Home તાજા સમાચાર gujrati ગૌરાંગ વ્યાસ : 87 વર્ષના આયુષ્યમાં 65 વર્ષ સંગીતને સમર્પિત, ગુજરાતના પ્રસિદ્ધ...

ગૌરાંગ વ્યાસ : 87 વર્ષના આયુષ્યમાં 65 વર્ષ સંગીતને સમર્પિત, ગુજરાતના પ્રસિદ્ધ સંગીતકારની કહાણી

5
0

Source : BBC NEWS

ગૌરાંગ વ્યાસનો જન્મ 24 નવેમ્બર 1938ના રોજ અમદાવાદમાં થયો હતો અને ત્રીજી સપ્ટેમ્બર 2026ના રોજ અમદાવાદમાં 87 વર્ષની વયે અવસાન થયું. ગૌરાંગ વ્યાસ : 87 વર્ષના આયુષ્યમાં 65 વર્ષ સંગીતને સમર્પિત, ગુજરાતના પ્રસિદ્ધ સંગીતકારની કહાણી બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, GAURANG VYAS family

ગૌરાંગ વ્યાસનું ત્રીજી સપ્ટેમ્બર, 2026ના રોજ 87 વર્ષની વયે અવસાન થયું. જીવનનાં 87 વર્ષની તેમની યાત્રામાં 65 વર્ષ જેટલો સમય તો તેમનો સંગીતની સેવામાં જ રહ્યો.

ગૌરાંગ વ્યાસનો જન્મ 24 નવેમ્બર,1938ના રોજ અમદાવાદમાં થયો હતો. પિતા અવિનાશ વ્યાસ અને માતા વસુમતી વ્યાસ- બંને સંગીત જગતમાં જાણીતાં થઈ ચૂક્યાં હતાં.

નાનપણથી જ પિતા અવિનાશભાઈની સંગીત પ્રવૃત્તિને જોતાં જોતાં – માત્ર ઑબ્ઝર્વેશનથી જ- કોઈ પણ જાતની ઔપચારિક સંગીત તાલીમ વગર એમણે પોતે જ પોતાનું સંગીત સામ્રાજ્ય સ્થાપ્યું અને તે સામ્રાજ્યમાં હિંદી ફિલ્મ ઉદ્યોગનાં દિગ્ગજ કલાકારો ઉપરાંત રાસભાઈ-વિભાબહેન, જનુભાઈ-હર્ષદાબહેન, આરતી-સૌમિલ-શ્યામલ મુનશી, સંજય ઓઝા, કલ્યાણી કૌઠાળકર, નીરજ પાઠક અને મારા જેવા કંઈક શિષ્યોને આશરો આપ્યો. સામે પક્ષે અવિનાશભાઈથી લઈને કાંતિ અશોક, કેશવ રાઠોડ, તુષાર શુક્લ અને અંકિત ત્રિવેદી સહિતના અનેક કવિઓની કેટલીય રચનાઓ સ્વરબદ્ધ કરી.

માતા વસુબહેનના અવસાન પછી સંજોગોવશાત્ તેઓ અમદાવાદ આવી ગયા અને એન્જિનિયરિંગના અભ્યાસ સાથે સાથે રાસબિહારી દેસાઈ, ક્ષેમુ દીવેટિયા અને જનાર્દન રાવલ વગેરે કલાકારો સાથે ફાજલ સમયમાં એક સંગીત પ્રવૃત્તિનો પ્રારંભ થયો જે આગળ જતાં ‘શ્રુતિ’ સંસ્થા નામના વિશાળ વટવૃક્ષમાં ફેરવાઈ ગઈ.

‘શ્રુતિ’માં ગૌરાંગ વ્યાસને તેમની સર્જનાત્મક કલાને પ્રદર્શિત કરવાનો ખૂબ જ મોકો મળ્યો. કોરસના અવનવા પ્રયોગો અલગ-અલગ રેન્જનાં ડ્યુએટ ગીતો, ગઝલો, ગરબાઓ આ બધું કંપોઝ કરવાનો એમને ખૂબ મોકો મળ્યો. એમનું એક ખૂબ જાણીતું ગીત સાગરનું સંગીત આ સાંભળીને ખૂબ જાણીતા સંગીતકાર પંડિત હૃદયનાથ મંગેશકરે ‘શ્રુતિ’ સંસ્થાને મુંબઈમાં રેકૉર્ડ કરવાનું આમંત્રણ આપ્યું. આ સંગીત ‘શ્રવણ માધુરી’ નામના આલબમ તરીકે બહાર પડ્યું અને જેને ખૂબ ખ્યાતિ મળી.

એમના અભ્યાસ પછી એમણે બે-ત્રણ વર્ષ ખંડેલવાલ એજન્સીમાં સેલ્સ એન્જિનિયર તરીકે પણ કામ કર્યું. પરંતુ સંગીતનાં વધતાં કામને લીધે એમણે રાજીખુશીથી રાજીનામું આપ્યું અને બાકીનું આખું જીવન સંગીતને સમર્પિત કર્યું.

ગૌરાંગ વ્યાસને સંગીતની બારીકાઈ શીખવાનો પહેલેથી જ રસ હતો. એટલે પિતા અવિનાશ વ્યાસના મ્યુઝિકલ સીટિંગ્સમાં અને રેકૉર્ડિંગ્સમાં એ સંગીત સંચાલકના કામને ખૂબ રસપૂર્વક નિહાળતા. શંકર-જયકિશન, લક્ષ્મીકાંત-પ્યારેલાલ જેવા સંગીતકારોના સમાગમથી તેમનામાં એ રસ પણ વધારે સારી રીતે વિકાસ પામ્યો.

તેમણે પોતે જ પોતાનાં કમ્પૉઝિશનનું ઑર્કેસ્ટ્રેશન કરવું, એ નિયમ સાથે એમણે ગુજરાતી સંગીતમાં એક નવો જ આયામ સર્જ્યો.

સ્વતંત્ર સંગીતકાર તરીકે ફિલ્મ ‘લાખો ફુલાણી’થી શરૂઆત

લાખો ફુલાણી ફિલ્મના ગીતના રેકૉર્ડિંગ સમયે ફિલ્મના પ્રોડ્યુસર નીરંજન મહેતા, સુલોચના વ્યાસ અને ગૌરાંગ વ્યાસ કિશોરકુમાર સાથે

ઇમેજ સ્રોત, GAURANG VYAS family

ગુજરાતના ખૂબ જાણીતા ગાયક અને સંગીતકાર અને અવિનાશભાઈના ‘માનસપુત્ર’ પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે મળીને તેમણે ‘લીલુડી ધરતી’ અને ‘ઉપર ગગન વિશાળ’ નામની બે ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું. તેમની કામ કરવાની શૈલી જોઈને પિતા અવિનાશભાઈએ તેમને પોતાની સાથે મુખ્ય સંગીત સહાયક તરીકે જોડાવવાનું ઈજન આપ્યું અને ઈ.સ. 1971ની ખૂબ જ લોકપ્રિય તથા સફળ ફિલ્મ ‘જેસલ-તોરલ’થી તેમની સંગીતયાત્રા એક અલગ પડાવ પર પહોંચી ગઈ.

તેમની એક સ્વતંત્ર સંગીતકાર તરીકેની યાત્રા ફિલ્મ ‘લાખો ફુલાણી’થી શરૂ થઈ જે લગભગ 135 ગુજરાતી ફિલ્મો જેટલી સુદીર્ઘ રહી.

‘લાખો ફુલાણી’ ફિલ્મમાં અનેક વિક્રમો પણ સર્જાયા જેમ કે હીરોઇન રીટા ભાદુરીની પહેલી ગુજરાતી ફિલ્મ, ઍક્ટર અનુપકુમારની કદાચ એકમાત્ર ગુજરાતી ફિલ્મ, કિશોરકુમારનું પહેલું ગુજરાતી ગીત આ ફિલ્મમાં આવ્યું અને ગુજરાતી સંગીતજગતને પ્રફુલ દવે મળ્યા.

ગૌરાંગ વ્યાસની અતિ સફળ ફિલ્મોમાં ભવની ભવાઈ, માનવીની ભવાઈ, હોથલ પદમણી, પારકી થાપણ, મૈયરમાં મનડું નથી લાગતું, પૂજાનાં ફૂલ વગેરે… ગણી શકાય.

આજે ઘણાં કલાકારો જેને ટ્રેડિશનલ કમ્પોઝિશન્સ ગણે છે એવાં ‘હું તો ગઈ ‘તી મેળે, સાંવરિયો રે મારો સાંવરિયો, આજ ગગનથી ચંદન, મા તારો ગરબો ઝાકમઝોળ, દીકરી તો પારકી થાપણ કહેવાય વગેરે પણ ગૌરાંગ વ્યાસનાં જ સ્વરાંકનો છે.

અનેક પુરસ્કારો મળ્યા, સંગીત જ તેમનો પરિવાર

ગૌરાંગ વ્યાસને ગુજરાત સરકારના ફિલ્મ માટે લગભગ 11 ઍવૉર્ડ્સ અને ગૌરવ પુરસ્કાર એનાયત થયા છે

ઇમેજ સ્રોત, GAURANG VYAS family

ગૌરાંગ વ્યાસને ગુજરાત સરકારના ફિલ્મ માટે લગભગ 11 ઍવૉર્ડ્સ અને ગૌરવ પુરસ્કાર એનાયત થયા છે. તેમની છેલ્લી પાંચેક ગુજરાતી ફિલ્મોમાં મને પણ તેમના સહાયક તરીકે કામ કરવાનો મોકો મળ્યો છે.

નાનામાં નાના કલાકારથી લઈને મોટા અનેક કલાકારો સાથે ખૂબ જ નમ્રતાપૂર્વક વાત કરવી, દરેક વ્યક્તિની પોતાની પ્રતિભા પારખીને તેને તેની ક્ષમતાનું કામ આપવું- એ તેમનું મહત્ત્વનું પાસું હતું. મારી એમની સાથેની સંગીતયાત્રા 1999માં શરૂ થઈ જે સતત ચાલુ જ રહી છે.

ગૌરાંગ વ્યાસના જીવનમાં સંગીત ઉપરાંત ત્રણ પાસાં મહત્ત્વનાં રહ્યાં. અવિનાશભાઈ, અમદાવાદ અને સૌથી અગત્યનું પાસું જીવનસંગિની નયના વ્યાસ.

1967ની 27મી ફેબ્રુઆરીએ શરૂ થયેલું લગ્નજીવન 2021ની 10મી ઑગસ્ટ સુધી- નયનાબહેનના અવસાન સુધી સાતત્યપૂર્ણ રહ્યું. નયનાબહેન તેમના માટે સતત પ્રેરણારૂપ હતાં અને તેમના દરેક સર્જનનાં પ્રથમ શ્રોતા પણ. ગૌરાંગ વ્યાસ-નયનાબહેનને પોતાનાં સંતાનો નહોતાં પણ નયનાબહેનના પિતાના અવસાન બાદ નયનાબહેનના સમગ્ર પરિવાર માટે તેઓ પિતાતુલ્ય બની રહ્યા અને એક વાલી તરીકેની જવાબદારી તેમણે છેક સુધી નિભાવી.

સંગીતકાર અવિનાશ વ્યાસ સાથે ગૌરાંગ વ્યાસ, નરેશ કનોડિયા અને અન્ય કલાકારો

ઇમેજ સ્રોત, SAUNA HRIDAYMA HARHAMESH MAHESH-NARESH BOOK

ગૌરાંગ વ્યાસ નાની-નાની ખુશીઓમાં જીવતા વ્યક્તિ હતા. વાર તહેવારે બધા સાથે મળીને સરસ ખાવું-પીવું, પરિવારજનોની વર્ષગાંઠ વગેરેને સરસ રીતે ઊજવવી. વારંવાર ફાફડા-જલેબી, પાપડી, દાળવડાં, બટાકાવડાં, ફુલવડી, ચ્હા, મોહનથાળ વગેરેની પાર્ટી કરવી એ તેમને ખૂબ જ ગમતું.

રેકૉર્ડિંગ વખતે કે કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારના ટેન્શન વગર, ભાર વગર, ગાયકો અને કલાકારો પાસે તેમનું શ્રેષ્ઠ પર્ફૉર્મન્સ કઢાવવાની ક્ષમતા મેં બીજા કોઈમાં જોઈ નથી.

સમન્વય કાવ્ય સંગીત સમારોહ દરમિયાન તેમની પંચોતેર વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં મારાં પર્ફૉર્મન્સ પછી એમણે મને કરેલાં વ્હાલની ઉષ્મા હું આજે પણ અનુભવી રહ્યો છું.

ગૌરાંગ વ્યાસને મેં ક્યારેય કોઈ વ્યક્તિને ના પાડતા જોયા નથી. સદાય હાની હા. એમણે આજીવન સૌને આપ્યા જ કર્યું અને એ પણ કોઈ જ પ્રકારની અપેક્ષા વગર. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે પછી સંગીત જગતમાં કેટલાય પ્રકારના લોકો સાથે તેમનો પનારો પડે, પણ દરેક વ્યક્તિ એમની પાસેથી શ્રેષ્ઠ કામ જ મેળવીને જાય.

પાર્કિન્સન્સ બીમારીથી પરેશાન

ગૌરાંગ  વ્યાસ સાથે પ્રહર વોરા

ઇમેજ સ્રોત, prahar vora

ગૌરાંગ વ્યાસમાં ભક્તિ અને શ્રદ્ધા પણ ભારોભાર હતાં. અને એ ભક્તિની છાંટ આપણને તેમના કેટકેટલા ગરબાઓનાં સ્વરાંકનમાં જોવા મળે છે. નૃત્યગૂંથણીવાળા સ્ટેજ ગરબાથી લઈને નવરાત્રી મહોત્સવ દરમિયાન ગવાતા દરેક પ્રકારના ગરબામાં તેમનું ભરપૂર યોગદાન રહ્યું છે.

છેલ્લે લગભગ 15મી ઑગસ્ટ આસપાસ, હું તેમના જ કેટલાક ગરબાની એક મેડલી બનાવવા અંગે ચર્ચા કરવા ગયો હતો (જે અમદાવાદમાં એક નૃત્યસંસ્થાના કાર્યક્રમમાં રજૂ કરવામાં આવશે.) ત્યારે તેમણે જ્યાં તેમને લાગ્યું ત્યાં સલાહ-સૂચન પણ આપ્યાં અને ખૂબ ઉત્સાહથી તેનાં મેકિંગમાં ભાગ લીધો.

ગુરુપૂર્ણિમાના દિવસે મારા ક્લાસના ફન્કશનમાં તે ખૂબ જ પ્રેમથી આવ્યા અને લગભગ કલાકેક બેઠા. મેં અને મારા વિદ્યાર્થીઓએ તેમનાં જ સ્વરાંકનો તે વખતે રજૂ કરેલાં. લગભગ તે જ તેમની છેલ્લી જાહેર ઉપસ્થિતિ.

ગૌરાંગ વ્યાસ થોડા સમયથી પાર્કિન્સન્સ બીમારીથી થોડા હેરાન થતા હતા. એમાં સૌથી વધારે અસર એમની વાણી પર પડી. ઘણી વાર એ શું કહે છે તે સમજાતું નહોતું.

એ અવસાન પામ્યા એના છ કલાક પહેલાં હું મળવા ગયો ત્યારે પ્રોગ્રામ કેવો રહ્યો એ ઇશારાથી પૂછ્યુંય ખરું. પણ અંતે, શરીર થાક્યું હતું. કેલેન્ડરમાં બીજી સપ્ટેમ્બરની ત્રીજી હજી તો થઈ જ ત્યાં લગભગ રાત્રે 12:30 વાગ્યે તેમણે દેહ છોડ્યો.

બે યોગાનુયોગ પણ થયા કે અવિનાશભાઈ જન્માષ્ટમીના દિવસે અવસાન પામ્યા હતા અને ગૌરાંગ વ્યાસ એના આગલા દિવસે શીતળા સાતમને દિવસે. બીજો સંજોગ એ કે ગૌરાંગ વ્યાસે જેમને આજીવન પોતાના આદર્શ તરીકે જોયા તેવા સંગીતકાર પ્યારેલાલજીનો જન્મદિવસ પણ ત્રીજી સપ્ટેમ્બરે.

(પ્રહર વોરા ગૌરાંગ વ્યાસના વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને તેમનો ગૌરાંગ વ્યાસ સાથેનો આ અંગત અનુભવ છે. લેખમાં વ્યક્ત થયેલા વિચારો તેમના અંગત છે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS