Home તાજા સમાચાર gujrati ‘દરેક પુખ્ત અમેરિકનોને $5000 મળશે’, ચૂંટણી પહેલાં ટ્રમ્પે આપેલા આ વચન વિશે...

‘દરેક પુખ્ત અમેરિકનોને $5000 મળશે’, ચૂંટણી પહેલાં ટ્રમ્પે આપેલા આ વચન વિશે અમેરિકનો શું કહી રહ્યા છે? આ ઑફર કેટલી કાયદેસર છે?

6
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા રાષ્ટ્રપતિ પ્રેસિડન્ટ 5000 ડૉલર ચૂંટણી

ઇમેજ સ્રોત, EPA

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં પુખ્ત વયની દરેક વ્યક્તિને 5,000 ડૉલર (લગભગ 4.78 લાખ રૂપિયા) આપવાની ઑફર કરી છે.

ટ્રમ્પે તેને માટે શરત મૂકી છે કે, નવેમ્બરમાં યોજાનારી મિડ-ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી જીતી જવી જોઈએ. પરંતુ ટ્રમ્પની આ યોજના માટે ફંડ ક્યાંથી આવશે અને તે કાયદેસર છે કે નહીં તે એક મોટો સવાલ છે.

બુધવારે રાતે પાર્ટીની એક સભામાં ટ્રમ્પે આ જાહેરાત કરી ત્યારે તેમના સમર્થકોએ તાળીઓના ગડગડાટથી તેને વધાવી લીધી હતી, પરંતુ ડેમૉક્રેટ્સ તેને ‘ઠાલા વચન’ ગણાવે છે.

ટ્રમ્પે રિપબ્લિકન કૉન્ફરન્સમાં એમ પણ કહ્યું કે, આ નાણાં અમેરિકામાં ખર્ચ કરવાના રહેશે. જોકે, ખર્ચ પર કેવી રીતે નજર રાખવામાં આવશે તે સ્પષ્ટ નથી.

અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જે. ડી. વેન્સે કહ્યું કે આ રકમ ટેરિફ રેવન્યૂ ચુકવવામાં આવી શકે છે અને ધનાઢ્ય અમેરિકનોને આ નાણાં નહીં મળે.

ટ્રમ્પની આ ઑફર અમેરિકાના કાયદા પ્રમાણે કેટલી કાયદેસર?

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા રાષ્ટ્રપતિ પ્રેસિડન્ટ 5000 ડૉલર ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના ફેડરલ કાયદા મુજબ લોકોના વોટ મેળવવા માટે નાણાંની ચુકવણી ગેરકાયદે છે.

જોકે, કેટલાક લોકો કહે છે કે ટ્રમ્પે બુધવારે ટૅક્સાસમાં જે ઑફર કરી તેને ટૅક્સ કાપ તરીકે જોઈ શકાય, જે કાયદેસર છે.

સાઉથેમ્પટન યુનિવર્સિટી ખાતે કાયદાના લેક્ચરર ડૉ. જૉન મેહોનીએ બીબીસીને જણાવ્યું કે તેમના માનવા પ્રમાણે આ ઑફર કાયદેસર છે. જોકે, તેમના મત પ્રમાણે, રાજકારણીઓ “સામાન્ય રીતે આમ ખુલ્લેઆમ નથી કરતા હોતા.”

“એક તરફ તે લાંચ જેવું લાગે છે. રિપબ્લિકનોને મત આપો અને ડૉલર મેળવો, જે નિશ્ચિત રીતે ગેરકાયદે ગણાશે.”

“પરંતુ બીજી તરફ તે નાણાં બધાને મળવાનાં છે, પછી વોટ આપ્યો હોય કે ન આપ્યો હોય, તેથી તેને લાંચ કહી ન શકાય.”

તેઓ કહે છે, “મને લાગે છે કે આ કાયદેસર છે. તે એક પ્રકારનું ચૂંટણી વચન છે જેમાં કહો છે કે મારો પક્ષ જીતશે તો અમે ટૅક્સ ઘટાડીશું. બધા પક્ષો આવું કરતા હોય છે…આ એકદમ લીગલ છે.”

જોકે, ચૅટમ હાઉસ ખાતે યુએસ ઍન્ડ નૉર્થ અમેરિકા પ્રોગ્રામનાં ડાયરેક્ટર લૉરેલ રૅપે બીબીસીને જણાવ્યું કે સામાન્ય રીતે ચૂંટણી વખતે ઉમેદવારો જે પ્રકારના વચન આપે છે, તેની સામે ટ્રમ્પની ઑફર “એકદમ અલગ, બિલકુલ કાયદેસરના ઍગ્રીમેન્ટ” જેવું લાગે છે.

કુલ કેટલો ખર્ચ આવશે?

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા રાષ્ટ્રપતિ પ્રેસિડન્ટ 5000 ડૉલર ચૂંટણી

ઇમેજ સ્રોત, SimpleImages via Getty

ટ્રમ્પની ઑફરની કાયદેસરતાને એક બાજુ રાખીએ તો પણ સવાલ એ છે કે નાણાકીય રીતે આ શક્ય છે કે નહીં. કારણ કે આંશિક રીતે ઈરાન યુદ્ધના કારણે અમેરિકાનું દેવું વધતું જાય છે.

અમેરિકામાં લગભગ 27 કરોડ લોકો પુખ્ત વયના છે. એટલે કે બધાને 5,000 ડૉલર આપવાનો કુલ ખર્ચ 1.3 લાખ કરોડ ડૉલર આવે.

ટ્રમ્પે આટલા બધા ડૉલર ક્યાંથી આવશે તેની વિગત જાહેર નથી કરી.

અમેરિકામાં કૉંગ્રેસની મંજૂરીથી ખર્ચના નિર્ણય લેવાય છે, પરંતુ આવી કોઈ પણ ચુકવણી માટે સંસદની મંજૂરી લેવાશે કે નહીં તેની સ્પષ્ટતા રાષ્ટ્રપતિએ નથી કરી.

કાયદાકીય નિષ્ણાતો કહે છે કે રાષ્ટ્રપતિના ઍક્ઝિક્યુટિવ ઑર્ડરથી પણ આટલી મોટી રકમને મંજૂરી મળે તેવી શક્યતા ઓછી છે.

વૉશિંગ્ટન ડીસીસ્થિત ટૅક્સ ફાઉન્ડેશનનાં સિનિયર ઇકૉનૉમિસ્ટ ઍરિકા યૉર્કે બીબીસીને કહ્યું કે કૉંગ્રેસ કોઈ દરખાસ્તને મંજૂરી આપે તો તેમને “અત્યંત નવાઈ” લાગશે.

તેઓ કહે છે કે “1.3 ટ્રિલિયન ડૉલર ખર્ચવાની આ બહુ ખરાબ રીત હશે.”

તેમણે કહ્યું કે, “આપણે ટકી ન શકે એવા માર્ગે છીએ, ખાધમાં સતત વધારો થતો જાય છે.”

ટેરિફની આવકમાંથી ફંડ મેળવી શકાય?

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા રાષ્ટ્રપતિ પ્રેસિડન્ટ 5000 ડૉલર ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

ટ્રમ્પના ભાષણ પછી ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વેન્સે ફૉક્સ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે ટેરિફમાંથી એકઠાં થયેલાં નાણાં દ્વારા આ ચુકવણીને ફંડ કરી શકાય છે.

જોકે, અત્યાર સુધીમાં જે આવક થઈ છે તે બધાને 5,000 ડૉલર આપવાથી થનારા ખર્ચ કરતાં ઓછી છે.

બાઇપાર્ટિસન પૉલિસી સેન્ટર મુજબ અમેરિકાએ 2025થી અત્યાર સુધીમાં ટેરિફ અને ઍક્સાઇઝ ટૅક્સ મારફત લગભગ 475 અબજ ડૉલર એકત્ર કર્યા છે.

પરંતુ સુપ્રીમ કોર્ટે આ વર્ષે કેટલાય ટેરિફને રદ કર્યા પછી સરકારે 100 અબજ ડૉલરથી વધારે રિફંડ આપવા પડ્યા છે.

આટલા લોકોને ચુકવણી કેવી રીતે થશે તેવા સવાલના જવાબમાં વ્હાઈટ હાઉસે બીબીસીને જણાવ્યું કે “નિરાશાવાદીઓ અને વિરોધ કરનારાઓએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર સતત શંકા કરી છે.”

પ્રવક્તા ડૅવિસ ઇંગલે જણાવ્યું કે, “અમેરિકન લોકોના સતત સમર્થન સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વાસ્તવિક પરિણામો આપવાનું ચાલુ રાખશે.”

ટ્રમ્પે આવી ઑફર કેમ કરી?

એક ભૂતપૂર્વ રિપબ્લિકન સ્ટ્રેટેજિસ્ટે કહ્યું કે ટ્રમ્પની આ ઑફરને એક ચૂંટણીના સંદર્ભમાં જોવી જોઈએ જે બે મહિનાથી પણ ઓછા સમયમાં થવાની છે.

રૉબર્ટ મૉરને બીબીસીને કહ્યું કે, “આ એક અસાધારણ વાયદો છે અને હું નથી જાણતો કે આ નાણાં ક્યાંથી આવશે. પરંતુ આ ચૂંટણીપ્રચારની સિઝન છે.”

ટૅટમ હાઉસના રૅપે કહ્યું કે “ટ્રમ્પની ટર્મ પૂરી થવામાં હવે બે વર્ષ બાકી છે ત્યારે કૉંગ્રેસ પર પોતાનું નિયંત્રણ ટકાવવા તેઓ ટૂંકા ગાળાનો વિચાર કરે છે.”

તેમણે કહ્યું કે, “હવે તેઓ નાણાંની શરણે ગયા હોય તેવું લાગે છે, કારણ કે રિપબ્લિકનો માટે સ્થિતિ સારી નથી અને ચૂંટણીમાં તેમના માટે ચિત્ર ઉજળું નથી લાગતું.”

અગાઉ ક્યારેય આવું થયું છે?

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા રાષ્ટ્રપતિ પ્રેસિડન્ટ 5000 ડૉલર ચૂંટણી

ઇમેજ સ્રોત, EPA

ટ્રમ્પે અગાઉ ટેરિફ રેવન્યૂ દ્વારા 2000 ડૉલરના ચેક આપવાની દરખાસ્ત કરી હતી, પરંતુ કોઈને નાણાંની ચુકવણી ન થઈ હતી.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન પર આરોપ લગાવાયો હતો કે તેમણે જાન્યુઆરી 2021માં જ્યૉર્જિયાની ચૂંટણીમાં ડેમૉક્રેટ્સ જીતે તો અમેરિકનોને 2,000 ડૉલરના કોવિડ સ્ટીમ્યુલસ ચેક આપવાનું વચન આપ્યું હતું.

2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી અગાઉ પણ આવો જ એક વિવાદ થયો હતો. તે વખતે ટ્રમ્પના અબજોપતિ ટેકેદાર ઇલોન મસ્કે સાત સ્વિંગ રાજ્યોમાં રજિસ્ટર્ડ મતદારોને ચોક્કસ પિટિશન પર સહી કરવા બદલ નાણાં આપવાની ઑફર કરી હતી.

(વધારાનું રિપોર્ટિંગ વ્હાઇટ હાઉસના રિપોર્ટર બર્ન્ડ ડૅબ્યૂસમૅન જુનિયર દ્વારા)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS