Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Sandro Gromen-Hayes
પર્વતારોહી ઝકિયા અહમદ માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર પ્રથમ અફઘાન મહિલા બન્યાં છે.
ઑસ્ટ્રેલિયામાં 30 વર્ષીય નિર્વાસિત જીવન વિતાવનારાં ઝકિયાએ 21મેના રોજ 8,848 મીટર ઊંચા શિખર પર પગ મૂકીને ઇતિહાસ રચી દીધો.
પર્વતારોહક ઝકિયા અહમદ હવે ‘રિવર અહમદ’ તરીકે ઓળખાય છે, તેમણે બીબીસીને પોતાના સફળ અનુભવ વિશે જણાવ્યું કે “દુનિયાની છત જેવા આ શિખર પર ચઢીને હું પોતાને ખૂબ જ શક્તિશાળી અનુભવતી હતી.”
તેઓ પોતાની આ સફળતાથી પોતાના દેશની મહિલાઓને સંદેશ આપવા માગે છે કે કે ઇતિહાસના સૌથી અંધકારમય સમયગાળાને પણ પાર કરી દેશે. રિવર અહમદ તાલિબાનના બીજા શાસન દરમિયાન કોઈક રીતે બચીને ભારત ભાગી આવ્યાં અને પછી ઑસ્ટ્રેલિયા ગયાં.
અગાઉ તેઓ અફઘાનિસ્તાનમાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની હતાં, પરંતુ પ્રતિબંધોએ તેમને ઝટકો આપ્યો. પછી ઑસ્ટ્રેલિયા ગયાં અને તેમના ભાઈનું અચાનક મોત થતાં ફરી બીજો ઝટકો લાગ્યો.
આ દરમિયાન નદીઓએ તેમને આગળ વધવા પ્રેરિત કર્યાં. આ રીતે ઝકિયા અહમદથી તેઓ રિવર અહમદ બની ગયાં. રિવર અહમદે પોતાની પ્રથમ સફર પહેલાં કહ્યું હતું, “હું એક મકસદ માટે… આઝાદી અને શિક્ષણ માટે ચડાઈ કરી રહી છું.”
દુનિયાનું ધ્યાન અફઘાનિસ્તાન તરફ ખેંચવાનો મકસદ
ઇમેજ સ્રોત, Getty Images
તેઓ પોતાની આ સિદ્ધિથી અફઘાનિસ્તાનની સ્થિતિને દુનિયા સામે લાવવા માગે છે, જ્યાં 2021માં સત્તામાં આવ્યા બાદ તાલિબાને 12 વર્ષથી વધુ ઉંમરની છોકરીઓ અને મહિલાઓના શિક્ષણ પર રોક લગાવી દીધી છે.
રિવરના આ મિશન દરમિયાન બેઝ કૅમ્પમાં અમારી તેમની સાથે મુલાકાત થઈ. અહીંનો કૅમ્પ ચાર માર્ગ પર સૌથી ઊંચો કૅમ્પ છે, તેની ઊંચાઈ 7,950 મીટર છે અને અહીંથી શિખર (8,849 મીટર) સુધીના ચઢાણ એવા “ડેથ ઝોન”ની પસાર થાય છે, જ્યાં ઑક્સિજનનું સ્તર સાગરતટની તુલનામાં માત્ર 30% રહી જાય છે.
રિવર અહમદ કહે છે, “આ કપરા ચઢાણ દરમિયાન તેમને પોતાના જીવનના એ અનુભવોની યાદોએ આગળ વધવા પ્રેરિત કર્યાં, જેમાંથી પસાર થતાં તેઓ અહીં સુધી પહોંચ્યાં છે. પછી તે તાલિબાનના હુમલામાંથી કોઈ પણ રીતે નીકળવાની વાત હોય તો ઑસ્ટ્રેલિયા જઈને નવી સંસ્કૃતિ સાથે તાલ મિલાવવાની વાત હોય.”
માસિકનું લોહી લગાવીને મરવાનું નાટક કર્યું હતું
ઇમેજ સ્રોત, AFP via Getty Images
રિવર અફઘાનિસ્તાનની યુનિવર્સિટીનાં વિદ્યાર્થિની હતાં, પણ પ્રતિબંધોએ તેમને ઝટકો આપ્યો. રિવરનો જન્મ તાલિબાનના પ્રથમ શાસનકાળ સમયે થયો હતો, ત્યારે પણ છોકરીઓના શિક્ષણ પર સખત પ્રતિબંધ હતા.
પરંતુ 2001માં અમેરિકાના નેતૃત્વવાળા આક્રમણ બાદ તાલિબાનને સત્તા પરથી ઉખાડી ફેંકાયા હતા. પછી છોકરીઓને ફરીથી સ્કૂલ જવાનો મોકો મળ્યો. મહિલાઓની ઉચ્ચ શિક્ષણ અને કામ સુધી પહોંચ પણ વધી.
અહમદ કહે છે કે તેઓ અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં આવેલા ગઝનીમાં ભણ્યાં. આ વિસ્તાર હિંદુ કુશ પર્વતોથી થોડે દક્ષિણમાં આવેલો છે.
તેમણે કહ્યું, “દરરોજ હું મારી સ્કૂલે જવા માટે પહાડ પર ઉપર-નીચે અને ગાઢ બરફમાં થઈને ચાર કલાક સુધી પગપાળા ચાલતી.”
તેમણે જણાવ્યું કે વર્ષ 2014માં તેમણે પોતાના પરિવારને મનાવીને કાબુલ યુનિવર્સિટીમાં જવાની મંજૂરી લીધી. ત્યાં જનારાં તેઓ બસમાં એકમાત્ર મહિલા હતાં, એ સમયે તાલિબાન લડવૈયાઓએ તેમને રોક્યા અને ગોળીબાર શરૂ કરી દીધો.
રિવર અહમદ કહે છે કે આ ઘટના તેમના માસિકધર્મ સમયે થઈ હતી અને ત્યારે તેમણે જલદીથી પોતાના ચહેરા પર લોહી લગાડી દીધું હતું.
તેઓ કહે છે કે તેઓ ત્યાં ચુપચાપ સૂઈ રહ્યાં, જ્યાં સુધી હુમલાખોરો તેમને મરેલાં માનીને ચાલ્યા ન ગયા.
બાદમાં તેમનો પરિવાર કાબુલ ચાલ્યો હતો, જ્યાં તેમણે પત્રકારત્વનો અભ્યાસ કર્યો અને એક ગુપ્ત નામથી રેડિયો પત્રકાર તરીકે કામ કર્યું. પછી 2019માં ભારત આવ્યાં અને ત્રણ વર્ષ બાદ ઑસ્ટ્રેલિયા ગયાં. ત્યાં તેમણે અંગ્રેજી શીખી અને એક ફર્નિચર કંપનીમાં કામ કર્યું.
રેડિયો પત્રકારથી પર્વતારોહી સુધી
ઇમેજ સ્રોત, River Ahmad
રિવર અહમદને એક ત્રાસદી બાદ પર્વતારોહણ પ્રત્યે આકર્ષણ થયું. હકીકતમાં તેમને ઑસ્ટ્રેલિયામાં ગયાંને છ મહિના વીત્યા હતા કે તેમના 20 વર્ષીય ભાઈએ આત્મહત્યા કરી લીધી. તેમનું કહેવું છે કે તેનાથી તેઓ ભાંગી પડ્યાં હતાં.
આ દરમિયાન તેમણે પોતાનું પહેલું નામ ઝકિયા બદલીને રિવર રાખવાનું નક્કી કર્યું, જે ઑસ્ટ્રેલિયાની નદીઓથી પ્રેરિત હતું. તેઓ કહે છે, “નદીઓ સ્વચ્છ અને અજેય હોય છે, તે કોઈ પણ સ્થિતિમાં વહેતી રહે છે. મેં વિચાર્યું કે મારે પણ આવું હોવું જોઈએ.”
અહમદે સિડની હાર્બર બ્રિજ પર આયોજિત એક સામૂહિક ચઢાણ અભિયાનમાં સામેલ થવાનો નિર્ણય કર્યો. તેઓ કહે છે, “મેં પોતાને આકાશમાં ઊંચાઈ પર આનંદિત અનુભવી અને ત્યારે જ મનમાં વિચાર આવ્યો કે મારે પર્વતારોહણ કરવું જોઈએ.”
તેમણે તાલીમ લેવાનું શરૂ કર્યું. જિમ પણ ચાલુ કર્યું. પછી મૅલબર્નની આસપાસ પહાડો પર ચઢાણ કર્યું. તેમજ પોતાના અભિયાન માટે 85,000 ડૉલર ભેગા કરવા પ્રયાસો કર્યા. તેઓ કહે છે કે તેમણે અંદાજે એક ચર્તુથાંશ રકમ પોતાની બચતમાંથી આપી, જ્યારે બાકીની એક ફાઉન્ડેશનથી ઉધાર લીધા.
તેઓ કહે છે, “ફંડ મેળવવું બહુ અઘરું છે. મને આ અભિયાન માટે કોઈ પ્રાયોજક ન મળ્યા.” જોકે, તેમને આશા છે કે આ સફળતા બાદ ભવિષ્યનાં અભિયાનો માટે તેમને વધુ સમર્થન મળશે.
ચઢાણમાં પડકાર બન્યા પર્વતારોહીઓની વધુ સંખ્યા
ઇમેજ સ્રોત, Pemba Sherpa
રિવર અહમદ અંદાજે 500 પર્વતારોહીઓમાં સામેલ છે, જેમણે ઍવરેસ્ટ પર ચઢવાની મંજૂરી મળી. નેપાળ સરકારે આ વર્ષે રેકૉર્ડ સંખ્યામાં પરમિટ આપી છે. તેમનું કહેવું છે કે આટલી મોટી સંખ્યા સાથે વધુ પડકારો પણ લઈને આવી.
આ વર્ષે માર્ચમાં ઍવરેસ્ટ ક્ષેત્રમાં પહોંચ્યાં બાદ તેમને 6,000 મીટરથી વધુ ઊંચાઈવાળા બે પહાડો પર ચઢવાની અને અનેક અઠવાડિયાં સુધી અનુકૂલન સાધવાની તાલીમ અપાઈ.
તેઓ સમજાવે છે કે દરેક પર્વતારોહની સાથે કમસે કમ એક સહાયક પર્વતારોહી હોય છે, તેનો અર્થ એ કે 1,000થી વધુ લોકો શિખર પર પહોંચવાનો પ્રયાસ કરે છે. તેમાં વધુ સહાયકો નેપાળના શેરપા સમુદાયના હોય છે.
બીજી તરફ આ વર્ષે તિબેટ તરફથી ચીન સુધીના માર્ગ વિદેશી પર્વતારોહી માટે બંધ હોવાથી નેપાળવાળા રસ્તે ભારે ભીડ વધી ગઈ છે.
દર વર્ષે ઍવરેસ્ટ શિખર સુધી પહોંચવા માટે અનુકૂળ હવામાનનો સમય નાનો હોય છે. આ અવધિ સામાન્ય રીતે મેના બીજા અઠવાડિયાની છે. રિવર અહમદ કહે છે કે ચઢાઈ માટે અનુકૂળ હવામાનવાળા દિવસોમાં ત્યાં મોટી લાઇનો લાગી હતી.
રિવર કહે છે કે તેમને અને તેમના બે શેરપા માર્ગદર્શકોને શિખર પાસે ચાર કલાક સુધી રાહ જોવી પડી. આ સમયે તાપમાન સામાન્ય રીતે માઇનસ 25 ડિગ્રી સેલ્સિયસથી નીચે હોય છે.
તેઓ કહે છે, “એ ટ્રાફિકજામ બહુ ભયાનક હતો. હું બહુ ડરી ગઈ હતી.”
તેમનું કહેવું છે કે તેમને ડર હતો કે આ રાહ તેમની ચઢાઈને જોખમમાં મૂકી શકે છે.
ઍવરેસ્ટ પર ચઢાણ દરમિયાન ટ્રાફિકજામ ખતરનાક
ઇમેજ સ્રોત, AFP / GETTY / PROJECT POSSIBLE
નિષ્ણાતોનું કહેવું છે કે આવી ભીડ એ પર્વતારોહીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે, જે પૂરતા ઑક્સિજન સાથે નથી ચાલતા. તેમજ બહુ કઠિન પરિસ્થિતિઓમાં વધુ સમય વિતાવવાથી ફ્રૉસ્ટબાઇટ અને સ્નો બ્લાઇન્ડનેસનું જોખમ વધી જાય છે.
પર્વતારોહી અહમદ કહે છે કે એક દિવસમાં 274 લોકોએ શિખર પર પહોંચીને રેકૉર્ડ બનાવ્યો હતો. એ પછીના દિવસે 160 લોકો શિખર પર પહોંચ્યા, જેમાં નેપાળના સહાયક કર્મચારી પણ સામેલ હતા, જેમને પરમિટની જરૂર નથી હોતી.
પછીના દિવસે બે ભારતીય પર્વતારોહીનું ઊતરતી વખતે મોત પણ થયું હતું.
ઍવરેસ્ટના રસ્તે ભીડ મુદ્દે ઊઠેલી ચિંતાઓ દરમિયાન નેપાળ સરકારે હાલમાં વર્ષોમાં પરમિટ ફી વધારી છે. તેમજ અરજદારો માટે નિયમો કડક કરી રહી છે.
અધિકારીઓએ અભિયાન સંચાલકો સાથે મળીને શિખર પ્રયાસોને અલગ-અલગ સમયે કરાવવાની કોશિશ પણ કરી છે. જોકે આ એટલું અસરકારક સાબિત થયું નથી.
અહમદ કહે છે કે “શિખર પર પહોંચીને અને ત્યાંથી ઊતરતી વખતે તેમને બહુ ખુશી અનુભવાઈ, કેમ કે આ પૃથ્વીથી સૌથી ઊંચા બિંદુથી પ્રકૃતિને જોવાનો અનુભવ હતો.”
પૂર્વ અફઘાન રાષ્ટ્રપતિ કરઝઈએ વખાણ કર્યાં
તેઓ કહે છે કે અફઘાનોમાં આ સિદ્ધિ પર “અદ્ભુત” પ્રતિક્રિયા મળી છે. એટલે સુધી કે પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈએ પણ આ અભિયાનને અફઘાન મહિલાઓની સિદ્ધિઓના રૂપમાં વખાણ્યું છે.
તેઓ કહે છે, “તેનાથી એ સંદેશ લોકો સુધી પહોંચ્યો છે કે અમે (અફઘાન મહિલા) સૌથી કપરું કામ પણ કરી શકીએ છીએ.”
પરંતુ તેમનો મુખ્ય સંદેશ પર્વતારોહીઓથી ઘણો આગળ પહોંચે છે.
તેઓ કહે છે, “આજે પણ લાખો અફઘાન છોકરીઓ શિક્ષણના પાયાના અધિકારથી વંચિત છે, અને અમારે એ પહાડ પર ચઢવું પડશે.”
ઉલ્લેખનીય છે કે તાલિબાન સરકારે બીજી વાર સત્તામાં આવ્યા બાદ કહ્યું હતું કે છોકરીઓ અને મહિલાઓની માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ પર પ્રતિબંધ અસ્થાયી રહેશે. તેણે સુરક્ષાનો હવાલો આપીને તેના પર “અસ્થાયી” પ્રતિબંધ મૂક્યો હતો.
તાજેતરમાં બીબીસીએ આ મામલે સરકારના ઉપપ્રવક્તાને પૂછ્યું તો તેમણે આ સવાલ શિક્ષણ મંત્રાલયને પૂછવાનું કહ્યું. તો ત્યાંથી પણ કોઈ જવાબ આવ્યો નથી.
અહમદ કહે છે કે તેઓ અફઘાનિસ્તાનની મહિલાઓના સમર્થન માટે ધન એકઠું કરવાની યોજના બની રહ્યાં છે. તેઓ તેમના દેશની મહિલાઓને સંદેશ આપે છે : “મજબૂત રહો. પોતાના પર વિશ્વાસ કરો કે તમે આપણા ઇતિહાસના સૌથી અંધકારમય સમયને પાર કરી શકો છો. આપણે આ કરી શકીએ છીએ.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







