Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
વાંચવાનો સમય: 1 મિનિટ
રવિવારે બપોરે દિલ્હીના સત્ય નિકેતન માર્કેટ વિસ્તારમાં પાંચ માળની હૉસ્ટેલની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આજે સવારે સાડા છ સુધીમાં છ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે.
દિલ્હીના એડિશનલ ડીસીપી અભિમન્યુ પોસવાલે પત્રકારોને જણાવ્યું હતું કે “અત્યાર સુધીમાં નવ બાળકોને બચાવી લેવામાં આવ્યાં છે અને તેમને હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યાં છે.”
તેમણે કહ્યું, “ઇમારતના માલિક વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. અમારી પાસે બધી માહિતી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. બેદરકારીનો કેસ નોંધવામાં આવશે.”
દિલ્હી પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, “સ્થાનિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ 40-50 વર્ષ જૂની ઇમારત હતી, જેમાં એક ભોંયરું અને પાંચ ઉપરના માળ હતા. તેનો ઉપયોગ હૉસ્ટેલ તરીકે થતો હતો. ઘટના સમયે, ભોંયરામાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું.”
અમેરિકા : મિયામી ઍરપૉર્ટ પર પ્લેન ક્રૅશ, પાંચનાં મોત
ઇમેજ સ્રોત, EPA
રવિવારે અમેરિકાના મિયામી ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર એક કાર્ગો પ્લેન રનવે પરથી લપસી ગયું અને ક્રૅશ થયું હતું.
આ અકસ્માતમાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયાં છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે.
સ્થાનિક સમય મુજબ બપોરે બે વાગ્યે લૅન્ડિંગ પછી એમેઝોન ઍરનું કાર્ગો પ્લેન રનવેથી આગળ નીકળી ગયું હતું અને ક્રૅશ થયું.
વિમાન લગભગ 209 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રનવે પરથી ઊતરી ગયું હતું.
બૉઇંગ 767-300 વિમાન અનેક વાહનો સાથે અથડાયું હતું, ત્યાર બાદ તેમાં આગ લાગી ગઈ.
અકસ્માતની શરૂઆતની માહિતી મળ્યા પછી લગભગ 200 ફાયર ફાઇટર કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘાયલોમાંથી ત્રણને સ્થાનિક ટ્રૉમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે બે અન્ય લોકો હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




