Home તાજા સમાચાર gujrati મધ્ય પ્રદેશમાં પેટાચૂંટણીમાં ભાજપની હાર, કૉંગ્રેસની જીતમાં ભાજપના નેતાની ‘ભૂમિકા’ શું રહી?

મધ્ય પ્રદેશમાં પેટાચૂંટણીમાં ભાજપની હાર, કૉંગ્રેસની જીતમાં ભાજપના નેતાની ‘ભૂમિકા’ શું રહી?

2
0

Source : BBC NEWS

ભાજપે દતિયાથી છ વખતના ધારાસભ્ય અને પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને ટિકિટ આપી ન હતી

ઇમેજ સ્રોત, Dr. Narottam Mishra/fb

મધ્ય પ્રદેશમાં દતિયા વિધાનસભા પેટાચૂંટણીના પરિણામને ફક્ત એક બેઠકનો નિર્ણય માનવામાં આવી રહ્યો નથી, પરંતુ તે મુખ્ય મંત્રી મોહન યાદવના નેતૃત્વમાં ભાજપની પ્રથમ મોટી ચૂંટણી કસોટી હતી.

બીજી તરફ, કૉંગ્રેસ પણ એવી ચૂંટણી લડી રહી હતી, જ્યાં પ્રચારના અંતના એક દિવસ પહેલાં તેણે પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ભારતીને પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવા પડ્યા હતા.

આમ છતાં, કૉંગ્રેસના ઉમેદવાર કુંવર ઘનશ્યામસિંહે ભાજપના આશુતોષ તિવારીને 6,016 મતોથી હરાવ્યા.

આ એ જ બેઠક હતી જે કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ભારતીને બૅન્ક છેતરપિંડીના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ વિધાનસભા સભ્યપદ સમાપ્ત થયા બાદ ખાલી પડી હતી.

ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં કૉંગ્રેસ પક્ષમાં મતભેદો ખૂલીને સામે આવ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામસિંહે રાજેન્દ્ર ભારતી પર ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ભાજપ સાથે સાઠગાંઠ કરવાનો આરોપ લગાવ્યો.

બીજી તરફ, રાજેન્દ્ર ભારતીએ દાવો કર્યો હતો કે ઘનશ્યામસિંહના ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા સાથે સંબંધો છે.

ભાજપે છ વખતના ધારાસભ્ય અને પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને ટિકિટ ન આપી

દતિયામાં ભાજપ કેમ હાર્યો, શું કૉંગ્રેસના વિજયમાં શું માત્ર નરોત્તમ મિશ્રા ફેક્ટર જ હતું?

ઇમેજ સ્રોત, ANI

ભાજપે દતિયાથી છ વખતના ધારાસભ્ય અને પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને ટિકિટ આપી ન હતી અને પહેલી વાર આશુતોષ તિવારીને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.

તેમ છતાં, કૉંગ્રેસ ત્રીજા રાઉન્ડથી આગળ રહેવામાં સફળ રહી. એક સમયે તેની લીડ 12,000થી વધુ મતો સુધી પહોંચી ગઈ હતી. જોકે છેલ્લા બે રાઉન્ડમાં આ માર્જિન નોંધપાત્ર રીતે ઓછું થયું, કૉંગ્રેસે આખરે બેઠક જીતી લીધી.

આ સતત બીજી વખત ભાજપે દતિયા વિધાનસભા બેઠક ગુમાવી છે. 2023ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના રાજેન્દ્ર ભારતીએ નરોત્તમ મિશ્રાને હરાવ્યા હતા અને પેટાચૂંટણીમાં ભાજપ આ બેઠક પાછી મેળવવામાં નિષ્ફળ ગયો.

રસપ્રદ વાત એ છે કે દતિયા પેટાચૂંટણી સરકાર બદલવા માટે નહોતી. તેની વિધાનસભામાં ભાજપની બહુમતી પર કોઈ અસર નહીં પડે. આમ છતાં બંને પક્ષોએ આ બેઠક પર પોતાની સંપૂર્ણ તાકાત બતાવી હતી.

મુખ્ય મંત્રી મોહન યાદવ, રાજ્ય ભાજપ પ્રમુખ હેમંત ખંડેલવાલ, મંત્રીઓ અને વરિષ્ઠ પક્ષના નેતાઓએ પ્રચાર કર્યો. ભાજપે આ ચૂંટણીને તેની સંગઠનાત્મક શક્તિની કસોટી તરીકે લડી.

બીજી તરફ, કૉંગ્રેસે સ્થાનિક મુદ્દાઓ તેમજ ભાજપના આંતરિક સંઘર્ષને ચૂંટણી મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો.

આ ચૂંટણીમાં ભાજપના નરોત્તમ મિશ્રાની શું ભૂમિકા હતી?

દતિયામાં ભાજપ કેમ હાર્યો, શું કૉંગ્રેસના વિજયમાં શું માત્ર નરોત્તમ મિશ્રા ફેક્ટર જ હતું?

ઇમેજ સ્રોત, ANI

દતિયા પેટાચૂંટણીની ચર્ચા નરોત્તમ મિશ્રાનું નામ લીધા વિના થઈ શકતી નથી.

લગભગ ત્રણ દાયકાથી દતિયા રાજકારણમાં પ્રભાવશાળી રહેલા નરોત્તમ મિશ્રાને આ વખતે ભાજપે ટિકિટ આપી ન હતી. તેમના સ્થાને પહેલી વાર ચૂંટણી લડી રહેલા આશુતોષ તિવારીને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

ટિકિટની જાહેરાત પછી વિરોધપ્રદર્શનો થયાં, કેટલાક પદાધિકારીઓએ રાજીનામું આપ્યું અને ચૂંટણી પ્રચાર દરમિયાન નરોત્તમનું મિશ્રા ભાવુક થવું પણ ચર્ચાનો વિષય બન્યો.

જોકે, બાદમાં તેમણે કાર્યકરોને શાંત રહેવાની અપીલ કરી અને પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર પણ કર્યો.

આમ છતાં, સમગ્ર ચૂંટણી દરમિયાન એ પ્રશ્ન રહ્યો કે શું વર્ષોથી નરોત્તમ મિશ્રા સાથે કામ કરી રહેલ સંગઠન નવા ઉમેદવાર સાથે એટલી જ સરળતાથી ઊભા રહી શકશે?

મધ્ય પ્રદેશના વરિષ્ઠ પત્રકાર દેશદીપ સક્સેના માને છે કે ચૂંટણી પરિણામો પાછળનું આ સૌથી સ્પષ્ટ કારણ છે.

તેમણે બીબીસી ન્યૂઝ હિન્દીને જણાવ્યું, “નરોત્તમ મિશ્રાની ટિકિટ કપાઈ જવાથી, સ્ટેજ પર તેમનું ભાવુક થવું અને પાર્ટી કાર્યકરોમાં જોવા મળતો ગુસ્સો આ પરિણામ પાછળનું સૌથી સ્પષ્ટ કારણ લાગે છે.”

તેમના મતે, ચૂંટણી દરમિયાન એ પણ સ્પષ્ટપણે દેખાતું હતું કે ભાજપનું સંગઠન સ્થાનિક સ્તરે સંપૂર્ણપણે એકજૂથ દેખાતું ન હતું.

જોકે, તેઓ એમ પણ કહે છે કે આખી કહાણી ફક્ત નરોત્તમ મિશ્રા પૂરતી મર્યાદિત નથી.

શું સ્થાનિક મુદ્દાઓ ભાજપ કરતાં વધુ મહત્ત્વના હતા?

દતિયામાં ભાજપ કેમ હાર્યો, શું કૉંગ્રેસના વિજયમાં શું માત્ર નરોત્તમ મિશ્રા ફેક્ટર જ હતું?

ઇમેજ સ્રોત, ANI

રાજકીય વિશ્લેષકો માને છે કે જો દતિયાનું પરિણામ ફક્ત નરોત્તમ મિશ્રાની ટિકિટ રદ કરવા સુધી સીમિત કરી દેવામાં આવે, તો ચૂંટણીનું સંપૂર્ણ ચિત્ર બહાર નહીં આવે.

દેશદીપ સક્સેના કહે છે કે સમગ્ર રાજ્યની જેમ દતિયાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ખેતી અને કૃષિ સંબંધિત મુદ્દાઓ સતત ચર્ચામાં રહ્યા.

તેમણે કહ્યું “ચૂંટણી દરમિયાન ખાતર, બિયારણ, ડીઝલના ભાવ અને ખેડૂતોની સમસ્યાઓ લોકોમાં સતત ચર્ચાનો વિષય રહ્યા હતા.”

તેમના મતે, ભોપાલમાં ખેડૂતોનું આંદોલન, દિલ્હીમાં આંદોલન, અયોધ્યામાં દાનચોરી વિવાદ અને તાજેતરના વિદ્યાર્થી આંદોલનો જેવા મુદ્દાઓએ પણ સરકાર વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં ભૂમિકા ભજવી હતી.

જોકે, રાજ્યના વરિષ્ઠ પત્રકાર નીતિન શર્મા પણ આ ચૂંટણીનું એક અલગ પાસું રજૂ કરે છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે દતિયાના લોકો માટે આ એક એવી ચૂંટણી હતી જેની તેમણે થોડા મહિના પહેલાં કલ્પના પણ નહોતી કરી.

તેમના મતે, “રાજેન્દ્ર ભારતીનું સભ્યપદ સમાપ્ત થયા પછી, અચાનક પેટાચૂંટણી કરવી પડી હતી. આવી સ્થિતિમાં મતદારોના એક વર્ગને લાગ્યું કે એક રીતે તેમના પર ચૂંટણી લાદવામાં આવી છે.”

તેમનું માનવું છે કે અચાનક થયેલી પેટાચૂંટણીએ મતદારોના મનોવિજ્ઞાનને પણ અસર કરી.

શર્મા કહે છે કે ભાજપ ચૂંટણી મૅનેજમૅન્ટ પર ખૂબ વિશ્વાસ રાખે છે, પરંતુ ફક્ત વ્યવસ્થાપન દ્વારા ચૂંટણી જીતી શકાતી નથી.

તેઓ કહે છે, “પક્ષે ચૂંટણી લડવા માટે બહારથી ઉમેદવારો લાવ્યા, પરંતુ સ્થાનિક સ્તરે તેની અપેક્ષિત અસર દેખાઈ નહીં. ચૂંટણીઓ ફક્ત મૅનેજમૅન્ટથી જીતી શકાતી નથી. સ્થાનિક સંગઠન અને મતદારોનો વિશ્વાસ પણ એટલા જ મહત્ત્વપૂર્ણ છે.”

દતિયા પેટાચૂંટણી વિશે એક રસપ્રદ વાત એ હતી કે કૉંગ્રેસ પણ સંપૂર્ણપણે એક થઈ ન હતી.

ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કા દરમિયાન પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ભારતી અને કૉંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામસિંહ વચ્ચે આરોપ-પ્રત્યારોપ ખુલ્લેઆમ સામે આવ્યા. મતગણતરીના એક દિવસ પહેલાં કૉંગ્રેસે રાજેન્દ્ર ભારતીને પક્ષના પ્રાથમિક સભ્યપદ પરથી સસ્પેન્ડ પણ કરી દીધા. આમ છતાં કૉંગ્રેસ બેઠક જાળવી રાખવામાં સફળ રહી.

ભાજપે કોઈનું નામ લીધા વિના ચેતવણી આપી

દતિયામાં ભાજપ કેમ હાર્યો, શું કૉંગ્રેસના વિજયમાં શું માત્ર નરોત્તમ મિશ્રા ફેક્ટર જ હતું?

ઇમેજ સ્રોત, PTI

પરિણામો પછી, ભાજપે સત્તાવાર રીતે સંયમિત પ્રતિક્રિયા આપી, પરંતુ ચેતવણી પણ આપી.

મધ્ય પ્રદેશ ભાજપ પ્રમુખ હેમંત ખંડેલવાલે કહ્યું કે પાર્ટી મતદારોના આદેશને નમ્રતાપૂર્વક સ્વીકારે છે. તેમણે ઉમેર્યું, “પરિણામોની સમીક્ષા કરવામાં આવશે અને જો સમીક્ષામાં કોઈ પણ સ્તરે કોઈ અનુશાસનહીનતા અથવા ખામીઓ જણાશે, તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.”

તેમણે એમ પણ કહ્યું કે ભાજપે પૂરી તાકાતથી ચૂંટણી લડી હતી, પરંતુ કેટલાક સંજોગોને કારણે પાર્ટી આ બેઠક જીતી શકી નહીં.

નામ ન આપવાની શરતે ભાજપના એક નેતાએ બીબીસીને જણાવ્યું હતું કે, “દતિયા ચૂંટણીનાં પરિણામો ચિંતાનું કારણ છે. રાજ્યમાં પાર્ટી હજુ પણ આંતરિક રીતે એક નથી. મુખ્ય મંત્રી અને વરિષ્ઠ નેતાઓ વચ્ચે મતભેદોના સમાચાર લોકો સુધી પહોંચ્યા છે. આ ચૂંટણીમાં પાર્ટી એક થઈને લડવામાં નિષ્ફળ ગઈ જે રીતે અમે જાણીતા છીએ. પરંતુ અમે બધા ભાજપમાં એક છીએ. આ પરિણામ પર વિચાર-વિમર્શ કર્યા પછી ભવિષ્યની રણનીતિ નક્કી કરવામાં આવશે.”

દતિયા પેટાચૂંટણીની અસર માત્ર એક વિધાનસભા બેઠક પૂરતી મર્યાદિત રહેશે કે કેમ તે સમય જતાં સ્પષ્ટ થશે. જોકે, રાજકીય વિશ્લેષકો માને છે કે મુખ્ય મંત્રી બન્યા પછી મોહન યાદવના નેતૃત્વની આ પહેલી મોટી ચૂંટણી કસોટી હતી.

સીએમ મોહન યાદવ માટે આ પરિણામો શું સૂચવે છે?

દતિયામાં ભાજપ કેમ હાર્યો, શું કૉંગ્રેસના વિજયમાં શું માત્ર નરોત્તમ મિશ્રા ફેક્ટર જ હતું?

ઇમેજ સ્રોત, ANI

મુખ્ય મંત્રી મોહન યાદવે ઘણી સભાઓ યોજી હતી. તાજેતરમાં પ્રદેશ પ્રમુખ બનેલા હેમંત ખંડેલવાલ માટે આ એક સંગઠનાત્મક કસોટી પણ માનવામાં આવી રહી હતી. નાયબ મુખ્ય મંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો અને વરિષ્ઠ સંગઠનાત્મક નેતાઓને પણ દતિયામાં ઉતાર્યા હતા. તેમ છતાં પાર્ટી બેઠક જીતવામાં નિષ્ફળ રહી.

મધ્ય પ્રદેશના વરિષ્ઠ પત્રકાર દેશદીપ સક્સેના કહે છે કે આ પરિણામને ફક્ત સ્થાનિક હાર તરીકે જોવામાં આવશે નહીં.

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, “એક સમયે જ્યારે ભાજપ રાષ્ટ્રીય સ્તરે પણ અનેક સ્તરે રાજકીય પડકારોનો સામનો કરી રહી છે, ત્યારે દતિયાનું પરિણામ મધ્ય પ્રદેશમાં મુખ્ય મંત્રી મોહન યાદવ માટે પણ રાજકીય પડકાર બની શકે છે.”

તેમના મતે, પાર્ટીમાં ઘણા સમયથી વરિષ્ઠ નેતાઓ અને વર્તમાન નેતૃત્વ વચ્ચે સંતુલનનો પ્રશ્ન ઊઠતો રહ્યો છે. દતિયા પછી આ ચર્ચા વધુ તીવ્ર બની શકે છે.

દરમિયાન, આ જીતને કૉંગ્રેસ માટે મોટિવેશનલ બુસ્ટર તરીકે જોવામાં આવી રહી છે. બીબીસીને આપેલા એક નિવેદનમાં મધ્ય પ્રદેશ વિધાનસભાના વિપક્ષના નેતા ઉમંગ સિંઘારે કહ્યું કે દતિયામાં ભાજપની હાર “અહંકાર અને જનભાવનાઓની અવગણના”નું પરિણામ હતી.

તેમણે કહ્યું કે જનતાએ સંદેશ આપ્યો છે કે લોકશાહીમાં કોઈ પણ જનતાથી મોટું નથી અને જે સરકારો જનતાની લાગણીઓને અવગણે છે તેમને યોગ્ય જવાબ મળે છે.

સિંઘારે આ જીતનું શ્રેય દતિયાના મતદારો તેમજ સમાજવાદી પાર્ટી અને ચૂંટણીમાં તેમને ટેકો આપનારા કાર્યકરોને આપ્યું.

છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી ઊથલપાથલ અને હવે પરિણામોએ ઘણા રાજકીય પ્રશ્નો ઊભા કર્યા છે.

શું ભાજપ તેના પ્રભાવશાળી પ્રાદેશિક નેતાઓ હોવા છતાં સંગઠનને સમાન તાકાતથી એક કરી શકશે?

શું ખેડૂતો અને સ્થાનિક મુદ્દાઓ સરકારની વિકાસ અને કલ્યાણ યોજનાઓ કરતાં વધુ મહત્ત્વના હતા?

શું દતિયામાં કૉંગ્રેસનો વિજય સ્થાનિક ગતિશીલતાનું પરિણામ છે, કે પછી તે રાજ્યમાં બદલાતા રાજકીય વાતાવરણનો સંકેત પણ આપે છે? આ પ્રશ્નોના જવાબો હજુ સ્પષ્ટ નથી.

પરંતુ એ વાત ચોક્કસ છે કે દતિયા પેટાચૂંટણી ફક્ત કૉંગ્રેસ દ્વારા એક બેઠક બચાવવા અથવા ભાજપ દ્વારા એક બેઠક ગુમાવવાની કહાણી નહોતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS