Home તાજા સમાચાર gujrati ક્રિસ્ટા પાઇક : મૃત્યુદંડ માટે બે ઘાતક ઇન્જેક્શન અપાયાં છતાં મોત ન...

ક્રિસ્ટા પાઇક : મૃત્યુદંડ માટે બે ઘાતક ઇન્જેક્શન અપાયાં છતાં મોત ન થયું, હવે શું થશે?

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

અમેરિકાના ટેનેસીમાં હત્યાના ગુનામાં દોષિત ઠરેલી ક્રિસ્ટા પાઇકને ફાંસી આપવાનો પ્રયાસ નિષ્ફળ ગયા પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તબીબો તેને ‘જીવન બચાવવાના પ્રયાસો’ હેઠળ સારવાર આપી રહ્યા છે.

પાઇકને ઘાતક ઇન્જેક્શન આપીને ફાંસી આપવાનો પ્રયાસ અગાઉથી જ એક મોટા કાનૂની વિવાદનો વિષય બન્યો હતો. હવે આ ઘટનાને કારણે અનેક સવાલો ઊભા થયા છે.

આ ઘટનાને કારણે અનેક સવાલો ઊભા થયા છે-ઇન્જેક્શનની પ્રક્રિયામાં શું ખોટું થયું, હવે આગળ શું થશે અને ફાંસીની પ્રક્રિયા નિષ્ફળ જાય ત્યારે કેદીને થતી પીડા અંગે ફાંસીની સજાના વિરોધીઓની ચિંતા કેટલી વાજબી છે.

શું થયું?

બીબીસી ગુજરાતી

50 વર્ષની ક્રિસ્ટા પાઇકને 1996માં 19 વર્ષની કોલીન સ્લેમરની હત્યા બદલ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આ હુમલો તેણે તે સમયના પોતાના બૉયફ્રેન્ડ ટાડારિલ શિપ સાથે મળીને કર્યો હતો.

બુધવારની સાંજે સ્થાનિક સમય પ્રમાણે પાઇકને ફાંસી આપવાની હતી. આ માટે અમેરિકાની સુપ્રીમ કોર્ટે કાનૂની લડાઈના અંતિમ તબક્કે તેને ઘાતક ઇન્જેક્શન આપવાની મંજૂરી આપી હતી.

પાઇકને પેન્ટોબાર્બિટલ નામની દવાની બે સિરીન્જ આપવામાં આવી હતી. જોકે, તેની કાનૂની ટીમે જણાવ્યું કે આ દવાથી તેના હૃદયના ધબકારા બંધ થયા નહોતા અને તે નસકોરાં લેતી હોવાનો અવાજ પણ સંભળાતો હતો.

ટેનેસીના સુધારણા વિભાગે પોતે અપનાવેલી પદ્ધતિનો બચાવ કર્યો હતો. વિભાગે કહ્યું હતું કે, “આ પ્રક્રિયા મુજબ આજે સાંજે જે કરવામાં આવ્યું તેના કરતાં વધારાની કોઈ કાર્યવાહી કરવાની મંજૂરી નથી.”

સમાચાર એજન્સી એ.પી.ના અહેવાલ મુજબ, દવાની બીજી માત્રા આપ્યા પછી પણ કેદી જીવતો રહે તો શું કરવું તે અંગે રાજ્યની માર્ગદર્શિકામાં સ્પષ્ટ સૂચના નથી.

પાઇકને આપવામાં આવેલી દવાની માત્રા જીવલેણ કેમ સાબિત ન થઈ, તેનું કારણ સત્તાવાળાઓએ હજુ સુધી આપ્યું નથી.

જોકે, તબીબી નિષ્ણાતોએ તેના સંભવિત કારણો અંગે પોતાનાં તારણો રજૂ કર્યાં છે.

એમોરી યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિનના પ્રોફેસર ડૉ. જોએલ ઝિવોટે બીબીસીને જણાવ્યું હતું કે પાઇકના વકીલોએ તેમને તબીબી નિષ્ણાત તરીકે પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.

તેમના મતે, પાઇકના લોહીમાં પેન્ટોબાર્બિટલનું પ્રમાણ કદાચ એટલું વધ્યું જ નહીં કે તેના કારણે શ્વાસ બંધ પડે અને હૃદય તથા રક્ત પરિભ્રમણની ક્રિયા બંધ થઈ જાય.

આગળ શું થશે?

ટેનેસીના સુધારણા વિભાગે જણાવ્યું હતું કે પાઇકને સારવાર માટે જેલની બહાર આવેલા એક તબીબી સુવિધાસ્થાને લઈ જવામાં આવી છે.

તેના એક વકીલે જણાવ્યું હતું કે હૉસ્પિટલમાં પાઇકને “જીવન બચાવવાનાં પ્રયાસો” હેઠળ સારવાર આપવામાં આવી રહી છે.

ગુરુવારની સવાર સુધી તેની તબિયત અંગે સ્પષ્ટ માહિતી મળી નથી.

ડૉ. ઝિવોટે બીબીસીને ઈ-મેઇલથી આપેલી ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, “પુનર્જીવનની પ્રક્રિયા શરૂ કરવામાં થયેલા વિલંબને કારણે તેના મગજને નુકસાન થયું હોવાની શક્યતા છે.”

ટેનેસીના ગવર્નર બિલ લીએ આ ઘટનાની સ્વતંત્ર સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ વર્ષની છેલ્લી બાકી રહેલી ફાંસી હવે નિર્ધારિત થયા મુજબ નહીં થાય.

કોલીન સ્લેમરનાં માતા મે માર્ટિનેઝે પાઇકને ફાંસી આપવામાં આવે એવી માગણી કરી હતી. તેમણે એનબીસી ન્યૂઝને કહ્યું કે જે કંઈ બન્યું તે “ગૂંચવણભર્યું હતું.”

બીબીસી ગુજરાતી

ફાંસીની સજાના વિરોધીઓએ પણ આ ઘટના અંગે તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે.

આંતરરાષ્ટ્રીય કાનૂની સંસ્થા રિપ્રાઇવનાં મુખ્ય કાર્યકારી અધિકારી માયા ફોઆએ કહ્યું, “ચોક્કસપણે શું ખોટું થયું તે આપણે જાણી શકીએ તેમ નથી, કારણ કે ઘણું બધું પડદા પાછળ થયું હતું. ઘાતક ઇન્જેક્શનની પ્રક્રિયાના દરેક તબક્કે ગુપ્તતા રાખવામાં આવે છે, જેથી રાજ્ય દ્વારા માનવજીવન લેવાની હિંસા છુપાવી શકાય.”

સત્તાવાળાઓએ હજુ સુધી જણાવ્યું નથી કે પાઇકને ફરીથી ફાંસી આપવાનો પ્રયાસ કરવામાં આવશે કે નહીં. જોકે, ભૂતકાળમાં મૃત્યુદંડની સજા પામેલા કેદીઓને બીજી વાર ફાંસી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના દાખલા છે.

પેન્ટોબાર્બિટલ દવા શું છે?

પેન્ટોબાર્બિટલ એક શક્તિશાળી શામક દવા છે. તે શરીરની ગતિને ધીમી કરે છે અને ચેતાતંત્રની કામગીરીને પણ અસર કરે છે.

કેટલીક તબીબી પરિસ્થિતિઓમાં ડૉક્ટરો તેનો ઉપયોગ સારવાર માટે કરે છે. પરંતુ વધુ માત્રામાં તેનો ઉપયોગ ઘાતક ઇન્જેક્શન દ્વારા મૃત્યુ લાવવા માટે પણ થઈ શકે છે.

ગયા વર્ષે આ દવાના ઘાતક ઇન્જેક્શનમાં ઉપયોગ બાબતે ફરી ચર્ચા થઈ હતી. તત્કાલીન રાષ્ટ્રપતિ જો બાઇડનના કાર્યકાળ દરમિયાન અમેરિકાની સંઘીય સરકારે કરેલી સમીક્ષામાં આ દવાથી “બિનજરૂરી પીડા અને યાતના” થવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

બાઇડન સરકારે સંઘીય સ્તરે થતી ફાંસીમાં પેન્ટોબાર્બિટલના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, આ પ્રતિબંધ ટેનેસી જેવાં રાજ્યોને લાગુ પડતો ન હતો. આવાં રાજ્યો પોતાની ફાંસીની પદ્ધતિ નક્કી કરી શકે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘાતક ઇન્જેક્શન માટે જરૂરી કેટલીક દવાઓ મેળવવી રાજ્યો માટે મુશ્કેલ બની છે. દવા બનાવતી કંપનીઓએ પોતાની દવાઓનો આવા હેતુ માટે ઉપયોગ કરવાનો વિરોધ કર્યો છે.

પાઇકની કાનૂની ટીમે જે પેન્ટોબાર્બિટલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની અસરકારકતા ઘટી ગઈ હોવાનો આક્ષેપ કર્યો છે. ટેનેસીના સુધારણા વિભાગે આ ચોક્કસ આક્ષેપનો જવાબ આપ્યો નથી.

દવાની અસરકારકતા અનેક કારણોસર ઘટી શકે છે. તેમાં તેના ઉપયોગ કરવાની છેલ્લી તારીખ વીતી જવી અને તેના કારણે દવાની અસરકારકતા ઘટી જવી પણ સામેલ છે.

જોકે, વિભાગે પોતાની ફાંસીની પદ્ધતિનો વ્યાપક બચાવ કર્યો હતો.

એક નિવેદનમાં તેણે કહ્યું હતું, “પ્રક્રિયામાં નક્કી કરવામાં આવેલું ઘાતક ઇન્જેક્શનનું રસાયણ સતત અસરકારક સાબિત થયું છે.”

શું પહેલાં પણ આવું બન્યું છે?

બીબીસી ગુજરાતી

ટેનેસીમાં 2026માં ફાંસી આપવાનો પ્રયાસ નિષ્ફળ જવાની પાઇકની ઘટના પહેલી નથી.

1994માં 3 લોકોનાં અપહરણ અને હત્યાના ગુનામાં દોષિત ઠરેલા ટોની કૅરુથર્સને મે મહિનામાં ફાંસી આપવાની હતી. પરંતુ ઘાતક ઇન્જેક્શન આપવા માટે તેની નસ શોધવામાં કર્મચારીઓને સફળતા ન મળતાં ફાંસી મોકૂફ રાખવામાં આવી હતી. ગવર્નર બિલ લીએ તેની ફાંસી પર 1 વર્ષ માટે મુલતવી રાખી હતી.

અમેરિકાના અન્ય ભાગોમાં પણ ફાંસીની પ્રક્રિયા યોગ્ય રીતે પાર ન પડે તેની ઘટનાઓ ચિંતાનું કારણ બની રહી છે.

મૃત્યુદંડ અંગે આંકડા અને સંશોધન રજૂ કરતી સંસ્થા ડેથ પેનલ્ટી ઇન્ફર્મેશન સેન્ટર (ડીપીઆઈ)ના જણાવ્યા મુજબ, 2022માં અમેરિકામાં આપવામાં આવેલી ફાંસીઓમાંથી એક તૃતીયાંશ કરતાં વધુ કાં તો નિષ્ફળ રહી હતી અથવા તેમાં ગંભીર સમસ્યાઓ ઊભી થઈ હતી. ડીપીઆઈ મૃત્યુદંડ અંગે નૈતિક કે રાજકીય પક્ષ લેતી નથી.

ડીપીઆઈના જણાવ્યા મુજબ, ફાંસીની અન્ય પદ્ધતિઓની સરખામણીએ ઘાતક ઇન્જેક્શનની પ્રક્રિયામાં આવી નિષ્ફળતાઓનું પ્રમાણ સૌથી વધુ છે.

2014માં ઓક્લાહોમામાં બનેલી એક ઘટના ખાસ ચર્ચાસ્પદ બની હતી.

ક્લેટન લૉકેટ્ટને 3 દવાઓનું ઘાતક ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, પરંતુ તેની એક નસ ફાટી જતાં દવાઓ યોગ્ય રીતે કામ કરી શકી નહોતી.

20 મિનિટ પછી ફાંસીની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. તે દરમિયાન લૉકેટ્ટ બેકાબૂ રીતે તરફડતો અને ધ્રૂજતો રહ્યો હતો.

અમેરિકાનાં 50 રાજ્યોમાંથી 27 રાજ્યોમાં રાજ્યના કાયદા હેઠળ મૃત્યુદંડની જોગવાઈ છે. સંઘીય સરકાર પણ ફાંસી આપી શકે છે.

મૃત્યુદંડના સમર્થક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે સંઘીય ફાંસી પરનો વિરામ સમાપ્ત કર્યો હતો. જોકે, ત્યારથી સંઘીય સરકારે હજુ સુધી કોઈ ફાંસી આપી નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS