Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ
નેપાળની ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં આવેલા પૂર અને ભૂસ્ખલન બાદ મૃત્યુઆંક 332 સુધી પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 900થી વધુ લોકો ગુમ થયેલા છે. આ સંખ્યા સતત વધી રહી છે.
નેપાળના વિદેશ મંત્રીએ જણાવ્યું છે કે લગભગ 300 ભારતીયો ગુમ છે. તેમાં કૈલાસ માનસરોવર યાત્રા પર ગયેલા શ્રદ્ધાળુઓ પણ સામેલ છે.
બુધવારે આધ્યાત્મિક ગુરુ જગ્ગી વસુદેવે જણાવ્યું હતું કે તેમના ઈશા ફાઉન્ડેશનના 80 લોકો આ આપદાથી પ્રભાવિત થયા હોઈ શકે છે અને તેમના વિશે કોઈ માહિતી મળી નથી.
જગ્ગી વસુદેવે કહ્યું, “કુલ 80 લોકો છે, જેમાં 34 પુરુષો અને 46 મહિલાઓ સામેલ છે. ઉપરાંત કેટલાક અન્ય સ્વયંસેવકો પણ છે, જે નજીકની હૉટેલોમાં રોકાયેલા છે.”
“જેટલા મોટા પાયે વિનાશ થયો છે, તે જોતા સ્થિતિ ખૂબ જ ગંભીર લાગી રહી છે. હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.”
ઈશા ફાઉન્ડેશનના જૂથમાં અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, બ્રિટન, જર્મની અને ભારત સહિત 19 દેશોના શ્રદ્ધાળુઓ સામેલ છે. ગુરુવારે જગ્ગી વસુદેવે પ્રશાસન પાસે ગ્યિરોંગ જવાની મંજૂરી માંગી હતી.
ગ્યિરોંગ કાઉન્ટીની બૉર્ડર ચીન અને નેપાળ વચ્ચે પ્રવાસીઓ અને વાહનવ્યવહાર માટેનો મુખ્ય ક્રૉસિંગ પૉઇન્ટ છે. ત્યાં લગભગ 4,000 લોકો વસે છે.
બુધવારે સવારે તિબેટમાંથી વહેતી નદીમાં અચાનક આવેલા પૂરના કારણે નેપાળના રસુવા, નુવાકોટ, ધાડિંગ, ગોરખા અને ચિતવન જિલ્લાઓ પ્રભાવિત થયા છે.
અચાનક આવેલા પૂરથી કૈલાસ માનસરોવર જતા મુખ્ય રસ્તામાંથી એક રસુવા જિલ્લામાં રસ્તા, પુલ અને સંચાર સંપર્ક સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયા છે.
કયા-કયા રૂટથી કૈલાસ માનસરોવર જઈ શકાય
ઇમેજ સ્રોત, Krishna Adhikari
સમુદ્ર સપાટીથી 6,638 મીટરની ઊંચાઈ પર આવેલા કૈલાસ પર્વત અને માનસરોવર સરોવરનું હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. દર વર્ષે સેંકડો શ્રદ્ધાળુઓ અહીં યાત્રા કરવા આવે છે.
ભારત સરકાર તિબેટમાં સ્થિત કૈલાસ માનસરોવર યાત્રાનું આયોજન દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન બે અલગ અલગ માર્ગો દ્વારા કરાવે છે: લિપુલેખ પાસ (ઉત્તરાખંડ) માર્ગે ધારચૂલા અથવા દિલ્હીથી, તેમજ નાથૂ લા પાસ (સિક્કિમ) માર્ગે ગંગટોક અથવા દિલ્હીથી.
લિપુલેખ પાસ (ઉત્તરાખંડ)ના માર્ગ પર લગભગ 200 કિલોમીટરનું ટ્રૅકિંગ કરવું પડે છે. જ્યારે નાથુ લા પાસવાળા માર્ગ પર લગભગ 36 કિલોમીટરનું ટ્રૅકિંગ કરવું પડે છે.
એક ત્રીજો માર્ગ કાઠમંડુથી છે, જેનું સંચાલન ખાનગી ટૂર ઑપરેટરો કરે છે.
આ માર્ગમાં કાઠમંડુથી નેપાળગંજ અને ત્યારબાદ ત્યાંથી જમીન માર્ગે તિબેટની યાત્રા કરવામાં આવે છે.
નેપાળના રસ્તે બે પ્રાઇવેટ રૂટ કયા છે
ઇમેજ સ્રોત, Zhang Weiguo/VCG via Getty Images
નેપાળથી કૈલાસ માનસરોવર જવાનો માર્ગ કાઠમંડુથી શરૂ થાય છે અને ખાનગી ટૂર ઑપરેટરો દ્વારા સંચાલિત માર્ગ અથવા હેલિકૉપ્ટર સેવા મારફતે તિબેટ પહોંચે છે.
ઇન્ડિયન ઍક્સપ્રેસના જણાવ્યા મુજબ, તિબેટના ગ્યિરોંગ અને નેપાળના રસુવા થઈને જતા માર્ગ દ્વારા કૈલાસ માનસરોવર યાત્રા પૂર્ણ કરવામાં લગભગ 10 થી 14 દિવસનો સમય લાગે છે.
આ માર્ગમાં કાઠમંડુથી માર્ગ દ્વારા સરહદી ચેકપોસ્ટ સુધી અને ત્યારબાદ તિબેટમાં આવેલા દારચેન સુધીની યાત્રા ચાલુ રહે છે. દારચેનથી પગપાળા યાત્રાની શરૂઆત થાય છે.
બીજો માર્ગ હેલિકૉપ્ટર દ્વારા નેપાળગંજ અને સિમિકોટ/હિલ્સા થઈને જાય છે. આ માર્ગમાં લગભગ 5 થી 11 દિવસનો સમય લાગે છે. તેમાં કાઠમંડુથી નેપાળગંજ, ત્યારબાદ નાના વિમાન દ્વારા સિમિકોટ અને પછી હેલિકૉપ્ટર દ્વારા સરહદ પર આવેલા હિલ્સા પહોંચવું પડે છે.
અહીંથી પુરાંગ અને કૈલાસ પર્વત સુધીનું ટૂંકું અંતર માર્ગ દ્વારા કાપવામાં આવે છે.
આ યાત્રીઓ માટે માન્ય પાસપૉર્ટ અને ચીન દ્વારા જારી કરવામાં આવતા વિશેષ પરમિટ જરૂરી હોય છે. તેમાં ચીની ગ્રૂપ વિઝા અને તિબેટ ટ્રાવેલ પરમિટનો સમાવેશ થાય છે.
દર વર્ષે મે થી સપ્ટેમ્બર દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ આ માર્ગો દ્વારા યાત્રા કરે છે.
કૈલાસ જવા માટે રસુવા માર્ગ કેમ સૌથી લોકપ્રિય છે
ઇમેજ સ્રોત, Krishna Adhikari
રસુવા અને અહીં આવેલી રસુવાગઢી સરહદી ચોકી નેપાળથી તિબેટમાં કૈલાસ માનસરોવર જવાના માર્ગનું મુખ્ય પ્રવેશદ્વાર છે.
યાત્રા કાઠમંડુથી શરૂ થાય છે, રસુવા જિલ્લામાંથી પસાર થાય છે અને નેપાળ-ચીન સરહદ પર આવેલી રસુવાગઢી સરહદી ચોકી સુધી પહોંચે છે.
બુધવારે આવેલી આપદાનું કેન્દ્ર પણ આ જ વિસ્તાર હતો. અહીં મોટા પાયે વિનાશ થયો છે.
અહીંથી સરહદ પાર કર્યા બાદ માર્ગ સીધો તિબેટની અંદર આવેલા જીરોંગ પોર્ટ સુધી જાય છે. ત્યારબાદ યાત્રા કૈલાસ માનસરોવર તરફ આગળ વધે છે.
ઇમેજ સ્રોત, Royal Geographical Society via Getty Images
તિબેટ અને નેપાળ વચ્ચે આવેલી રસુવાગઢી સરહદી ચોકી સુધી કાઠમંડુથી પહોંચવામાં લગભગ 6 થી 8 કલાકનો સમય લાગે છે. આ માટે ચીની ગ્રૂપ વિઝા અને તિબેટ ટ્રાવેલ પરમિટ અગાઉથી તૈયાર અને મંજૂર થયેલા હોવા જરૂરી છે.
સામાન્ય રીતે રસુવાગઢી ખાતે ચીની ગ્રૂપ વિઝા અને તિબેટ ટ્રાવેલ પરમિટ માટે રાહ જોવી પડતી નથી, કારણ કે આ દસ્તાવેજો અગાઉથી જ મેળવી લેવામાં આવે છે. જરૂરી તમામ દસ્તાવેજો પૂર્ણ થયા બાદ જ લોકો કાઠમંડુથી યાત્રાની શરૂઆત કરે છે.
નેપાળના પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રસુવાગઢી સરહદી ચોકીમાંથી પસાર થયેલા યાત્રીઓની સંખ્યા 13,523 હતી.
આ માર્ગ વિદેશી યાત્રીઓમાં ખાસ લોકપ્રિય છે, કારણ કે ભારત સરકાર દ્વારા સંચાલિત અન્ય બે માર્ગો માત્ર ભારતીય નાગરિકો માટે જ ઉપલબ્ધ હોય છે.
કૈલાસ માનસરોવર યાત્રાના નિયમો શું છે
ઇમેજ સ્રોત, Getty Images
કૈલાસ માનસરોવર યાત્રા માટે વિદેશ મંત્રાલયે નિયમો નક્કી કર્યા છે. તેના અનુસાર સૌથી પ્રથમ લાયકાત એ છે કે યાત્રાળુ ભારતીય નાગરિક હોવો જોઈએ.
યાત્રાળુ પાસે 1 સપ્ટેમ્બર સુધી ઓછામાં ઓછા છ મહિનાની માન્યતા ધરાવતો ભારતીય પાસપોર્ટ હોવો જોઈએ. ઉપરાંત, ચાલુ વર્ષની 1 જાન્યુઆરીના રોજ તેની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 70 વર્ષ હોવી જોઈએ.
તીર્થયાત્રા માટે સૌથી વધુ જરૂરી અને મહત્વની બાબત બૉડી માસ ઇન્ડેક્સ (BMI) છે. માત્ર 25 અથવા તેનાથી ઓછા BMI ધરાવતી વ્યક્તિને જ આ યાત્રા માટે મંજૂરી આપવામાં આવે છે.
આ યાત્રા માટે વ્યક્તિનું શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવું પણ આવશ્યક છે.
વિદેશી નાગરિકો આ યાત્રા માટે અરજી કરી શકતા નથી. ઉપરાંત, ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (OCI) કાર્ડ ધરાવતા લોકો પણ આ યાત્રા માટે અરજી કરી શકતા નથી.
આ યાત્રા માટે સફળ ઑનલાઇન અરજી પછી વિદેશ મંત્રાલય ડ્રૉ (ચિઠ્ઠી પદ્ધતિ) દ્વારા યાત્રાળુઓની પસંદગી કરે છે.
ડ્રૉ પૂર્ણ થયા પછી યાત્રાળુને તેનો માર્ગ (રૂટ) અને બૅચ ફાળવી દેવામાં આવે છે. યાત્રા શરૂ કરતાં પહેલાં તેમની તબીબી તપાસ (મેડિકલ ચેક-અપ) કરવામાં આવે છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તમામ યાત્રાળુઓ માટે એકસાથે યાત્રા કરવી અને એકસાથે પરત ફરવું ફરજિયાત છે. તમામ યાત્રાળુઓ માટે યાત્રાની શરૂઆતનું સ્થળ દિલ્હી છે.
યાત્રા શરૂ કરતાં પહેલાં, યાત્રાળુએ મંત્રાલય દ્વારા નિયુક્ત અધિકારીઓને માન્ય પાસપૉર્ટ, છ પાસપૉર્ટ સાઇઝના રંગીન ફોટોગ્રાફ્સ અને 100 રૂપિયાનું નોટરી દ્વારા પ્રમાણિત વળતર બૉન્ડ (ક્ષતિપૂર્તિ બૉન્ડ) જમા કરાવવું પડે છે.
આ સાથે, આપાતકાલીન પરિસ્થિતિમાં હેલિકૉપ્ટર દ્વારા બચાવ (ઇવેક્યુએશન) માટેનું ઍફિડેવિટ અને ચીની ક્ષેત્રમાં મૃત્યુ થાય તો ત્યાં જ અંતિમ સંસ્કાર કરવાની સંમતિપત્ર પણ આપવું પડે છે.
આ દસ્તાવેજોમાંથી કોઈપણ કાગળમાં કોઈ ખામી અથવા અપૂર્ણતા જોવા મળે તો યાત્રાની મંજૂરી આપવામાં આવતી નથી.
ભારતીય વિદેશ મંત્રાલયની વેબસાઇટ અનુસાર, વર્ષ 2025માં લિપુલેખ પાસ (ઉત્તરાખંડ) માર્ગે કૈલાસ માનસરોવર યાત્રાનો અંદાજિત ખર્ચ 1 લાખ 74 હજાર રૂપિયા હતો. જ્યારે નાથુ લા પાસ માર્ગે યાત્રાનો અંદાજિત ખર્ચ 2 લાખ 83 હજાર રૂપિયા હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




