Home તાજા સમાચાર gujrati અમદાવાદમાં બેકાબૂ બનેલી કારે ફૂટપાથ પર લોકોને કચડ્યા, બેનાં મોતના અહેવાલ –...

અમદાવાદમાં બેકાબૂ બનેલી કારે ફૂટપાથ પર લોકોને કચડ્યા, બેનાં મોતના અહેવાલ – ન્યૂઝ અપડેટ

5
0

Source : BBC NEWS

અમદાવાદમાં બેકાબૂ બનેલી કારે ફૂટપાથ પર લોકોને કચડ્યા, બેના મોત - ન્યૂઝ અપડેટ

અમદાવાદ પોલીસ અનુસાર સોમવારે રાતે નિકોલ વિસ્તારમાં એક કાર બેકાબૂ બનીને ફૂટપાથ પર ચઢી જતા ફૂટપાથ પર રહેતા બે લોકોનાં મોત થયાં છે અને બેને ઈજા થઈ છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે મોડી રાતે એક ફૉર્ચ્યુનર કાર ફૂટપાથ પર ચડી ગઈ હતી. પોલીસે કારના ડ્રાઇવરને પકડી લીધો છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા જેમાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હોવાનું જોવા મળે છે.

ઘટનામાં એક મહિલા અને તેમના પુત્રનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બે લોકો હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ ઘટના દેવસ્ય ઇન્ટરનૅશનલ સ્કૂલ નજીક બની છે. અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટ મુજબ વિરલ ચૌધરી નામના આરોપીને પકડવામાં આવ્યો છે જેની કારમાંથી બિયરના છ નંગ મળી આવ્યાં છે અને તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે.

મુરાસુ વાવાઝોડું આંધ્ર પ્રદેશના કિનારે ટકરાયું, ભારે વરસાદ વચ્ચે ટ્રેનો રદ

મુરાસુ વાવાઝોડું આંધ્ર પ્રદેશના કિનારે ટકરાયું, ભારે વરસાદ વચ્ચે ટ્રેનો રદ

હવામાન વિભાગે જણાવ્યું છે કે મુરાસુ વાવાઝોડું આંધ્ર પ્રદેશના કિનારે આવી પહોંચ્યું છે. વાવાઝોડાના આગળના ભાગમાં વૉલ ક્લાઉડનો એક મોટો હિસ્સો જમીન સુધી આવી પહોંચ્યો છે.

વૉલ ક્લાઉડ એ એવું વાદળ હોય છે જે ભારે તોફાન દરમિયાન મુખ્ય વાદળના નીચેના ભાગમાં જોવા મળે છે. સામાન્ય રીતે તે વાવાઝોડાના એ ભાગમાં બને છે જ્યાં વરસાદ નથી હોતો.

આ દરમિયાન રાજ્યમાં અનેક ટ્રેનો અને ફ્લાઇટ રદ કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે પવનની ઝડપ 100થી 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી છે.

સરકારે લોકોને ત્રણથી પાંચ નવેમ્બર સુધી ઘાટ રોડ પર પ્રવાસ ન કરવા ચેતવણી આપી છે. ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ ભૂસ્ખલન અને ખડકો પડવાનો ખતરો છે. હવામાન વિભાગ મુજબ તેલંગણામાં પણ ભારે વરસાદ પડશે.

કૂનોમાં ચિત્તાનો શિકાર કરવાના કેસમાં બે ભાઈની ધરપકડ, બંદુક જપ્ત કરાઈ

કૂનોમાં ચિત્તાનો શિકાર કરવાના કેસમાં બે ભાઈની ધરપકડ, બંદુક જપ્ત કરાઈ

મધ્ય પ્રદેશના કૂનો નૅશનલ પાર્કમાં 19 મહિનાના એક ચિત્તા કેએનજી 22નો શિકાર કરવાના આરોપ હેઠળ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ બે ભાઈઓની ધરપકડ કરી છે. એસટીએફે ઉપયોગમાં લેવાયેલી બે નાળચાવાળી લાઇસન્સ હેઠળની બંદુક પણ જપ્ત કરી છે.

મધ્ય પ્રદેશ સરકારે ઈજાગ્રસ્ત હાલતમાં ચિત્તા મળી આવ્યા પછી અને તેના શરીરમાંથી ગોળીઓના છરા મળ્યા બાદ વન વિભાગ અને પોલીસ અધિકારીઓને સામેલ કરીને સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી હતી.

એસટીએફે બીજી નવેમ્બરે જાહેર કરેલી પ્રેસ રિલીઝ મુજબ પકડાયેલા ભાઈઓના નામ ભગવાનસિંહ અને પ્રીતમ સિંહ છે. તેઓ મુરૈના જિલ્લાના રહેવાસી છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ 24 ઓક્ટોબરે વિજયપુર પાસે નિતનવાસ ગામના જંગલમાં શિકાર માટે ગયા હતા અને આ દરમિયાન ચિત્તાને જોઈને તેના પર ગોળી ચલાવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS