Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Gujarat University/FB
ગુજરાત યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે છેલ્લા કેટલાક સમયથી પોતાના પરિચિતોની ગુજરાત સરકાર યુજીસીના નિયમોને નેવે મૂકી મોટા પગારે ભરતી કરી હોવાના વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરાઈ રહેલા આરોપ બાદ મંગળવારે આ મામલામાં કાર્યવાહી થઈ હતી.
આ આરોપોની તપાસ માટે રચાયેલી ત્રણ સભ્યોની સમિતિએ આપેલા વચગાળાના રિપોર્ટના આધારે ગુજરાત યુનિવર્સિટીએ હવે દસ અધિકારીઓને ફરજમોકૂફ કર્યા છે.
ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ જગદીશ જોશીએ બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કહ્યું કે, “વિદ્યાર્થી સંગઠનોના આક્ષેપ બાદ તેની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની એક કમિટી બનાવાઈ હતી, એની તપાસ હજુ ચાલુ છે, પણ યુનિવર્સિટીને કરેલી ભલામણો બાદ દસ લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જ્યુડિશરી સિસ્ટમ મુજબ તપાસ થઈ રહી છે, જરૂર હોય ત્યાં વિડીયો રેકૉર્ડિંગ થાય છે. તમામ લોકોનાં નિવેદન લેવાઈ રહ્યાં છે. અમારા અંદાજ પ્રમાણે આગામી દસ દિવસમાં તેનો અહેવાલ આવી જશે, એ બાદ કસૂરવાર લોકોને ટર્મિનેટ કરવામાં આવશે.”
આ અગાઉ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે તેના અમદાવાદના અધ્યક્ષ ધ્રુમિલ અખાનીના નેતૃત્વમાં પહેલાં તપાસ કરી ગેરકાયદે નિમણૂકો રદ કરવાની લેખિત રજૂઆત થઈ હતી.
7 ઑગસ્ટે ધ્રુમિલ અખાનીના નેતૃત્વમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને કાર્યકારી કુલપતિ પર નકલી નોટો ફેંકવામાં આવી હતી.
વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળ્યા બાદ આ મામલે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી અપાઈ હતી. આ આરોપો મામલે પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનો પક્ષ જાણવાનો પ્રયાસ કરાયો હતો, જોકે, તેમણે ફોન ઉપાડ્યો નહોતો.
‘એક પર હુમલો, ત્રણેય પર આક્રમણ મનાશે’ પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે મક્કામાં સંરક્ષણ કરાર
ઇમેજ સ્રોત, Turkish Presidency / Murat Cetinmuhurdar / Handout/Anadolu via Getty Images
સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં શુક્રવારના રોજ સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે વધુ એક મહત્ત્વપૂર્ણ સંરક્ષણ કરાર પર સહી થઈ છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, ત્રણ દેશોના નેતા – સાઉદી અરેબિયાના મોહમ્મદ બિન સલમાન, તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆન અને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે એક સંમેલન દરમિયાન આ સમાધાન પર સહી કરી.
આ સમાધાન અંતર્ગત ત્રણ દેશોએ કોઈ એક સભ્ય દેશ પર સશસ્ત્ર હુમલાને બધા દેશો પર હુમલો માનવા અને સંરક્ષણ સહયોગને તમામ સ્તરો પર વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
સાઉદી અરેબિયા અને પાકિસ્તાનમાં સંરક્ષણ કરાર પહેલાંથી જ થયેલો છે, જે અનુસાર, બંનેમાંથી કોઈ પણ દેશ વિરુદ્ધ આક્રમકતાને બંને દેશ પોતાની વિરુદ્ધ માનશે. આ કરારમાં તુર્કી પણ હવે સામેલ થઈ ગયું છે.
ફેસબુક, ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી મેટા પર 5,395 કરોડ રૂપિયાનો દંડ, કયા મામલામાં કંપની સામે આવ્યો ચુકાદો
ઇમેજ સ્રોત, David Paul Morris/Bloomberg via Getty Images
અમેરિકાના ન્યૂ મૅક્સિકો રાજ્યની એક અદાલતના એક જજે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી મેટા કંપનીને વધુ 5,395 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
કોર્ટે કહ્યું છે કે કંપની પ્લૅટફૉર્મ દ્વારા બાળકો માટેનાં જોખમો વિશે યુઝર્સને ચેતવણી આપવામાં નિષ્ફળ રહી છે.
બાળકોની સુરક્ષા મામલે મેટા સામેના કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય છે.
અમેરિકામાં એક સીમાચિહ્ન રૂપ ચુકાદામાં જસ્ટિસ બ્રાયન બિડશેડે સોશિયલ મીડિયા જાયન્ટની ક્ષમતાને “જાહેર ઉપદ્રવ”તરીકે વર્ણવી અને તેની તુલના વાયુ પ્રદૂષણ સાથે કરી હતી. જસ્ટિસ બિડશેડે આદેશ આપ્યો કે ભંડોળનો ઉપયોગ ભવિષ્યના નુકસાનને ઘટાડવા માટે કરવામાં આવે છે.
ન્યાયાધીશ બિડશેડે મેટાની તુલના એક ફૅક્ટરી સાથે કરતાં કહ્યું કે જાહેરાતો અને સામગ્રી તેનું ઉત્પાદન છે, જ્યારે બાળકોને થતા માનસિક નુકસાન અને તેમની જાતીય શોષણની ઘટનાઓ એ એવી પ્રદૂષણ સમાન બાબતો છે જેને રોકવાની જરૂર છે.
ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વૉટ્સઍપ અને થ્રેડ્સની માલિકી ધરાવતી અને તેનું સંચાલન કરતી મેટાના પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું હતું કે, “અમે આ ચુકાદા સાથે અસહમત છીએ અને તેના વિરુદ્ધ અપીલ કરીશું.”
તેમણે વધુમાં કહ્યું કે, “અમારા પ્લૅટફૉર્મ પર લોકોને સુરક્ષિત રાખવા માટે અમે ભારે મહેનત કરીએ છીએ અને ખરાબ ઇરાદાવાળા લોકોને તથા હાનિકારક સામગ્રીને ઓળખી અને દૂર કરવાની પડકારજનક પ્રક્રિયા અંગે અમે પારદર્શક રહ્યા છીએ.”
“કિશોરોને ઑનલાઇન સુરક્ષિત રાખવામાં અમારા રેકૉર્ડ અંગે અમને વિશ્વાસ છે અને તથ્યોનું ખોટું પ્રતિનિધિત્વ કરતી દાવાઓ સામે અમે પોતાનો બચાવ ચાલુ રાખીશું.”
આ કેસમાં અગાઉ આપવામાં આવેલા 375 મિલિયન ડૉલરના ચુકાદા અંગે પણ મેટાએ કહ્યું હતું કે તે અપીલ કરવાની યોજના ધરાવે છે અને સમાન પ્રકારનું સ્પષ્ટીકરણ આપ્યું હતું. કોઈ રાજ્યએ બાળ સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર મેટા વિરુદ્ધ સફળતાપૂર્વક કેસ જીત્યો હોય, તે પ્રથમ ઘટના હતી.
મેટા સામે હાલમાં અમેરિકામાં આવા જ મામલાઓમાં હજારો કેસો ચાલી રહ્યા છે. ન્યૂ મૅકસિકોના ચુકાદાઓ સિવાય, આ વર્ષની શરૂઆતમાં મેટા લૉસ એન્જેલિસમાં પણ સમાન આરોપો ધરાવતા એક કેસમાં હારી ગઈ હતી.
થાઇલૅન્ડ: શાળામાં ગોળીબારમાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત, 15 ઈજાગ્રસ્ત
ઇમેજ સ્રોત, Reuters
થાઇલૅન્ડની રાજધાની બૅંકૉક નજીક આવેલા નૉનથાબુરી પ્રાન્તના બૅન્ક ક્રુઆઈ જિલ્લામાં એક શાળામાં ગોળીબાર થયો છે. આ ગોળીબારમાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયાં છે.
પોલીસ અધિકારી પાસાકોર્ન ચેતાવીવોંગે બીબીસીને આ ઘટનાની પુષ્ટિ કરી છે. થાઇલૅન્ડના વડા પ્રધાને આ ઘટનાની ટીકા કરી છે.
તેમણે કહ્યું કે, “આ બહુ ખરાબ છે. આવું નહોતું થવું જોઈતું હતું. હું માત્ર પીડિતો માટે દુ:ખી નથી પરંતુ આ વાતનો પણ અફસોસ છે કે આવું નહોતું થવું જોઈતું હતું. આવું અમારા દેશમાં કેવી રીતે થઈ શકે?”
સમાચાર સંસ્થા રૉઇટર્સ અનુસાર, પોલીસે હુમલાખોરની ઓળખ શાળામાં ભણતા એક વિદ્યાર્થી તરીકે કરી છે.
પોલીસ અનુસાર, સ્થાનિક સમય અનુસાર સવારે 10.30 વાગ્યા સુધી પરિસ્થિતિ પૂરી સામાન્ય નથી થઈ.
સમાચાર એજન્સી રૉઇટર્સે પોલીસને ટાંકતા કહ્યું કે એક શિક્ષકનું મોત થયું છે અને ચાર અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.
રિપોર્ટ અનુસાર, હુમલાખોરે બાદમાં પોતાને ગોળી મારી લીધી હતી.
નૉનથાબુરી પ્રાન્તના પોલીસ પ્રમુખ ડેચરાપી કોંગદીએ બીબીસીને જણાવ્યું કે હુમલાખોર નવા ધોરણનો વિદ્યોર્થી હતો.
થાઇલૅન્ડમાં નવમા ધોરણના વિદ્યાર્થીની ઉંમર સામાન્ય રીતે લગભગ 14 વર્ષ હોય છે. પોલીસે પુષ્ટિ કરી છે કે હુમલાખોરનું મોત થયું છે.
કૉંગ્રેસના સમર્થનથી ચાલતી ઝારખંડ સરકાર સામે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે રાહુલ ગાંધીએ વાત કરી
ઇમેજ સ્રોત, Getty Images
ઝારખંડની રાજધાની રાંચીમાં જેએસએસસી અને જેપીએસસી સામે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે રાહુલ ગાંધીએ ફોન પર વાત કરી છે.
પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થી નેતા પીયૂષકુમારે કહ્યું, “પરીક્ષા રદ કરવા, તપાસ અને સુધારા માટે અમારી જે માગો છે, એ અમે જણાવી છે.”
“રાહુલ ગાંધીએ કહ્યું કે અમે તમારી માગો સાથે છીએ. અમે સરકાર સાથે આ સંબંધે વાત કરીશું કે તમારી માગો સ્વીકારી લેવામાં આવે.”
81 સભ્યવાળી ઝારખંડ વિધાનસભામાં મુખ્ય મંત્રી હેમંત સોરેનની પાર્ટી સાથે 34 ધારાસભ્ય અને કૉંગ્રેસના 16 ધારાસભ્યના સમર્થનથી સરકાર ચાલી રહી છે.
તેમજ આરજેડીના ચાર ધારાસભ્યોનું સમર્થન પણ જેએમએમને છે. એવામાં રાહુલ ગાંધીનું પ્રદર્શનકારીઓ સાથે વાત કરવું એ રાજકીય રીતે ઘણું મહત્ત્વનું છે.
આ દરમિયાન રાંચીમાં જેપીએસસી-જેએસએસસી વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર સાથે વાત કરવા માટે પોતાનું પ્રતિનિધિમંડળ બનાવી લીધું છે.
જોકે પીયૂષકુમારે કહ્યું કે તેમને સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી અપાઈ નથી.
ઉલ્લેખનીય છે કે બીજી જુલાઈએ ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (જેપીએસસી) 14મીની પ્રારંભિક પરીક્ષાનું પરિણામ આવ્યું હતું.
કુલ 2,204 ઉમેદવારો મેઇન્સ એટલે કે મુખ્ય પરીક્ષા માટે ક્વૉલિફાય થયા હતા. મુખ્ય પરીક્ષાની તારીખ 18થી 20 જુલાઈ હતી.
પરિણામ આવતાં જ સવાલો શરૂ થઈ ગયા. કૅટેગરી-વાઇઝ કટ ઑફ જાહેર ન થયા અને આ દરમિયાન એક ઉમેદવારની કથિત ઑપ્ટિકલ માર્ક રિકગ્નિશન (ઓએમઆર) શીટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ.
કથિત રીતે તેમાં માત્ર 48 સવાલના જવાબ આપ્યા હતા, છતાં તેની મુખ્ય પરીક્ષામાં પસંદગી થઈ હતી.
તેમજ જે પરિણામ જાહેર થયું તેમાં જેપીએસસીના અધ્યક્ષ, સચિવ કે સભ્યોની સહી નહોતી, જે નિયમ પ્રમાણે હોવી જોઈએ. બાદમાં મુખ્ય પરીક્ષા રદ કરી દેવાઈ હતી.
વિદ્યાર્થીઓનો આરોપ છે કે ‘જેપીએસસીનું પ્રશ્નપત્ર લીક કરાયું, સીટો વેચાઈ’ અને અને તેમને સીઆઇડીની તપાસ પર વિશ્વાસ નથી. તેઓ માગ કરી રહ્યા છે કે આ કેસની તપાસ ઈડી અથવા સીબીઆઇને સોંપવામાં આવે.
વિદ્યાર્થીઓ તેમની વિવિધ માગો સાથે 25 જુલાઈથી રાંચીમાં પ્રદર્શન કરી રહ્યા છે.
હૂતીઓના હુમલામાં યમનની સેનાના કમસે કમ 30 સૈનિકોનાં મોત
ઇમેજ સ્રોત, MOHAMMED HUWAIS/AFP via Getty Images
મધ્ય યમનમાં હૂતી બળવાખોરો દ્વારા સૈન્ય છાવણીઓ પર કરાયેલા હુમલાઓમાં યમનની સરકારી સેનાના કમસે કમ 30 જવાનો માર્યા ગયા હોવાના અહેવાલો છે.
તાજેતરનાં વર્ષોમાં બંને પક્ષો વચ્ચે થયેલી અથડામણોમાં આ સૌથી ઘાતક હુમલાઓમાંની એક છે.
યમનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, “મારિબ અને હદરામૌત પ્રાંતોમાં અનેક સૈન્ય છાવણીઓ પર બૅલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન દ્વારા હુમલા કરાયા. આ હુમલાઓમાં ઘણા સૈનિકોનાં મોત થયાં છે અને અનેક ઘાયલ થયા છે.”
જોકે, મંત્રાલયે મૃત્યુ પામેલા સૈનિકોની ચોક્કસ સંખ્યા જાહેર કરી નથી.
સંરક્ષણ મંત્રાલયે આ હુમલાઓને “વિશ્વાસઘાતી” ગણાવ્યા અને કહ્યું કે આ “આક્રમક કાર્યવાહી”નો યોગ્ય સમય અને સ્થળે જવાબ અપાશે.
ઉત્તર-પશ્ચિમ યમનના મોટા ભાગ પર નિયંત્રણ ધરાવતા અને ઈરાન સમર્થિત હૂતી બળવાખોરોએ દાવો કર્યો છે કે તેણે એવા “મોટા સાઉદી સૈન્ય જમાવડા”ને નિશાન બનાવ્યા, જે કથિત રીતે સૈન્ય અભિયાનની તૈયારી કરી રહ્યા હતા.
યમનના ગૃહયુદ્ધ દરમિયાન સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધને સતત યમનની સરકારી સેનાને સમર્થન આપ્યું છે.
એક અન્ય હુમલાની ઘટનામાં સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધનના પ્રવક્તાએ જણાવ્યું કે સાઉદી અરેબિયાના નજરાન સીમા વિસ્તારમાં 11 નાગરિકો ઘાયલ થયા છે. તેમના જણાવ્યા અનુસાર આ હુમલો હૂતી બળવાખોરોએ કર્યો હતો.
ગઠબંધન દ્વારા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જાહેર કરાયેલા નિવેદન મુજબ, ઘાયલોમાં સાત સાઉદી નાગરિકો સામેલ છે. તેમાં એક મહિલા અને ચાર વર્ષનું બાળક પણ છે.
અન્ય ચાર ઘાયલ વ્યક્તિઓ યમન, પાકિસ્તાન અને ઇજિપ્તના નાગરિકો હોવાનું જણાવાયું છે.
યમનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મધ્ય યમનમાં હૂતી બળવાખોરોએ ગુરુવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે 10:40 વાગ્યે હુમલા કર્યા હતા.
ભચાઉ–સામખિયાળી વચ્ચે 130 કિમીની ઝડપે દોડી ટ્રાયલ ટ્રેન
ઇમેજ સ્રોત, Aashutosh Ayachi/BBC
કચ્છના ભચાઉ–સામખિયાળી વચ્ચે રેલવે દ્વારા નિર્માણ કરાયેલા નવા ત્રીજા અને ચોથા ટ્રેકનું હાઈ સ્પીડની ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
32 કિલોમીટર લાંબા ટ્રૅક પર 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ ટ્રેન દોડાવાઈ હતી.
ટ્રાયલ દરમિયાન ટ્રેન સામખિયાળીથી ભચાઉ સુધી પહોંચી હતી અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એ જ ઝડપે પરત ફરી હતી.
નવા ટ્રૅકનું ઇન્સ્પેક્શન અને અન્ય જરૂરી પરીક્ષણોની કામગીરી હાલ ચાલી રહી છે.
તમામ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ નવા ટ્રેકને મુસાફર તેમજ માલગાડીઓની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવશે એવું રેલવે અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે.
આ નવા ટ્રૅકથી કચ્છના રેલવે પરિવહનને વધુ ગતિ અને સુવિધા મળવાની આશા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




