Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Ritesh Shukla/Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ
શનિવારે શરૂ થયેલું કૉકરોચ જનતા પાર્ટી (સીજેપી) અને સમર્થકોનું આંદોલન રવિવારે પણ ચાલુ રહ્યું હતું.
શનિવારે ડિટેન કરાયેલાં ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ઍસોસિએશન (આઈસા)નાં રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરા સહિતના પ્રદર્શનકારીઓએ ફરી એક વાર દિલ્હીમાં વિવિધ સ્થળોએ પ્રદર્શન કર્યાં હતાં, જોકે, સુરક્ષા દળના જવાનોએ ફરી એક વાર તેમના સહિત સેંકડો પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.
દરમિયાન સીજેપીના અભિજિત દીપકે, અન્ય નેતાઓનો કોર્ટમાંથી છુટકારો થયો હતો, જ્યારે
નોંધનીય છે કે સોમવારે પણ સીજેપી સહિત ઇન્ડિયા બ્લોક દ્વારા દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે.
કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના નેતા અજિંક્ય શિંદેએ ઍક્સ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે, “જ્યાં સુધી જ્ઞાનેશ કુમારનું રાજીનામું નહીં લઈએ, ત્યાં સુધી અમે ઘરે પાછા નહીં ફરીએ.”
રવિવારે આખા દિવસ દરમિયાન પ્રદર્શનોમાં શું શું થયું? જાણો.
બૅરિકેડિંગ છતાં સંસદ માર્ગ સુધી પહોંચવામાં સફળ રહ્યા પ્રદર્શનકારી
ઇમેજ સ્રોત, Prabhat Kuamr/BBC
અનેક જગ્યાએ બૅરિકેડિંગ છતાં પ્રદર્શનકારીઓ દિલ્હીના જંતર-મંતર નજીક આવેલા કનોટ પ્લૅસ અને સંસદ માર્ગ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.
બપોરે બે વાગ્યે કૉક્રોચ જનતા પાર્ટીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને નરેન્દ્ર મોદી તથા સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા.
તેમજ અભિજિત દીપકે તેમનાં દાદીનાં અવસાનને કારણે મહારાષ્ટ્ર જવા રવાના થયા હતા.
વિપક્ષી દળોએ આવતીકાલે દેશના મુખ્ય ન્યાયાધીશને મળીને જ્ઞાનેશ કુમાર અને ચૂંટણીપંચની કામગીરી અંગે વાત કરવાનું નક્કી કર્યું છે.
“આ લડાઈ હજુ તો શરૂ થઈ છે”

કૉક્રોચ જનતા પાર્ટીએ દિલ્હીમાં ગઈકાલે થયેલાં વિરોધપ્રદર્શન અને અટકાયતો અંગે રવિવારે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.
પક્ષના સહ-સંયોજક આશુતોષ રાંકા અને પ્રવક્તા સૌરવ દાસે આ પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી.
આશુતોષ રાંકાએ કહ્યું હતું કે, “જે ઇમર્જન્સી વિશે આપણે માત્ર સાંભળતા હતા, કહાણીઓ આપણાં માબાપ આપણને કહેતાં હતાં, એ ઇમર્જન્સીને પણ નરેન્દ્ર મોદીએ વટાવી દીધી છે. એ ઇમર્જન્સીમાં પણ ટ્રેન રદ કરવામાં નહોતી આવી.”
તેમણે કહ્યું હતું કે “એક વાત સ્પષ્ટ છે કે જે લડાઈ ચૂંટણીપંચની સામે હતી, એ લડાઈ નરેન્દ્ર મોદી અને અમિત શાહે પોતાની સામે ખેંચી લીધી છે. તેમણે સાબિત કર્યું છે કે, તેઓ ચૂંટણીપંચના મુખ્ય કમિશનર જ્ઞાનેશ કુમારને બચાવવા બધું કરશે.”
આશુતોષ રાંકાએ કહ્યું હતું કે, અમે એ સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ આ લડાઈ હજુ શરૂ થઈ છે.
સૌરવ દાસે કહ્યું હતું કે, “આજે દેશમાં અઘોષિત ઇમર્જન્સી છે. આજે તાનાશાહી સરકાર ફરી દેશને આવી સ્થિતિમાં ધકેલી રહી છે. સરકારે અમારી સાથે વાત કરવી જોઈતી હતી. એવું લાગે છે કે સરકાર તેના જ નાગરિકો સામે જંગ લડી રહી છે.”
તેમણે કહ્યું હતું કે, “57 મેટ્રો સ્ટેશનોને બંધ કરી દેવાં, માર્કેટ બંધ કરી દેવવું, ટ્રેનો રોકી દેવી- એ બધું કરીને તેઓ સામાન્ય નાગરિકોમાં નકારાત્મક છબી ઊભી કરી રહ્યા છે. આ લોકોએ વિજય માલ્યાને ફ્લાઇટમાં બેસીને ભગાવી દીધા અને અમને ફ્લાઇટમાંથી ઉઠાવી લીધા. માફિયા ડૉનની જેમ પોલીસ આવીને અમને ઊઠાવી ગઈ.”
સૌરવ દાસે ભાજપ પર હિન્દુત્વવાદી જૂથોને પ્રદર્શનમાં બોલાવીને મારામારી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે પત્રકારો સાથે થયેલી ગેરવર્તણૂંકની પણ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “સ્વતંત્ર પત્રકારોએ યુવાનોનાં આંદોલનને કવરેજ આપ્યું આથી તેમની સામે પણ સરકાર જંગે ચઢી છે. આ પત્રકારત્વ માટે પણ ઇમર્જન્સીનો સમય છે.”
આ ઉપરાંત, દિલ્હી પોલીસે પણ રવિવારે સાંજે પ્રેસ કૉન્ફરન્સ યોજીને સીજેપીની પ્રેસ કૉન્ફરન્સમાં કરાયેલા આરોપો અંગે પોતાનો જવાબ આપ્યો હતો.
દિલ્હીના નિગમબોધ ઘાટ પર હોડીઓમાં બેસીને પ્રદર્શન
ઇમેજ સ્રોત, Rubaiyat Biswas/BBC
દિલ્હીમાં યમુના નદીમાં નિગમબોધ ઘાટ પર આજે જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે અનોખું વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કાશ્મીરી ગેટ પાસે યમુના નદીમાં હોડીઓમાં સવાર થઈને ક્રાંતિકારી યુવા સંગઠનના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરીને જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ કરી હતી.
એક પ્રદર્શનકારી મુદિતાએ બીબીસીના સંવાદદાતા વિષ્ણુકાંત તિવારી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “આજે અમે અહીં નદીમાં ‘જ્ઞાનેશવિસર્જન’ કરવા આવ્યા છીએ. આજે આખી દિલ્હીને બંધ કરી દેવામાં આવી છે. અમે એ સંદેશ આપવા માગીએ છીએ કે તમે અમને ત્યાં રોકશો તો અમે નદીમાં વિરોધ કરીશું.”
અન્ય એક પ્રદર્શનકારી જ્યોતિએ કહ્યું હતું કે, “સરકારે જંતર-મંતરની ભયંકર ઘેરાબંદી કરી છે. સરકાર ડરેલી છે. આ સરકાર જ્ઞાનેશકુમારની વોટચોરીથી સત્તામાં બેઠી છે. ગઈકાલે પણ અમે લાલ કિલ્લા પાસે ગયા હતા. આજે અમે અલગ જગ્યા પસંદ કરી છે. અમે રોકાઈશું નહીં અને જ્ઞાનેશકુમારે રાજીનામું આપવું પડશે.”
“ઇન્ટરનેટ બંધ ન કરવામાં આવે…”- સુપ્રીમ કોર્ટે આજે કરેલી વિશેષ સુનાવણીમાં શું આદેશો આપ્યા?
ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે કરેલી એક ખાસ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, લોકોને કાયદા અનુસાર શહેરમાં મુક્તપણે ફરવાની છૂટ મળે. કાયદા દ્વારા નિર્ધારિત પ્રક્રિયા સિવાય કોઈની પણ અટકાયત કરવામાં આવશે નહીં.
કોર્ટે જણાવ્યું હતું કે, લોકોને બીએનએસની કલમ 163 લાગુ પડે તે વિસ્તારની બહાર ભેગા થવાનો અધિકાર રહેશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોઈને પણ ન્યાય મેળવવા માટે સુપ્રીમ કોર્ટ અથવા અન્ય કોઈ કોર્ટમાં વ્યક્તિગત રીતે જવાથી અટકાવવામાં આવશે નહીં.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન આ મહત્ત્વની વાતો કહી:
- કાયદા હેઠળ બંધ કરવાની જરૂર ન પડે ત્યાં સુધી મેટ્રો અને રેલ સેવાઓ સામાન્ય રીતે ચાલવી જોઈએ.
- કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક અને કલમ 19(2) ની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને બૅરિકેડ લગાવાયા છે તેની સમીક્ષા કરવી જોઈએ.
- કાયદા હેઠળ ઇન્ટરનેટ સેવા બંધ નહીં કરવામાં આવે.
- કાયદા હેઠળ નિર્ધારિત પ્રક્રિયા સિવાય કોઈની પણ અટકાયત કરવામાં આવશે નહીં.
- બીએનએસની કલમ 163 લાગુ પડે તે વિસ્તારની બહાર લોકોને ભેગા થવાનો અધિકાર રહેશે.
- ન્યાય મેળવવા માટે કોઈને પણ સુપ્રીમ કોર્ટ કે અન્ય કોઈ કોર્ટમાં વ્યક્તિગત રીતે જવાથી અટકાવવામાં આવશે નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




