Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં દારૂ પીવાના કેસમાં કોઈ પકડાય તો કેવી સજા થાય, કેવી જોગવાઈઓ...

ગુજરાતમાં દારૂ પીવાના કેસમાં કોઈ પકડાય તો કેવી સજા થાય, કેવી જોગવાઈઓ છે?

9
0

Source : BBC NEWS

ગુજરાતમાં દારૂ પીવાના કેસમાં કોઈ પકડાય તો કેવી સજા થાય? કેવી જોગવાઈઓ છે?

ગુજરાતમાં દારૂબંધી અને તેનો અમલ રાજ્યની સ્થાપના સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે. ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી રાજ્યમાં દારૂબંધી છે અને તેના માટે એવું કારણ આપવામાં આવે છે કે ગાંધીજી શરાબ અને વ્યસનના વિરોધી હતા, તેથી તેમના સન્માનમાં રાજ્યમાં દારૂ વેચાણ અને સેવન પર પ્રતિબંધ છે.

ગુજરાત એ ભૂતકાળમાં બૉમ્બે સ્ટેટનો ભાગ હતું ત્યારથી ‘બૉમ્બે પ્રોહિબિશન ઍક્ટ, 1949’ હેઠળ અહીં શરાબ પર પ્રતિબંધ હતો. ત્યાર પછી મે 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્યો બન્યાં ત્યારે ગુજરાતે દારૂ પર પ્રતિબંધ ચાલુ રાખ્યો હતો જ્યારે મહારાષ્ટ્રમાં દારૂબંધી તબક્કાવાર હળવી કરીને નિયમોમાં છૂટછાટ આપવામાં આવી.

જોકે, ગુજરાતમાં દારૂબંધી કેટલી અસરકારક છે તેના વિશે વારંવાર સવાલો ઊઠતા રહે છે. ખાસ કરીને લઠ્ઠાકાંડ થાય અથવા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાય ત્યારે આ એક ચર્ચાનો વિષય બને છે.

તાજેતરમાં રાજકોટમાં પોલીસે કાલાવાડ રોડ પરની એક હોટલમાં દરોડો પાડીને કેટલાક લોકોને દારૂ પીધો હોવાની શંકાના આધારે પકડ્યા હતા.

પીટીઆઈના અહેવાલ પ્રમાણે રાજકોટના ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન 2) રાકેશ દેસાઈએ જણાવ્યું કે “શનિવારે રાતે એક ખાનગી પાર્ટીમાં પોલીસે દરોડો પાડ્યો હતો. ઘટનાસ્થળે જ લોકોના બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને જેઓ દારૂના નશા હેઠળ હતા તેમની સામે ગુજરાત પ્રોહિબિશન ઍક્ટ હેઠળ એફઆઈઆર કરવામાં આવી હતી.”

તેમણે એમ પણ કહ્યું હતું કે, “પાર્ટીમાં લગભગ 30 મહિલાઓ પણ હાજર હતી. પરંતુ ટેસ્ટ મુજબ તેમાંથી કોઈએ આલ્કોહોલ પીધો હોય તેવું જાણવા મળ્યું નથી.”

ગુજરાતમાં દારૂ પીવા બદલ કેટલી સજા થાય?

નિષ્ણાતો મુજબ દાયકોથી દારૂબંધી છતાં ગુજરાતમાં દારૂનું સેવન કરવા પર બહુ આકરી સજાની જોગવાઈ નથી.

અમદાવાદસ્થિત એડ્વોકેટ સોનલ જોશીએ જણાવ્યું કે “ગુજરાત નશાબંધી અધિનિયમની કલમ 66 (1બી) હેઠળ ગેરકાયદે દારૂનું સેવન કરવામાં આવે તો ગુનો નોંધાય છે. પહેલી વખત ગુનો નોંધાયો હોય તો મહત્તમ છ મહિનાની સજા અથવા દંડ થઈ શકે છે. “

“મોટા ભાગે પહેલી વખત શરાબ પીતા પકડાયા હોય તો દંડ ભરીને છૂટી જતા હોય છે. કેટલીક વખત એક દિવસની સજા થાય છે. પરંતુ વારંવાર દારૂ પીવાનો અથવા દારૂ રાખવાના ગુનામાં વ્યક્તિ પકડાય તો વધારે સજા થઈ શકે છે.”

ગુજરાતમાં દારૂબંધી વિશે એડ્વોકેટ પરેશ મોદીએ જણાવ્યું કે “ગુજરાતમાં દારૂ રાખવો, પીવો અને તેની હેરફેર કરવી એ ગુનો છે. એટલું જ નહીં, રાજ્યમાં દારૂ પીવો એ અલગ બાબત છે અને દારૂની બોટલ પકડાય એ અલગ ગુનો છે. તેવી જ રીતે દારૂ દેશી છે કે વિદેશી તે પણ અલગ વસ્તુ છે.”

તેઓ કહે છે કે, “દારૂ પીધાની શંકાના આધારે વ્યક્તિ પકડાય અને બ્રેથ એનાલાઇઝરમાં પોઝિટિવ રિપોર્ટ આવે તો સીધા ગુનેગાર ગણવામાં આવે છે. જો વ્યક્તિ પાસેથી દારૂનો જથ્થો મળી આવે તો કલમ 65 લાગુ થાય.”

સજા વિશે તેમણે કહ્યું કે “દારૂ પીતા પકડાય તો વધુમાં વધુ છ મહિનાની સાદી જેલ અથવા 1000 રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે.”

“જો વ્યક્તિ દારૂબંધીના ભંગ હેઠળ બીજી વખત પકડાય તો લઘુતમ છ મહિનાની કેદ અને મહત્તમ બે વર્ષની જેલ થઈ શકે. તેની સાથે દંડની રકમ પણ વધી જાય છે.”

ગુજરાતમાં દારૂ પીવાના કેસમાં કોઈ પકડાય તો કેવી સજા થાય? કેવી જોગવાઈઓ છે?

આ ઉપરાંત દારૂનો જથ્થો કેટલો છે તેના આધારે તે કૉમર્શિયલ વેચાણ માટે રાખ્યો છે કે પોતાના પીવા માટે તે નક્કી થાય છે. જેમ કે 20 લિટરથી ઓછો દારૂ હોય તો કલમ 65 લાગે. તેમાં રિપીટ ઑફેન્ડર (વારંવાર ગુનો આચરનાર) માટે સજાની જોગવાઈ વધુ હોય છે.

એડ્વોકેટ સોનલ જોશીએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં પરમિટ સાથે દારૂ પી શકાય છે, પરંતુ તે ચોક્કસ વિસ્તાર સુધી મર્યાદિત છે. ધારો કે ગિફ્ટ સિટીમાં દારૂ પીધો હોય તો તમારે ત્યાં જ રોકાવું પડે. દારૂ પીને જાહેરમાં ગેરવર્તણૂક કરી શકાય નહીં. આનો ભંગ થાય તો ચોવીસ કલાકની સાદી કેદ અને દંડ થઈ શકે છે.”

“આ ઉપરાંત દારૂ પીને વાહન હંકારવું એ ગુનો છે. વાહન ચલાવનાર વ્યક્તિના લોહીમાં 30 એમજીથી વધારે આલ્કોહોલ નોંધાય તો પ્રથમ ગુનામાં છ મહિના સુધીની કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.”

સોનલ જોશીએ જણાવ્યું કે, શરાબ પીને જાહેરમાં ગેરવર્તન કરવામાં આવે તો ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની સેક્શન 355 હેઠળ ગુનો નોંધાય અને તેમાં એક દિવસની સાદી કેદ અને એક હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.

ઉપર જણાવ્યું તેમ 1960માં ગુજરાત અલગ થયા પછી રાજ્યમાં દારૂના ઉત્પાદન, વેચાણ, પરિવહન, સેવન અને દારૂનો જથ્થો રાખવા પર પ્રતિબંધ છે, પરંતુ મહારાષ્ટ્રએ ધીમે ધીમે પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. ગુજરાતના બીજા બે પડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં દારૂ પીવા પર છૂટ છે. જોકે, મધ્ય પ્રદેશમાં ‘ધાર્મિક મહત્ત્વના અને પવિત્ર ગણાતા’ કેટલાક શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં શરાબના વેચાણ અને સેવન પર પ્રતિબંધ લાગુ થયો છે.

ગુજરાતના પડોશી રાજ્યોમાં દારૂ પીવાની છૂટ હોવાથી રાજ્યની બૉર્ડર ચેક પોસ્ટ પરથી ઘણી વખત દારૂ પકડાતો હોય છે.

ગુજરાત સરકારે માર્ચ 2026માં વિધાનસભામાં જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સરહદે ચેક પોસ્ટ પરથી છેલ્લાં બે વર્ષમાં 42 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યનો દારૂ પકડાયો છે.

ગુજરાત પોલીસ દ્વારા પકડવામાં આવતી દારૂની બૉટલોને અંતે નષ્ટ કરવામાં આવે છે. એક સપ્તાહ અગાઉ જામનગરમાં પોલીસે વિદેશી શરાબની લગભગ 15 હજાર બૉટલો પર રોલર ફેરવીને તેનો નાશ કર્યો હતો.

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ છે પરંતુ નિયમો શું છે

ગુજરાતમાં દારૂ પીવાના કેસમાં કોઈ પકડાય તો કેવી સજા થાય? કેવી જોગવાઈઓ છે?

ગુજરાતમાં રાજ્ય બહારના મુલાકાતીઓ અને ટુરિસ્ટો પરમિટ લઈને ગુજરાતમાં શરાબનું સેવન કરી શકે છે. તેના માટે તેમણે કામચલાઉ પરમિટ મેળવવાની હોય છે જેની અરજી ઑનલાઇન કરી શકાય છે.

ગુજરાતમાં ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીને દારૂબંધીમાંથી અમુક અંશે મુક્તિ આપવામાં આવી છે. ઑથોરાઇઝ્ડ કંપનીઓના કર્મચારીઓ, અધિકારીઓ અને તેમના મહેમાનો ગિફ્ટ સિટીના ચોક્કસ વિસ્તારમાં શરાબ પી શકે છે.

આના માટે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જરૂરી છે.

ડિસેમ્બર 2025ના ગુજરાત સરકારના ગેઝેટ મુજબ ગુજરાત બહારના ભારતીય નાગરિકો પોતાના સરકારી ઓળખપત્ર (આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા મતદાર ઓળખપત્ર) દેખાડીને લાઇસન્સ ધરાવતી રેસ્ટોરાંના વાઇન ઍન્ડ ડાઇન એરિયામાં શરાબ પી શકે છે.

પરંતુ સ્થાનિક લોકો અથવા ગુજરાતના રહેવાસીઓ માત્ર ગિફ્ટ સિટીમાં પ્રવેશ કરીને શરાબ પી શકતા નથી. તેમની પાસે સત્તાવાર પરમિટ હોવી જરૂરી છે.

ગુજરાત સરકારના ગૃહ વિભાગ મુજબ વિદેશીઓ સત્તાવાર લિકર પરમિટ શૉપ પરથી શરાબ ખરીદી શકે છે. તેના માટે તેમની પાસે વેલિડ પાસપોર્ટ અને ભારતીય વિઝા હોવો જરૂરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS