Home તાજા સમાચાર gujrati ‘મારો શ્વાસ ચાલશે ત્યાં સુધી છોકરીઓને ભણાવવા માગું છું’, એવી માતા, જેઓ...

‘મારો શ્વાસ ચાલશે ત્યાં સુધી છોકરીઓને ભણાવવા માગું છું’, એવી માતા, જેઓ દીકરીઓને ભણાવવા માટે ઉઘાડા પગે મૅરેથૉનમાં દોડ્યાં

2
0

Source : BBC NEWS

બીડ જિલ્લાના અંબાજોગાઈમાં રહેતાં 47 વર્ષીય રમાબાઈ ઉઘાડા પગે ત્રણ કિલોમીટરની દોડ જીતી હતી 'મારો શ્વાસ ચાલશે ત્યાં સુધી છોકરીઓને ભણાવવા માગું છું', એવી માતા, જેઓ દીકરીઓ માટે ઉઘાડા પગે દોડ્યાં, મેરેથોન દોડ, બીબીસી ગુજરાતી ગુજરાત મહારાષ્ટ્ર માતા મા પુત્રી શિક્ષણ ફી, સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Kiran Sakle/BBC

“જ્યાં સુધી મારો શ્વાસ ચાલે, ત્યાં સુધી હું મારી દીકરીઓને ભણાવવા માગું છું. જ્યારે મારા શ્વાસ બંધ થઈ જશે, ત્યારે જોયું જાશે, પરંતુ એક માતા તરીકે હું મારી ફરજ જરૂર નિભાવીશ.”

જ્યારે રમાબાઈ રણવીર આ શબ્દો કહે છે, ત્યારે તેઓ માત્ર તેમની વાતમાં જોમ જ નથી દર્શાવતાં, પરંતુ જીવનભરના સંઘર્ષમાંથી ઉપજેલી તેમની અડગ દૃઢતા પણ વ્યક્ત કરે છે.

બીડ જિલ્લાના અંબાજોગાઈમાં રહેતાં આ 47 વર્ષીય માતાને 29 ઑગસ્ટ, 2026ના રોજ સમગ્ર ભારતે જોયાં હતાં.

કારણ કે, તેમણે ઉઘાડા પગે ત્રણ કિલોમીટરની દોડ જીતી હતી. પરંતુ આ માત્ર દોડ જીતવાની વાર્તા નથી. આ એવી માતાની કહાણી છે, જેઓ પોતાની દીકરીઓના શિક્ષણ માટે સંઘર્ષ કરી રહ્યાં છે.

29 ઑગસ્ટે અંબાજોગાઈમાં ‘અમૃત દોડ મૅરેથૉન’નું આયોજન કરવામાં આવ્યું હતું. રમાબાઈને દોડવાનો કોઈ અભ્યાસ નહોતો. તેમની પાસે ન તો સ્પૉર્ટ્સ શૂઝ હતાં કે ન ટ્રૅકસૂટ. દોડવા માટે તેમની પાસે માત્ર એક સાડી અને સામાન્ય ચપ્પલ જ હતાં.

તેઓ કહે છે, “મારી દીકરી સવારે આવી અને બોલી, ‘મા, હું દોડમાં ભાગ લેવા માગું છું.’ મેં પૂછ્યું, ક્યાં? તેણે કહ્યું કે અહીં એક સ્પર્ધા યોજાઈ રહી છે. તેમાં ઇનામ પણ મળશે. મને એક નોટબુક અને પેન જોઈએ છે.”

તેમની નાની દીકરી નાંદેડમાં ભણે છે. છેલ્લા કેટલાક દિવસોથી તે પુસ્તકો ખરીદવા માટે પૈસા માગતી હતી.

રમાબાઈ કહે છે, “તેણે આઠ દિવસ સુધી મારી સાથે વાત પણ નહોતી કરી, કારણ કે મારી પાસે તેને આપવા પૈસા નહોતા. ત્યારે મેં મનમાં નક્કી કર્યું કે મારે આ દોડ જીતવી જ છે.”

ત્રણ કિલોમીટરની દોડ દરમિયાન તેમનાં ચપ્પલ વારંવાર પગમાંથી નીકળી જતાં હતાં. અંતે તેમણે ચપ્પલ હાથમાં લઈ લીધાં અને ઉઘાડા પગે દોડવાનું ચાલુ રાખ્યું.

દોડ પૂર્ણ થતાં તેઓ પ્રથમ સ્થાને રહ્યાં અને તેમને ત્રણ હજાર રૂપિયાનું ઇનામ મળ્યું.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું, “તમે એ પૈસાનું શું કર્યું?”

ત્યારે રમાબાઈએ માત્ર એક જ વાક્યમાં જવાબ આપ્યો, “મેં મારી દીકરીને પુસ્તકો ખરીદવા માટે ત્રણ હજાર રૂપિયા આપી દીધા.”

એક માતાના જીવનમાં વધુ એક દોડ

રમાબાઈ કહે છે કે તેમની દીકરીને આપવા માટે તેમની પાસે પૈસા નહોતા. ત્યારે તેમણે નક્કી કર્યું કે આ દોડ જીતવી જ છે
બીડ જિલ્લાના અંબાજોગાઈમાં રહેતાં 47 વર્ષીય રમાબાઈ ઉઘાડા પગે ત્રણ કિલોમીટરની દોડ જીતી હતી 'મારો શ્વાસ ચાલશે ત્યાં સુધી છોકરીઓને ભણાવવા માગું છું', એવી માતા, જેઓ દીકરીઓ માટે ઉઘાડા પગે દોડ્યાં, મેરેથોન દોડ, બીબીસી ગુજરાતી ગુજરાત મહારાષ્ટ્ર માતા મા પુત્રી શિક્ષણ ફી, સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Kiran Sakle/BBC

જોકે, રમાબાઈના જીવનની અસલી દોડ તો ઘણાં વર્ષો પહેલાં જ શરૂ થઈ ગઈ હતી. વર્ષ 2012માં તેમના પતિનું અવસાન થયું હતું. બે નાની દીકરી અને આખા પરિવારની જવાબદારી તેમના ખભા પર આવી ગઈ હતી. તેઓ માત્ર સાતમા ધોરણ સુધી જ ભણ્યાં હતાં, પરંતુ તેમને દૃઢ વિશ્વાસ હતો કે દીકરીઓએ પોતાની શિક્ષણયાત્રા અધવચ્ચે છોડવી ન જોઈએ.

તેમનાં દીકરી પૂજા રણવીર કહે છે, “જ્યારે પપ્પાનું અવસાન થયું ત્યારે અમે ખૂબ નાનાં હતાં. મારી માતા ઇચ્છે તો ફરી લગ્ન કરી શકતાં, પરંતુ તેમણે એવું ન કર્યું. તેમણે આખી જિંદગી અમારા માટે મહેનત કરવાનો નિર્ણય લીધો.”

રમાબાઈ પોતે કહે છે કે તેમને જે કામ મળતું તે કરતાં.

“મેં લોકોનાં ખેતરોમાં કામ કર્યું છે. મેં સોયાબીનની શીંગો તોડી છે. ચણાની શીંગો તોડી છે. ખેતરમાંથી હળદર કાઢી છે, તેને બાફીને વેચી છે. મને જે પણ કામ મળ્યું, તે મેં કર્યું છે.”

આજે તેઓ અંબાજોગાઈસ્થિત જ્ઞાનદીપ અકાદમીમાં રસોઈકામ કરે છે. છેલ્લા એક વર્ષથી તેઓ વિદ્યાર્થીઓ માટે ભોજન તૈયાર કરી રહ્યાં છે.

તેમની મોટી દીકરી એ જ અકાદમીમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહી છે, જ્યારે નાની દીકરી નાંદેડમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છે.

જ્ઞાનદીપ અકાદમીના પ્રોફેસર દત્તા દરાડે કહે છે, “તેમણે માત્ર સમગ્ર મહારાષ્ટ્ર સામે જ નહીં, પરંતુ સમગ્ર દેશ સામે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે, તેનો સામનો માત્ર આત્મવિશ્વાસથી જ કરી શકાય છે.”

‘મારી દીકરીઓએ મારા જેવી જિંદગી ન જીવવી પડે’

રમાબાઈ માટે સૌથી મહત્ત્વની બાબત છે, તેમની દીકરીઓની ફી, પુસ્તકો અને આગળનું શિક્ષણ બીડ જિલ્લાના અંબાજોગાઈમાં રહેતાં 47 વર્ષીય રમાબાઈ ઉઘાડા પગે ત્રણ કિલોમીટરની દોડ જીતી હતી 'મારો શ્વાસ ચાલશે ત્યાં સુધી છોકરીઓને ભણાવવા માગું છું', એવી માતા, જેઓ દીકરીઓ માટે ઉઘાડા પગે દોડ્યાં, મેરેથોન દોડ, બીબીસી ગુજરાતી ગુજરાત મહારાષ્ટ્ર માતા મા પુત્રી શિક્ષણ ફી, સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Kiran Sakle/BBC

રમાબાઈનાં સપનાં ખૂબ મોટાં નથી, પરંતુ ખૂબ સ્પષ્ટ છે.

તેઓ કહે છે, “ડૉ. બાબાસાહેબ આંબેડકરે સમગ્ર સમાજને ઠંડી છાયા આપી છે. મારે પણ મારી બંને દીકરીને એવી જ છાયા આપવી જોઈએ.” તેમના માટે ‘ઠંડી છાયા’નો અર્થ છે એક સુરક્ષિત અને સન્માનપૂર્ણ જીવન.

તેઓ આગળ કહે છે, “આપણે બધા એક જ છત નીચે સુખથી રહેવું જોઈએ. કાદવમાં, તડકામાં કે વરસાદમાં કામ કરવા ન જવું પડે એવું જીવન હોવું જોઈએ. મારી દીકરીઓએ એ બધું ન કરવું પડે, જે હું કરી રહી છું.”

આ શબ્દો તેમના સમગ્ર સંઘર્ષનો સાર રજૂ કરે છે. તેમની એકમાત્ર ઇચ્છા છે કે તેમની દીકરીઓ અધિકારી બને, પોતાના પગ પર ઊભી રહે અને મુશ્કેલ જીવન જીવવું ન પડે.

રમાબાઈના ઉઘાડા પગે દોડતા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયા હતા. સમગ્ર મહારાષ્ટ્રમાં તેમની પ્રશંસા થઈ હતી. ત્યાર બાદ તેમના સંઘર્ષને રાષ્ટ્રીય મીડિયાએ પણ બિરદાવ્યો હતો.

ધ હિંદુ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અને ઇકૉનૉમિક ટાઇમ્સ જેવાં અખબારોએ પણ તેમના વિશે સમાચાર પ્રકાશિત કર્યા હતા.

રસપ્રદ વાત એ છે કે રમાબાઈને કદાચ એ વાતનો પણ અહેસાસ નથી કે તેમનો સંઘર્ષ એક રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની ગયો છે. તેમના માટે સૌથી મહત્ત્વની બાબત શું છે?

તેમની દીકરીઓની ફી, પુસ્તકો અને આગળનું શિક્ષણ.

‘આ માત્ર દોડની હરીફાઈ નથી’

લેખક અને વિદ્વાન સોમનાથ ઘોલવે આ કહાણીને અલગ દૃષ્ટિકોણથી જુએ છે. તેઓ લખે છે, રમાબાઈએ માત્ર એક હરીફાઈમાં ભાગ લીધો નહોતો બીડ જિલ્લાના અંબાજોગાઈમાં રહેતાં 47 વર્ષીય રમાબાઈ ઉઘાડા પગે ત્રણ કિલોમીટરની દોડ જીતી હતી 'મારો શ્વાસ ચાલશે ત્યાં સુધી છોકરીઓને ભણાવવા માગું છું', એવી માતા, જેઓ દીકરીઓ માટે ઉઘાડા પગે દોડ્યાં, મેરેથોન દોડ, બીબીસી ગુજરાતી ગુજરાત મહારાષ્ટ્ર માતા મા પુત્રી શિક્ષણ ફી, સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Facebook/SominathGholve

રમાબાઈની કહાણી સામે આવ્યા પછી ઘણા લોકોએ તેને ‘દૃઢ સંકલ્પ અને સંઘર્ષની પ્રેરણાદાયી ગાથા’ ગણાવી હતી. પરંતુ લેખક અને વિદ્વાન સોમનાથ ઘોલવે આ કહાણીને અલગ દૃષ્ટિકોણથી જુએ છે.

તેઓ લખે છે, “ભારતનો મધ્યમ વર્ગ આ ઘટનાને માત્ર દૃઢતાની કહાણી તરીકે જોઈ શકે છે. ઘણા લોકો માતાના સંઘર્ષની પ્રશંસા કરશે, પરંતુ કેટલા લોકો એ વિચારે છે કે તેમનો આવો સમય કેમ આવ્યો?”

ઘોલવેના જણાવ્યા મુજબ, રમાબાઈએ માત્ર એક હરીફાઈમાં ભાગ લીધો નહોતો. તેઓ સમાજ, અર્થતંત્ર અને રાજકીય વ્યવસ્થાની અસમાન પરિસ્થિતિઓ વચ્ચે પોતાની દીકરીઓના શિક્ષણ માટે સતત સંઘર્ષ કરી રહ્યાં છે.

તેઓ કહે છે, “આપણે માતાની જીદ અને અડગતા તો જોઈએ છીએ, પરંતુ બીજી બાજુ ધ્યાન આપતા નથી. આ ઘટના સરકાર, સામાજિક વ્યવસ્થા અને અર્થતંત્રની વાસ્તવિકતા પણ ઉજાગર કરે છે.”

તેમની પોસ્ટ એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવે છે. રમાબાઈ દોડ જીતવાના કારણે ચર્ચામાં આવ્યાં. પરંતુ એવી કેટલીય માતાઓ છે, જે ખેતી, મજૂરી અને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરીને પોતાના બાળકોને શિક્ષણ અપાવી રહ્યાં છે.

શું સમાજ તેમના સંઘર્ષ તરફ પૂરતું ધ્યાન આપે છે?

ઘોલવે આગળ લખે છે, “આ માતા વિશે સૌ જાણે છે કે તે પોતાની દીકરીઓના શિક્ષણ માટે લડી રહી હતી, પરંતુ તેના જેવી અસંખ્ય માતા છે, જે દરરોજ સંઘર્ષ કરે છે.”

સંઘર્ષની દોડ સતત ચાલુ રહેશે

પૂજા રણવીર બીડ જિલ્લાના અંબાજોગાઈમાં રહેતાં 47 વર્ષીય રમાબાઈ ઉઘાડા પગે ત્રણ કિલોમીટરની દોડ જીતી હતી 'મારો શ્વાસ ચાલશે ત્યાં સુધી છોકરીઓને ભણાવવા માગું છું', એવી માતા, જેઓ દીકરીઓ માટે ઉઘાડા પગે દોડ્યાં, મેરેથોન દોડ, બીબીસી ગુજરાતી ગુજરાત મહારાષ્ટ્ર માતા મા પુત્રી શિક્ષણ ફી, સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, KiranSakle/BBC

રમાબાઈની કહાણીમાં એક ચિંતાજનક પ્રશ્ન પણ છુપાયેલો છે. શું આ માત્ર વ્યક્તિગત ગરીબીનો મુદ્દો છે કે એક માતાને પોતાની દીકરીઓ માટે પુસ્તકો ખરીદવા ત્રણ હજાર રૂપિયાનું ઇનામ જીતવા દોડમાં ભાગ લેવો પડે?

ઘોલવેનું માનવું છે કે માત્ર સરકારી યોજનાઓની જાહેરાત કરી દેવી પૂરતી નથી, પરંતુ તે જરૂરિયાતમંદ લોકો સુધી અસરકારક રીતે પહોંચે તે વધુ મહત્ત્વનું છે.

તેઓ કહે છે, “માત્ર યોજનાઓ જાહેર કરવાથી જ લોકો સુધી તેનો લાભ પહોંચતો નથી. તેને અસરકારક રીતે અમલમાં મૂકવી પણ જરૂરી છે.”

જોકે, આ દૃષ્ટિકોણને એક સામાજિક અને રાજકીય પરિપ્રેક્ષ્યમાં સમજવાની જરૂર છે.

રમાબાઈના જીવનમાં આવેલી મુશ્કેલીઓ માટે માત્ર એક જ વ્યવસ્થાને જવાબદાર ઠેરવવી શક્ય નથી, પરંતુ તેમની કહાણી ચોક્કસપણે શિક્ષણ, સામાજિક સુરક્ષા અને ગરીબી જેવા મહત્ત્વના મુદ્દાઓ પર પ્રશ્નો ઊભા કરે છે.

આખરે, દોડ હજુ પણ ચાલુ છે.

રમાબાઈ રણવીરે જે દોડ જીતી હતી તે માત્ર ત્રણ કિલોમીટરની હતી, પરંતુ તેમના જીવનની દોડ હજુ પૂર્ણ થઈ નથી.

આજે પણ તેઓ રસોઈકામ કરે છે. આજે પણ તેઓ પોતાની દીકરીઓના શિક્ષણ માટે પૈસા બચાવે છે. આજે પણ તેમને એવું લાગે છે કે માતા તરીકે પોતાની ફરજ પૂર્ણ કરવાની તેમની સફર હજુ ચાલુ છે.

તેઓ કહે છે, “જ્યાં સુધી મારામાં શ્વાસ છે, ત્યાં સુધી હું મારી દીકરીઓને ભણાવતી રહીશ.”

આ એક જ વાક્ય રમાબાઈના સમગ્ર વ્યક્તિત્વને વ્યક્ત કરે છે.

તેઓ માત્ર દોડ જીતનારી એક મહિલા નથી, પરંતુ એવાં હજારો ભારતીય માતાઓનું પ્રતીક છે, જે કોઈ ચંદ્રક વિના, કોઈ પ્રશંસા વિના, પોતાના બાળકોના ભવિષ્ય માટે દરરોજ સંઘર્ષની દોડ દોડી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS