાં આવેલા ખોડિયાર ડૅમના કાંઠે એક અનામત જંગલ છે તેમાં આંબરડી સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ સફારી પાર્કનું 2017માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સફારી પાર્કમાં સિંહો તેમજ ગીરના જંગલમાં રહેતાં અન્ય પ્રાણીઓ રાખવામાં આવ્યાં છે અને મુલાકાતીઓ તે જોઈ શકે છે. પરંતુ સફારી પાર્કમાં મુલાકાતીઓને દર્શાવવા માટે રાખવામાં આવેલા સિંહોનો ઉછેર સામાન્ય રીતે બંધન અવસ્થામાં જ થયો હોય છે એટલે તેમને મુક્ત જીવનનો અનુભવ હોતો નથી.

બીબીસી સાથે વાત કરતા ગુજરાતના અગ્ર મુખ્ય વનસંરક્ષક અને ચીફ વાઇલ્ડલાઇફ વૉર્ડન, ડૉ. જયપાલસિંહે જણાવ્યું કે ઘર્ષણમાં આવેલા સિંહો આંબરડી સફારી પાર્કમાં જે વાડાનું નિર્માણ થશે તે કોઈ પાંજરા જેવો નહીં પરંતુ સિંહોના કુદરતી રહેઠાણ જેવો જ હશે.

“તેમાં સિંહોનો જે શિકાર છે તેવાં જંગલી તૃણભક્ષી પ્રાણીઓ પણ હશે. સિંહો તેનો શિકાર કરી શકે છે અને જરૂર મુજબ અમે આવાં પ્રાણીઓને તે વાડામાં છોડતા રહીશું,” એમ તેમણે ઉમેર્યું.

અખબારી યાદીમાં ડૉ. જયપાલસિંહને ટાંકીને જણાવાયું કે વાડાનું નિર્માણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે અને તે દિશામાં કામગીરી શરૂ કરાઈ દેવાઈ છે.

સિંહો માટે નવા વાડા કેમ બનાવવા પડી રહ્યા છે?

ડૉ. જયપાલસિંહે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે આ વાડામાં પાંચથી છ સિંહોને રાખવામાં આવશે અને તે આ મોટા વાડામાં મુક્ત રીતે ફરતા રહેશે.

સિંહો પોતાની હદ-સીમા બાંધી તે વિસ્તારનું રક્ષણ કરનાર પ્રાણી છે. નર સિંહો તેની ટેરિટરીમાં સામાન્ય રીતે અન્ય સિંહોને પ્રવેશવા દેતા નથી અને તે ટેરિટરીમાં રહેલી સિંહણો સાથે સંવનન કરી પોતાનો વંશવેલો આગળ ધપાવવા પ્રયત્ન કરે છે. આવી ટેરિટરી ધરાવતો નર કે સંપીને રહેતા બે નર જ્યારે ઘરડા થાય ત્યારે અન્ય યુવા નર સિંહો તેમને પડકારી, કેટલીક વાર ખૂંખાર લડાઈ લડી ત્યાંથી ખદેડી મૂકે છે અને ટેરિટરીમાં તેમનું આધિપત્ય સ્થાપે છે.

વાડામાં વિસ્તાર માટે આવી લડાઈ નહીં થાય? આ પ્રશ્નના જવાબમાં જયપાલસિંહે કહ્યું, “અમે સિંહણોને વાડામાં રાખીશું. સામાન્ય રીતે સિંહણોમાં ટેરિટરી બાબતે લડાઈ થતી નથી. આ ઉપરાંત અમે જોઈશું કે કયા સિંહો એકબીજાની હાજરી સહન કરી શકે છે અને તે મુજબ નિર્ણય લઈશું.”

પરંતુ વન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું કે નવો વાડો બનાવવાના નિર્ણય પાછળ અન્ય પણ કેટલાંક કારણ જવાબદાર છે.

ગીર અભયારણ્ય, ગીરનું જંગલ, ગીરનો સિંહ, એશિયન સિંહ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, State Information Department, Gujarat

તેમણે કહ્યું, “માણસો સાથે ઘર્ષણમાં આવ્યા બાદ પકડી લેવાયેલા દીપડાની સંખ્યા ઘણી મોટી છે. તેની સામે આવા સિંહ-દીપડાને રાખવાના પાંજરાની વ્યવસ્થા સીમિત છે. સક્કરબાગમાં આશરે 100 સિંહો, દેવાળિયામાં 60, સાસણ અને આંબરડીમાં 50-50, તેમજ જામવાળા અને જસાધારમાં 20-20 મોટાં પ્રાણીઓ રાખી શકાય તેટલી ક્ષમતા છે. પરંતુ દીપડા અને સિંહોના માનવો સાથેના ઘર્ષણના બનાવો વધી રહ્યા છે અને તેથી આ કેન્દ્રો ભરેલાં રહે છે. તેથી, નવી સુવિધા ઊભી કરવાની જરૂર છે. આંબરડી સફારી પાર્કમાં બનનાર અલગ વાડો તે દિશામાં એક પગલું છે.”

માનવો સાથે ઘર્ષણમાં આવ્યા બાદ પાંજરે પૂરાયેલા કેટલાક દીપડાઓને રાજ્ય સરકારે 2020માં રિલાયન્સ ગ્રૂપ સંચાલિત ‘વનતારા’ જામનગર ખાતે મોકલી આપવાનું ચાલુ કર્યું હતું, કારણ કે રાજ્ય સરકાર પાસે આવાં પ્રાણીઓને રાખવા માટે પાંજરાંની ઘટ હતી અને તેમને સાચવવાનો ખર્ચ પણ નોંપાત્ર થતો હતો. રિલાયન્સ ગ્રૂપ આવા દીપડાને રાખવાનો તેમજ સાચવવાનો ખર્ચ ઉપાડી લેવા સહમત થયું હતું.

જોકે જયપાલસિંહે બીબીસીને જણાવ્યું કે ગુજરાત સરકાર માનવો સાથે સંઘર્ષમાં આવેલો એશિયાઈ સિંહોને વનતારામાં મોકલતી નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS