Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Tata Chemicals Annual Report, 2020-21
વાંચવાનો સમય: 9 મિનિટ
21 જૂન, 1962ના રોજ જામનગર જિલ્લાના દ્વારકા તાલુકાના સ્થાનિક લોકોએ ગુજરાતના તત્કાલીન ગૃહ અને ઉદ્યોગ મંત્રીને એક પત્ર લખી ફરિયાદ કરી કે તેમના ગામ નજીક મીઠાપુરમાં 1939થી ચાલતી ટાટા કેમિકલ્સ લિમિટેડ કંપનીની ફૅક્ટરી નજીકના સુરાજકરાડી ગામના સર્વે નંબર 77ની જમીનમાં ‘ખારું અને ગંદું પાણી’ છોડે છે.
ગ્રામજનોએ માંગણી કરી હતી કે તે પાણી ગામની જમીનના બદલે દરિયામાં છોડવામાં આવે.
ફરિયાદને પગલે ટાટાએ કારખાનામાંથી નીકળતા દૂષિત પાણીને દરિયામાં ઠાલવવા માટે બે ખુલ્લી કૅનાલ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો અને તેના માટે સરકાર મારફત આરંભડા ગામના સર્વે નંબર 48માં આવેલી સાત એકર જમીન ખરીદી.
1963-64થી આ ખરીદેલી જમીન વાટે કારખાનાનું દૂષિત પાણી સમુદ્રમાં વહેવા લાગ્યું.
ત્યારથી સર્વે નંબર 48ની જમીનમાંથી નીકળીને ઔદ્યોગિક કચરો નજીકના ઇન્ટર-ટાઇડલ ઝોન એટલે કે દરિયામાં ભરતીના સમયે ડૂબી જતાં અને ઓટના સમયે ખુલ્લા થઈ જતી જમીન વાટે કચ્છના અખાતમાં ઠલવાઈ રહ્યો હતો. પરંતુ કંપનીને ત્યાં 30 મે, 2026થી કચરો ઠાલવવાનું બંધ કરવાની ફરજ પડી છે.
આજે સિમેન્ટ, કાપડથી માંડીને કાચ અને ડિટર્જન્ટ તેમ જ રંગ-રસાયણો બનાવવામાં વપરાતાં સોડાએશ, મીંઠુ, ખાવાનો સોડા અને અન્ય કેટલાંય કેમિકલ્સ એટલે કે રસાયણો બનાવતો ટાટા કેમિકલ્સનો આ પ્લાન્ટ 60 વર્ષ બાદ પ્રદૂષણના વધુ એક વિવાદમાં સપડાયો છે.
આરંભડાના સર્વે નંબર 48 નજીકની જમીનમાં ઔદ્યોગિક કચરના નિકાલ બાબતે ગુજરાત હાઇકોર્ટે ટાટા કેમિકલ્સને લપડાક મારી છે.
ઇમેજ સ્રોત, tatachemicals.com
1987માં ગુજરાતના વનવિભાગના એક અધિકારીએ કરેલી ફરિયાદથી ચાલુ થયેલી કાનૂની લડતમાં ગુજરાત હાઇકોર્ટે 39 વર્ષે અંતિમ ચુકાદો (SCA 26530/2006) આપતા જણાવ્યું છે કે ટાટા કેમિકલ્સે ઔદ્યોગિક કચરો ગેરકાયદેસર રીતે મરિન નૅશનલ પાર્ક ઍન્ડ મરીન સેન્કચ્યૂઅરી એટલે કે સામુદ્રિક જીવોના રાષ્ટ્રીય ઉદ્યાન અને સામુદ્રિક અભયારણ્યમાં વર્ષો સુધી ગેરકાયદેસર રીતે ઠાલવીને ઉદ્યાનના બેટ દ્વારકા નજીકના ભાગમાં જીવસૃષ્ટિને ખતમ કરી નાખી છે.
કોર્ટે હુકમ કર્યો છે કે આ નુકસાન બદલ ટાટાએ દંડ ભરવો પડશે.
વનવિભાગના અધિકારીએ ટાટા સામે શું ફરિયાદ કરી હતી?
ઇમેજ સ્રોત, Forest Department, Gujarat
હાલના જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાઓના દરિયા કાંઠાના ઇન્ટર-ટાઇડલ ઝોન અને ટાપુઓને ગુજરાત સરકારે 20 જુલાઈ 1982ના રોજ મરીન નૅશનલ પાર્ક (ટૂંકમાં, એમ.એન.પી.) અને સેન્કચ્યૂઅરી જાહેર કર્યાં હતાં.
પરિણામે કચ્છના અખાતના આ દક્ષિણ કિનારાની પટ્ટીનો વહીવટ મહેસૂલ વિભાગના બદલે વનવિભાગ પાસે જતો રહ્યો.
તે સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લાનો ભાગ હતો અને એમએનપી અને સેન્કચ્યૂઅરીમાં ટાટાની મીઠાપુર ફૅક્ટરી નજીક આવેલા વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
હાઇકોર્ટેના ચુકાદા અનુસાર, એમએનપી બન્યાના પાંચેક વર્ષ બાદ 25 માર્ચ 1987માં એમએનપીના તત્કાલીન આસિસ્ટન્ટ કન્ઝરવેટર ઑફ ફૉરેસ્ટ (ટૂંકમાં, એ.સી.એફ) એટલે કે મદદનીશ વન સંરક્ષકે ટાટા કેમિકલ્સને એક નોટિસ ફટકારી ફરિયાદ કરી કે કંપનીએ સર્વે નંબર 48ની નજીકની એમએનપીની 40 હેક્ટર જમીનમાં ખોદકામ, જાળી, બાંધકામ વગેરે કરી તેમ જ રાખ અને કૉન્સન્ટ્રેટેડ કેમિકલ્સ (સાન્દ્ર રસાયણો) વગેરેનો નિકાલ કરીને રાષ્ટ્રીય ઉદ્યાનની જમીન પર દબાણ કર્યું છે.
એસીએફે કંપની પાસે તે જમીનમાં તે પ્રકારની પ્રવૃત્તિ કરવા માટેની મંજૂરી કે અધિકારના પુરાવા હોય તો રજૂ કરવા હુકમ કર્યો.
જવાબમાં ટાટાએ જણાવ્યું કે તેણે બ્રાઇન (ખારું પાણી)ની પાઇપલાઇનો અને કારખાનાના દૂષિત પાણીને કચ્છના અખાતમાં છોડવા માટેનો પ્લાન્ટ સ્થાપવા 24 ઑક્ટોબર, 1962ના રોજ સર્વે નંબર 48ની જમીન ખરીદી છે.
જોકે કંપનીએ સ્વીકાર્યું કે કેટલોક કચરો બાજુની જમીન પર સરકી ગયો છે પરંતુ દાવો કર્યો કે તેણે ઇરાદાપૂર્વક તેવું નથી કર્યું.
વન વિભાગની આ કાર્યવાહી બાદ કંપનીએ ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી માંગણી કરી કે સરકારે 1982માં બહાર પાડેલા એમએનપીના જાહેરનામાને રદ કરવામાં આવે અને એસીએફની નોટિસને પણ રદબાતલ કરવામાં આવે.
જવાબથી સંતુષ્ટ ન થતા એસીએફે 15 સપ્ટેમ્બર, 1987ના રોજ ટાટા કેમિકલ્સને એક અન્ય નોટિસ ફટકારી સર્વે નંબર 48ની નજીકની જમીનમાં ઔદ્યોગિક કચરો ઠાલવવાનું બંધ કરવા આદેશ કર્યો.
ગુજરાત હાઇકોર્ટે 13 ઑક્ટોબર, 1987ના રોજ એક વચગાળાનો હુકમ કરી સરકારને સૂચના આપી કે ટાટા સામે બળજબરીપૂર્વકનાં પગલાં લેવામાં ન આવે અને યથાસ્થિતિ જાળવી રાખવામાં આવે.
ટાટાની અરજી હાઇકોર્ટમાં પૅન્ડિંગ હતી તે દરમિયાન જ ગુજરાત સરકારે 26 નવેમ્બર, 1987ના રોજ એક જાહેરનામું બહાર પાડી જાહેર કર્યું કે સર્વે નંબર 48 નજીકની જમીન પણ એમએનપીનો ભાગ છે. ટાટાએ તે જાહેરનામાને પણ હાઇકોર્ટ સમક્ષ પડકાર્યું.
100 હેક્ટરમાં પથરાયેલા કચરાનો ટાટા કેવી રીતે બચાવ કરતી રહી?

સોડાએશ બનાવ માટે બૉક્સાઇટ એટલે કે ચૂનાનો પથ્થર, દરિયાનું ખારું પાણી અને એમોનિયા ગૅસ મુખ્ય કાચા માલ તરીકે વપરાય છે.
તેમાંથી પ્રવાહી અને ઘન કચરો નીકળે છે. આ ઉપરાંત મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ ફૅક્ટરીના પટાંગણમાં કોલસા-આધારિત એક પાવરપ્લાન્ટ પણ આવેલો છે અને કોલસો સળગવવાથી નીકળતી રાખ પણ એક કચરો છે.
એસીએફે તેની નોટિસમાં ટાટાને જણાવ્યું કે તેનો કચરો સર્વે નંબર 48 ની આજુબાજુની 40 હેક્ટર જમીનમાં પથરાયેલો છે.
કાનૂની કાર્યવાહીના સંદર્ભે 17 ઑગસ્ટ 2001ના રોજ વનવિભાગના અને ટાટાના અધિકારીઓની એક સંયુક્ત ટીમે વિવાદિત જગ્યાની સ્થળ મુલાકાત કરી પંચ-રોજકામ કર્યું. તે રોજકામમાં લખવામાં આવ્યું કે જ્યારે ટાટાએ 1987માં હાઇકોર્ટમાં અરજી દાખલ કરતી વખતે જે 40 હેક્ટરમાં કચરો પડ્યો હતો તે ઉપરાંત 60 હેક્ટરમાં પણ સફેદ કલરનો કાંપ દેખાય છે પરંતુ ટાટા દાવો કરે છે કે તે તેણે નથી નાખ્યો.
ત્યાર બાદ જામનગરના જિલ્લા કલેક્ટર સમક્ષ અરજીઓ કરી ટાટાએ દાવો કર્યો કે એમએનપી જાહેર કરવામાં આવ્યું તે પહેલાં વર્ષ 1979માં સર્વે નંબર 40ની આજુબાજુ સમુદ્ર તરફની 200 હેક્ટર જમીનમાં આવેલી વિવિધ ચૅનલ્સ એટલે કે કાંસો વાટે ફૅક્ટરીનું પાણી દરિયામાં પહોંચતું હતું તેથી તે જમીન પર તેના તે પ્રકારના હક્ક છે.
કંપનીએ એમ પણ દાવો કર્યો કે 1989માં પણ આ જ સ્થિતિ હતી.
પોતાના દાવાને સમર્થન આપવા માટે ટાટા કેમિકલ્સે ઇન્ડિયન નૅશનલ સેન્ટર ફૉર ઑશન ઇન્ફોર્મેશન સર્વિસીઝના નિષ્ણાતોના બે વાર અહેવાલ તૈયાર કરાવ્યા અને કલેક્ટર સમક્ષ રજૂ કર્યા.
આ ઉપરાંત, ટાટા કેમિકલ્સે એવી દલીલ કરી કે ગુજરાતના તત્કાલીન ગૃહ અને ઉદ્યોગ મંત્રી રસીકલાલ પરીખની સૂચના અનુસાર અને ગુજરાત હાઇકોર્ટ 1987માં આપેલા વચગાળાના હુકમ અનુસાર તે સર્વે નંબર-48ની આજુબાજુની જમીન વાટે કચરાનો નિકાલ કરે છે. રસીકલાલ પરીખ 1962-63માં ગુજરાતના ગૃહ અને ઉદ્યોગ મંત્રી હતા.
કંપનીએ કોર્ટને એમ પણ જણાવ્યું કે વર્ષ 2011માં કેન્દ્ર સરકારે સોડાએશ બનાવતા પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન કચરાના નિકાલના નિયમોમાં ફેરફાર કર્યા તેથી ટાટાએ તેના કચરાના નિકાલ માટે દરિયામાં પોણા ચાર કિલોમીટર અંદર સુધી જતી એક પાઇપલાઇન નાખવા માટેની કાર્યવાહી આરંભી છે.
કંપનીએ કોર્ટને કહ્યું કે મે 2026 સુધીમાં તે પાઇપલાઇન કાર્યરત થઈ જશે.
ટાટાએ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઔદ્યોગિક કચરો નાખવાના હક્કનો દાવો ક્યારે કર્યો?
ઇમેજ સ્રોત, Devram Ghoda
કોઈ વિસ્તારને અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવે તે પહેલાં સરકાર પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરી હિત ધરાવતા લોકોનાં વાંધા-સૂચનો મંગાવે છે.
આવાં વાંધા-સૂચનો મોકલવાનો સમય સામાન્ય રીતે 60 દિવસ હોય છે.
વળી, સરકાર આવી જમીનમાં હક્ક ધરાવતા લોકોના હક્ક-દવાનો નિકાલ કરવા માટે ફૉરેસ્ટ સેટલમેન્ટ ઑફિસરની નિમણૂંક પણ કરતી હોય છે.
કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે હાઇકોર્ટને જણાવ્યું કે નિયમ મુજબ 16 સપ્ટેમ્બર, 1982ના રોજ જામનગરના તત્કાલીન જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડી લોકોને તેમના હક્ક-દાવોની અરજીઓ એમએનપીના નાયબ કલેક્ટરને કરવા અપીલ કરી.
પરંતુ ટાટા કેમિકલ્સ કે તેમના વતી કોઈએ સર્વે નંબર 48 આજુબાજુની જમીનમાં હક્ક-દાવાની માંગણી કરતી કોઈ અરજી કરી નહીં.
પરિણામે 22 મે, 1987ના રોજ સંબંધિત નાયબ કલેક્ટરે સર્વે નંબર 48 નજીકની જમીનને વનવિભાગના નિયંત્રણ હેઠળની કોઈ પણ હક્ક-દાવા વગરની જમીન જાહેર કરી.
છેક વીસ વરસ બાદ 2003 અને 2005માં ટાટા કેમિકલ્સે જામનગરના જિલ્લા કલેટર સમક્ષ અરજીઓ કરી માંગણી કરી કે 200 હેક્ટર વિસ્તારમાં તેના કચરો છોડવાના કથિત અધિકારને માન્યતા આપવામાં આવે.
ટાટા કેમિકલ્સે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીનો નિકાલ કરતા સુપ્રીમ કોર્ટે કલેક્ટરને હુકમ કર્યો કે આ દાવો કરવામાં કોઈ વિલંબ નથી થયો તેમ માની દાવા પર નિર્ણય કરવામાં આવે.
કલેક્ટરે ટાટાના દાવાને કેમ ફગાવી દીધો?
ઇમેજ સ્રોત, Devram Ghoda
2006માં કલેક્ટરે ટાટા કેમિકલ્સના દાવાને અમાન્ય રાખ્યા (જામનગર જિલ્લાનું વિભાજન કરી 2013માં દેવભૂમિ દ્વારકા જિલ્લો બનાવવામાં આવ્યો હતો).
કલેક્ટરે આ વિષયમાં ગુજરાતના અગ્ર મખ્ય વન સંરક્ષક અને ચીફ વાઇલ્ડલાઇફ વૉર્ડને આપેલા અભિપ્રાયને ટાંકતા તેના હુકમમાં લખ્યું, “કંપની દ્વારા રાસાયણિક કચરો એકત્ર કરવા માટે આરંભડા ગામના સર્વે નં.48ની જમીન મેળવવામાં આવી હતી.”
“સમયાંતરે રાસાયણિક કચરા દ્વારા સર્વે નં. 48 નો વિસ્તાર ભરાઈ જતાં કંપની દ્વારા સર્વે નં. 48 ને લાગુ આવેલા મરીન સૅન્ક્ચ્યૂરી વિસ્તારમાં કચરો ઠાલવવાનું શરૂ કર્યું હતું… જે ધ્યાન ઉપર આવતાં મદદનીશ વન સંરક્ષક, જામનગર દ્વારા સને 1987માં વન્ય પ્રાણી (સંરક્ષણ) અધિનિયમ-1972 હેઠળ ગુનો બુક કરવામાં આવ્યો હતો.”
“તે સમયે આ પેશકદમીનો વિસ્તાર 40 હેક્ટર જેટલો હતો. ત્યાર બાદ તા.18 ઑગસ્ટ, 2001 ના દિવસે કરવામાં આવેલા પંચનામામાં કંપનીના અધિકારીઓ પણ હાજર હતા અને સહેમત હતા તે પ્રમાણે કંપની દ્વારા આરંભડાના સર્વે નં. 48 ને લાગુ આવેલો મરીન સૅન્ક્ચ્યૂરીનો 40 હેક્ટર જેટલો અગાઉની પેશકદમીવાળો વિસ્તાર વધી 100 હેક્ટર થયો હતો અને હજુ પણ મરીન સૅન્ક્ચ્યૂરી વિસ્તારમાં ના. વડી અદાલતમાં ચાલતા કેસ નં. એસ.સી.એ. નં. 5465/87 માં અપાયેલા મનાઈ હુકમનો દુરુપયોગ કરી રાસાયણિક કચરો ઠાલવવાનું ચાલુ છે, આમ કંપનીએ સર્વે નં. 48 સિવાય મરીન સૅન્ક્ચ્યૂરી વિસ્તારમાં મોટા પાયે ઠાલવેલા રાસાયણિક કચરો જે સૅન્ક્ચ્યૂરી વિસ્તારમાં ઍન્ક્રોચમેન્ટ (પેશકદમી) છે.”
કલેક્ટરે એમ પણ નોંધ્યું કે આ કેસમાં ટાટાએ રજુ કરેલા ઇન્ડિયન નૅશનલ સેન્ટર ફૉર ઑશન ઇન્ફોર્મેશન સર્વિસીસના રિપોર્ટ પર સંપૂર્ણ આધાર રાખી શકાય નહીં.
કલેક્ટરના આ હુકમને પડકારતી અરજી ટાટા કેમિકલ્સે 30 નવેમ્બર, 2006 ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી.
ત્યાર બાદ 2009માં ટાટા કેમિકલ્સે 1987માં દાખલ કરેલી અરજી પાછી ખેંચી લીધી અને કોર્ટને જણાવ્યું કે 2006 અને ત્યાર પછી કરવામાં આવેલી અરજીઓને કારણે 1987ની અરજીનો કોઈ હેતુ રહેતો નથી.
હાઇકોર્ટનો ચુકાદો પણ ટાટાની વિરુદ્ધ કેમ ગયો?
ઇમેજ સ્રોત, Information Department, Gujarat
25 મે, 2026ના રોજ આપેલ ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે ટાટા કેમિકલ્સે જામનગર કલેકટરના હુકમોને પડકારતી અરજીઓ ફગાવી દીધી.
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સનિતા અગરવાલ અને ન્યાયમૂર્તિ ડી.એન. રેની ખંડપીઠે તેના ચુકાદામાં નોંધ્યું, “રેકૉર્ડ પર મૂકવામાં આવેલા પુરાવા સાબિત કરે છે કે અરજદારે 1982 અને 1987 તેમ જ આ કોર્ટના વચગાળાનો હુકમ મેળવ્યા બાદ 100 હેક્ટર જેટલા મોટા વિસ્તારમાં પેશકદમી કરી છે. સામુદ્રિક અભયારણ્ય પર હક્ક હોવાના માત્ર પાયાવિહોણા વિધાનો સિવાય અરજદાર એવું કશું નક્કર અમારી સમક્ષ રજુ નથી કરી શક્યા જે પુરવાર કરે કે અરજદાર 1982માં સામુદ્રિક અભયારણ્ય જાહેર કરાયા બાદ તે અભયારણ્યમાં ઔદ્યોગિક પ્રવાહી કચરા કે ગંદા પાણીનો નિકાલ કરવાનો કોઈ કાનૂની હક્ક ધરાવતા હતા.”
કોર્ટે એ વાત પર પણ ભાર મુક્યો કે 1987ની અરજીમાં ટાટા કેમિકલ્સે 40 હેક્ટર જમીન પર પોતાના હક્કનો દાવો કર્યો હતો પરંતુ 2006ની અરજીમાં તેને વધારીને 200 હેક્ટર કરી દીધો. કોર્ટે અવલોકન કરતા ચુકાદામાં લખ્યુ, “જો 1982 પહેલા અને તે પછી પણ અરજદાર 200 હેક્ટર જેટલા મોટા વિસ્તાર પર હક્ક ધરાવતા હતા તો 1987ની અરજીમાં માત્ર 40 હેક્ટર જમીન પર જ હક્ક હોવાનો દાવો શા માટે કર્યો હશે તે તર્કબદ્ધ રીતે સમજી શકાય તેમ નથી.”
કોર્ટે એમ પણ કહ્યું કે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે 1 જૂન, 2011 ના રોજ સોડાએશનું નિર્માણ કરતી ફૅક્ટરીઓ દ્વારા ઉત્પન્ન થતા ઔદ્યોગિક કચરાના નિકાલ માટેના નિયમો બદલ્યા હતા. પરંતુ તેનો અમલ કરવામાં માટે પાઇપલાઇન નાખવા માટે ટાટાએ 15 વરસનો સમય લીધો. સરકારે એવી પણ દલીલ કરી કે મંત્રીના પત્રને સરકારના સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ મંજૂરી પત્ર ગણાવી ન શકાય. સરકારે એવી પણ દલીલ કરી કે 1987ની અરજીમાં ટાટાએ માત્ર 40 હેક્ટર વાટે કચરો છોડવાની વચગાળાનો હુકમ હાઇકોર્ટમાંથી મેળવ્યો હતો પરંતુ ત્યાર પછી કંપનીએ વધારે 60 હેક્ટર જમીન કયરાના નિકાલ માટે ઉપયોગમાં લીધી. હાઇકોર્ટે આ દલીલો માન્ય રાખી.
હાઇકોર્ટના ચુકાદા બાબતે પ્રતિક્રિયા આપતા ટાટા કેમિકલ્સે તેના વર્ષ 2025-26ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું, “કંપની લાંબા સમયથી ચાલ્યા આવતા તેનાં અધિકારો અને હિતોનું રક્ષણ કરવા માટે હવે શું પગલાં લઇ શકાય તે નક્કી કરવા માટે કંપની હુકમની સમીક્ષા કરી રહી છે.”
ટાટાને હાઇકોર્ટે શું દંડ કર્યો છે?
ઇમેજ સ્રોત, Tata Chemicals Annual Report, 2025-26
સરકારે કોર્ટને કહ્યું કે ટાટાએ ફેલાવેલ પ્રદુષણને કારણે એમએનપીનો તે વિસ્તાર “કાળા રણ”માં ફેરવાઈ ગયો છે.
કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું છે કે ટાટાએ પ્રદૂષણ કરવા બદલ દંડ ભરવો પડશે અને એમએનપીના નાજુક પરિસરતંત્રને પુનઃ ધબકતું કરવા માટેનો ખર્ચ પણ ભોગવવો પડશે.
કોર્ટે જીપીસીબીને આદેશ કર્યો કે તે નિષ્ણાતોની મદદથી ત્રણ મહિનાની અંદર નક્કી કરે કે પ્રદૂષણથી કેટલું નુકસાન થયું છે અને ટાટાએ કેટલું વળતર આપવું પડશે? સાથે જ કોર્ટે પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિને તાત્કાલિ અસરથી રોકવાનો પણ આદેશ કર્યો છે.
આ હુકમ બાદ 17 જૂને થયેલ સુનાવણીમાં જીપીસીબીએ કોર્ટને જણાવ્યું કે ટાટા કેમિકલ્સે 30 મેના દિવસથી પાઇપલાઇન દ્વારા કચરાનો દરિયામાં નિકાલ કરવાનું ચાલુ કરી દીધું છે.
દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે પણ સોગંદનામું રજુ કરી કોર્ટને જણાવ્યું કે 30 મેના રોજ એક સંયુક્ત તાપસ ટીમે સ્થળ મુલાકાત કરી એ વાતની ખાતરી કરી કે જે કૅનાલ દ્વારા ટાટા કેમિકલ્સ પ્રવાહી કચરાનો નિકાલ કરતું હતું તે કાયમ માટે બંધ કરી દેવામાં આવી છે અને પાઇપલાઇન દ્વારા કચરાનો નિકાલ કરાઈ રહ્યો છે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




