Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Ekta Music world-YT/BBC
-
પ્રકાશિત
-
વાંચવાનો સમય: 5 મિનિટ
‘હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય’, ‘કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી’, ‘દેખ તમાશા લકડી કા…’ વગેરે ગીતો ગાઈને હરિ ભરવાડ બાળવયે જ ગુજરાતના સંગીતપ્રેમીઓમાં જાણીતા થયા હતા.
તેમણે ગાયેલાં ભજન અને ભક્તિગીતોની કૅસેટ્સ, સીડી (કૉમ્પેક્ટ ડિસ્ક)એ નેવુંના દાયકામાં ધૂમ મચાવી હતી.
અમદાવાદ જિલ્લાના કઠલાલ પાસેના છીપડી ગામમાં મોટા થયેલા હરિ ભરવાડે સંગીતનું કોઈ વિધિવત્ શિક્ષણ લીધું નહોતું. લોકડાયરાના પ્રખ્યાત ગાયક મણિરાજ બારોટના ડાયરામાં હરિને નવ વર્ષની ઉંમરે જાહેર કાર્યક્રમમાં પ્રથમ વખત ગાવાનો અવસર મળ્યો હતો.
છીપડી ગામમાં ઘરના આંગણે બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતાં હરિ ભરવાડે કહ્યું હતું કે અમારા પરિવારની છેલ્લી ત્રણેક પેઢીમાં તો કોઈ ગાવાવાળું હતું જ નહીં.
તો પછી આ સંગીતની સફર કેવી રીતે શરૂ થઈ? તેઓ કહે છે કે, “નિશાળમાં પ્રાર્થના થતી. જેમાં હું મારા બે ત્રણ મિત્રો સાથે પ્રાર્થના ગાતો હતો. મારા શિક્ષકનું ધ્યાન પડ્યું કે એમાં મારો અવાજ અલગ તરી આવતો હતો. શિક્ષકે તે પછી મને પાઠ્યપુસ્તકમાંથી કેટલાંક લોકગીતો સૂચવ્યાં, જેની હું શાળામાં પ્રૅક્ટિસ કરતો અને ઘરે પણ ગણગણતો. એ વખતે મારા સ્વ. વિઠ્ઠલકાકાના કાને મારા સૂર પારખ્યા. તેમને થયું કે ભત્રીજો સરસ ગાય છે. વિઠ્ઠલકાકાને ભજન અને સંતવાણીમાં ખૂબ રસ હતો. તેમણે મને બે-ત્રણ ભજન શીખવ્યાં, જે હું નિરંતર ગાતો રહેતો હતો. તે વખતે ગામની ભજનમંડળીમાં પણ મને તક મળતી.”
એ વખતે હરિ ભરવાડની ઉંમર આઠેક વર્ષની હતી. તેમણે અન્ય કેટલાંક ભજનો પણ ગાવાનાં શરૂ કરી દીધા હતા અને આસપાસનાં ગામોમાં પણ મંડળીમાં ભજન ગાવા માટે જવા માંડ્યા હતા.
મણિરાજ બારોટ સાથે પ્રથમ વાર ડાયરામાં ગાયું
ઇમેજ સ્રોત, RAJALBAROTOFFICIAL/FB
હરિ ભરવાડનું નામ આસપાસના ગામમાં ભજન ગાતા છોકરા તરીકે થોડું જાણીતું થવા માંડ્યું હતું. એવામાં નજીકના ગોગજીપુરા ગામે એક ડાયરો હતો. ડાયરાના આયોજક એવા ગોગજીપુરા ગામના મહારાજના હરિ ભરવાડના પરિવાર સાથે સંબંધ હતા. તેથી તેમણે કહ્યું હતું કે હરિને પણ લેતા આવજો.
પરિવારના લોકો કેડિયું, પાઘડી વગેરે પરંપરાગત પોશાક સાથે તૈયાર કરીને હરિને લઈ ગયા હતા. મણિરાજ બારોટનો ડાયરો બરાબર જામ્યો હતો. તેમાં રાત્રે બે કે અઢી વાગ્યે ગાવાનો મોકો મળ્યો હતો. જે હરિ ભરવાડના જીવનનો પહેલો જાહેર પ્રયોગ હતો.
તે પ્રસંગને યાદ કરતાં હરિ ભરવાડ કહે છે, “હું તે વખતે નવ વર્ષનો હતો, મને તો ઝાઝી ખબર નથી પણ પરિવારના લોકો પાસેથી સાંભળ્યું છે કે મને પરંપરાગત પોશાકમાં મંચ પર બેસાડ્યો હતો. ગામના લોકો કોઈ કાર્યક્રમ વગેરે હોય તો બાળકને સજીધજીને મંચ પર આકર્ષણરૂપે બેસાડતા હોય છે.”
“મણિરાજ બારોટને એમ હતું કે મને એ રીતે જ બેસાડ્યો હશે. પછી તેમને ગામના મહારાજે કહ્યું કે આ છોકરો સરસ ગાય છે. તેને એકાદ મોકો આપજો. પછી મણિરાજ બારોટની હાજરીમાં મેં ત્યાં બે ભજન ગાયાં હતાં. મંચ પર મણિરાજભાઈએ અને મંચની નીચે પ્રેક્ષકોએ મને લોકોએ વધાવી લીધો હતો.”
હરિ ભરવાડ કહે છે આ કાર્યક્રમ બાદ તેમને આત્મવિશ્વાસ મળ્યો હતો કે લોકો તેમને સાંભળે છે અને વધાવે છે.
તેઓ કહે છે, “ટૂંકમાં મારો પહેલો ડાયરો મણિરાજ બારોટ સાથે હતો.”
મણિરાજ બારોટે હરિ ભરવાડના પિતાને કહ્યું હતું કે છોકરો ખૂબ સરસ ગાય છે. હરિ ભરવાડ કહે છે કે “મણિરાજ બારોટ મોટે ભાગે લોકગીતો ગાતાં હોય છે. મેં જ્યારે મંચ પરથી ભજન ગાયાં તે પછી તેઓ ફરી મંચ પર આવ્યા ત્યારે તેમણે પણ ભજન ગાયાં હતાં.”
એ પછીનાં કેટલાંક વર્ષો પછી હરિ ભરવાડે ચકલાસી ગામમાં મણિરાજ બારોટ સાથે મંચ પર પર રજૂઆત કરી હતી.
‘ક્યારેક તો મંચ પર બેઠા બેઠા સૂઈ જતો’
ઇમેજ સ્રોત, hari bharvad/fb
હરિ ભરવાડનું નામ ગુજરાતમાં જાણીતું થવા માંડ્યું તેમ તેમ આસપાસનાં ગામોમાંથી તેમને ભજન અને સંતવાણીના કાર્યક્રમોમાં લોકો બોલાવવા માંડ્યા હતા. દરમિયાન તેમનો સંગીત આલબમ ‘હરિનો મારગ’ રજૂ થયો. તેનાં ગીતો ઘેર ઘેર ગૂંજવા લાગ્યાં હતાં. હરિ ભરવાડનાં અન્ય ભજનોના મ્યુઝિક વીડિયો પણ બન્યા તે પણ લોકપ્રિય થયા.
તે પછી વડોદરા, સુરત, મુંબઈ વગેરે શહેરોમાં તેમને સંગીતના કાર્યક્રમો મળવા લાગ્યા હતા.
હરિ ભરવાડે કહે છે, “મારી ઉંમર નાની અને એમાંય હું ભજનો ગાઉં તો લોકો ભાવવિભોર થઈને મને ક્યારેક મોટી ઉંમરના વડીલો પગે પણ લાગતા હતા, જેનું મને આશ્ચર્ય થતું. આપણે ત્યાં કહેવાય છે કે નાનું બાળક ભગવાનનું સ્વરૂપ હોય અને તેમાં હું ભજનો ગાઉં તેથી શ્રોતાઓનો ભાવ છલકાતો અને મને પગે લાગતા. એ વખતે મને ઝીણું ઝીણું સમજાતું કે મારાં ભજનો લોકોને કંઈક અહેસાસ કરાવે છે.”
રમવાની ઉંમરે હરિ ભરવાડને મોડી રાત સુધી જાગીને કાર્યક્રમો કરવા પડતા. હરિ ભરવાડે કહે છે, “હું નાનપણથી જ ગામમાં ભજનો ગાતો, તેથી અઠવાડિયામાં બે-ચાર દિવસ બહાર કાર્યક્રમ માટે જવાનું હોય તો હું એના માટે કેળવાઈ ગયો હતો. મને એવું થતું ખરું કે મને રમવાનો થોડો વધારે સમય મળે.”
“કાર્યક્રમ મોડી રાત સુધી હોય અને મારો વારો તો બાર વાગ્યે કે બે વાગ્યે પણ આવે. તેથી હું તો ક્યારેક મંચ પર બેઠા બેઠા જ સૂઈ જતો. તે વખતે મારા પિતા અને કાકા સાથે હોય. તેઓ ગજવામાં ચોકલેટ ભરીને રાખતા અને મને ચોકલેટની લાલચ આપીને જગાડતા. ધીમે ધીમે પછી તો હું પણ કાર્યક્રમમાં મોડે સુધી જાગવા કેળવાઈ ગયો હતો.”
હરિ ભરવાડ ક્યાં ગાયબ થઈ ગયા હતા?
ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC
બાળગાયક તરીકે જેમણે ગાયેલાં ભજનો અને ભક્તિગીતોના વીડિયો 1900–2000ના દાયકામાં લોકપ્રિય થયાં હતાં તે હરિ ભરવાડના કંઠે નવાં ભજનો કે સંતવાણીની સીડી અને કૅસેટ્સ જોવા મળતી નહોતી. ગુજરાતી ચૅનલો પર તેમના વીડિયો પણ આવતા બંધ થઈ ગયા હતા.
તેમના વિશે અફવાઓ પણ ફેલાઈ હતી. હરિ ભરવાડ કહે છે કે, “એવી અફવાઓ ફેલાઈ હતી કે હરિ ભરવાડે ગાવાનું બંધ કરી દીધું છે. હરિ ભરવાડનું મર્ડર થઈ ગયું છે. વગેરે વગેરે.”
હરિ ભરવાડ કહે છે કે “મેં ક્યારેય ગાવાનું બંધ કર્યું જ નથી.”
તેઓ કહે છે, “વચ્ચેના તબક્કામાં થયું એવું કે સંગીતનાં પ્લૅટફૉર્મ બદલાઈ રહ્યાં હતાં. હું જ્યારે સંગીતના ક્ષેત્રમાં આવ્યો ત્યારે સીડી અને કૅસેટનો જમાનો હતો. તે પછી સંગીત ડિજિટલાઇઝ્ડ થયું. લોકો પેનડ્રાઇવમાં સંગીત સાંભળતા થયા. યૂટ્યૂબ પર ગીતોની વણઝાર થવા માંડી. સોશિયલ મીડિયા ધમધમવા માંડ્યું. મેં સોશિયલ મીડિયા પર હાજરી નોંધાવવામાં થોડું મોડું કર્યું. તેથી એવી ચર્ચાઓ થવા માંડી કે હરિ ભરવાડ ક્યાં ગાયબ થઈ ગયા? અફવાઓ પણ ફેલાઈ. જો હું સીડી કૅસેટ્સથી તરત યૂટ્યૂબ પર સ્વીચ થઈ ગયો હોત તો એક લાંબો ગાળો ન પડત અને અફવા પણ ન ફેલાત.”
ઇમેજ સ્રોત, Pavan jaiswal
“જોકે, હું જે પરિવારમાંથી આવું છું તેમાં કોઈને એવી ખબર નહોતી કે સોશિયલ મીડિયા નામની એક ઘટના છે તેમાં હાજરી પૂરાવવી પડે. પરિવારને જ માલૂમ ન હોય તો તેઓ મને કેવી રીતે માર્ગદર્શન આપે?
આ ઉપરાંત, બીજું એક કારણ જણાવતાં હરિ ભરવાડ કહે છે કે, “અત્યારે હું પુખ્ત વયનો છું. લોકોએ મને બાળગાયક તરીકે જ સાંભળ્યો છે અને બિરદાવ્યો છે. મારી બાળગાયક તરીકેની ઇમેજ લોકોના મનમાં એટલી વસી ગયેલી છે કે તે ઇમેજને ખસેડીને તેને સ્થાને એક પુખ્ત ગાયક હરિ ભરવાડને સેટ કરવો કપરું હોય છે. આ સિવાય કિશોરાવસ્થામાંથી પુખ્તાવસ્થામાં કોઈ પણ ગાયક કે ગાયિકા પહોંચે ત્યારે શરીરના હોર્મોન્સમાં ફેરકફાર થતો હોય છે. જેને લીધે અવાજ પણ બદલાતો હોય છે. તેથી લોકોને એ અવાજ પામતા અને સ્વીકારતા પણ થોડો સમય લાગ્યો.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




