Home તાજા સમાચાર gujrati પુરુષો કરતાં પણ વધુ ‘બોલ્ડ’ અને શૃંગારિક નગ્ન ચિત્રો બનાવનારાં ‘વિશ્વનાં પ્રથમ...

પુરુષો કરતાં પણ વધુ ‘બોલ્ડ’ અને શૃંગારિક નગ્ન ચિત્રો બનાવનારાં ‘વિશ્વનાં પ્રથમ વ્યાવસાયિક’ મહિલા ચિત્રકારની કથા

6
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી વ્યાવસાયિક ચિત્રકાર તરીકે ઓળખ મેળવનારાં પ્રથમ મહિલા ગણાતાં ફોન્ટાનાનાં પોટ્રેટની ભારે માગ હતી. પુરુષો કરતાં પણ વધુ 'બોલ્ડ' અને શૃંગારિક નગ્ન ચિત્રો બનાવનારાં 'વિશ્વનાં પ્રથમ વ્યાવસાયિક' મહિલા ચિત્રકારની કથા

લાવિનિયા ફોન્ટાના રેનેસાં (પુનરુત્થાન કાળ)ના ઉત્તરાર્ધનાં એક અગ્રણી પોર્ટ્રેટિસ્ટ (વ્યક્તિચિત્રકાર) હતાં. સ્ત્રીની નગ્નાકૃતિનું ચિત્રણ કરનારાં પ્રથમ વ્યાવસાયિક મહિલા ચિત્રકાર તરીકે તેમની ઓળખ છે.

તેમનાં કેટલાંક ચિત્રોમાં નગ્ન સ્ત્રીઓનું નિરૂપણ તેમના પુરુષ સમકાલીન ચિત્રકારો કરતાં પણ વધુ શૃંગારિક હતું. શું આ નગ્નાકૃતિઓ તેમના રૂઢિચુસ્ત પિતા સામેના બળવાનો સંકેત હતી? કે પછી વ્યાવસાયિક સફળતા મેળવવાનો એક રસ્તો? કે પછી આ ચિત્રો તેમના આંતરિક જીવનની કોઈ વાતને ઉજાગર કરે છે?

અગ્રણી ચિત્રકાર લાવિનિયા ફોન્ટાનાનાં વ્યક્તિત્વનાં બે પાસાં હતાં.

પહેલું પાસું 1577માં તેમણે દોરેલા પોતાના સેલ્ફ પોર્ટ્રેટ(સ્વચિત્ર)માં જોવા મળે છે. તેમાં તેઓ સુંદર ગાઉન અને આભૂષણો પહેરીને સ્પિનેટ નામનું વાદ્ય વગાડતાં બેઠાં છે.

તેમનું વ્યક્તિત્વ એક સમૃદ્ધ, સંસ્કારી અને સદાચારી ઇટાલિયન યુવતીને છાજે એવું છે. પાછળ મૂકેલું ઇઝલ(ચિત્રફલક) તેમણે પસંદ કરેલા વ્યવસાય પ્રત્યેના તેમના ગૌરવનું સૂચક છે.

વ્યાવસાયિક ચિત્રકાર તરીકે ઓળખ મેળવનારાં પ્રથમ મહિલા ગણાતાં ફોન્ટાનાનાં પોટ્રેટની ભારે માગ હતી. આગળ જતાં તેમને ચર્ચની વેદી પાછળ લગાડવાનાં ડઝનથી વધુ મોટાં ધાર્મિક ચિત્રો દોરવાનાં મહત્ત્વપૂર્ણ કામ મળ્યાં.

આમ, આવાં પ્રતિષ્ઠિત કામ સ્ત્રીઓને સોંપવામાં નથી આવતાં એવી માન્યતાને તેમણે પડકારી હતી અને એક પછી એક મહત્ત્વપૂર્ણ કામ સફળતાપૂર્વક પૂરાં કરીને પોતાની ક્ષમતા પુરવાર કરી હતી.

તેમના વ્યક્તિત્વનું બીજું પાસું ‘મિનર્વા ઇન ધ ઍક્ટ ઑફ ડ્રેસિંગ’ નામના વિશાળ ચિત્રમાં જોવા મળે છે. તેમાં જ્ઞાન અને યુદ્ધની દેવી મિનર્વા નગ્નાવસ્થામાં છે. જાણે કોઈએ તેમને કપડાં પહેરવાની તૈયારી કરતી વખતે અચાનક જોઈ લીધાં હોય એમ લાગે છે.

ભરતકામ કરેલા સુંદર ઝભ્ભાને બંને હાથમાં સાચવીને પકડતાં મિનર્વા દર્શક તરફ નજર કરે છે. તેમની નજરમાં એક સાથે સંકોચનો અને કામુકતાનો ભાવ છે.

બીબીસી ગુજરાતી  1577ના પોતાના સ્વચિત્રમાં લાવિનિયા ફોન્ટાનાએ પોતાને સુસંસ્કૃત અને સદાચારી યુવતી તરીકે દર્શાવ્યાં છે પુરુષો કરતાં પણ વધુ 'બોલ્ડ' અને શૃંગારિક નગ્ન ચિત્રો બનાવનારાં 'વિશ્વનાં પ્રથમ વ્યાવસાયિક' મહિલા ચિત્રકારની કથા

આ ચિત્ર 1613માં કાર્ડિનલ સ્સિપિયોને બોર્ગેઝે માટે દોરવામાં આવ્યું હતું.

ફોન્ટાનાનાં અવસાનના એક વર્ષ પહેલાં આ ચિત્ર તૈયાર થયું હતું. આ કૃતિની રચના એક મહિલાએ કરી છે એ હકીકત જ તેને જોનારાઓ માટે વિશેષ આકર્ષણનું કારણ બની હશે.

ફોન્ટાના આવાં ચિત્રો દોરવા માટે જાણીતાં હતાં એ વાત પણ તેમાં ઉમેરો કરતી હતી. જોકે, તેમના આ પાસાની પૂરી જાણકારી તાજેતરનાં વર્ષોમાં જ થઈ છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધુ ચિત્રો ફોન્ટાનાનાં હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. તેનાથી સ્પષ્ટ થયું છે કે તેઓ માત્ર સ્ત્રીની નગ્નાકૃતિ દોરનારાં પ્રથમ મહિલા ચિત્રકાર જ નહોતાં, પરંતુ કામુક વિષયવસ્તુ ધરાવતાં ચિત્રો દોરનારાં પણ પ્રથમ મહિલા ચિત્રકાર હતાં.

તેમનાં કેટલાંક ચિત્રોના વિષયો સમકાલીન પુરુષ ચિત્રકારોની કૃતિઓ કરતાં પણ વધુ બોલ્ડ હતા.

ફોન્ટાનાના વ્યક્તિત્વનાં આ બે વિરોધાભાસી પાસાં એક જ વ્યક્તિમાં જોવા મળે એ વાત પહેલી નજરે આશ્ચર્યજનક લાગી શકે.

ઓસ્લોના નૅશનલ મ્યૂઝિયમમાં યોજાયેલા ‘(વુમન) પેઇન્ટર’ પ્રદર્શનનાં એક ક્યૂરેટર પેટ્રિઝિયા કાવાઝિની કહે છે, “તેમનાં સ્વચિત્રો ખૂબ જ શાલીન છે. તેમના જીવનમાં ક્યારેય કોઈ કૌભાંડનો અણસાર પણ મળતો નથી. એટલે આપણને લાગે કે તેઓ બહુ જ રૂઢિચુસ્ત અને મર્યાદાશીલ મહિલા હશે. પણ કદાચ એમ ન પણ હોય.”

આ પ્રદર્શનમાં ફોન્ટાનાનું સેલ્ફ પોર્ટ્રેટ અને મિનર્વા બંને રજૂ કરાયાં છે. જોકે, કલા ઇતિહાસકાર એલિઝાબેથ ક્રોપરનું માનવું છે કે, જાહેર જીવનમાં પ્રતિષ્ઠિત અને સન્માનનીય હોવાનો અર્થ એવો નથી કે, વ્યક્તિના અંગત જીવનમાં જાતીય કે કામુક લાગણીઓ ન હોય.

તેઓ બીબીસીને કહે છે, “આધુનિક યુગની શરૂઆતના સમયગાળાની સ્ત્રીઓને સમજતી વખતે આપણે તેમના વ્યક્તિત્વની જટિલતાને પણ સ્વીકારવી જોઈએ.”

બીબીસી ગુજરાતી પુરુષો કરતાં પણ વધુ 'બોલ્ડ' અને શૃંગારિક નગ્ન ચિત્રો બનાવનારાં 'વિશ્વનાં પ્રથમ વ્યાવસાયિક' મહિલા ચિત્રકારની કથા

આ ચિત્રો ફોન્ટાનાની અંગત ઇચ્છાઓને પ્રતિબિંબિત કરે છે કે નહીં, એ અંગે મતભેદ હોઈ શકે. પરંતુ ‘લાવિનિયા ફોન્ટાના: ઇરોટિક પેઇન્ટિંગ્સ’ પુસ્તકના લેખક એન્રિકો મારિયા દાલ પોઝોલો માને છે કે, ધાર્મિક અને બિનધાર્મિક, બંને પ્રકારનાં ચિત્રો દોરવા પાછળ ચોક્કસ વ્યાવસાયિક અને સાહસિક કારણો હતાં.

તેઓ બીબીસીને કહે છે, “મારા મતે, તેમણે આવાં ચિત્રો એ બતાવવા માટે દોર્યાં હતાં કે તેઓ બીજા ચિત્રકારો કરતાં જુદાં છે… અને પોતાની ચિત્રસંયોજનની હિંમતવાન શૈલી તરફ લોકોનું ધ્યાન ખેંચવા માટે.”

આવરણ પાછળની વિનસ

લાવિનિયા ફોન્ટાનાનું જાણીતું સૌથી જૂનું કામુક ચિત્ર ‘વિનસ ઍન્ડ ક્યુપિડ’ છે, જે તેમણે આશરે 1585થી 1590 દરમિયાન દોર્યું હતું.

કલામાં નગ્ન વિનસનું ચિત્રણ કોઈ નવી વાત નહોતી, પરંતુ ફોન્ટાનાએ આ ચિત્રમાં રત્નો, બારીક આવરણો અને મોતીનો ઉપયોગ કરીને તેની કામુકતા વધારી હતી.

થોડાં વર્ષો પછી તેમણે ઇસાબેલા રુઇની નામની એક જાણીતી ઉમરાવ મહિલાને વિનસના રૂપમાં ચીતરીને આ જ વિષયનું પુનરાવર્તન કર્યું.

આ અર્ધકદનું ચિત્ર કદાચ અંગત પ્રદર્શન માટે જ બનાવવામાં આવ્યું હતું. તેમાં ઇસાબેલા જાણે વિનસ બની હોય તેમ અત્યંત પાતળા, પારદર્શક ઝીણા વસ્ત્રમાં વીંટળાયેલાં છે, જે તેમનાં સ્તનોને ઢાંકવામાં પણ અસમર્થ છે.

બીબીસી ગુજરાતી પુરુષો કરતાં પણ વધુ 'બોલ્ડ' અને શૃંગારિક નગ્ન ચિત્રો બનાવનારાં 'વિશ્વનાં પ્રથમ વ્યાવસાયિક' મહિલા ચિત્રકારની કથા

તે સમયે ફ્લોરેન્સ અને રોમમાં સુંદર સ્ત્રીઓનાં ચિત્રો માટે આખેઆખી ગૅલરીઓ હતી.

ફોન્ટાનાના વતન બોલોનિયામાં પણ સુંદર સ્ત્રીઓ વચ્ચે ભારે સ્પર્ધા રહેતી હતી.

કાવાઝિની કહે છે, “ઘણા કવિઓ તેમના વિશે લખતા. તેઓ સ્ત્રીઓની સુંદરતાની સરખામણી કરતા અને કોણ સૌથી સુંદર છે તેનો ક્રમ પણ નક્કી કરતા. મને લાગે છે કે ફોન્ટાનાનાં આ ચિત્રો પાછળ સ્ત્રીસૌંદર્યને બિરદાવતી એ સંસ્કૃતિનો પ્રભાવ હતો.”

ત્રણ નગ્ન ઉમરાવ મહિલાઓ

આ પ્રકારનાં ચિત્રોમાં ફોન્ટાનાની સૌથી અદભુત કૃતિ ‘થ્રી ફીમેલ ન્યૂડ્સ’ છે, જે આશરે 1600માં દોરવામાં આવી હતી. તાજેતરમાં જ એ તેમની કૃતિ તરીકે ઓળખાઈ છે. તેમાં ત્રણ ઉમરાવ મહિલાઓએ માત્ર પાતળાં આવરણો અને બારીકાઈથી આલેખાયેલાં સુંદર આભૂષણો પહેર્યાં છે.

દાલ પોઝોલોનું અનુમાન છે કે, આ ચિત્ર પ્રાચીન ગ્રીક પૌરાણિક કથા પર આધારિત ‘પેરિસનો ચુકાદો’ હોઈ શકે છે. આ કથામાં ત્રણ દેવીઓ હેરા, અફ્રોદિતી અને એથેનામાંથી સૌથી સુંદર દેવી કોણ છે તેનો નિર્ણય કરવાનું પેરિસને કહેવામાં આવે છે.

ડાબી બાજુની મહિલા ક્લેલિયા ફાર્નેસે હોવાનું મનાય છે, જેમને ઇટાલીની સૌથી રૂપાળી સ્ત્રીઓમાંની એક ગણવામાં આવતી હતી. ક્લેલિયા અને જમણી બાજુની અજાણી મહિલા, વચ્ચે ઊભેલી સ્ત્રી તરફ ઇશારો કરે છે. મધ્યમાં ઊભેલી આ મહિલા મારિયા દિ મેડિચી હોવાનું મનાય છે, જે જાણે સૌંદર્યની સ્પર્ધામાં વિજેતા બની હોય.

આ ચિત્ર સ્લેટના પથ્થર પર દોરવામાં આવ્યું છે, જેની સપાટી અત્યંત ચમકદાર છે. આથી, ચિત્ર દોરાવનાર વ્યક્તિ જ્યારે પોતાના એકાંત ખંડમાં બેસીને પસંદ કરેલી સ્ત્રીને નિહાળતી હશે, ત્યારે તેનું પ્રતિબિંબ પણ ચિત્રની સપાટી પર પડતું હશે.

બીબીસી ગુજરાતી પુરુષો કરતાં પણ વધુ 'બોલ્ડ' અને શૃંગારિક નગ્ન ચિત્રો બનાવનારાં 'વિશ્વનાં પ્રથમ વ્યાવસાયિક' મહિલા ચિત્રકારની કથા

મહિલાઓનું, ઈસ.1600માં દોરાયેલું આ અદ્‍ભુત ચિત્ર તાજેતરમાં જ ફોર્ચુનાની કૃતિ તરીકે ઓળખાયું છે.

આવાં ચિત્રો દોરવાં એ નિઃશંકપણે હિંમતભર્યું પગલું હતું. ખાસ કરીને એવા સમયે, જ્યારે ફોન્ટાના બોલોનિયામાં રહેતાં હતાં અને કાઉન્ટર રિફોર્મેશન એટલે કે કૅથલિક સુધારણા આંદોલનનો પ્રભાવ હતો. શહેરના કડક મિજાજના આર્ચબિશપ કાર્ડિનલ ગેબ્રિએલે પાલેઓત્તી ચિત્રકળાના ક્ષેત્રમાં પણ કૅથલિક ચર્ચના નૈતિક નિયમોનું વધુ કડક પાલન કરાવવા માગતા હતા.

તેમના પિતા અને ચિત્રકાર પ્રોસ્પેરોએ પોતાના ગ્રંથ ‘ડિસ્કોર્સો દેલ્લે પિત્તુરે’માં સ્વીકાર્યું હતું કે, ખ્રિસ્તી ચિત્રકારે વિવાદાસ્પદ વિષયો ધરાવતાં ચિત્રો દોરવાનું ટાળવું જોઈએ, કારણ કે એ પાપ ગણાય. પરંતુ તેમણે એવી દલીલ પણ કરી હતી કે, આર્થિક કારણોસર ચિત્રકારોએ આવાં ચિત્રો દોરવાનાં કામ સ્વીકારવાં જરૂરી છે. તેમના મતે, ચર્ચે આવાં ચિત્રો દોરાવનાર લોકોને કબૂલાત (કન્‍ફેશન) વખતે આ અંગે સમજાવવા જોઈએ.

પ્રોસ્પેરોના આ બેવડા વલણ પાછળનું કારણ કદાચ એ હતું કે તેમણે પોતાની દીકરીને ચિત્રકળાની તાલીમ આપી હતી અને સારી આવક રળે એવી કારકિર્દી તરફ દોરી હતી. પરંતુ પછી પોતે ચિત્રકાર તરીકે લોકપ્રિયતા ગુમાવવા લાગ્યાં ત્યારે તેમણે દીકરી પાસે એક કરાર કરાવ્યો હતો. આ કરાર મુજબ, તેમના મૃત્યુ સુધી ફોન્ટાનાએ પોતાની બધી કમાણી તેમને સોંપવાની હતી. તો શું પિતાના આ વર્તન સામેના વિરોધરૂપે ફોન્ટાનાએ ચિત્રકલાની પ્રચલિત સીમાઓને ઓળંગી હતી?

સુંદર નિતંબોવાળી વિનસ

ફોન્ટાનાનાં સૌથી હિંમતભર્યાં ચિત્રો પ્રોસ્પેરોના 1597માં થયેલા મૃત્યુની આસપાસનાં વર્ષોમાં દોરાયાં હતાં. આ માત્ર યોગાનુયોગ હોય એવું લાગતું નથી. કદાચ તે સમયે તેમને પિતાના નિયંત્રણમાંથી મુક્તિ મળતી હોવાનો અહેસાસ થવા લાગ્યો હતો.

આ ચિત્રોમાં સૌથી વધુ સાહસિક કૃતિઓમાં સ્ત્રીના નિતંબને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેનું એક કારણ વિનસ કૅલિપિગે એટલે કે ‘સુંદર નિતંબોવાળી વિનસ’ પ્રત્યે ફરી જાગેલો રસ હોઈ શકે છે. આ પ્રાચીન રોમન મૂર્તિ તાજેતરમાં મળી આવી હતી. તેમાં વિનસ પોતાનો ઝભ્ભો ઉંચકીને નિતંબ દેખાડતી દર્શાવાઈ છે.

જ્યોર્જોને, ટિશિયાં અને વેરોનેઝે સહિતના અનેક પુરુષ ચિત્રકારોએ પણ આ વિષયને પોતાની કૃતિઓમાં અપનાવ્યો હતો. પરંતુ દાલ પોઝોલોના જણાવ્યા અનુસાર, આ ચિત્રકારોએ “દેવીના નિતંબને સ્પર્શવામાં આવતા હોય એવું ચિત્રણ કરવાની હિંમત કરી નહોતી.”

ફોન્ટાનાએ આશરે 1594-95માં દોરેલા ‘માર્સ ઍન્ડ વિનસ’ ચિત્રમાં આ મર્યાદાને ઓળંગી હતી. દાલ પોઝોલો કહે છે, “મારા મતે, એક મહિલા ચિત્રકારે આ મર્યાદા ઓળંગી એનું કારણ પોતાની ઓળખ અને પ્રતિષ્ઠા વધવાથી મળતો લાભ હોઈ શકે છે.”

બીબીસી ગુજરાતી પુરુષો કરતાં પણ વધુ 'બોલ્ડ' અને શૃંગારિક નગ્ન ચિત્રો બનાવનારાં 'વિશ્વનાં પ્રથમ વ્યાવસાયિક' મહિલા ચિત્રકારની કથા

આ ચિત્રમાં અનિયંત્રિત કામુકતાનું અસાધારણ નિરૂપણ જોવા મળે છે. માર્સ વિનસના નિતંબને પકડી રહ્યો છે અને એ જ સમયે પોતાનું શરીર તેની તરફ ધકેલી રહ્યો છે. માર્સની ઢાલ પર ઊભો દેખાતો અણીદાર ભાગ અને વિનસના પગ વચ્ચે ચીંધાતી તલવાર તેના ઉત્તેજિત અવસ્થામાં હોવાનો સંકેત આપે છે. જ્યારે વિનસ દર્શક તરફ એવા સ્મિત સાથે વળીને જુએ છે, જાણે કે બધું જાણતી હોય.

વ્યક્તિત્વનાં અજાણ્યાં બહુવિધ પાસાં

1604માં રોમમાં સ્થાયી થયા પછી ફોન્ટાનાએ વિનસની જેમ નગ્ન મિનર્વાનું એક ચિત્ર દોર્યું હતું. તેમાં પણ સ્ત્રીના નિતંબ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જોકે, આ ચિત્રમાં દેવીનો ચહેરો પણ રસપ્રદ છે, કારણ કે કેટલાક વિદ્વાનોએ એવો સંકેત આપ્યો છે કે તે ખુદ ફોન્ટાનાનો ચહેરો હોઈ શકે છે.

આ માન્યતા 1605માં લખાયેલી એક કવિતા પર આધારિત છે. આ કવિતામાં ફોન્ટાનાની ચિત્રકળાની કુશળતાની પ્રશંસા કરવામાં આવી છે અને સૂચવવામાં આવ્યું છે કે સદાચાર અને સૌંદર્યનું ચિત્રણ કરવા માટે તેમને માત્ર એક જ આદર્શ વ્યક્તિની જરૂર હતી-પોતાની જાતની.

ક્રોપર કહે છે, “આ આકૃતિ ખરેખર લાવિનિયા જેવી દેખાય છે કે નહીં એ અલગ વાત છે, પરંતુ તેની ઓળખ લાવિનિયા સાથે જોડી દેવામાં આવી છે. મહિલા ચિત્રકારોના કિસ્સામાં આવું ઘણી વાર બનતું હોય છે.”

ફોન્ટાનાની ઓળખ એક તરફ સુસંસ્કૃત, શિક્ષિત અને કુશળ મહિલા ચિત્રકાર તરીકેની હતી, તો બીજી તરફ કામુક વિષયો પર ચિત્રો દોરનારાં કલાકાર તરીકેની પણ. કદાચ તેમની આ બેવડી ઓળખને કારણે જ કલા-સંગ્રાહક અને આશ્રયદાતા તરીકે જાણીતા કાર્ડિનલ સ્સિપિયોને બોર્ગેઝેએ 1613માં તેમની પાસે મિનર્વાનું ચિત્ર દોરાવ્યું હતું. રોમમાં આવેલા વિલા બોર્ગેઝેની દીવાલ પર આ ચિત્રને વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું.

દાલ પોઝોલો કહે છે, “આટલું મોટું ચિત્ર છુપાવીને રાખી શકાય નહીં. ખાસ કરીને જ્યારે એ ચિત્ર રોમના સૌથી જાણીતા ચિત્રકાર પાસે શહેરના સૌથી ચુનંદા આશ્રયદાતાએ દોરાવ્યું હોય. તેમના મતે, કાર્ડિનલ આ ચિત્ર એવા દરેક માણસને બતાવતા હશે, જેને તેની કદર હોય.

તે સમયે આ ચિત્ર જોનારાઓમાં મોટા ભાગે સમાજના ઉચ્ચ વર્ગના પુરુષો જ હશે. પરંતુ આજે આપણે સૌ આ અસાધારણ મહિલા ચિત્રકારની કૃતિને માણી શકીએ છીએ. તેમણે ચિત્રકળાની પ્રચલિત મર્યાદાઓને પડકારી હતી. તેમના સ્વચિત્રમાં દેખાતું રહસ્યમય સ્મિત જાણે તેમના વ્યક્તિત્વનાં અનેક છુપાયેલાં પાસાંને ઢાંકી રાખે છે.

નોર્વેના ઓસ્લોના નૅશનલ મ્યુઝિયમમાં ‘(વુમન) પેઇન્ટર’ પ્રદર્શન 7 ફેબ્રુઆરી, 2027 સુધી યોજાશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS