Home તાજા સમાચાર gujrati જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયે કોર્ટમાં કહ્યું કે ‘અમે હિન્દુ નથી’

જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયે કોર્ટમાં કહ્યું કે ‘અમે હિન્દુ નથી’

6
0

Source : BBC NEWS

સ્વામીનારાયણ સંપ્રદાય

ઇમેજ સ્રોત, Getty Images

પેરિસમાં ઍફિલ ટાવરસ્થળે બનેલી ઘટના પછી સ્વામિનારાયણ સંપ્રદાય અને બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (BAPS) એ વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બની છે.

પેરિસમાં જે બન્યું તેમાં સંપ્રદાય પર ‘મહિલાઓ સાથેના ભેદભાવ’ના આરોપો લાગ્યા હતા અને તેનો વિરોધ થયો હતો.

જોકે, સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓના મહિલાઓ સાથેના વ્યવહાર અંગે વર્ષોથી વાદવિવાદ થતા રહે છે.

જાણીતા પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા સલિલ ત્રિપાઠીએ તો તેમના ગુજરાતીઓ વિશેના પુસ્તકમાં ત્યાં સુધી લખ્યું છે કે, “સ્વામિનારાયણ સંપ્રદાયની સીમાઓ એ ગુજરાતની સીમાઓ છે. તેમણે પહેલેથી જ પોતાની મર્યાદાઓ નક્કી કરી લીધી છે. સંપ્રદાયમાં મહિલાઓ પર લાદવામાં આવેલાં અત્યંત કડક નિયંત્રણો એ મર્યાદાઓ પાળવાનો શોધી લીધેલો વધુ એક રસ્તો છે.”

જોકે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં માત્ર મહિલાઓ જ નહીં, દલિતો સાથેના ભેદભાવનો પણ લાંબો ઇતિહાસ રહ્યો છે.

એક કિસ્સામાં તો સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રતિનિધિઓએ દેશની સુપ્રીમ કોર્ટમાં એ સાબિત કરવાની કોશિશ કરી હતી કે તેઓ હિન્દુ ધર્મમાં આવતા નથી. આ કિસ્સામાં પણ દલિતોનો મંદિરપ્રવેશ અને તેમની સાથેનો ભેદભાવ કારણભૂત હતા.

કોર્ટમાં ગયેલો આખો મામલો શું હતો?

અમદાવાદના કાળુપુરમાં આવેલું સ્વામીનારાયણ મંદિર, જે 1822માં બન્યું હતું. આ મંદિર નર નારાયણ દેવ ગાદીનું મુખ્ય મથક ગણાય છે

ઇમેજ સ્રોત, Getty Images

આ 20 વર્ષ ચાલેલા એક કેસની વાત છે જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય અને હિન્દુ ધર્મ વિશેની અનેક ચર્ચાઓ કોર્ટમાં થઈ હતી.

નવેમ્બર 1947માં ભારતમાં બૉમ્બે હરિજન ટેમ્પલ ઍન્ટ્રી ઍક્ટ-1947 અમલમાં આવી ગયો હતો.

આ કાયદાથી ભારતમાં દરેક હિન્દુ મંદિરોમાં દલિતોને મંદિરપ્રવેશનો અને પૂજા કરવાનો અધિકાર મળ્યો હતો. ભારતમાં એ સમયે દલિતોને આસાનીથી મંદિરપ્રવેશ મળતો નહોતો અને ભેદભાવ વ્યાપ્ત હતો.

હવે બન્યું એવું કે 1947ના અંતભાગમાં મહાગુજરાત દલિત સંઘના પ્રમુખ મૂળદાસ ભુદરદાસ વૈશ્યે એવું જાહેર કર્યું કે તેઓ અમદાવાદમાં આવેલા સ્વામિનારાયણ મંદિર (નર નારાયણદેવ મંદિર)માં મંદિરપ્રવેશ કરશે.

આ જાહેરાત પછી સ્વામિનારાયણની અમદાવાદ ગાદીના ટ્રસ્ટ્રીઓ અને સત્સંગીઓ વતી શાસ્ત્રી યજ્ઞપુરુષદાસે અમદાવાદની સિવિલ કોર્ટમાં એક કેસ દાખલ કર્યો.

અહીં એ નોંધવું રહ્યું કે આ ગાદીનો તાજેતરમાં વિવાદમાં આવેલી સંસ્થા બીએપીએસ સાથે સીધો સંબંધ નથી. જેમણે કેસ દાખલ કર્યો એ સાધુ યજ્ઞપુરુષદાસ એ બીએપીએસના સ્થાપક શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ એટલે કે શાસ્ત્રીજી મહારાજ નથી. બંને સાધુઓ અલગ છે.

યજ્ઞપુરુષદાસે કોર્ટમાં દલીલ કરી કે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો ‘હિંદુ મંદિરો’ની વ્યાખ્યામાં ન આવતા હોવાથી તેમનાં મંદિરોમાં બિન-સત્સંગી (હરિજનો) પ્રવેશ ન કરી શકે.

1951ના સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદ કોર્ટે આ મુદ્દે ચુકાદો આપ્યો.

અમદાવાદની સિવિલ કોર્ટમાં સ્વામિનારાયણ સંપ્રદાયની જીત થઈ અને દલિતો ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં ન પ્રવેશી શક્યા.

પરંતુ અહીં એ નોંધવું જોઈએ કે અમદાવાદની કોર્ટે પણ એ ચુકાદામાં માન્યું નહોતું કે સ્વામિનારાયણ એ હિન્દુ ધર્મથી અલગ છે.

હાઇકોર્ટમાં પણ સંપ્રદાયે કહ્યું કે ‘અમે હિન્દુ નથી’

મૂળદાસ વૈશ્ય અને બૉમ્બે રાજ્યે આ અંગે પછી હાઇકોર્ટમાં અપીલ કરી..

હાઇકોર્ટમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ એ દલીલ શરૂ રાખી કે તેઓ હિન્દુ ધર્મમાં આવતા નથી.

હાઇકોર્ટમાં સંપ્રદાયે રજૂ કરેલી દલીલોના આધાર:

  • આ સંપ્રદાયના સ્થાપક સ્વામિનારાયણ પોતાને સર્વોચ્ચ ઈશ્વર (પરમેશ્વર) ગણાવે છે.
  • આથી, સ્વામિનારાયણના દૈવીય સ્વરૂપમાં શ્રદ્ધા ધરાવતા આ સંપ્રદાયને હિન્દુ ધર્મના અનુયાયીઓ જેવા ન ગણી શકાય.
  • આ સંપ્રદાયે જે મંદિરો સ્થાપ્યાં તે પરંપરાગત હિન્દુ ભગવાનોની પૂજા માટે નહીં, પરંતુ સ્વયં સ્વામિનારાયણની પૂજા માટે સ્થાપવામાં આવ્યાં હતાં. આ બાબત દર્શાવે છે કે સત્સંગી સંપ્રદાય એ હિન્દુ ધર્મથી ભિન્ન હતો.
  • આ સંપ્રદાય એવો આદર્શ પણ માને છે કે સ્વામિનારાયણ સિવાય કોઈ પણ દેવતાની પૂજા કરવી એ એમની શ્રદ્ધા સાથે દ્રોહ સમાન ગણાશે. સ્વામિનારાયણ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા આચાર્યો ‘દીક્ષા’ આપે છે અને આ ‘દીક્ષા’ લીધા બાદ ભક્ત ‘સત્સંગી’ બને છે. આમ, તે સંપ્રદાયના અનુયાયી તરીકે એક વિશિષ્ટ અને અલગ ઓળખ હાંસલ કરે છે.

આ ચાર આધારોથી સ્વામિનારાયણ સંપ્રદાયે કોર્ટમાં એ સાબિત કરવાની કોશિશ કરી હતી કે તેઓ હિન્દુ ધર્મથી અલગ છે અને આથી તેમને મંદિરોમાં દલિતોના પ્રવેશનો કાયદો લાગુ પડતો નથી.

મામલો જ્યારે હાઇકોર્ટમાં પૅન્ડિંગ હતો ત્યારે જ બૉમ્બે હિન્દુ પ્લેસિસ ઑફ પબ્લિક વર્શિપ (ઍન્ટ્રી ઑથોરાઇઝેશન) ઍક્ટ, 1956 પસાર થઈ ગયો હતો.

1958માં હાઇકોર્ટે તેમની દલીલો ફગાવી દીધી અને ચુકાદામાં એવું કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય એ હિન્દુ ધર્મ અને સમુદાયનો ભાગ છે.

એ પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે. અહીં મામલો વધુ રસપ્રદ બને છે કારણ કે સુપ્રીમ કોર્ટની બૅન્ચે એ પ્રશ્નનો પણ જવાબ શોધવાનો હતો કે ખરેખર ‘હિન્દુ’ એટલે શું?

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં હિન્દુ ધર્મ વિશે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ પી.બી. ગજેન્દ્રગડકર

ઇમેજ સ્રોત, Supreme court of India

સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ પી.બી. ગજેન્દ્રગડકર સહિત કુલ પાંચ જજોની બૅન્ચ સામે દલીલો થઈ.

આ દલીલોમાં મુખ્ય પ્રશ્ન એ હતો કે સ્વામિનારાયણ સંપ્રદાય એ હિન્દુ ધર્મથી અલગ છે કે નહીં. તેનાં મંદિરો 1956ના પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ હેઠળ આવે છે કે નહીં.

આ મામલે સુપ્રીમ કોર્ટે અંતિમ ચુકાદો 14 જાન્યુઆરી, 1966ના રોજ આપ્યો હતો અને સ્વામિનારાયણ સંપ્રદાય એ હિન્દુ ધર્મથી અલગ હોવાની વાત ફગાવી દીધી હતી.

પરંતુ સુપ્રીમ કોર્ટે આ પ્રશ્નનો જવાબ આપવા માટે હિન્દુ ધર્મ વિશે ચુકાદામાં જ વિશદ છણાવટ કરી હતી.

કોર્ટે એ સ્વીકાર્યું હતું કે હિન્દુ ધર્મને અલગ રેખાંકિત કરતાં લક્ષણો કેવાં હોય એ સાબિત કરવું એ આ મુદ્દાને વધુ જટિલ બનાવી દે છે કારણ કે 4000 વર્ષ દરમિયાન આ ધર્મ વૃદ્ધિ પામ્યો છે અને ફેલાયો છે.

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, “વિશ્વના અન્ય ધર્મોથી વિપરીત, હિન્દુ ધર્મ એ કોઈ એક ભગવાન હોવાનો દાવો કરતો નથી અને તે કોઈ એક ઈશ્વરની પૂજા પણ કરતો નથી. આ ધર્મ કોઈ એક સિદ્ધાંત કે માન્યતાને વરેલો નથી અને તે કોઈ એક દાર્શનિક ખ્યાલમાં જ માનતો હોય તેવું પણ નથી.”

“તે ધાર્મિક વિધિઓ કે અનુષ્ઠાનોની કોઈ એક ચોક્કસ ઢબનું પણ અનુસરણ કરતો નથી. હકીકતમાં, તે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની પરંપરાગત અને સંકુચિત લાક્ષણિકતાઓને સંતોષતો હોય એવું જણાતું નથી.”

“તેને વ્યાપક અર્થમાં માત્ર એક ‘જીવન જીવવાની શૈલી’ (A way of life) જ ગણાવી શકાય.”

કોર્ટે તેના ચુકાદામાં ઍનસાઇક્લોપીડિયા ઑફ રિલિજન ઍન્ડ ઍથિક્સ, મૉનેર વિલિયમ્સનું પુસ્તક ‘રિલિજિયસ થૉટ્સ ઍન્ડ લાઇફ ઇન ઇન્ડિયા’ તથા ડૉ. રાધાકૃષ્ણનના પુસ્તક ‘ધ હિન્દૂ વ્યૂ ઑફ લાઇફ’ને પણ ટાંક્યા છે અને તેને આધારે વિગતે ચર્ચા કરી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હિન્દુ ધર્મમાં એવા લોકો પણ છે જે કોઈ પણ પ્રકારની મૂર્તિપૂજામાં માનતા નથી. એ સિવાય હિન્દુ ધર્મમાં અગણિત દેવી-દેવતાઓ છે અને તેમને હિન્દુઓના જ અલગ-અલગ સમૂહો દ્વારા પૂજવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે સ્વામિનારાયણના જીવનથી લઈને શિક્ષાપત્રી અને સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય ગ્રંથોની પણ ચર્ચા કરી હતી.

ત્યારબાદ સુપ્રીમ કોર્ટની બૅન્ચે ચુકાદામાં લખ્યું હતું કે, “સ્વામિનારાયણ સંપ્રદાયનું પાલન કરનારા સત્સંગીઓ હિન્દુ સમુદાયથી અલગ એક વિશિષ્ટ સમુદાય બનાવે છે અને તેમનો ધર્મ એ હિન્દુ ધર્મથી અલગ છે એ સંપૂર્ણપણે ખોટું છે.”

“સ્વામિનારાયણ એક એવા હિન્દુ સંત હતા જે વલ્લભાચાર્યના ઉપદેશકો અને અનુયાયીઓમાં ફેલાયેલી ભ્રષ્ટ પ્રથાઓને દૂર કરવા અને હિન્દુ ધર્મને તેની મૂળ મહિમા અને પવિત્રતામાં પુન:સ્થાપિત કરવા માટે દૃઢ સંકલ્પિત હતા.”

સુપ્રીમ કોર્ટે ચુકાદાને અંતે લખ્યું હતું કે, “અંતે અમે એ વાત પર ભાર દેવા ઇચ્છીએ છીએ કે કાયદા દ્વારા હરિજનોને મંદિરોમાં પ્રવેશનો જે અધિકાર આપવામાં આવ્યો છે કે હરિજનોની તમામ સામાજિક સુખ-સુવિધાઓ અને અધિકારોનું પ્રતીક છે.”

“હંમેશાં એ યાદ રાખવું જોઈએ કે સામાજિક ન્યાય એ જ લોકશાહી જીવનશૈલીનો મુખ્ય આધાર છે જે ભારતના બંધારણમાં નોંધાયેલો છે. આથી, આ અરજી ફગાવી દેવામાં આવે છે.”

દલિતો અને સ્વામીનારાયણ સંપ્રદાય

ઇતિહાસકાર મકરંદ મહેતાએ સ્વામીનારાયણ સંપ્રદાયના દલિતો અંગેના દાવા પર સવાલો ઉઠાવ્યા હતા અને તેમની સામે કેસ પણ થયો હતો

સ્વામિનારાયણ સંપ્રદાય અને દલિતો સાથેના ભેદભાવના ઘણા કિસ્સા ગુજરાતના પણ છે.

80ના દાયકામાં સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાંક સાહિત્યોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ સંપ્રદાયે ગુજરાતના નીચલા વર્ગોની સ્થિતિને સુધારી છે, બ્રિટિશરો અને મરાઠાઓ પણ તેના અનુયાયીઓ બન્યા છે.

ગુજરાતના ઇતિહાસકાર મકરંદ મહેતાએ આના જવાબમાં સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર વર્ષ 1986માં એક લેખ પ્રકાશિત કર્યો. આ લેખ સુરતની સેન્ટર ફૉર સોશિયલ સ્ટડીઝની જર્નલમાં પ્રકાશિત થયો હતો.

તેમાં તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના આ દાવાઓની તપાસ કરી હતી અને મોટા ભાગના દાવાઓને ખોટા પાડ્યા હતા.

ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયે મકરંદ મહેતા તથા ‘અર્થાત’ના બે સંપાદકો ઘનશ્યામ શાહ અને અચ્યુત યાજ્ઞિક પર આઇપીસીની કલમ 295-A હેઠળ ક્રિમિનલ તપાસ કરવાની સરકાર સમક્ષ માગ કરી હતી.

મકરંદ મહેતાએ તેમના લેખોમાં દાવા કર્યા હતા કે સહજાનંદ એટલે કે સ્વામિનારાયણે દલિતોની સ્થિતિ સુધારવા ખાસ કંઈ કર્યું નથી.

જ્યારે આ કેસ ચાલતો હતો ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય વતી મકરંદ મહેતાના આરોપોનો જવાબ આપવામાં આવ્યો હતો. આ દલીલથી સંપ્રદાયના દલિતો અંગેના વિચારોની એક ઝલક મળે છે.

સંપ્રદાયે દાવો કરતાં કહ્યું હતું કે, “સ્વામી સહજાનંદે આપેલા આશ્રયથી તો હરિજનો ચોખ્ખાઈ રાખતા શીખ્યા છે અને તેમનો વ્યવહાર બ્રાહ્મણો જેવો થયો છે. એ સમયમાં જે જાતિપ્રથા વ્યાપ્ત હતી એના સંદર્ભમાં તો સહજાનંદે તેમની ઉન્નતિ કરી છે.”

“જ્યાં હરિજનોની સંખ્યા વધારે હતી ત્યાં સહજાનંદે તેમના માટે અલગ મંદિરો પણ બંધાવ્યાં છે. એ જાતિપ્રથાના સમયમાં સહજાનંદે તેમના ઉદ્ધાર માટે થાય એટલું બધું કર્યું છે. તેમણે જ દલિતોમાં સાક્ષરતા લાવી અને તેઓ ધાર્મિક પુસ્તકો વાંચતા થયા.”

1966માં જે ચુકાદો આવ્યો એને આજે 60 વર્ષ થઈ ગયાં છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના દલિતો સાથે ભેદભાવના આરોપો હજુ પણ લાગતા રહે છે.

ન્યૂ યૉર્ક ટાઇમ્સના 2021ના એક અહેવાલ અનુસાર, ન્યૂ જર્સીમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પર સ્થાનિક સત્તાવાળાઓએ રેડ પાડી હતી. મંદિર પર આરોપો હતા અનેક ‘નીચલી જ્ઞાતિઓ’ના લોકોને બળજબરીથી મજૂરીકામ કરાવાતું હતું.

કોર્ટમાં આરોપો લાગ્યા હતા કે તેમને મહેનતાણું પણ મહિને માંડ 450 ડૉલર જેટલું જ આપવામાં આવતું હતું. આવું જ અમેરિકાના ઘણાં સ્વામિનારાયણ મંદિરોમાં ચાલતું હોવાના આરોપો લાગ્યા હતા.

જોકે, બીએપીએસના પ્રતિનિધિએ ઓછું મહેનતાણું અપાતું હોવાના આરોપો નકારી દીધા હતા.

આ કેસમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થઈ ગઈ છે અને દીવાની દાવો હજુ પણ ચાલુ છે. અત્યાર સુધી આ આરોપો સાબિત થયા નથી.

ફ્રાન્સ 24ના એક અહેવાલમાં પણ એક બીએપીએસનાં મંદિરોમાં કામ કરતાં એક પૂર્વ વર્કરની આપવીતી નોંધવામાં આવી છે. તેમણે હવે મંદિરનું આ કામ છોડી દીધું છે પરંતુ હજુ તેમને ન્યાય મળ્યો નથી. તેઓ પણ દલિત સમુદાયના છે અને તેમને મંદિરના નિર્માણમાં પથ્થરોનું કામ કરવા ભારતથી લઈ જવામાં આવ્યા હતા.

તેમણે આરોપો લગાવ્યા હતા કે તેમનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો હતો અને મંદિર સ્થળ એ જાણે કે કોઈ સેન્ટ્રલ જેલ જેવું હતું, જ્યાં તેમને કોઈની સાથે વાત કરવાની નહોતી, બહાર જવાનું નહોતું અને માત્ર પથ્થરોનું કામ કરવાનું હતું.

જોકે, આ કેસની સુનાવણી દરમિયાન પણ બીએપીએસ સંસ્થા આ આરોપોને નકારતી રહી છે.

બીએપીએસ સંસ્થાએ ભૂતકાળમાં પણ સ્પષ્ટ કરેલું છે કે તેમની સંસ્થા એ જાતિ અને જન્મ-આધારિત સામાજિક માળખાથી થતા ભેદભાવના વિરોધમાં છે કારણે કે તેનાથી માનવ ગૌરવ હણાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS