Home તાજા સમાચાર gujrati ગાંધીજીના ચાર પુત્રોમાંથી ‘બાપુ’ના પ્રિય પુત્ર કોણ હતા, બધા પુત્રો સાથે તેમના...

ગાંધીજીના ચાર પુત્રોમાંથી ‘બાપુ’ના પ્રિય પુત્ર કોણ હતા, બધા પુત્રો સાથે તેમના કેવા સંબંધ હતા?

7
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

‘રાષ્ટ્રપિતા’નું માનભર્યું બિરુદ પામેલા ગાંધીજીના તેમના પુત્રો સાથેના સંબંધ કેવા હતા? આ સવાલનો જવાબ છેલ્લા ત્રણ-ચાર દાયકાથી લગભગ નક્કી હોય છેઃ સૌથી મોટા પુત્ર હરિલાલ સાથેના તેમના દુઃખદ સંબંધોની સગવડીયા વિગતો આગળ કરીને, ગાંધીજીને ખરાબ પિતા તથા ખરાબ માણસ ઠરાવી દેવા.

ગાંધીજીને ચાર પુત્રો હતાઃ સૌથી મોટા હરિલાલ, પછી મણિલાલ, રામદાસ અને સૌથી નાના દેવદાસ. તેમાંથી પ્રકૃતિ અને કેટલીક ખાસિયતોની રીતે કોણ કોની નજીક હતું, તે વિશે સરદાર પટેલે વાતવાતમાં કહ્યું હતુંઃ હરિલાલ- દેવદાસ “બાપુના દીકરા” અને મણિલાલ-રામદાસ “બાના દીકરા”. ત્યાં હાજર ગાંધીજીએ પણ તે મૂલ્યાંકન માન્ય રાખ્યું હતું. (‘હરિલાલ ગાંધી’, લેખકઃ ચંદુલાલ દલાલ, પૃ..१४)

ગાંધીજીના સૌથી મોટા પુત્ર હરિલાલનો જન્મ ઇ.સ. 1888માં રાજકોટમાં થયો હતો અને સૌથી નાના દેવદાસનો ઇ.સ.1900માં દક્ષિણ આફ્રિકામાં. પરંતુ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના વિચારો અને જીવનના પ્રવાહમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું. તેની સીધી અસર પુત્રો સાથેના તેમના વર્તનવ્યવહાર અને પુત્રોના ઉછેરઘડતર પર પડી.

હરિલાલઃ ‘ખોવાયેલું ધન’, ‘દુઃખી આત્મા’

બીબીસી ગુજરાતી

હરિલાલ માટેનાં આ બંને વિશેષણ અનુક્રમે તેમનાં દોહિત્રી નીલમ પરીખે અને નાના ભાઈ દેવદાસ ગાંધીએ વાપર્યાં હતાં.

ગાંધીજીના જીવનવિચારમાં ક્રાંતિકારી બદલાવ આવ્યા પછી, તેમણે દીકરાઓને પરંપરાગત અંગ્રેજી શિક્ષણ ન લેવા દીધું. તેની ફરિયાદ દીકરાઓને ઓછેવત્તે અંશે રહી.

દીકરાઓ એ વાતે દુઃખી છે તેનો ગાંધીજીને અફસોસ હતો, પણ તે પગલું આજીવન તેમને અયોગ્ય ન લાગ્યું.

પુત્રો-સાથીદારોમાંથી કોઈને વિદેશ ભણાવવા માટે તેમને સ્કૉલરશીપની રકમ મળી, ત્યારે તેના લાભાર્થી તરીકે ગાંધીજીએ હરિલાલને બદલે બીજાની પસંદગી કરી. આ બાબતો ગાંધીજી-હરિલાલ વચ્ચેના મતભેદના આરંભનું કારણ હતી.

ત્યાર પહેલાં હરિલાલ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહોમાં ભાગ લઈને, એકથી વધુ વખત જેલવાસ વેઠીને, ‘નાના ગાંધી’નું બિરુદ મેળવી ચૂક્યા હતા. તેમને સતત એવું લાગતું હતું કે તેમના પિતા પુત્રોના હિતની ઉપેક્ષા કરતા હતા.

સૌથી મોટા પુત્ર તરીકે તે પોતાને પિતાની સિદ્ધાંતધૂનના સૌથી મોટા ગેરલાભાર્થી ગણતા હતા. જોકે, પિતાથી નારાજ થઈને દક્ષિણ આફ્રિકામાં તેમણે ગૃહત્યાગ કર્યો, ત્યારે પિતાની છબી સાથે લેવાનું ભૂલ્યા ન હતા. (ચિઠ્ઠી લખીને ઘર છોડવાની હરિલાલની ચેષ્ટાને ગાંધીજીએ ‘સરસ્વતીચંદ્ર’ વાંચવાનું પરિણામ’ ગણાવી હતી.)

પછીથી હરિલાલને ભણવાની તક મળી, અને તે અમદાવાદમાં ભણ્યા, ત્યારે મેટ્રિક પાસ થઈ શક્યા નહીં. ગાંધીજી 1915માં ભારત આવી ગયા ત્યારે શરૂઆતના દિવસોમાં હરિલાલ તેમની સાથે હતા, પણ મનમેળ નહીં થાય એવું લાગતાં હરિલાલે અલગ થવાનું નક્કી કર્યું.

હરિલાલનાં પત્ની ગુલાબ ઉર્ફે ચંચીને ગાંધીજીએ નાની બાળા તરીકે રમાડ્યાં હતાં.

તેમની સાથે હરિલાલનાં લગ્નની વાતથી તેઓ રાજી હતા, પણ તેમણે ગાંધીજીની ઇચ્છા કરતાં વહેલી ઉંમરે લગ્ન કર્યાં, ત્યારે ગાંધીજીએ નારાજગી પ્રગટ કરી હતી.

ત્યાર પછી એ મુદ્દે તેમણે હરિલાલ કે ગુલાબ પ્રત્યે કડવાશ રાખી નહીં. પ્રચલિત માન્યતાઓથી વિપરીત, હરિલાલના અલગ થવા અને આડા રસ્તે ચડવા છતાં, દાયકાઓ સુધી ગાંધીજીએ તેમના માટે દરવાજા ખુલ્લા રાખ્યા હતા.

હરિલાલ ગાંધીજી પ્રત્યેના વાંધા જાહેર પત્રથી પ્રગટ કરતા હતા. આશ્રમવાસીઓમાંથી કેટલાક દંભની કે ગાંધીજીનાં કેટલાંક આત્યંતિક વલણોની હરિલાલે કરેલી ટીકામાં તથ્યના અંશ હતા, પણ તે અંગેની હરિલાલની પ્રતિક્રિયા સામા છેડાની હતી.

વળાંકોની સંભાવના ધરાવતા પતનના રસ્તે

બીબીસી ગુજરાતી

હરિલાલે ગાંધીજીથી અલગ થઈને કોલકતામાં ઘર માંડ્યું, ત્યારે તેમનું સંસારજીવન પાટે ચડ્યું હોય એવું લાગતું હતું, પણ તેમને આર્થિક સ્થિરતા ન મળી. ત્યારે તેમની એક એવી મર્યાદા પ્રગટ થઈ, જે આજીવન તેમની પ્રકૃતિ બની રહી. તે હતી આર્થિક લેણદેણમાં અવિશ્વસનીયતા.

ગાંધીજીને સિગરેટ- દારૂ- વ્યભિચાર સહિતની હરિલાલની કુટેવો કરતાં વધારે પીડા તેમની અવિશ્વસનીયતાથી થઈ. નોકરી હોય કે ધંધો, હરિલાલે પોતાના અને બીજાના રૂપિયા ખોયા, જે તે ભરપાઈ કરી શક્યા નહીં. ઇ.સ. 1918માં પત્નીનું અવસાન થતાં તેમના પતનની ગતિ ઝડપી બની.

હરિલાલે ઇસ્લામ અંગીકાર કર્યો ને વળી પાછા આર્યસમાજ થકી હિંદુ બન્યા, તેમાં પણ આર્થિક જરૂરિયાત અને પ્રલોભન મુખ્ય કારણભૂત હતાં, એવું ચંદુલાલ દલાલે લખેલા તેમના આધારભૂત ચરિત્ર ‘હરિલાલ ગાંધી’ (1977)માંથી સ્પષ્ટ થાય છે.

હરિલાલનું સંપૂર્ણ પતન થવા છતાં, છેક 1935માં ગાંધીજીએ તેમને થોડો વખત વર્ધા આશ્રમમાં રાખ્યા. એટલું જ નહીં, માપમાં સિગરેટ પીવાની છૂટ આપી, પણ હરિલાલ સ્થિર રહી શક્યા નહીં.

તેમના વિશે ગાંધીજી એવું માનતા અને કહેતા હતા કે હરિલાલમાંથી અમુક દુર્ગુણો નીકળી જાય તો તે બીજા ભાઈઓ કરતાં ચડિયાતા થાય, પણ એવું કદી બન્યું નહીં.

છેલ્લા તબક્કામાં હરિલાલ તબીબી અભ્યાસ કરતા તેમના પુત્ર કાંતિ અને પુત્રવધુ નિર્મળા સાથે થોડો સમય રહ્યા. ત્યારે પણ ગાંધીજીએ કંઈક રાહત અને આશા વ્યક્ત કર્યાં હતાં, પણ હરિલાલ પાછા વળવાના બિંદુથી ઘણા આગળ નીકળી ચૂક્યા હતા. તેમણે એ ઘર પણ છોડ્યું.

કસ્તુરબાનું અવસાન થયું ત્યારે હરિલાલ આગાખાન જેલમાં આવ્યા હતા અને બીજા દિવસે હરિલાલ- રામદાસ- દેવદાસે પિતા સાથે ભોજન લીધું હતું.

(મણિલાલ ત્યારે દક્ષિણ આફ્રિકા હતા) ગાંધીજીના અંતિમ સંસ્કાર પછી તે દિલ્હી પહોંચ્યા હતા અને અસ્થિવિસર્જન પહેલાં નીકળી ગયા.

થોડા મહિના પછી, 18 જૂન 1948ના રોજ તેમનું મુંબઈની હૉસ્પિટલમાં અવસાન થયું. તેના દાયકાઓ પછી, પિતા-પુત્રના સંબંધોની કરુણતા બજારુ ઢબે, મસાલેદાર કથા તરીકે રજૂ થઈ, તે બંનેના સંબંધોની મરણોત્તર કઠણાઈ હતી.

મણિલાલઃ ‘ઇન્ડિયન ઓપિનિયન’ના તંત્રી, દાંડીકૂચના યાત્રી

બીબીસી ગુજરાતી

ગાંધીજી 1914માં દક્ષિણ આફ્રિકા છોડીને ભારત આવવા નીકળ્યા, ત્યાર પછીનાં વર્ષોમાં દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપિનિયન’ અખબાર સંભાળનાર અને ત્યાંની લડતોમાં ભાગ–એ 1892માં પોરબંદરમાં કબા ગાંધીના ડેલામાં જન્મેલા મણિલાલ ગાંધીની મુખ્ય ઓળખ રહી.

આ ઉપરાંત, તેમણે દાંડી કૂચમાં પણ ભાગ લીધો હતો, એ બહુ જાણીતું નથી. બીજા નંબરના પુત્ર મણિલાલને પણ પિતાનાં કડકાઈ અને આગ્રહો ઠીક ઠીક પ્રમાણમાં વેઠવાનાં આવ્યાં, પણ તેમની પ્રકૃતિ હરિલાલ જેવી બળવાખોર ન હતી.

દક્ષિણ આફ્રિકામાં એક મુસ્લિમ યુવતી સાથે તેમને પ્રેમ થયો, ત્યારે ગાંધીજીએ તે લગ્નનો વિરોધ કર્યો હતો.

ગાંધીજીના મિત્ર ડૉ. પ્રાણજીવનદાસ મહેતાનાં પરણિત પુત્રી જેકી ગાંધીજી સાથે રહેેતી હતી, ત્યારે તેની અને મણિલાલની વચ્ચે પણ પ્રેમ થયો હતો, જેની ગાંધીજીએ આકરી પ્રતિક્રિયા આપી હતી.

મણિલાલનું લગ્ન છેવટે ભારતમાં કિશોરલાલ મશરુવાળાનાં ભત્રીજી સુશીલા સાથે ગોઠવાયું. તે સમયના જ નહીં, કોઈ પણ સમયના ભારતીય પિતાઓ- સસરાઓથી સાવ વિપરીત, ગાંધીજીએ તેમના પુત્રો ઉપરાંત પુત્રવધૂઓ સાથે નિયમિત પત્રવ્યવહાર રાખ્યો. નીલમ પરીખે કરેલા તેના સંપાદન ‘જ્યાં રહો ત્યાં મહેકતા રહો’માં પારિવારિક સંબંધો માટેની ગાંધીજીની નિસબત અને ચીવટ અનુભવી શકાય છે.

ગાંધીજી એક સમયે જેના તંત્રી હતા તે ‘ઇન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિક અખબાર છેક 1918થી 1956માં અવસાન સુધી મણિલાલે સંભાળ્યું.

અલબત્ત, ગાંધીજીના આગ્રહથી વિપરીત, તેમણે અખબારમાં જાહેરખબરો લેવાનું શરૂ કર્યું હતું.

‘ઇન્ડિયન ઓપિનિયન’ વિશે અને તે સિવાય પણ ઘણા મુદ્દે, દક્ષિણ આફ્રિકા રહેતા પુત્ર અને ભારતમાં શ્વાસ લેવાનો પણ સમય ન હોય એટલી પ્રવૃત્તિઓથી ઘેરાયેલા પિતા વચ્ચે સતત પત્રવ્યવહાર ચાલતો હતો.

ગાંધીજીએ પુત્રો પાસેથી અપેક્ષા રાખવાનું કે તેમને રસ્તો બતાવવાનું છોડ્યું ન હતું, પણ દરેક પત્રમાં અંતે સ્પષ્ટ શબ્દોમાં તે લખતા હતા કે છેવટે પુત્રોએ તેમને ઠીક લાગે તેમ કરવું.

રામદાસઃ પિતાના હત્યારા માટે માફીની માગણી કરનાર

બીબીસી ગુજરાતી

હરિલાલ-મણિલાલની જેમ રામદાસે પણ નાની વયે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં ભાગ લઈને જેલવાસ વેઠ્યો હતો. તેમને પણ ભાઈઓની જેમ અંગ્રેજી ભણતરથી વંચિત રહ્યાનો વસવસો હતો.

ભારત આવ્યા પછી એકાદ દાયકામાં તેમનું લગ્ન ગાંધીજીના ભત્રીજા છગનલાલ ગાંધીના સાળાનાં દીકરી નિર્મળા સાથે ગોઠવાયું.

ત્યારે પણ ગાંધીજીએ છોકરીની ઉંમર ધ્યાનમાં રાખીને લગ્ન માટે થોડી રાહ જોવાની સલાહ આપી હતી.

છેવટે, બે વર્ષ પછી 1927માં તેમનું લગ્ન સાબરમતી આશ્રમમાં ગાંધીજીની ઉપસ્થિતિમાં સાદગીપૂર્વક થયું.

રામદાસ સાબરમતી આશ્રમમાં રહેતા હતા, સત્યાગ્રહોમાં ભાગ લેતા રહ્યા, પણ તેમની તબિયતના ઘણા પ્રશ્નો હતા.

ગાંધીજીએ મણિલાલને એક પત્રમાં લખ્યું હતું, “રામદાસ કમનસીબ છે. સુખી કે શાંત થઈ જ નથી શકતો. શરીર લથડ્યું છે. નિમુ પણ માંદીસાજી રહ્યાં જ કરે છે. છોકરાંનું પણ એમ જ છે… છતાં રામદાસ ભક્ત છે, ભોળો છે, કર્તવ્ય શોધનારો ને પાલન કરવાનો પ્રયત્ન કરનારો છે એટલે અંતે સુખી જ થશે એમ માનું છું. બાકી ભગવાન ભક્તોની કસોટી પણ સારી પેઠે લે છે. એટલે રામદાસ જિંદગીભર દુઃખી રહેશે તોયે તે ભક્ત છે તે ટળવાનો નથી…”(3-7-1933)

તબિયત સુધારવા માટે પછી રામદાસ આફ્રિકા જવા તૈયાર થયા. તેમનો ખર્ચ ગાંધીજીના જૂના મિત્ર કેલનબેકે ઉપાડ્યો. રામદાસ ત્યાં સ્થિર થઈ જાય એવું પણ ગાંધીજી ઇચ્છતા હતા.

તેમની આગવી શૈલીમાં તેમણે મણિલાલને લખ્યું હતું,”રામદાસ ત્યાં રહેવા લલચાય તો સોના કરતાં પીળું.” (9-8-38) એ ગાળામાં રામદાસનાં પત્ની નિર્મળાને તેમણે દહેરાદૂનના કન્યા ગુરુકુળમાં અભ્યાસ માટે મોકલ્યાં. સાથે તેમની દીકરી સુમિત્રા પણ હતી.

રામદાસના પાછા આવ્યા પછી આખો પરિવાર નાગપુરમાં સ્થાયી થયો. ગૃહસ્થીની અને સંસારની જવાબદારીઓ મુખ્યત્વે નિર્મળાબહેન અદા કરતાં હતાં.

બાળકો થાળે પડ્યા પછી સેવાગ્રામ આશ્રમ બંનેનું કાયમી ઠેકાણું બન્યો.

ગાંધીજીની હત્યા પછી મોટા પુત્ર હરિલાલ હાજર ન હતા અને બીજા પુત્ર મણિલાલ આફ્રિકા હતા, એટલે તેમની ચિતાને આગ રામદાસે આપી હતી.

રામદાસે ગોડસેને મળીને તેની સાથે સંવાદ કરવાની અને તેને પશ્ચાતાપની તક આપવાની માગણી કરી હતી. મણિલાલ પણ તેમની માગણીમાં જોડાયા હતા.

પરંતુ ત્યારના ગવર્નર જનરલ રાજગોપાલાચારી, વડા પ્રધાન નહેરુ અને ગૃહપ્રધાન સરદારે તેમની માગણીનો અસ્વીકાર કર્યો હતો. ગાંધીશતાબ્દિવર્ષ 1969માં નાગપુરમાં તેમનું અવસાન થયું.

દેવદાસઃ ‘બાપુ’ના પ્રિય પુત્ર, ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના તંત્રી

બીબીસી ગુજરાતી

ગાંધીજીના ચોથા પુત્ર દેવદાસનો જન્મ દક્ષિણ આફ્રિકામાં ઘરે અને કોઈ ડૉક્ટર કે દાયણના નહીં, ગાંધીજીના હાથે જ થયો હતો.

ડૉ. ત્રિભુવનદાસ શાહના પુસ્તક ‘માને શિખામણ’માંથી મેળવેલા જ્ઞાનના આધારે ગાંધીજીએ કસ્તુરબાની પ્રસુતિ કરાવી હતી.

દક્ષિણ આફ્રિકામાં 14 વર્ષ રહ્યા પછી દેવદાસ ભારત આવ્યા અને સાબરમતી આશ્રમમાં મહાદેવભાઈ તથા પ્યારેલાલ સાથે રહીને તૈયાર થયા.

દેવદાસ માંડ વીસેક વર્ષના હતા ત્યારે ગાંધીજી સરલાદેવી ચૌધરાણીના ગાઢ સંપર્ક પછી તેમને ‘આધ્યાત્મિક પત્ની’ તરીકે અપનાવવાનું વિચારી રહ્યા હતા.

એ દિશામાંથી તેમને મક્કમતાપૂર્વક પાછા વાળનાર નિકટના લોકોમાં રાજગોપાલાચારી, મહાદેવ દેસાઈ અને મથુરાદાસ ત્રિકમજી ઉપરાંત દેવદાસની પણ મહત્ત્વની ભૂમિકા હતી.

અસહકાર આંદોલન વખતે મોતીલાલ નહેરુને સરકારે જેલમાં પૂરતાં તેમના અખબાર ‘ઇન્ડિપેન્ડન્ટ’ના તંત્રી તરીકે ગાંધીજીએ મહાદેવ દેસાઈને અલાહાબાદ મોકલ્યા અને તેમને પણ સરકારે જેલમાં પૂરતાં દેવદાસ ત્યાં પહોંચ્યા. તેમને પણ જેલવાસ થયો.

ત્યાર પછી ગાંધીજીએ દેવદાસને હિન્દીના પ્રચાર માટે મદ્રાસ મોકલ્યા. ત્યાં કામ કરતાં દેવદાસને સી. રાજગોપાલાચારીનાં પુત્રી લક્ષ્મી સાથે પ્રેમ થયો.

બંને વચ્ચે ઉંમરનો તફાવત મોટો હતો. ગાંધીજીએ તે બંનેને પાંચ વર્ષ એકબીજાથી અલગ રહ્યા પછી પ્રેમ ટકે તો લગ્ન કરવા કહ્યું.

બંનેએ તે શરત પાળી અને પાંચ વર્ષના અંતે વડીલોના આશીર્વાદ સાથે લગ્ન કર્યાં.

આશ્રમમાં અને આશ્રમની બહારના જાહેર જીવનમાં તેમ જ જામિયા મિલિયા જેવી શિક્ષણસંસ્થામાં દેવદાસની કામગીરી સતત ચાલુ રહી.

ગાંધીજીના બીજા પુત્રોની સરખામણીએ તે સૌથી વધારે ઝળક્યા અને પછી તો ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના તંત્રી તરીકે જાણીતા બન્યા.

પત્રકારત્વના ક્ષેત્રે તેમણે વિવિધ સંસ્થાઓ-સંગઠનોમાં હોદ્દા શોભાવ્યા.

છેક 1918માં ગાંધીજીએ લખ્યું હતું, “મારા ત્રણે છોકરા તરફથી થતા અસંતોષનો બદલો વાળવા દેવદાસ જન્મેલો છે એમ મને લાગે છે.”

તે દેવદાસે સાચું પાડ્યું. તેમણે પોતાના મોટા ભાઈ હરિલાલના પુત્ર કાંતિના તબીબી અભ્યાસનો ખર્ચ ઉપાડી લીધો અને કૌટુંબિક સ્નેહસંબંધો જાળવી રાખ્યા.

તેમનું 1957માં અકાળે અવસાન થયું. તેમનાં સંતાનોમાં રામચંદ્ર ગાંધી, રાજમોહન ગાંધી અને ગોપાલકૃષ્ણ ગાંધી પોતાની અટકને આગળ કર્યા વિના, ફક્ત પ્રતિભાથી નામી વિદ્વાનો તરીકે જાણીતા બન્યા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS