Source : BBC NEWS
Getty Images
વાંચવાનો સમય: 8 મિનિટ
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો હાલ ભારતની મુલાકાતે છે. બુધવારે તેઓ ગુજરાતના જામનગરમાં મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સની રિફાઇનરીએ આવી પહોંચ્યા હતા.
ભારતના પશ્ચિમ કિનારે આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની આ રિફાઇનરી દુનિયાની સૌથી મોટી તેલ રિફાઈનરી છે. તે રશિયા અને વેનેઝુએલા સહિત અનેક દેશોમાંથી કાચું તેલ (ક્રૂડ ઑઇલ) ખરીદે છે. ત્યાર પછી તેનું શુદ્ધીકરણ કરીને તૈયાર ઈંધણ વૈશ્વિક બજારોમાં મોકલે છે. આ વ્યવસ્થાને કારણે મધ્ય-પૂર્વમાં ઊભી થતી કટોકટીની અસરથી બચીને ઈંધણનો પુરવઠો ચાલુ રાખવામાં મદદ મળે છે.
ટ્રમ્પ વહીવટીતંત્ર વૈશ્વિક સ્તરે ડીઝલના વધતા ભાવ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. રુબિયોની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા અવરોધને કારણે ઈંધણના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આવતા મહિને યોજાનારી અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી પહેલાં આ એક મોટો મુદ્દો બની ગયો છે.
બ્રિટિશ અખબાર ફાઇનાન્શિયલ ટાઇમ્સ સાથેની વાતચીતમાં એસએન્ડપી ખાતે અપસ્ટ્રીમ સ્ટ્રેટેજીના ડિરેક્ટર રાજીવ લાલાએ કહ્યું, “અમેરિકાને ડીઝલની જરૂર છે અને તે પણ તાત્કાલિક. ભારતના પશ્ચિમ કિનારે આવેલી રિફાઇનરીઓ આ જરૂરિયાત પૂરી કરી શકે છે.”
મંગળવારે મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતાં રુબિયોએ ભારતને “રિફાઇનિંગ ક્ષેત્રની મહાસત્તા” ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ભારત બજાર પરનું દબાણ ઘટાડવામાં મદદ કરી શકે છે.
વિદેશમંત્રી તેલ રિફાઇનરીના વડાને મળવા શા માટે જઈ રહ્યા છે, એમ તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “તમારી પાસે એવી કંપની છે, જેની તેલ શુદ્ધ કરવાની ક્ષમતા ઘણી વિશાળ છે. મને લાગે છે કે મારે તેમને મળીને વાત કરવી જોઈએ.”
Getty Images
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે ગયા વર્ષે નવેમ્બરમાં જામનગરની મુલાકાત લીધી હતી, જ્યારે તેમની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ અને તેમના પતિ જૅરેડ કુશ્નરે 2024માં જામનગરમાં અંબાણીના પુત્ર અનંતનાં લગ્ન પહેલાં યોજાયેલા ભવ્ય ત્રણ દિવસીય સમારંભમાં ભાગ લીધો હતો.
ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, “ભારત કાચા તેલનું મોટું આયાતકાર હોવા છતાં, તેની ખાનગી ક્ષેત્રની રિફાઇનરીઓ, ખાસ કરીને રિલાયન્સ, હાલમાં ડીઝલનું ઉત્પાદન અને નિકાસ કરીને મોટો નફો કમાઈ રહી છે. તેનું કારણ વૈશ્વિક ઊર્જા કટોકટીને લીધે ઊભી થયેલી રિફાઈન્ડ ઈંધણની અછત છે.”
ડેટા પૂરો પાડતી કંપની કૅપ્લરના મુખ્ય રિફાઇનિંગ વિશ્લેષક સુમિત રિતોલિયાએ જણાવ્યું હતું કે, ડીઝલનો ‘ક્રૅક સ્પ્રેડ’ હાલમાં પ્રતિ બેરલ આશરે 63 ડૉલર છે. ‘ક્રૅક સ્પ્રેડ’એટલે ઈંધણના જથ્થાબંધ ભાવ અને તેને બનાવવા માટે જરૂરી કાચા તેલના ખર્ચ વચ્ચેનો તફાવત. યુદ્ધ પહેલાંના સ્તર કરતાં આ ત્રણ ગણો વધારે છે.
ડીઝલનું ઉત્પાદન પણ વધવાની અપેક્ષા છે. રિતોલિયાના જણાવ્યા મુજબ, ભારતમાં ઑક્ટોબર મહિનામાં ડીઝલની નિકાસ વધીને પ્રતિ દિન આશરે 7.30 લાખ બેરલ થઈ શકે છે. એક વર્ષ પહેલાં આ આંકડો પ્રતિદિન 6.53 લાખ બેરલ હતો. તેમાં રિલાયન્સનો હિસ્સો પ્રતિદિન આશરે 5.50 લાખ બેરલ રહેવાનો અંદાજ છે.
તેમણે કહ્યું, “એવું નથી કે રુબિયોની મુલાકાત પછી જામનગરમાં ડીઝલનું ઉત્પાદન બમણું કે ચાર ગણું થઈ જશે. જામનગર પહેલેથી જ તેની મહત્તમ ક્ષમતાએ કામ કરી રહ્યું છે. કારણ કે આટલો સારો નફો મળી રહ્યો હોય, ત્યારે ઉત્પાદન કરવાનું કોણ ટાળે?”
ગયા અઠવાડિયે ભારત સરકારે નિકાસકારોને વધુ એક રાહત આપી હતી. સરકારે ડીઝલની નિકાસ પર લાગતો કર લગભગ અડધો કરી દીધો હતો. પ્રતિ લિટર 16 રૂપિયા (0.16 ડૉલર)ના કરને ઘટાડીને 8.50 રૂપિયા કરવામાં આવ્યો હતો.
જામનગરની મુલાકાતનો હેતુ
AFP via Getty Images
રુબિયોની જામનગર મુલાકાતનો હેતુ શો છે?
આ સવાલના જવાબમાં તેમણે સીએનએન ન્યૂઝ18ને આપેલી મુલાકાતમાં કહ્યું, “રિલાયન્સ અત્યંત મહત્ત્વની કંપની છે અને તેની પાસે ઊર્જાનું શુદ્ધીકરણ કરવાની જબરદસ્ત ક્ષમતા છે. પેટ્રોલિયમનું શુદ્ધીકરણ કરીને તેને ઉપયોગમાં લઈ શકાય એવા ઉત્પાદનમાં ફેરવવામાં ન આવે ત્યાં સુધી તે નકામું છે.”
રુબિયોએ કહ્યું, “અમારું માનવું છે કે ભારતને તેની પુરવઠા-શૃંખલા અને ઊર્જાના પુરવઠાના સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવામાં રિલાયન્સ આગળ ઉપર પણ મદદ કરી શકે છે. ઉદાહરણ તરીકે, વેનેઝુએલા તેનું ઊર્જા ઉત્પાદન વધારી રહ્યું છે અને ભારતને તેના કેટલાક પ્રકારના કાચા તેલનું શુદ્ધીકરણ કરવાનો લાંબો અનુભવ છે.”
તેમણે વધુમાં કહ્યું, “પરંતુ રિલાયન્સ એવી ગણતરીની કંપનીઓમાં પણ સામેલ છે, જેમણે અમેરિકામાં રિફાઇનિંગ ક્ષમતા વધારવા માટે રોકાણ કર્યું છે. તેથી, અમે આટલા નજીક હતા, ત્યારે મને લાગ્યું કે તેમની કામગીરી જોવા જવું જોઈએ, તેમની સાથે થોડો સમય વિતાવવો જોઈએ અને સાથે મળીને વધુ સારી રીતે કામ કેમ કરી શકાય તે અંગે ચર્ચા કરવી જોઈએ.”
જાન્યુઆરીમાં અમેરિકાના કમાન્ડોએ કરેલી કાર્યવાહીમાં ક્રાંતિકારી સમાજવાદી નેતા નિકોલસ માદુરોને પકડી લેવામાં આવ્યા હતા. ત્યાર પછી અમેરિકાના સમર્થનવાળી વેનેઝુએલાની વચગાળાની સરકાર દેશની બેહાલ અર્થવ્યવસ્થાને ફરી પાટે ચઢાવવા માટે તેલની નિકાસ વધારવાનો પ્રયાસ કરી રહી છે.
કૅપ્લરના સુમિત રિતોલિયાએ ફાઇનાન્શિયલ ટાઇમ્સને જણાવ્યું હતું કે વેનેઝુએલાના કાચા તેલનું સૌથી મોટું ખરીદાર અમેરિકા છે, જ્યારે ભારત બીજા ક્રમે છે. તાજેતરના મહિનાઓમાં ભારતે વેનેઝુએલામાંથી પ્રતિદિન આશરે 2.90 લાખ બેરલ કાચું તેલ આયાત કર્યું હતું. તેમાંથી 90 ટકા જામનગરની રિફાઇનરીમાં પહોંચ્યું હતું.
આ મહિને ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે એક સમજૂતી કરી હતી. તેની અંતર્ગત રશિયાનું ડીઝલ વૈશ્વિક બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ત્યાર પછી ગયા અઠવાડિયે ટ્રમ્પે રશિયાનું તેલ ખરીદનારાઓ પર લાદવામાં આવતા 100 ટકા સુધીના આયાતવેરામાંથી છૂટ આપી હતી. મૉસ્કો પર દબાણ લાવવા માટે અમેરિકી સંસદે આ આયાતવેરાને મંજૂરી આપી હતી. આ પગલાથી ભારત ચિંતિત બન્યું હતું, કારણ કે તે રશિયાના કાચા તેલનું મોટું ખરીદદાર છે.
થિંક ટૅન્ક ઍટલાન્ટિક કાઉન્સિલના દક્ષિણ એશિયાના સિનિયર ફેલો માઇકલ કુગલમૅને ઍક્સ પર લખ્યું હતું, “રુબિયોની ભારતની અગાઉની મુલાકાત મુખ્યત્વે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા અને સદ્ભાવના વધારવાના પ્રયાસ પર કેન્દ્રિત હતી, પરંતુ તેનાથી મૂળભૂત મતભેદો દૂર થઈ શક્યા નહોતા. તેમની હાલની મુલાકાત વધુ નક્કર જણાય છે. તેમાં સુરક્ષા, ઊર્જા અને મૂડીરોકાણ જેવા મુદ્દાઓ પર સીધી વાતચીત થઈ રહી છે. આ મુદ્દાઓને લઈને બંને દેશો વચ્ચે તણાવ રહ્યો છે, પરંતુ આ ક્ષેત્રોમાં સહકારનો લાંબો ઇતિહાસ પણ છે.”
અમેરિકાનું બદલાતું વલણ
Getty Images
અમેરિકાના સમાચાર માધ્યમ બ્લૂમબર્ગે પોતાના અહેવાલમાં લખ્યું છે, “ભારતના તેલપુરવઠાના સ્ત્રોતો અને ખાસ કરીને રિલાયન્સની તેલખરીદી અગાઉ પણ ટ્રમ્પની ભૂરાજકીય વ્યૂહરચનાને કારણે વિવાદનો વિષય બન્યાં છે.”
ગયા વર્ષે, અમેરિકી વહીવટીતંત્ર યુક્રેન યુદ્ધને લઈને મૉસ્કો પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે વહીવટીતંત્રના અધિકારીઓએ રશિયાના તેલ પરની નિર્ભરતાને લઈને રિલાયન્સ અને તેના માલિક મુકેશ અંબાણી પર પરોક્ષ રીતે નિશાન સાધ્યું હતું.
રુબિયોની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે એવી ચર્ચા છે કે વૉશિંગ્ટન અને નવી દિલ્હી એક વર્ષથી વધુ સમય સુધી ચાલેલી વાટાઘાટો બાદ વેપારસમજૂતીને આખરી ઓપ આપવાની નજીક છે. ભારતની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો આશરે 20 ટકા છે.
મંગળવારે વ્હાઇટ હાઉસમાં પત્રકારોએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વેપારસમજૂતીની શક્યતાઓ વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું, “તેઓ સમજૂતી કરવા માગે છે. અમે સમજૂતી કરીશું. હા, અમે ઘણા નજીક છીએ.”
રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે આ “ઘણી અલગ પ્રકારની સમજૂતી હોઈ શકે છે”, પરંતુ તેમણે આ અંગે વધુ વિગતો આપી નહોતી.
આ વર્ષે પણ રશિયા ભારતને તેલ પૂરું પાડતો સૌથી મોટો દેશ છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, રશિયામાંથી તેલનો પુરવઠો વધીને પ્રતિદિન આશરે 20 લાખ બેરલના વિક્રમી સ્તરે પહોંચ્યો છે, જે ભારતની કુલ તેલની આયાતના લગભગ 40 ટકા જેટલો છે. 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ પહેલાં આ હિસ્સો માંડ બે ટકા હતો.
બ્લૂમબર્ગે લખ્યું છે, “વેનેઝુએલામાંથી ભારતમાં થતી તેલની આયાત પણ 2019 પછીના સૌથી ઊંચા સ્તરે પહોંચી છે, જોકે તેનું પ્રમાણ ઘણું ઓછું, એટલે કે પ્રતિદિન આશરે 1.87 લાખ બેરલ છે. બીજી તરફ, અમેરિકામાંથી ભારતમાં થતો તેલનો પુરવઠો લગભગ અડધોઅડધ જેટલો ઘટીને પ્રતિદિન 1.65 લાખ બેરલ રહ્યો છે. તેનું કારણ માલવહનનો વધેલો ખર્ચ છે, જેના કારણે અન્ય દેશોના તેલની સરખામણીમાં અમેરિકાનું તેલ ઓછું સ્પર્ધાત્મક બન્યું છે.”
જામનગરની મુલાકાત વિશે નિષ્ણાતો શું કહે છે?
રુબિયોની જામનગર રિફાઇનરીની મુલાકાતને ભારતની ઊર્જાક્ષમતાની કદર તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ આ મુલાકાતને કારણે ચર્ચા પણ શરૂ થઈ છે.
ઇન્ડિયન એક્સપ્રેસમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના નિષ્ણાત સી. રાજામોહને એક લેખમાં લખ્યું હતું કે, આ મુલાકાત ભારત-અમેરિકાના સંબંધો વિશે થતી સામાન્ય ચર્ચા કરતાં ઘણી વધુ મહત્ત્વની છે.
તેમણે લખ્યું, “જામનગર ભારતના જટિલ ઊર્જા-રાજકારણને સમજવાની તક આપે છે. આ જ ઊર્જા-રાજકારણે તાજેતરના સમયમાં દિલ્હી અને વૉશિંગ્ટન, મૉસ્કો તથા તેહરાન સાથેના સંબંધોને આકાર આપ્યો છે.”
તેમણે વધુમાં લખ્યું, “મુંબઈમાં રુબિયોની ટાટા અને અદાણી જૂથોના પ્રતિનિધિઓ સાથેની મુલાકાત તથા જામનગરમાં મુકેશ અંબાણી સાથેની વાતચીત એ પણ દર્શાવે છે કે, ભારતીય ઉદ્યોગજગત અને દેશની વિદેશનીતિ વચ્ચેનું જોડાણ વધી રહ્યું છે. ભારતીય કંપનીઓનો આર્થિક પ્રભાવ અને વિશ્વભરમાં તેમનો વ્યાપ વધતાં તેઓ ભારતની રાજદ્વારી નીતિનો મહત્ત્વનો હિસ્સો બની રહી છે.”
જોકે, આ અંગે ભારતના ભૂતપૂર્વ વિદેશસચિવ અને ભૂતપૂર્વ રાજદ્વારી કંવલ સિબ્બલે ઍક્સ પર લખ્યું હતું કે, લેખમાં એ વાત યોગ્ય રીતે કહેવામાં આવી છે કે ભારતનાં મોટાં વેપારી જૂથો દેશની વિદેશનીતિ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
તેમણે વધુમાં લખ્યું, “પરંતુ આ વેપારી જૂથોને એટલાં શક્તિશાળી પણ બનવા દેવાં ન જોઈએ કે, તેઓ રાજકારણ અને સરકારી નીતિઓને નિયંત્રિત કરવા લાગે. અમેરિકામાં લશ્કરી અને ઔદ્યોગિક ક્ષેત્રના જોડાણના કિસ્સામાં આવું જોવા મળે છે.”
“રશિયાના ડીઝલ પરના પ્રતિબંધોમાં અમેરિકાએ જે છૂટ આપી છે, તેની 60 દિવસ પછી સમીક્ષા કરવામાં આવશે. રુબિયોના આ નિવેદનથી આપણને થોડી રાહત મળે છે, પરંતુ આગળની સ્થિતિ અંગેની અનિશ્ચિતતા યથાવત્ છે.”
“અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વ્યૂહાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. વર્તમાન અમેરિકી વહીવટીતંત્ર વારંવાર પોતાનું વલણ બદલી શકે છે.”
ગયા શુક્રવારે જાણીતા કટારલેખક પ્રતાપ ભાનુ મહેતાએ પણ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક લેખમાં લખ્યું હતું, “આ (ભારત સાથેનો સંબંધ) માત્ર કૉર્પોરેટ હિતોની આંટીઘૂટીમાં ફેરવાઈને રહી ગયો છે.”
જામનગર રિફાઇનરી
SAM PANTHAKY / AFP) (Photo by SAM PANTHAKY/AFP via Getty Images
તેની શરૂઆત 1999માં થઈ હતી અને 2008માં તેનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.
ક્લિક ઑઇલ ઍન્ડ ગૅસ નામની વેબસાઇટ અનુસાર, ક્ષમતાની દૃષ્ટિએ જ નહીં, પરંતુ વિસ્તારની દૃષ્ટિએ પણ આ રિફાઇનરી સંકુલ અનોખું છે. તેનો વિસ્તાર 30 ચોરસ કિલોમીટર છે, જે બ્રાઝિલના મધ્યમ કદના કોઈ શહેર કરતાં પણ મોટો છે.
પર્યાવરણ અંગે કામ કરતી સંસ્થા ક્લાઇમેટ ટ્રેસના જણાવ્યા અનુસાર, “જામનગર રિફાઇનરી સંકુલ 7,500 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. તેની શુદ્ધીકરણની ક્ષમતા પ્રતિદિન 14 લાખ બેરલ ક્રૂડ ઑઇલ છે. તે ટૅક્સાસમાં આવેલી ઉત્તર અમેરિકાની સૌથી મોટી ગૅલ્વેસ્ટન બે રિફાઇનરીની ક્ષમતા કરતાં બમણાથી પણ વધુ છે.”
ક્લાઇમેટ ટ્રેસના જણાવ્યા અનુસાર, રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ (આરપીએલ)ના જામનગર સંકુલનો વિસ્તાર લંડનના જાણીતા ઐતિહાસિક નાણાકીય વિસ્તાર ‘સિટી ઑફ લંડન’ કરતાં દસ ગણાથી પણ વધુ મોટો છે.
“આજે રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ (આરપીએલ)ની જામનગર રિફાઇનરી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (એલપીજી), પ્રોપિલિન, નૅફ્થા, પેટ્રોલ, જૅટ અથવા ઍવિએશન ટર્બાઇન ફ્યૂઅલ, સુપિરીયર કેરોસીન, હાઇ-સ્પીડ ડીઝલ, સલ્ફર અને પેટ્રોલિયમ કૉકનું પ્રોસેસિંગ કરીને પેટ્રોલિયમ પેદાશો તૈયાર કરે છે.”
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની (આરઆઇએલ) વેબસાઇટ અનુસાર, “જામનગર રિફાઇનરી સંકુલના એકમોમાં દુનિયામાં ઉત્પાદિત થતા કાચા તેલના 216થી વધુ જુદા જુદા પ્રકારોનું પ્રોસેસિંગ કરવામાં આવ્યું છે. સંભવતઃ આટલા બધા પ્રકારના કાચા તેલનું પ્રોસેસિંગ કરતી આ દુનિયાની એક માત્ર રિફાઇનરી છે.”
“રિફાઇનરીની રચના અને તેનો 21.1નો કૉમ્પ્લેક્સિટી ઇન્ડેક્સ તેને દુનિયામાં ઉત્પાદિત થતા કાચા તેલના લગભગ તમામ પ્રકારોનું પ્રોસેસિંગ કરવા સક્ષમ બનાવે છે. આથી વૈશ્વિક બજારોમાં વિવિધ પ્રકારની અને સતત વધતી જતી માગને અનુરૂપ તેલની પેદાશો તૈયાર કરી શકાય છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




