Home તાજા સમાચાર gujrati ‘નો મૅન્સ લૅન્ડ’ : પૃથ્વી પરના એવા ત્રણ પ્રદેશ, જેના પર કોઈની...

‘નો મૅન્સ લૅન્ડ’ : પૃથ્વી પરના એવા ત્રણ પ્રદેશ, જેના પર કોઈની માલિકી નથી અને કોઈ દાવો પણ કરતું નથી

5
0

Source : BBC NEWS

પૃથ્વીની સપાટીનો એવો ઘણો મોટો ભાગ છે જેના પર કોઈની માલિકી નથી

ક્યારેક અત્યંત મહત્ત્વની વ્યવહારુ ઘટનાઓ પણ આપણને આનંદ આપનારા, પણ સાવ નકામા વિચારો તરફ દોરી જાય છે.

બીબીસીના એક નિયમિત શ્રોતા નાઇજલ સાથે પણ આમ જ બન્યું. ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુની પર કબજો મેળવવા માટે ચાલી રહેલા સંઘર્ષ વિશે વિચારતાં તેના મનમાં એક સાવ અલગ જ પ્રશ્ન ઉદ્‍ભવ્યો.

પૃથ્વીની સપાટીનો એવો કેટલા ટકા ભાગ છે, જેના પર દુનિયાની કોઈ પણ વ્યક્તિની માલિકી નથી?

દુનિયાનો કોઈક શાંત ખૂણો, કે જેના પર કોઈનો અધિકાર ન હોય. માત્ર આવો વિચાર કરવાથી પણ કેવું સરસ લાગે છે, નહીં? નિરાશા ઉપજાવનારા સમાચારો અને રોજિંદી દોડધામના તણાવથી દૂર ક્યાંક શાંતિથી આશરો મળે એવી જગ્યા.

પણ પૃથ્વી પર આવો કોઈ ભાગ ખરેખર બચ્યો છે ખરો? આ જાણવા માટે અમે બ્રિટનની જાણીતી યુટ્યુબ જોડી ‘મેપ મૅન’ના સભ્ય અને ભૂગોળના નિષ્ણાત માર્ક કૂપર જૉન્સ સાથે વાત કરી.

તેમણે તરત જ સ્પષ્ટ કર્યું, “દુનિયાના કેટલા ભાગ પર કોઈની માલિકી નથી-આ પ્રશ્ન સાંભળવામાં જેટલો રસપ્રદ લાગે છે, તેનો જવાબ એટલો જ તમે આ બાબતને કયા દૃષ્ટિકોણથી જુઓ છો તેના પર આધાર રાખે છે.”

પૃથ્વીની સપાટીનો મોટો ભાગ જમીનને બદલે સમુદ્રથી ઘેરાયેલો છે. આથી આ પ્રશ્નનો જવાબ શોધવા માટે કદાચ સમુદ્રથી શરૂઆત કરવી એ સૌથી સારો રસ્તો હોઈ શકે.

સમુદ્ર કોઈની માલિકીનો નથી

તમારે પોતાનો નવો ધ્વજ રોપવા માટે જગ્યા જોઈતી હોય, તો પૃથ્વી પર હવે આવી ગણતરીની જ જગ્યાઓ બચી છે.

“કોઈ પણ દેશના દરિયાકિનારાથી તમે 200 નૉટિકલ માઇલ એટલે કે આશરે 370 કિલોમીટર દૂર જાવ, તો તમે જે વિસ્તારમાં પહોંચો છો તેને ‘હાઈ સીઝ’ એટલે કે આંતરરાષ્ટ્રીય સમુદ્રી જળવિસ્તાર કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સમુદ્રી કાયદા અનુસાર, આ વિસ્તાર મૂળભૂત રીતે સમગ્ર માનવજાતના સહિયારા હિત માટે છે. અહીં કોઈને પણ માછીમારી કરવાનો કે વૈજ્ઞાનિક સંશોધન કરવાનો અધિકાર છે.”

સમુદ્ર પર કોઈની વ્યક્તિગત માલિકી ન હોઈ શકે, એવો વિચાર 17મી સદીનો છે. એ સમયે ડચ કાયદાશાસ્ત્રી હ્યુગો ગ્રોશિયસે લૅટિન ભાષામાં ‘મારે લિબરમ’ એટલે કે ‘મુક્ત સમુદ્ર’ નામનો ગ્રંથ લખ્યો હતો.

તેમની દલીલ એવી હતી કે જે વસ્તુઓનો ઉપયોગ કરવાથી તે ખલાસ થઈ જાય છે, માત્ર એવી વસ્તુઓ પર જ માલિકીનો હક જતાવી શકાય. સમુદ્ર એટલો વિશાળ છે કે તેના પર કોઈની વ્યક્તિગત માલિકી હોઈ શકે નહીં.

આ રીતે ‘આંતરરાષ્ટ્રીય જળવિસ્તાર’ (ઇન્ટરનૅશનલ વૉટર્સ)ની સંકલ્પનાનો ઉદય થયો. આ આપણા ગ્રહનો એક વિશાળ વિસ્તાર છે. વર્લ્ડ ઇકૉનૉમિક ફૉરમ (WEF) અનુસાર, પૃથ્વીની કુલ સપાટીના આશરે 43 ટકા ભાગનો આ શ્રેણીમાં સમાવેશ થાય છે.

પરંતુ જમીનની બાબતમાં ખરેખર શી સ્થિતિ છે? પૃથ્વી પર જમીનનો એવો કોઈ ટુકડો બચ્યો છે ખરો, જેના પર કોઈની માલિકી નથી?

આ સમજવા માટે હવે લૅટિન ભાષાનો એક નવો શબ્દ જાણવો પડશે.

‘ટેરા નુલિયસ’ અથવા ‘નો મૅન્સ લૅન્ડ’ એટલે કે ‘કોઈની માલિકી વિનાની જમીન’ માત્ર એક શબ્દ નથી. આ આંતરરાષ્ટ્રીય કાયદાની એવી સંકલ્પના છે, જેનો ઉપયોગ અત્યાર સુધી કોઈએ કબજો મેળવ્યો ન હોય અથવા જેના પર કોઈએ દાવો ન કર્યો હોય એવી જમીન પર માલિકીનો હક જતાવવા માટે થઈ શકે છે, એમ કૂપર જૉન્સ સમજાવે છે.

“ખાસ કરીને સંસ્થાનવાદી વિસ્તરણના સમયગાળામાં આ સંકલ્પનાનો ઉપયોગ અત્યંત વિવાદાસ્પદ રીતે કરવામાં આવ્યો હતો. અનેક સંસ્થાનોમાં સ્થાનિક લોકો પહેલેથી જ વસવાટ કરતા હોવા છતાં, આજના આધુનિક દેશોની જેમ તેમની પોતાની અલગ શાસનવ્યવસ્થા કે ‘રાષ્ટ્ર’ નહોતાં. આવા વિસ્તારો પર ‘ટેરા નુલિયસ’નું લેબલ લગાવીને તેમને કબજે કરવા માટે ખુલ્લા હોવાનું જાહેર કરવામાં આવતું હતું,” એમ કૂપર જૉન્સ જણાવે છે.

આજે પણ એવા નકશા જોવા મળે છે, જેમાં સમગ્ર આફ્રિકાને ‘ટેરા નુલિયસ’ એટલે કે ‘કોઈની માલિકી વિનાની જમીન’ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. હકીકતમાં, ત્યાં મોટા પ્રમાણમાં લોકો વસવાટ કરતા હતા. “આ વિસ્તાર બ્રિટન, સ્પેન કે ઑસ્ટ્રિયા જેવો દેખાતો નથી, એટલે આપણે તેના પર સરળતાથી કબજો મેળવી શકીએ છીએ,” એવી માન્યતા આ વિચાર પાછળ હતી.

આજના સમયમાં ‘ટેરા નુલિયસ’નો સામાન્ય અર્થ એવો ભૂભાગ થાય છે, જેના પર કોઈ દેશનો અધિકાર નથી અને જે કોઈ પણ માન્ય સરકારના સાર્વભૌમત્વ હેઠળ આવતો નથી.

પરંતુ હવે દુનિયાની લગભગ બધી જ જમીનોના માલિકો નક્કી થઈ ચૂક્યા છે. અપવાદરૂપે માત્ર બે-ત્રણ અત્યંત નાના ભૂભાગો અને એક વિશાળ અપવાદ બાકી રહ્યા છે.

મૅરી બર્ડ લૅન્ડ

આમાંનો સૌથી મોટો પ્રદેશ ઍન્ટાર્ક્ટિકામાં આવેલો છે. 16 લાખ ચોરસ કિલોમીટર કરતાં પણ વધુ વિસ્તાર ધરાવતો આ એવો પ્રદેશ છે, જેના પર દુનિયાના કોઈ પણ દેશનો અધિકાર નથી અને કોઈએ તેના પર માલિકીનો દાવો પણ કર્યો નથી.

આ પ્રદેશનું નામ છે ‘મૅરી બર્ડ લૅન્ડ’. આ નામ કેવી રીતે પડ્યું, તેની પાછળ પણ એક રસપ્રદ ઇતિહાસ છે.

કૂપર જૉન્સ જણાવે છે, “આશરે 100 વર્ષ પહેલાં ઍન્ટાર્ક્ટિકાના અભિયાનનું આયોજન કરનારા અમેરિકન નૌકાદળના કૅપ્ટન રિચર્ડ બર્ડે આ પ્રદેશને આ નામ આપ્યું હતું. રિચર્ડ જ્યારે બરફના એ વિશાળ નિર્જન પ્રદેશમાં અભિયાન પર હતા, ત્યારે તેમની પત્ની મૅરી તેમને ત્યાં પત્રો મોકલતી હતી.

“રિચર્ડે પોતાના અભિયાનના સૌથી મુશ્કેલ ભાગને પોતાની પત્નીનું જ નામ આપી દીધું. એટલે આ વિશાળ પ્રદેશ પર કાયદેસરનો અધિકાર જતાવવાનું નક્કી કરવામાં આવે, તો એ અધિકાર માત્ર મૅરી બર્ડનો જ હોઈ શકે. પરંતુ તેમનું પણ લગભગ 60 વર્ષ પહેલાં જ અવસાન થઈ ગયું છે.”

1959માં ઐતિહાસિક ‘ઍન્ટાર્ક્ટિક સંધિ’ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સંધિ અનુસાર, આ બર્ફીલા ખંડ પર જુદા જુદા દેશોએ કરેલા જમીનના દાવાઓને બાજુ પર રાખવામાં આવ્યા અને સમગ્ર ઍન્ટાર્ક્ટિકાને માત્ર શાંતિ અને વૈજ્ઞાનિક સંશોધન માટે જ અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ખાસ વાત એ છે કે ઍન્ટાર્ક્ટિકા પર ઔપચારિક રીતે અધિકારનો દાવો કરનારા સાત દેશો-આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, ચિલી, ફ્રાન્સ, ન્યૂઝીલૅન્ડ, નૉર્વે અને બ્રિટન-તેમજ ભવિષ્યમાં અધિકારનો દાવો કરવાની તૈયારી રાખનારા અમેરિકા અને રશિયા, આમાંથી કોઈની નજર ક્યારેય ‘મૅરી બર્ડ લૅન્ડ’ પર પડી જ નહીં. આજ સુધી કોઈએ આ પ્રદેશ પર પોતાનો દાવો કર્યો નથી.

આ પ્રદેશ પર હજી પણ કોઈની માલિકી કેમ નથી?

ફ્રી રિપબ્લિક ઑફ લિબરલૅન્ડ

કૂપર જૉન્સ સ્પષ્ટતા કરે છે, “મૂળ વાત એ છે કે ઍન્ટાર્ક્ટિકાના હિસાબે પણ આ પ્રદેશ અત્યંત દુર્ગમ છે. માત્ર આટલા મોટા અંતરને કારણે જ તેના પર કોઈની માલિકી નથી.”

“તેનો દરિયાકિનારો દક્ષિણ અમેરિકાનો છેડો હોય કે ઑસ્ટ્રેલિયા, કોઈ પણ દેશ કે ખંડની નજીક આવતો નથી. ત્યાં પહોંચવું અત્યંત મુશ્કેલ છે. આ પ્રદેશના નકશા તૈયાર કરવા માટેનાં વિમાનોને બાદ કરતાં સામાન્ય રીતે કોઈ ત્યાંથી ઊડાન પણ ભરતું નથી.”

તેઓ આગળ જણાવે છે, “અત્યારે તો આ પ્રદેશ શાંત જ છે. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે આવતી કાલે ત્યાં કોઈ અત્યંત મૂલ્યવાન વસ્તુ મળી આવે અથવા ઍન્ટાર્ક્ટિકાનો બરફ ઓગળવા લાગે, તો આ પ્રદેશ પર કબજો મેળવવા માટે જુદા જુદા દેશો વચ્ચે ચોક્કસ ખેંચતાણ થશે!”

ઍન્ટાર્ક્ટિકાને બાદ કરતાં પૃથ્વી પર એવો એકેય ખૂણો નથી, જે કોઈ દેશની માલિકીનો ન હોય. પરંતુ ભૂરાજકારણના બે અત્યંત રસપ્રદ અપવાદો છે. આજે આ બે સ્થળો ‘નો મૅન્સ લૅન્ડ’ બની રહ્યાં છે, તેનું એક માત્ર કારણ એ છે કે તેમની સાથે સંકળાયેલા દેશો મોટા ફાયદા માટે આ જમીનો પરનો પોતાનો અધિકાર જતો કરવાનું વધુ પસંદ કરે છે.

બીર તવિલ

બીર તવિલનો પ્રદેશ ઇજિપ્ત અને સુદાનની સરહદ પર આવેલો છે. આશરે 100 વર્ષ પહેલાં બ્રિટિશોએ આ બંને દેશો વચ્ચે બે અલગ અલગ સરહદરેખાઓ દોરી હતી. બ્રિટિશોના આ નિર્ણયને કારણે જ આ પ્રદેશ એક વિચિત્ર ગૂંચવણમાં ફસાઈ ગયો છે.

આમાંથી પહેલી સરહદ 1899માં નક્કી કરવામાં આવી હતી. નકશા પર જાણે સીધી પટ્ટી દોરી હોય એવી આ એક સીધી રેખા હતી. (“સીધી રેખા દોરવામાં અમે બહુ પાવરધા હતા,” કૂપર જૉન્સ હસતાં હસતાં કહે છે.) ત્યાર પછી 1902માં બ્રિટિશોએ એક અલગ વહીવટી સરહદ નિર્ધારીત કરવાનું નક્કી કર્યું.

કૂપર જૉન્સ જણાવે છે, “આ વખતે તેમણે થોડી વધુ કલ્પનાશક્તિ વાપરી અને અંગ્રેજી અક્ષર ‘S’ના આકાર જેવી એક વળાંકવાળી રેખા દોરી. આ રેખા પહેલી રેખાથી પહેલાં નીચે ઊતરે છે અને પછી ફરી ઉપર ચઢે છે.”

તેનું પરિણામ એવું આવ્યું કે બંને દેશો પોતાની અનુકૂળતા પ્રમાણે અલગ અલગ સરહદરેખા પર અડગ રહ્યા. આ બે સરહદોની વચ્ચે ‘હલાઇબ ત્રિકોણ’ નામનો અત્યંત મહત્ત્વનો અને ફળદ્રુપ પ્રદેશ ફસાઈ ગયો. પહેલી સરહદરેખા અનુસાર તે ઇજિપ્તના કબજામાં જાય છે, જ્યારે બીજી સરહદરેખા અનુસાર તે સુદાનનો પ્રદેશ બને છે.

પરંતુ આ બીજી સરહદરેખાને કારણે વધુ એક નાનો અને સરખામણીએ ઘણો ઓછો મૂલ્યવાન પ્રદેશ પણ અલગ પડી ગયો. તેનું નામ છે ‘બીર તવિલ’. અને અહીં જ ખરી ગૂંચવણ છે. ‘S’ આકારના વળાંકને કારણે આ બંનેમાંથી કોઈ પણ દેશ જો બીર તવિલ પર પોતાનો દાવો કરે, તો તેણે આપોઆપ વ્યૂહાત્મક રીતે મહત્ત્વના હલાઇબ ત્રિકોણ પરનો પોતાનો અધિકાર ગુમાવવો પડે.

બંને દેશોને હલાઇબનો ફળદ્રુપ પ્રદેશ જોઈએ છે, પરંતુ બીર તવિલ કોઈને જોઈતું નથી. એટલે જ બીર તવિલનો પ્રદેશ આપોઆપ ‘નો મૅન્સ લૅન્ડ’ બનીને રહ્યો છે.

પરંતુ ધારો કે કોઈ વ્યક્તિ ત્યાં જઈને એવો દાવો કરે કે ‘આ પ્રદેશ મારો છે’, તો?

2014માં જેરેમાયા હીટન નામની એક વ્યક્તિએ આવું જ કરવાનું નક્કી કર્યું.

કૂપર જૉન્સ જણાવે છે, “એ એક અમેરિકન વ્યક્તિ હતી. તે સીધો એ રણપ્રદેશમાં પહોંચી ગયો. ત્યાં પોતાનો ધ્વજ રોપ્યો અને ટીવી ન્યૂઝ ચૅનલ પર જઈને કહેવા લાગ્યો કે, ‘હવે હું એક નવા દેશનો રાજા છું!’ તેણે આ બધું એટલા માટે કર્યું હતું, જેથી તેની દીકરી ખરેખર રાજકુમારી બની શકે. મને લાગે છે કે તેની દીકરીને આ વાતની ભારે શરમ આવી હશે.”

કૂપર જૉન્સ આગળ કહે છે, “જેરેમિયાના આ નવા દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કોઈ માન્યતા મળી હોય એવું મને લાગતું નથી. પરંતુ બીજા કેટલાક લોકો પણ છે, જે આ બાબતમાં તેમનાથી એક ડગલું આગળ વધી ગયા છે.”

ગોર્ન્યા સિગા

‘ટેરા નુલિયસ’ (કોઈની માલિકીનો ન હોય એવો ભૂભાગ)નું બીજું ઉદાહરણ ક્રૉએશિયા અને સર્બિયાની સરહદ પર જોવા મળે છે. બીજા વિશ્વયુદ્ધના અંતે, 1945માં, જ્યારે ‘યુગોસ્લાવિયા’ નામનું સમાજવાદી રાષ્ટ્ર નવેસરથી આકાર લઈ રહ્યું હતું, ત્યારે આ બંને દેશો વચ્ચે સત્તાવાર વહીવટી સરહદરેખા નક્કી કરવામાં આવી હતી.

ડૅન્યુબ નદીના રૂપમાં આ એક કુદરતી સરહદ તો હતી, પરંતુ તે 19મી સદીના ઑસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્યના જૂના જમીનના નકશાઓના આધારે નક્કી કરવામાં આવી હતી. આ નકશાઓને ત્યાર પછી ક્યારેય સુધારવામાં આવ્યા નહોતા. તેમાં નદીનો જૂનો વળાંકવાળો માર્ગ જ દર્શાવવામાં આવ્યો હતો.

પરંતુ ગ્રીક વિચારક હેરાક્લાઇટસે કહ્યું હતું તેમ, નદીઓ પોતાનો પ્રવાહ બદલે છે. આ નદીના કિસ્સામાં તો તેનામાં વધુ મોટો ફેરફાર થયો. કારણ કે 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં જહાજોની અવરજવર સરળ બનાવવા માટે માણસોએ મોટા પાયે ઇજનેરી કામો કરીને નદીના પ્રવાહને સીધો કરી નાખ્યો.

કૂપર જૉન્સ જણાવે છે, “જો આવું કરવામાં આવે, તો ક્રૉએશિયાની ઘણી જમીન સર્બિયાના ભાગમાં જતી રહે. તેથી ક્રૉએશિયાનું કહેવું છે કે નદીનો જૂનો વાંકોચૂકો પ્રવાહ જ અમારી સરહદ છે. ભલે હવે ત્યાંથી પાણી વહેતું ન હોય. પરંતુ સર્બિયા કહે છે કે આજે નદી જ્યાંથી વહે છે, એ જ સાચી સરહદ છે.”

નદીનો પ્રવાહમાર્ગ સીધો કરવાને કારણે ‘ગોર્ન્યા સિગા’ નામનો જમીનનો એક નાનો ટુકડો ક્રૉએશિયાના ભાગમાં આવ્યો ખરો. પરંતુ બીર તવિલના રણ જેવી જ મુશ્કેલી અહીં પણ છે. જો ક્રૉએશિયા આ નાના ટુકડાને પોતાનો માને, તો તેણે ડૅન્યુબના આજના નવા પ્રવાહને સરહદ તરીકે સ્વીકારવો પડે. પરિણામે સર્બિયાની બાજુમાં જતા રહેલા અનેક મોટા ભૂભાગો પરનો પોતાનો અધિકાર ક્રૉએશિયાએ જતો કરવો પડે.

આનું પરિણામ એ આવ્યું કે બંને દેશો કહે છે કે જમીનનો આ નાનો ટુકડો અન્ય દેશનો છે. આમ, આ પણ ‘ટેરા નુલિયસ’ એટલે કે કોઈની માલિકીનો ન હોય એવો ભૂભાગ બની ગયો.

શું આ જગ્યા પર કોઈએ અધિકાર જમાવવાનો પ્રયાસ કર્યો છે?

આનો જવાબ છે, હા.

ચેક ગણરાજ્યના રાજકારણી વિટ યેડલિચ્કા (Vít Jedlička)એ 2015માં અહીં ‘લિબરલૅન્ડ’ નામનો નવો દેશ સ્થાપ્યો હોવાની જાહેરાત કરી હતી. સ્વતંત્રતા અને ઉદારમતવાદી વિચારો પર આધારિત આ નાનકડા દેશને દુનિયાના કોઈ પણ માન્યતાપ્રાપ્ત દેશે માન્યતા આપી નથી.

કૂપર જૉન્સ જણાવે છે, “તેમણે પોતાને 700 હેક્ટરની આ જમીનના રાષ્ટ્રપતિ જ જાહેર કરી દીધા. આ ‘દેશ’નું નાગરિકત્વ આપવા માટે તેઓ 10,000 ડૉલર (આશરે 8.3 લાખ રૂપિયા) ફી વસૂલે છે અને અત્યાર સુધીમાં 1,000થી વધુ લોકોએ તેમનું નાગરિકત્વ પણ મેળવ્યું છે. એટલે તેમની આ તરકીબ સારી એવી સફળ થઈ રહી છે.”

“મજાની વાત તો એ છે કે જ્યારે પણ તેઓ પોતાના આ ‘દેશ’માં પગ મૂકવા જાય છે, ત્યારે ક્રૉએશિયાની પોલીસ તેમને પકડીને જેલમાં પૂરી દે છે. તેમણે એક-બે રાત જેલમાં પણ વિતાવવી પડી છે. પરંતુ ગમે તે કહો, આ વિચિત્ર ધંધામાંથી તેઓ સારી એવી કમાણી કરી રહ્યા છે, તેમાં કોઈ શંકા નથી.”

આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર, ખાસ કરીને મૉન્ટેવિડિયો સંધિ અનુસાર, કોઈ ભૂભાગને ‘સત્તાવાર દેશ’ તરીકે માન્યતા મેળવવા માટે ત્યાં કાયમી વસ્તી હોવી જરૂરી છે. આ માપદંડ પોતે પૂરો કરે છે એવું સાબિત કરવા માટે લિબરલૅન્ડ હજી પણ પ્રયાસ કરી રહ્યું છે.

ઑગસ્ટ 2023થી આ વિસ્તારમાં લોકો રહેવા લાગ્યા છે અને ત્યાં વસાહત ઊભી થઈ રહી છે, એવો મોટો દાવો લિબરલૅન્ડની સરકાર સત્તાવાર રીતે કરે છે. જોકે, આંતરરાષ્ટ્રીય પત્રકારોના કૅમેરામાં કેદ થયેલી જમીની વાસ્તવિકતા સાવ અલગ જ ચિત્ર રજૂ કરે છે.

ગોર્ન્યા સિગાની સરહદ યુરોપિયન યુનિયનની બાહ્ય સરહદ સાથે જોડાયેલી છે. આથી ક્રૉએશિયાની સરહદ પરનાં પેટ્રોલિંગ દળો જમીન અને જળમાર્ગે થતી અવરજવર પર અત્યંત કડક નજર રાખે છે. લિબરલૅન્ડના સમર્થકો ત્યાં કોઈ પાકું બાંધકામ કરવાનો પ્રયાસ કરે કે તરત જ ક્રૉએશિયાની પોલીસ બુલડોઝર ચલાવીને તેમના કામચલાઉ તંબુઓ અને ઠેકાણાંને તોડી પાડે છે.

આથી અંતે કહેવું પડે કે લિબરલૅન્ડ માત્ર ઇન્ટરનેટ પર અને તેના નાગરિકોની કલ્પનામાં ચાલતું એક સમૃદ્ધ ડિજિટલ રાજ્ય બનીને રહી ગયું છે. પરંતુ વાસ્તવિક જમીન પર તો તે આજે પણ ‘ટેરા નુલિયસ’ એટલે કે કોઈની માલિકીનો ન હોય એવો ભૂભાગ જ છે.

ટૂંકમાં કહીએ તો, પૃથ્વીની કુલ સપાટીના લગભગ 43 ટકા ભાગ પર કોઈનો અધિકાર નથી. પરંતુ આમાંથી મોટા ભાગનો વિસ્તાર સમુદ્રના પાણીની નીચે છે. ઍન્ટાર્ક્ટિકાના એ વિશાળ ભૂખંડને પણ ગણતરીમાં લઈએ, તો પણ માલિકી વિનાની જમીન પૃથ્વીની કુલ સપાટીના એક ટકાના ત્રીજા ભાગ કરતાં પણ ઓછી-એટલે કે 0.33 ટકાથી ઓછી-છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS