Home તાજા સમાચાર gujrati સુરત: સરકારી શાળાઓની થાળીમાંથી કેમ ગાયબ થઈ ગયા ભાત અને પુલાવ? બે...

સુરત: સરકારી શાળાઓની થાળીમાંથી કેમ ગાયબ થઈ ગયા ભાત અને પુલાવ? બે લાખ બાળકોનાં ભોજનમાં કેમ થયો અચાનક ફેરફાર

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી સુરત પ્રાથમિક શિક્ષણ શાળા બાળકો મધ્યાહ્ન ભોજન અક્ષયપાત્ર ચોખા ભાત પુલાવ

ઇમેજ સ્રોત, Special Arrangement

સુરતમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સંચાલિત શાળાઓમાં બાળકોને મધ્યાહ્ન ભોજન માટે પીરસાતા મૅનુમાં અચાનક ફેરફાર થયો છે.

બે દિવસ અગાઉ શાળાઓના આચાર્યો અને મધ્યાહ્ન ભોજનના સુપરવાઇઝરોને ફોન પર મેસેજ મળ્યા કે રાજ્ય સરકાર તરફથી ચોખાનો પુરવઠો મળ્યો નથી.

જેના કારણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં બાળકોને પીએમ પોષણ યોજના હેઠળ જે આહાર આપવામાં આવે છે તેમાંથી ભાત અને પુલાવ દૂર કરવામાં આવશે.

તેની જગ્યાએ બીજી ચીજોનો ઉમેરો કરવામાં આવ્યો છે.

સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં મોટા ભાગે આર્થિક રીતે નબળા વર્ગનાં બાળકો અભ્યાસ કરે છે.

બાળકોને પોષણ યુક્ત આહાર મળી રહે તે માટે તેમને દિવસમાં એક વખત નાસ્તો અને મધ્યાહ્ન ભોજન આપવામાં આવે છે.

બાળકોનો ડ્રૉપ આઉટ રેશિયો ઘટે અને તેમને શાળાએ ભણવા જવાનું મન થાય તેમાં મધ્યાહ્ન ભોજને મહત્ત્વની ભૂમિકા ભજવી છે, ત્યારે મધ્યાહ્ન ભોજન પૂરું પાડતી સંસ્થા અક્ષયપાત્રને ચોખાનો સમયસર પુરવઠો ન મળવાથી મૅનુમાં ફેરફાર કરવો પડ્યો છે.

બીબીસી ગુજરાતી સુરત પ્રાથમિક શિક્ષણ શાળા બાળકો મધ્યાહન ભોજન અક્ષયપાત્ર ચોખા ભાત પુલાવ

ઇમેજ સ્રોત, UGC

શાળાના મૅનુમાં શું સામેલ હોય છે?

બીબીસી ગુજરાતી સુરત પ્રાથમિક શિક્ષણ શાળા બાળકો મધ્યાહન ભોજન અક્ષયપાત્ર ચોખા ભાત પુલાવ

ઇમેજ સ્રોત, Special Arrangement

શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજનાના મૅનુમાં થયેલા કામચલાઉ ફેરફાર વિશે બીબીસીએ કેટલીક શાળાના આચાર્યો સાથે વાત કરી હતી.

તેમણે જણાવ્યું કે બે દિવસ પહેલાં જ તેમને મેસેજ મળ્યા છે જે મુજબ હાલમાં ચોખાનો સપ્લાય ન મળવાથી ચોખાની વાનગીઓ પીરસી નહીં શકાય. તેના બદલે બાળકોને થેપલાં અને કાબુલી ચણાનું શાક આપવામાં આવશે.

અડાજણની એક પ્રાથમિક શાળાના આચાર્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે “શાળામાં બાળકોને પૌષ્ટિક નાસ્તો અને ભોજન બંને પીરસવામાં આવે છે. દરેક વાર પ્રમાણે મૅનુ અલગ અલગ હોય છે.”

“ચોખાની વાનગીઓમાં બાળકને અલગ-અલગ દિવસે જીરા પુલાવ, જીરા રાઇસ, વેજ પુલાવ અથવા વેજ ખીચડી આપવામાં આવે છે.”

“આ ઉપરાંત તેમને દાળ ઢોકળી અથવા આલુ મટરનું શાક, મિક્સ શાક, દાળ, અથવા બટાટા – દૂધી અને ચણાનું શાક પીરસાય છે.”

“મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શનિવારે થેપલાં અપાય છે. જ્યારે નાસ્તામાં અલગ-અલગ દિવસે શેકેલા મસાલા ચણા, શેકેલી શિંગ, ચકરી અપાય છે.”

બીબીસી ગુજરાતી સુરત પ્રાથમિક શિક્ષણ શાળા બાળકો મધ્યાહન ભોજન અક્ષયપાત્ર ચોખા ભાત પુલાવ

ઇમેજ સ્રોત, Special Arrangement

બાળકોને શું વધારે પસંદ છે?

બીબીસી ગુજરાતી સુરત પ્રાથમિક શિક્ષણ શાળા બાળકો મધ્યાહન ભોજન અક્ષયપાત્ર ચોખા ભાત પુલાવ

ઇમેજ સ્રોત, Special Arrangement

અડાજણની શાળાના આચાર્યએ કહ્યું કે, “બાળકોને મુખ્ય મંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ બાળકોને સુખડી, શેકેલા ચણા ઉપરાંત ક્યારેક ક્યારેક મગફળીની ચિકી અને સિઝન મુજબ ફળો પણ આપવામાં આવે છે.”

સુરતના પ્રાથમિક શિક્ષણ મંડળના પ્રમુખ અને લિંબાયતની એક શાળાના આચાર્ય રાહુલ ગવ્હાણેએ જણાવ્યું કે, “અમારે ત્યાં મોટા ભાગે શ્રમિક વર્ગનાં બાળકો આવે છે અને તેઓ ભોજનમાં ભાત અથવા પુલાવ જેવી ચોખાની ચીજો વધુ પસંદ કરે છે.”

“મેં જોયું છે કે તેઓ થેપલાં ઓછાં પસંદ કરે છે તેના કારણે તેમનો ખોરાક ઘટ્યો છે. અમને લાગે છે કે બે-ત્રણ દિવસમાં ચોખાની વાનગીઓ ફરીથી મળવા લાગશે.”

તેમણે એમ પણ કહ્યું કે, “અગાઉ ક્યારેય અક્ષયપાત્ર સંસ્થાએ આ રીતે મૅસેજ મોકલીને ચોક્કસ વાનગીઓ નહીં પીરસાય એવી જાણ કરી હોય તેવું ધ્યાનમાં નથી. આવું પહેલી વખત થયું છે.”

મધ્યાહ્ન ભોજન પીરસતી સંસ્થા અને સરકારે શું કહ્યું?

બીબીસી ગુજરાતી સુરત પ્રાથમિક શિક્ષણ શાળા બાળકો મધ્યાહન ભોજન અક્ષયપાત્ર ચોખા ભાત પુલાવ

ઇમેજ સ્રોત, Special Arrangement

શાળાઓને મધ્યાહ્ન ભોજનમાં જીરા રાઇસ અને પુલાવ નહીં મળે તેવા મૅસેજ કેમ મોકલવા પડ્યા તે જાણવા અમે અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે વાત કરી હતી.

અક્ષય પાત્રના સુરતસ્થિત લાયઝનિંગ ઑફિસર સંજય જોશીએ જણાવ્યું કે, “એફસીઆઈ (ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા)ના ગોડાઉનમાંથી અમને ઘઉં અને ચોખા મળતા હોય છે, જેમાં આ વખતે ચોખાનો સપ્લાય મળ્યો નથી.”

“ગોડાઉન ટ્રાન્સફર થવાના કારણે આમ થયું લાગે છે જેના કારણે પરમિટ જનરેટ થઈ શકી નથી.”

“તેના કારણે અમે હાલમાં બાળકોને ઘઉંનાં થેપલાં અને શાક આપીએ છીએ. અત્યારે અમારી પાસે ઘઉંનો પૂરતો જથ્થો છે.”

તેમણે કહ્યું કે, “અક્ષયપાત્ર સુરતમાં 2012થી ચાલુ છે અને તેના કિચનમાં હાલમાં દરરોજ બે લાખ બાળકોનું ભોજન અને નાસ્તો તૈયાર કરવામાં આવે છે, જે અલગ-અલગ શાળાઓમાં મોકલાય છે.”

બીબીસી ગુજરાતી સુરત પ્રાથમિક શિક્ષણ શાળા બાળકો મધ્યાહન ભોજન અક્ષયપાત્ર ચોખા ભાત પુલાવ

ઇમેજ સ્રોત, Akshay Patra Foundation

આ વિશે મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિના ચૅરમૅન રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું કે શાળામાં મધ્યાહ્ન ભોજન હેઠળ ભાત કે પુલાવ પીરસવાનું બે દિવસથી જ બંધ થયું છે અને અમે આ વિશે તપાસ કરાવી છે.

આજથી જ પુરવઠો શરૂ કરવા માટેનાં પગલાં લેવાશે એવું જાણવા મળ્યું છે. રક્ષાબંધનની રજા પછી શાળાઓમાં પહેલાંની જેમ ભાત મળતા થઈ જશે.

સુરત મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વહીવટી અધિકારી ધર્મેશ પટેલે જણાવ્યું કે, “સુરતમાં લગભગ 365 શાળાઓમાં કુલ બે લાખની આસપાસ બાળકોને મધ્યાહ્ન ભોજન અપાય છે.”

બીબીસી ગુજરાતી સુરત પ્રાથમિક શિક્ષણ શાળા બાળકો મધ્યાહન ભોજન અક્ષયપાત્ર ચોખા ભાત પુલાવ

ઇમેજ સ્રોત, Rahul Gavane

જ્યારે સુરતના જિલ્લા પુરવઠા અધિકારી દિલીપ વાઘેલાએ ચોખાના પુરવઠામાં વિલંબનું કારણ આપતા જણાવ્યું કે, “સુરત શહેર વિસ્તારમાં ત્રણ ગોડાઉન છે, જેમાં રાંદેર, નવાગામ અને સચીન સામેલ છે. ગયા મહિને ભારે વરસાદ અગાઉ નવાગામ અને સચીનસ્થિત ગોડાઉનને ચલથાણ શિફ્ટ કરવામાં આવ્યા છે.”

“સંસ્થા પાસે સ્ટૉક ખૂટી જાય ત્યારે તેઓ ડિમાન્ડ મોકલતા હોય છે. તેમણે સચીન ગોડાઉન પરથી ચોખા લેવાની ડિમાન્ડ મોકલી હતી, પરંતુ તે ગોડાઉન શિફ્ટ થયું હોવાથી મેપિંગ થઈ શકતું ન હતું.”

“તેના કારણે પરમિટ જનરેટ થતી ન હતી. ત્યાર પછી અમે આ ડિમાન્ડ NIC (નૅશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર)ને મોકલી અને ત્યાંથી તે ગાંધીનગર મોકલવામાં આવી છે, જેથી પરમિટ જનરેટ થઈ ગઈ છે. હવે તેમને સ્ટૉક આપવામાં આવશે.”

તેમણે કહ્યું કે, “અમારા તરફથી ચોખા અને ઘઉંનો જથ્થો પહોંચાડવામાં આવે છે અને ક્યારેય સમસ્યા થઈ નથી. આ વખતે ગોડાઉન શિફ્ટ થવાના કારણે મેપિંગનો પ્રશ્ન થયો હતો. આજે તેનો ઉકેલ આવી જશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS