Home તાજા સમાચાર gujrati ‘ન્યાય માટે અવાજ ઉઠાવતા દીકરાનેે ગોળી મારી દીધી’ – પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં...

‘ન્યાય માટે અવાજ ઉઠાવતા દીકરાનેે ગોળી મારી દીધી’ – પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં શું થઈ રહ્યું છે?

4
0

Source : BBC NEWS

પાકિસ્તાનમાં વિરોધપ્રદર્શન કરી રહેલો એક યુવાન

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ડૉ. અનવરનું કામચલાઉ ક્લિનિક એ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના રાવલકોટ શહેરમાં મુખ્ય વિરોધપ્રદર્શનના સ્થળથી થોડે દૂર આવેલું છે.

ત્યાં એક વધારાનો બેડરૂમ તબીબી સાધનો માટે કબાટ તરીકે વપરાય છે. બહાર લાલ તાડપત્રીથી ઢંકાયેલો એક પલંગ છે.

શફકત હુસૈન પલંગ પર પડ્યા છે. તેમને છાતીમાં ગોળી વાગી છે. જે ચાદર પર તેઓ સૂતા છે તે ઘાયલોના લોહીથી લથપથ છે. તેમનું મૃત્યુ નજીક છે એવું પ્રતીત થઈ રહ્યું છે.

છેલ્લા બે મહિનામાં સુરક્ષા અધિકારીઓ અને જૉઇન્ટ આવામી ઍક્શન કમિટી (JAAC) વચ્ચે થયેલી અનેક અથડામણમાં સમગ્ર પ્રદેશમાં ડઝનેક લોકો માર્યા ગયા છે.

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં શું થઈ રહ્યું છે?

ડૉ. અનવરના ક્લિનિક પર અનેક ગંભીર ઇજાગ્રસ્ત દર્દીઓનો ધસારો ચાલુ છે

45 લાખની વસ્તી ધરાવતા આ પ્રદેશમાં હાલમાં ચૂંટણી યોજાઈ રહી છે.

બીબીસી એ એવું પહેલું મીડિયા સંગઠન છે જેણે રાવલકોટમાં પ્રવેશ મેળવ્યો છે અને વિરોધપ્રદર્શનના કેન્દ્રમાં રહેલા લોકો સાથે વાત કરી.

આ અહેવાલ માટે અમે જે લોકો સાથે વાત કરી હતી, જેમાં ડૉ. અનવરનો પણ સમાવેશ થાય છે, તેમની ઓળખ સુરક્ષિત રાખવા માટે તેમનું નામ બદલવામાં આવ્યું છે.

તેમણે બીબીસીને જણાવ્યું કે, “અમારી પાસે પ્રાથમિક સારવાર આપવા માટેનાં સાધનો છે. અમે રક્તસ્રાવ બંધ કરી શકીએ છીએ, ઘાને સાફ કરી શકીએ છીએ અને પાટો બાંધી શકીએ છીએ, અને શરીરમાં ઓછી ઊંડાઈએ રહેલી ગોળીઓ કાઢી શકીએ છીએ, પરંતુ છાતી, પેટ, માથું કે અન્ય મહત્ત્વપૂર્ણ અવયવોમાં ગંભીર ઈજાઓ ધરાવતા લોકોને મોટી હૉસ્પિટલમાં સારવારની જરૂર હોય છે.”

અનવર આગળ કહે છે, “જો એક જ સમયે આટલા બધા દર્દીઓ આવે તો મોટી હૉસ્પિટલોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે.”

ડૉક્ટરનું કહેવું છે કે 27 જુલાઈથી તેમના ક્લિનિક પર લગભગ 50થી 60 ગંભીર રીતે ઘાયલ દર્દીઓની સારવાર કરી છે, અને તેમણે પોતે પણ ગોળીબારથી ઘાયલ 15થી 20 લોકોની સારવાર કરી છે.

વિરોધપ્રદર્શન કરી રહેલા લોકો મુખ્ય હૉસ્પિટલમાં જવાથી ડરે છે, કારણ કે તેમને ડર છે કે તેમની ધરપકડ કરવામાં આવશે અથવા તેમને ગોળી મારી દેવામાં આવશે. જોકે, આ દાવાને અધિકારીઓએ નકારી કાઢ્યો છે.

ડૉ. અનવર કહે છે, “જે લોકો મૃત્યુ પામ્યા છે અથવા ગંભીર રીતે ઘાયલ થયા છે તેમાંના મોટા ભાગના યુવાનો છે. તેમની ઉંમર 15-16 અને 32-35 વર્ષની વચ્ચે છે. મેં 40 વર્ષથી વધુ ઉંમરના ખૂબ ઓછા દર્દીઓ જોયા છે.”

‘મેં માર્શલ લૉ દરમિયાન પણ આવું ક્યારેય જોયું નથી’

સત્તાવાળાઓનું કહેવું છે કે સંગઠન જેએએસીના સભ્યોએ રસ્તા બંધ કરવા ઝાડ કાપીને મૂકી દીધાં છે

હુસૈનના મિત્ર અલી એ તેમના પલંગ પાસે બેઠા છે. તેઓ એક શાલથી તેમનાં આંસુ લૂછી રહ્યા છે.

અલી કહે છે, “અમે ફક્ત પરવડે તેવા ભાવે લોટ, વીજળી અને અમારા મૂળભૂત અધિકારો માગ્યાં હતાં.”

તેઓ રડતાં રડતાં માંડ શ્વાસ લઈને કહે છે કે, “આ માગ કરી તેના બદલામાં અમારા ભાઈઓને મારી નાખવામાં આવી રહ્યા છે. આપણો ગુનો શું હતો? આપણા પર ગોળી કેમ ચલાવાઈ રહી છે?”

જેએસીસસીના પ્રદર્શનકારીઓ કહે છે કે આ પ્રદર્શનો તેમના અધિકારો માટે છે, જેમાં વીજળીના ભાવ, શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

ઑક્ટોબરમાં પાકિસ્તાન અને પાકિસ્તાન સરકાર સાથે થયેલો કરાર પણ આ માટે કરવામાં આવ્યો હતો. જેએસીસીનું કહેવું છે કે તેનો અમલ થયો નથી.

સ્થાનિક સરકાર આ વાત સાથે અસહમત છે. તેઓ કહે છે કે જેએસીસી એક સશસ્ત્ર જૂથ છે જેનો ઉદ્દેશ્ય થઈ રહેલી ચૂંટણીઓમાં વિક્ષેપ પાડવાનો છે. તેઓ પ્રદર્શનકારીઓને પ્રદેશની રાજધાની મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરવાની મંજૂરી આપવા તૈયાર નથી.

જેએએસીને જૂનમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું અને તેને વિદેશી ભંડોળથી ચાલતું આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું.

જેએએસી આ આરોપને નકારી કાઢે છે અને તે કહે છે કે તેનું સંગઠન શાંતિપૂર્ણ છે. તેણે ભારત તરફથી ફંડ મળી રહ્યું હોવાના આરોપો પણ નકાર્યા છે. તેનું કહેવું છે કે વિદેશમાં રહેતા પાકિસ્તાની સમુદાય પાસેથી ભંડોળ મળી રહ્યું છે.

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં અત્યારે ચૂંટણી થઈ રહી છે

ઇમેજ સ્રોત, EPA

તેમનું કહેવું છે કે તેઓ પીડિત છે અને પાકિસ્તાનનાં સુરક્ષાદળો દ્વારા તેમના પર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. ઇન્ટરનેટ બંધ અને રસ્તાઓ બંધ થવાને કારણે માહિતી મેળવવાનું મુશ્કેલ બન્યું છે.

શહેરમાં પહોંચ્યા પછી, બીબીસીએ ઘણા પરિવારો સાથે વાત કરી જેમણે કહ્યું કે વિરોધપ્રદર્શન દરમિયાન ગોળીબારમાં તેમના પ્રિયજનો ગુમાવ્યા છે.

અસ્માએ કહ્યું કે જ્યારે તેમને ખબર પડી કે તેમના એકમાત્ર પુત્રને ગોળી વાગી છે ત્યારે તેઓ વિરોધપ્રદર્શનમાં હાજર હતાં.

તેમણે કહ્યું, “અમે ફક્ત અમારા અધિકારો માગી રહ્યાં હતાં. અમે આતંકવાદી નથી. કોઈ પણ માતા આનાથી સારા પુત્રની ઇચ્છા ન કરી શકે. લોકો જોખમો જાણતા હતા, પરંતુ તેઓ માનતા હતા કે ન્યાય માટે ઊભા થવું એ મહત્ત્વપૂર્ણ છે. તે કહેતો હતો કે ન્યાય માટે મરવું એ સન્માનની વાત છે.”

સલમાને પણ પોતાના ભાઈને ગુમાવ્યા છે.

તેમણે કહ્યું, “તે પરિવારમાં સૌથી નાનો હતો અને બધા તેને પ્રેમ કરતા હતા. આ અમારા માટે એક મોટું નુકસાન છે. મને એ વાતનો પણ ગર્વ છે કે તેણે લોકોના અધિકારો માટે લડતા પોતાના જીવનનું બલિદાન આપ્યું. એ કોઈની સાથે લડતો નહોતો કે કોઈના પર હુમલો પણ નહોતો કરતો.”

અયુબે અગાઉ સશસ્ત્રદળોમાં સેવા આપી હતી અને તેમના પુત્ર ગુમાવ્યા છે.

તેમણે આ માટે પાકિસ્તાન સરકાર કે સેનાને દોષી ઠેરવ્યા નહીં, પરંતુ પાકિસ્તાન સરકાર તરફ ઇશારો કરતા તેમણે કહ્યું કે તેણે જ અર્ધલશ્કરી દળોને બોલાવવાનો આદેશ આપ્યો હતો.

તેમણે કહ્યું, “હું એક નિવૃત્ત સૈનિક છું. મેં જનરલ ઝિયા-ઉલ-હક અને જનરલ પરવેઝ મુશર્રફના શાસન દરમિયાન માર્શલ લૉ જોયો છે, પરંતુ મેં પહેલાં ક્યારેય આવું કંઈ જોયું નથી. મારા મતે, આ એક ગંભીર અન્યાય છે. મારા દીકરાએ કંઈ ખોટું કર્યું નથી. કોઈ પણ વિરોધીઓએ કંઈ ખોટું કર્યું નથી.”

‘હત્યા માટે 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવાનું વચન આપ્યું’

ઉમર નાઝિર

પાકિસ્તાન સરકારે કહ્યું છે કે તે સુરક્ષાદળોએ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હોવાના આરોપોને નકારી કાઢે છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે લૉ-ઍન્ફોર્સમેન્ટ એજન્સીઓએ કર્મચારીઓ પર હુમલો કરવા બદલા, જાહેર સલામતીને જોખમમાં નાખવા અથવા કાયદેસર સત્તામાં અવરોધ ઊભો કરવામાં સામેલ લોકો સામે જ કાર્યવાહી કરી છે.

બીબીસીએ આ વિસ્તારમાં ખોરાકની અછત પણ જોઈ હતી. અમે ઘણા પ્રદર્શનકારીઓને એકબીજા સાથે ખોરાક વહેંચતા જોયા. મોટા ભાગની દુકાનો બંધ હતી. કેટલાક લોકોએ બીબીસીને જણાવ્યું કે તેઓ મોટરસાઇકલ પર ચોખાની બોરીઓ છુપાવીને ચોખાની ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

શહેરમાં જતા કેટલાક રસ્તાઓ પડી ગયેલાં વૃક્ષોને કારણે બંધ થઈ ગયા છે. અધિકારીઓનું કહેવું છે કે આ બધું જેએએસીએ કર્યું છે.

મુખ્ય માર્ગ પર હવે સુરક્ષા ચોકીઓ સ્થાપિત કરવામાં આવી છે. પાકિસ્તાન સરકારે જણાવ્યું છે કે એ કહેવું ખોટું છે કે તે રાવલકોટમાં ખોરાક અથવા તબીબી પુરવઠાના પ્રવેશને અવરોધિત કરી રહી છે, પરંતુ તે તેમના પ્રવેશને સરળ બનાવી રહી છે.

અધિકારીઓએ વારંવાર કહ્યું છે કે જેએએસી એક હિંસક જૂથ છે. તેમણે ડ્રોન તસવીરો શૅર કરી છે જેમાં તેઓ કહે છે કે જેએએસીના સભ્યો છત પર બંદૂકો સાથે દેખાય છે.

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની એક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રેસ કૉન્ફરન્સમાં પોલીસ અધિકારીઓએ જૂથ પાસેથી જપ્ત કરેલી બંદૂકો પણ દર્શાવી હતી.

તેણે સ્થાનિક મીડિયાને સુરક્ષા અધિકારીઓને થયેલી ઇજાઓ અને મૃત્યુ વિશે પણ જણાવ્યું.

તેણે દાવો કર્યો હતો કે પૂછપરછ દરમિયાન એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેને દરેક અર્ધલશ્કરી અધિકારીની હત્યા કરવા બદલ 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

રાવલકોટમાં હાલમાં તહેનાત જેએએસી કોર કમિટીના સભ્ય ઉમર નઝીરે આ વાતનો ઇનકાર કર્યો છે. જોકે, સુરક્ષા કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે.

તેમણે કહ્યું, “જુઓ, આવાં મૃત્યુ થયાં હશે. હું આ અંગે કોઈ ટિપ્પણી નહીં કરું. જોકે, મારું માનવું છે કે તેમના કેટલાક લોકો અમારા સંગઠનમાં ઘૂસી ગયા છે. આવા લોકો ચોક્કસપણે અમારી વચ્ચે હાજર હતા.”

“મને લાગે છે કે તેમણે પોતાની કહાણીઓને ન્યાયી ઠેરવવા માટે આવાં કૃત્યો જાતે જ કર્યાં હશે. હું કોઈ ચોક્કસ દાવા નથી કરી રહ્યો, પરંતુ એવા કોઈ પુરાવા નથી કે અમારી બાજુમાં આવી કોઈ હિંસા થઈ હોય.”

તેમણે કથિત ઘૂસણખોરીના આ દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા આપ્યા નથી અને અધિકારીઓએ કહ્યું છે કે જેએએસીએ તેમની વિરુદ્ધ પ્રચારનું અભિયાન શરૂ કર્યું છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર.

અમે જેએએસીના વિરોધપ્રદર્શનમાં હાજરી આપી હતી ત્યાં બીબીસીએ હથિયારો કે ગોળીબારના કોઈ ચિહ્નો જોયાં ન હતાં, જોકે, આખી રાત ગોળીબાર વારંવાર સંભળાતો હતો.

કોણ ગોળીબાર કરી રહ્યું હતું અને કોના પર ગોળીબાર થઈ રહ્યો હતો તે સ્પષ્ટ નહોતું. વાતાવરણ તંગ અને અનિશ્ચિત હતું. પરિસ્થિતિ ક્યારે વણસી શકે છે તે કોઈને ખબર નહોતી.

નઝીર કહે છે કે તેમનું સંગઠન વાટાઘાટ માટે તૈયાર છે, પરંતુ હાલમાં વધુ વિરોધપ્રદર્શનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં લાંબા સમયથી પ્રદર્શન

27 જુલાઈના રોજ યોજાયેલી સ્થાનિક વિધાનસભાની ચૂંટણીમાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ન રહેતા હોય તેવા કાશ્મીરી શરણાર્થીઓ માટે 12 બેઠકો અનામત રાખવાનો મુદ્દો ચર્ચામાં હતો અને તેના લીધે વિવાદ થયો હતો.

તેના કારણે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં રહેતા લોકોને ચૂંટણી લડવાનો મોકો ઘટી જાય તેવી સ્થિતિ સર્જાય.

આ અનામત વર્ષો પહેલાં રજૂ કરવામાં આવી હતી. ભારતના જમ્મુ-કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા લોકો, અથવા તો કાશ્મીર મુદ્દો ઉકેલાય અને પોતાના ઘરે પાછા ફરી શકાય તેવી ઇચ્છા રાખનારા લોકો માટે અનામત રાખવામાં આવી હતી.

જૉઇન્ટ આવામી ઍક્શન કમિટીએ આ બેઠકો નાબૂદ કરવાની હાકલ કરી હતી. તેની માગ હતી કે આ બેઠકો ખરેખર આ પ્રદેશમાં રહે છે તેમના માટે હોવી જોઈએ.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, પાંચમી જૂનના રોજ આતંકવાદ વિરોધી કાયદા હેઠળ જેએએસી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સુરક્ષાદળો અને જેએએસી વચ્ચે થયેલી ઘાતક અથડામણોને કારણે આ અશાંતિ સર્જાઈ છે. જેએએસીએ 38 માગણીઓની યાદી જારી કરી હતી.

સરકારી આંકડાઓ કહે છે કે તેમણે તેમાંથી 37 માગ સ્વીકારી લીધી છે, પરંતુ શરણાર્થીઓની બેઠકો નાબૂદ કરવાની માગ સ્વીકારાઈ નથી.

બીબીસી ઉર્દૂના અહેવાલ મુજબ, આ અઠવાડિયાની શરૂઆતમાં રાવલકોટમાં પરિસ્થિતિ સૌથી વધુ વણસી હતી જ્યારે વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. રવિવારે 12 લોકોનાં મોત થયાં હતાં, જેમાં ચાર સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS