Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં ‘પીળા બ્લડપ્લાઝ્મા’ના ધંધા થકી ચાલતું કરોડોનું કથિત કોભાંડ કેવી રીતે પકડાયું?

ગુજરાતમાં ‘પીળા બ્લડપ્લાઝ્મા’ના ધંધા થકી ચાલતું કરોડોનું કથિત કોભાંડ કેવી રીતે પકડાયું?

5
0

Source : BBC NEWS

બ્લડપ્લાઝ્મા, ગુનો, હેલ્થ, ગુજરાત, મહારાષ્ટ્ર, અમદાવાદ, પોલીસ

ઇમેજ સ્રોત, Bhargav Parikh

કૅન્સર, હીમોફીલિયા જેવા રોગોની દવા બનવવા માટે વપરાતા પીળા બ્લડ પ્લાઝ્માથી કરોડપતિ થવા એક લૅબ ટેક્નિશિયન, સેલ્સમૅન અને બે ડ્રાઇવરોએ ભેગા મળીને રચેલા કથિત કારસાના તાર છેક મુંબઈ સુધી જોડાયેલા છે.

ગુજરાત પોલીસે આ કારોબારમાં સંડોવાયેલા ચારેય વ્યક્તિઓની ધરપકડ કરી છે.

ત્યારે આ ધંધામાં બીજા કેટલા લોકો સંડોવાયેલા છે એની પોલીસ હજુ તપાસ કરી રહી છે.

પોલીસનો દાવો છે કે બનાસકાંઠામાં રહેતા એક આરોપીએ આ કારોબારથી એટલા પૈસા બનાવ્યા કે તે ગામમાં નવું ઘર બનાવવા જઈ રહ્યો હતો.

અમદાવાદ સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપને થોડા દિવસો પહેલાં એક બાતમી મળી હતી જેના આધારે પોલીસે એક ટ્રેપ ગોઠવી હતી જેના કારણે આ સમગ્ર સિલસિલો પકડાયો હતો.

કેવી રીતે પકડાયો નકલી પ્લાઝ્મા કારોબાર?

બ્લડપ્લાઝ્મા, ગુનો, હેલ્થ, ગુજરાત, મહારાષ્ટ્ર, અમદાવાદ, પોલીસ

ઇમેજ સ્રોત, Bhargav Parikh

અમદાવાદ સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપને થોડા સમય પહેલાં એક બાતમી મળી હતી કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં બજાર ભાવ કરતા અડધી કિંમતે હૉસ્પિટલ અને દવા બનાવતી ફાર્માસ્યુટિક્લ એક કંપનીમાં બ્લડ પ્લાઝ્મા વેચાઈ રહ્યું છે.

અમદાવાદ ગ્રામ્યના સુપરિટેન્ડન્ટ ઑફ પોલીસ ઓમપ્રકાશ જાટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “અમારી પાસે વિગત આવી હતી કે અમદાવાદથી મહારાષ્ટ્ર અને ગુજરાતની કેટલી હૉસ્પિટલ તથા દવા બનાવતી કંપનીઓમાં બજાર કરતા અડધી કિંમતે બ્લડ પ્લાઝમા વેચાઈ રહ્યું છે.”

“જેના આધારે અમે તપાસ કરી ત્યારે ખબર પડી કે એક લૅબોરેટરીમાંથી ફાર્માસ્યુટિકલ કંપનીને બ્લડ પ્લાઝ્મા લાવી આપનાર વ્યક્તિ એક સેલ્સમૅન હતો.”

“તેને બ્લડબૅન્ક અને દવા બનાવતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે સારા સંપર્ક હતા.”

“બીકૉમનો અભ્યાસ કરેલા મૂળ બનાસકાંઠાના આ સેલ્સમૅન દિનેશ ચૌધરીએ પૈસાદાર થવા માટે બ્લડબૅન્કમાંથી પ્લાઝ્મા લઈ જતા ડ્રાઇવરને સાધ્યા હતા.”

“આમ આ લોકો બ્લડ પ્લાઝ્મા લઈને ડિલિવરી કરવા નીકળે ત્યારે અગાઉ જાણ કરી દેતા.”

“આ દરમિયાન, દિનેશનો સંપર્ક મૂળ માલેગાંવ પાસેના દુધાળા ગામના વતની અને વસીમ બ્લડબૅન્ક ચલાવનાર મોહન ગાયકવાડ સાથે થયો.”

“લૅબ ટેક્નિશિયન તરીકે અભ્યાસ કરેલા મોહન અને દિનેશે પીળા બ્લડ પ્લાઝ્માને નકલી બનાવી બજારમાં વેચવાનું નક્કી કર્યું. એના માટે દિનેશે અમદાવાદમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓના હબ ગણાતા ચાંગોદરમાં છ મહિના પહેલાં સસ્તામાં એક મકાન ભાડે લીધું.”

“આજ જગ્યાએ દિનેશે નકલી બ્લડ પ્લાઝ્મા બનાવવાનું શરૂ કર્યું.”

બ્લડપ્લાઝ્મા, ગુનો, હેલ્થ, ગુજરાત, મહારાષ્ટ્ર, અમદાવાદ, પોલીસ

ઇમેજ સ્રોત, Bhargav Parikh

એસપી ઓમપ્રકાશ જાટ કહે છે છે કે બજારમાં બ્લડ પ્લાઝ્મા ત્રણ હજારથી પાંચ હજારમાં વેચાય છે, તેમજ તેનો ઉપયોગ દવા કંપનીઓમાં કૅન્સરની દવા બનાવવા માટે, હીમોફીલિયાની દવા, તેમજ ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીઓ ઝડપથી સાજા થાય એની દવા બનાવવા માટે થાય છે.

“આ લોકોએ બ્લડબૅન્કમાંથી બ્લડ પ્લાઝ્મા લઈને નીકળનારા બે ડ્રાઇવર રફીક સાલમ અને જીતેન્દ્ર સોલંકીને સાધ્યા હતા.”

“આ લોકોએ વાનમાં બ્લડ પ્લાઝ્મા આપવા જવાનું હોય તે પહેલાં એટલે દિનેશ ચૌધરીને જાણ કરી દેતા હતા.”

“એટલે એ દિવસે દિનેશ બનાસકાંઠાથી અમદાવાદ ચાંગોદર આવતો અને અહીં એને બ્લડ પ્લાઝમા માટે વપરાતી ખાલી બૅગ રાખતો હતો.”

“એમાંથી ઓરિજિનલ બ્લડ પ્લાઝ્મા કાઢી લઈ સિરિન્જથી સલાઇન ભેળવી દેતો હતો આમ, બ્લડ પ્લાઝ્માની બૉટલનો રંગ પીળો જ રહે.”

“તેમજ અસલી બ્લડ પ્લાઝ્મા કાઢી લઈ બીજી એક બૉટલ બનાવતા અને દવાખાના તથા બજારમાં અડધી કિંમતે વેચતા હતા.”

“એટલે 40થી 50 રૂપિયામાં બનતા બ્લડ પ્લાઝમા 1500 રૂપિયામાં વેચતા હતા.”

“આ બ્લડ પ્લાઝ્મા દાઝી ગયેલા દર્દીઓને કે હીમોફીલિયાના દર્દીઓને અને જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, એટલું જ નહીં કૅન્સરની દવા તથા બીજા ગંભીર રોગોના રિસર્ચ માટે બ્લડ પ્લાઝ્માનો ઉપયોગ થતો હોય એવી ફાર્માસ્યુટિક્લ કંપનીમાં પણ વેચતા હતા”

પોલીસ શું કાર્યવાહી કરશે?

બ્લડપ્લાઝ્મા, ગુનો, હેલ્થ, ગુજરાત, મહારાષ્ટ્ર, અમદાવાદ, પોલીસ

ઇમેજ સ્રોત, Bhargav Parikh

એસપી ઓમપ્રકાશ કહે છે કે, અમે 15 પોલીસ અધિકારીઓની ટીમ બનાવી છે જેમાંથી કેટલાક હ્યુમન ઇન્ટેલિજન્સના જાણકારો પણ સામેલ છે.

તેઓ જણાવે છે, કારણ કે પહેલાં અમારી પાસે માત્ર માહિતી હતી પરંતુ કેસ બ્લાઇન્ડ હતો.

“સૌપ્રથમ તો અમે જે જગ્યાએ બ્લડ પ્લાઝ્માની જરૂર પડે એ જગ્યાએ તપાસ કરી તો અમને માહિતી મળી કે ધોળકાના બે ડ્રાઇવર જીતેન્દ્ર સોલંકી અને રફીક સાલમ અડધા ભાવમાં બ્લડ બૅન્કના માર્કવાળા બ્લડ પ્લાઝ્મા વેચતા હતા.”

“ત્યારે અમારી ટેક્નિકલ ટીમને ટેક્નિકલ ઍનાલિસીસ કરતા જાણવા મળ્યું કે એ ડિલિવરીના આગળના દિવસે દિનેશ ચૌધરીને ફોન કરતા એ પછી એમની મૂવમેન્ટ ચાંગોદરની આસપાસ થતી અને ત્યાંથી તેઓ અલગ અલગ જગ્યાએ ડિલિવરી માટે જતા.”

તેઓ જણાવે છે, “દિનેશ સોલંકીનું ટેક્નિકલ ઍનાલિસિસ કર્યું તો એ મહારાષ્ટ્રમાં બ્લડબૅન્ક ચાલવતા મોહન ગાયકવાડના સંપર્કમાં હતો.”

“તે દરમિયાન, અમારું ટેક્નિકલ ઍનાલિસિસ ચાલુ હતું અને સંદેશાની આપ લે થઈ એમાં એક હજારથી વધુ નકલી બ્લડ પ્લાઝ્માની વાત હતી.”

“ટેક્નિકલ ઍનાલિસીસથી અમે ચાંગોદરમાં ભૂતકાળમાં જે જગ્યાએ મળતા હતા ત્યાં વૉચ રાખી હતી અને ફોન નંબરની મૂવમેન્ટ જોતા રહ્યા.”

પોલીસે દરોડા પાડવાની યોજના કેવી રીતે બનાવી તે અંગે વાત કરતા તેમણે કહ્યું કે, “અમે પ્લાન બનાવ્યો જેવા બધા ભેગા થયા સાથે અમે રેડ કરી તો અમે જોયું કે ઓરિજિનલ બ્લડ પ્લાઝ્મા બૉટલમાંથી કાઢી એમાં સલાઇન ભરવામાં આવતું હતું.”

“એ લોકોને અમે રંગે હાથ પકડ્યા, એના આધારે મહારાષ્ટ્રથી મુખ્ય સૂત્રધાર મોહન ગાયકવાડને પકડ્યો, એમની પાસેથી 1140 બ્લડ પ્લાઝ્માની બૉટલ મળી આવી હતી.”

“ખાલી બ્લડ પ્લાઝ્માની બૉટલ એક પ્લાસ્ટિકની બૉટલ સીઝ કરવાનું મશીન અને એક ડીપફ્રીઝર મળ્યું છે.”

“અમે ચારેયના રિમાન્ડ લઈ આ જીવલેણ ધંધામાં બીજા કેટલા લોકો જોડાયેલા છે એ પણ ટૂંક સમયમાં શોધી કાઢીશું.”

ડૉક્ટરનું શું કહેવું છે?

બ્લડપ્લાઝ્મા, ગુનો, હેલ્થ, ગુજરાત, મહારાષ્ટ્ર, અમદાવાદ, પોલીસ

ઇમેજ સ્રોત, bhargav parikh

ઑલ ઇન્ડિયા મેડિકલ ઍસોસિયેશનના ગુજરાત એકમના વાઇસ પ્રેસિડેન્ડ મુકેશ મહેશ્વરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ ખૂબજ ગંભીર બાબત છે, બ્લડ પ્લાઝ્મા હીમોફીલિયાના દર્દીઓને આપવામાં આવે છે જેમની રોગ પ્રતિકારકશક્તિ ઓછી હોય તેમને આ આપવામાં આવે છે

“તેનો સૌથી વધુ ઉપયોગ દાઝી ગયેલા લોકોને ઝડપી રૂઝ આવે એના માટે વપરાય છે.”

“એટલું જ નહીં કૅન્સર, હીમોફીલિયા સહિતમાં અત્યંત ગંભીર રોગોની નવી દવાના રિસર્ચમાં વપરાય છે અને ફાર્માસ્યુટિકલ કંપનીમાં બનતી દવાઓમાં વપરાય છે.”

ત્યારે આવા નકલી બ્લડ પ્લાઝ્માના કારોબારને કારણે સંખ્યાબંધ લોકોની જિંદગી પર અસર થઈ શકે છે.

નકલી પ્લાઝમાના કારોબારના મુખ્ય સૂત્રધારો કોણ છે?

બ્લડપ્લાઝ્મા, ગુનો, હેલ્થ, ગુજરાત, મહારાષ્ટ્ર, અમદાવાદ, પોલીસ

ઇમેજ સ્રોત, Bhargav Parikh

બીબીસીએ દિનેશ ચૌધરીના વતન બનાસકાંઠાના ધાનેરાના એક ગામે તપાસ કરી તો અહીંના આગેવાન દિનેશ ચૌધરીના કૌટુંબિક સગાએ (નામ છુપાવવામાં આવ્યું છે) બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, દિનેશ ભણવામાં હોશિયાર હતો, ગ્રેજ્યુએટ થઈ અમદાવાદ કામ પર ગયો હતો.

“પરંતુ દિનેશ છેલ્લા છ મહિનાથી ગામમાં વધુ રહેતો હતો, એ મોંઘી ટીશર્ટ પહેરવા લાગ્યો હતો અને છૂટથી પૈસા વાપરતો અને ગામમાં કાયમ કહેતો કે નોકરી છોડીને ધંધો શરૂ કર્યો છે.”

“થોડા સમયમાં વધુ પૈસા કમાઈ ગામમાં મોટું મકાન બનાવીને અહીં રહેવા આવી જશે. પણ એ આવો નકલી બ્લડ પ્લાઝ્માનો કારોબાર કરતો હોવાની કોઈને જાણ નહતી.”

ત્યારે બે આરોપી ડ્રાઇવરો જીતેન્દ્ર સોલંકી અને રફીક સાલમ વિશે ધોળકાના સામાજિક આગેવાન કાળુભાઈ ચાવડાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “બંને આર્થિક રીતે સધ્ધર ન હતા, ડ્રાઇવિંગનું કામ કરતા પણ છ મહિનાથી એ લોકો લાંબી મહારાષ્ટ્રની ટ્રિપ પર જતા હતા.”

કાળુભાઈનું કહેવું છે, “તેઓએ ઘરમાં ઇલેક્ટ્રોનિક સાધનો પણ વસાવ્યાં હતાં, ગામમાં એવું કહેતા હતા કે લાંબી ટ્રિપમાં પૈસા વધુ મળે છે એટલે નવાં સાધનો વસાવીએ છીએ પણ ડ્રાઇવર આવા કારોબારમાં જોડાયેલા હશે એની ખબર નથી.”

તો, લૅબ ટેક્નિશિયન મોહન ગાયકવાડ વસઈ રહે છે, પણ એનું મૂળ વતન માલેગાંવ પાસેનું દુધાળા ગામ છે. બીબીસીએ એના પરિવાર સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પણ સંપર્ક થઈ શક્યો નહતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS