Home તાજા સમાચાર gujrati માતાએ ઠપકો આપતાં ઘર છોડ્યું; 12 વર્ષ પછી આધારકાર્ડના ઓટીપીથી મળ્યું દીકરાનું...

માતાએ ઠપકો આપતાં ઘર છોડ્યું; 12 વર્ષ પછી આધારકાર્ડના ઓટીપીથી મળ્યું દીકરાનું પગેરું

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી માતાએ ઠપકો આપતાં ઘર છોડ્યું..., 12 વર્ષ પછી આધારકાર્ડના ઓટીપીથી મળ્યું દીકરાનું પગેરું

પ્રકાશિત

વાંચવાનો સમય: 4 મિનિટ

માતાએ ઠપકો આપતાં ઘર છોડીને ગયેલા દીકરાને પોલીસે 12 વર્ષ પછી શોધી કાઢ્યો અને માતાને સોંપ્યો.

એક જ વર્ષમાં પતિ અને માતા બંનેને ગુમાવનાર ગિરિજાએ બીબીસીને જણાવ્યું કે દીકરો પાછો ફરતાં પોતાને ખૂબ આનંદ થયો છે.

12 વર્ષ પછી પરિવારને મળેલા દીપક રાજાએ બીબીસીને કહ્યું કે પરિવાર સાથે ફરી જોડાવાની ખુશી તો છે, પરંતુ પિતાના અવસાનથી પોતાને ઊંડો આઘાત લાગ્યો છે.

આધુનિક ટૅક્નૉલૉજીની મદદથી પોલીસે લાંબા સમયથી વણઉકેલાયેલા, આ ગુમ વ્યક્તિના કેસનો ભેદ ઉકેલી દીધો છે. આના માટે પોલીસે દીપકના બાળપણના ફોટાના આધારે એઆઈ ટૅક્નૉલૉજીની મદદથી તેના હાલના દેખાવનું ચિત્ર તૈયાર કર્યું હતું.

આ કેસમાં તેના બાળપણનું આધારકાર્ડ પણ મહત્ત્વનો પુરાવો બન્યું. પોલીસના જણાવ્યા અનુસાર, દીપકના આધારકાર્ડ સાથે ગિરિજાના ફોન નંબરને બદલે અન્ય કોઈનો નંબર જોડાયેલો હોવાનું ધ્યાનમાં આવતાં દીપકનું પગેરું મેળવવાનો માર્ગ ખૂલ્યો હતો.

ખરેખર શું બન્યું હતું?

બીબીસી ગુજરાતી માતાએ ઠપકો આપતાં ઘર છોડ્યું..., 12 વર્ષ પછી આધારકાર્ડના ઓટીપીથી મળ્યું દીકરાનું પગેરું

તામિલનાડુના ધર્મપુરીના ગાંધીનગર વિસ્તારમાં રહેતાં રાજેન્દ્રન અને ગિરિજાને બે દીકરા અને એક દીકરી છે. તેમનો બીજો દીકરો દીપક રાજા 2014માં ગુસ્સામાં ઘર છોડીને જતો રહ્યો હતો.

રાજેન્દ્રને ધર્મપુરી બી-1 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને અનેક સ્થળોએ તેની શોધખોળ પણ કરી હતી. જોકે, દીપક ક્યાં છે તેની કોઈ ભાળ મળી નહોતી.

ગયા વર્ષે બીમારીને કારણે રાજેન્દ્રનનું અવસાન થયું હતું. ત્યારથી ગિરિજા દીપક રાજા વિશે માહિતી મેળવવા પોલીસનો સંપર્ક કરી રહ્યાં હતાં.

આ દરમિયાન, 13 ઑક્ટોબરે ધર્મપુરી બી-1 પોલીસે ગિરિજાને જાણ કરી કે દીપક રાજાને શોધી કાઢવામાં આવ્યો છે અને તેને તિરુપ્પુરથી ધર્મપુરી લાવવામાં આવી રહ્યો છે.

એ જ રાત્રે ધર્મપુરી પોલીસ સ્ટેશનમાં માતા અને દીકરાનું મિલન થયું. લગભગ 12 વર્ષથી વિખૂટાં પડેલાં માતા-દીકરાના મિલનનો વીડિયો હૃદયસ્પર્શી છે. બંને એકબીજાને ભેટીને રડતાં હતાં. ધર્મપુરી બી-1 પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમને સાંત્વના આપતા અને સમજાવતા પણ જોવા મળે છે. આ દૃશ્યો સોશિયલ મીડિયા પર વહેતાં થયાં છે.

ગિરિજાએ બીબીસીને જણાવ્યું, “મારો દીકરો પોલિટેક્નિકના બીજા વર્ષમાં ભણતો હતો ત્યારે કોઈક કારણસર મેં તેને ઠપકો આપ્યો હતો. તે ગુસ્સામાં ઘર છોડીને જતો રહ્યો અને પછી ક્યારેય પાછો ફર્યો નહીં. અમે પોલીસમાં ફરિયાદ કરી હતી. ચારે બાજુ તેની શોધખોળ કરી હતી, પણ તેની કોઈ ભાળ મળી નહોતી.”

તેમણે વધુમાં કહ્યું, “દીકરો ઘર છોડીને ગયો ત્યારથી પોલીસ અકસ્માતમાં મૃત્યુ પામેલા અજાણ્યા લોકોના ફોટા અમને બતાવતી હતી. પરંતુ તેમાંથી દીકરા વિશે કોઈ માહિતી મળી નહોતી. જોકે, દીપકે બાળપણમાં કઢાવેલા આધારકાર્ડ સાથે અમે અમારો ફોન નંબર લિન્ક કર્યો હતો. બે વર્ષ પહેલાં આધાર નંબરની ઑનલાઇન તપાસ કરતી વખતે મને ખબર પડી કે ઓટીપી મારા ફોનનંબરને બદલે બીજા કોઈ નંબર પર ગયો હતો. મેં પોલીસને આ વાત જણાવી ત્યારે તેમણે તપાસ કરવાનું કહ્યું હતું.”

ફોટો, સિમકાર્ડ અને ઓટીપી

બીબીસી ગુજરાતી માતાએ ઠપકો આપતાં ઘર છોડ્યું..., 12 વર્ષ પછી આધારકાર્ડના ઓટીપીથી મળ્યું દીકરાનું પગેરું

તામિલનાડુ પોલીસે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો મૂક્યો છે. તેમાં ગુમ થયેલી વ્યક્તિને શોધવા માટે આધુનિક ટૅક્નૉલૉજીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો તે દર્શાવવામાં આવ્યું છે. આ વીડિયો પણ પ્રશંસા મેળવી રહ્યો છે.

ધર્મપુરી બી-1 પોલીસ સ્ટેશનમાં સહાયક સબ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સુંદરમૂર્તિ દીપક રાજાના ગુમ થવાના કેસની તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની બદલી જુદાં જુદાં પોલીસ સ્ટેશનમાં થઈ હતી. જોકે, તાજેતરમાં તેઓ ફરી બી-1 પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા.

તેમણે જણાવ્યું, “2020થી હું દીપક રાજાના ગુમ થવાના કેસની તપાસ કરી રહ્યો હતો. તપાસ દરમિયાન વિવિધ વિગતો એકઠી કરવામાં આવી રહી હતી, ત્યારે મારી બદલી બીજા પોલીસ સ્ટેશનમાં થઈ ગઈ. ફરીથી બદલી થઈને અહીં આવ્યો ત્યારે મને જાણવા મળ્યું કે દીપકના આધારકાર્ડ સાથે જોડાયેલો મોબાઇલ નંબર બદલાઈ ગયો હતો. આધારકાર્ડના ઓટીપી જે મોબાઇલ નંબર પર જતા હતા, તેના છેલ્લા ત્રણ અંક 618 હતા. એ નંબર મેળવવા માટે મેં યુઆઈડીએઆઈ (યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા)ના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. પરંતુ ફિંગરપ્રિન્ટ વિના તેઓ એ નંબર આપી શકે તેમ ન હોવાથી તેમણે માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો.”

તેમણે વધુમાં કહ્યું, “ત્યાર પછી નૅશનલ ઇન્ટેલિજન્સ એજન્સીની એઆઈ ટૅક્નૉલૉજી (NATGRID ટૂલ)નો ઉપયોગ કરીને દીપક રાજાના બાળપણના ફોટાના આધારે તે અત્યારે કેવો દેખાતો હશે તેનો ફોટો તૈયાર કરવામાં આવ્યો.”

સુંદરમૂર્તિના જણાવ્યા અનુસાર, “આ ફોટાના આધારે આધારકાર્ડના ઓટીપી જે નંબર પર જતા હતા, એ સિમકાર્ડ કોણે ખરીદ્યું હતું તે શોધવાનો પ્રયાસ કર્યો. આ ઉપરાંત, તૈયાર કરેલા ફોટા સાથે મળતા આવે એવા કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે કે નહીં તેની પણ તપાસ કરી.”

આ તપાસ દરમિયાન દીપક રાજાનું એક સોશિયલ મીડિયા એકાઉન્ટ મળી આવ્યું. ત્યાર પછી વધુ તપાસ કરતાં એ એકાઉન્ટ ધરાવતી વ્યક્તિ અને એઆઈની મદદથી તૈયાર કરવામાં આવેલા ફોટામાં દેખાતી વ્યક્તિ એક જ હોવાનું જણાયું, એમ સુંદરમૂર્તિએ જણાવ્યું.

આ ફોટાના આધારે પોલીસે એ સિમકાર્ડ ક્યાંથી ખરીદવામાં આવ્યું હતું તેનું પગેરું મેળવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે દીપકે તિરુપ્પુરમાં સિમકાર્ડ ખરીદ્યું હતું અને તેના નંબરના છેલ્લા ત્રણ અંક 618 હતા. દીપક તિરુપ્પુરની બનિયાન બનાવતી એક ખાનગી કંપનીમાં કામ કરતો હોવાનું પણ જાણવા મળ્યું.

13 ઑક્ટોબરે ધર્મપુરીના સબ-ઇન્સ્પેક્ટર સુંદરમૂર્તિની આગેવાની હેઠળ બે પોલીસકર્મીઓની એક ટીમ દીપકને શોધવા તિરુપુર પહોંચી હતી. ત્યાં પૂછપરછ દરમિયાન પોલીસને દીપકનો એક મિત્ર મળી ગયો. તેની મદદથી પોલીસ દીપક રહેતો હતો ત્યાં પહોંચી હતી. ત્યાર પછી દીપક રાજાને ધર્મપુરી લાવીને તેની માતાને સોંપવામાં આવ્યો હતો, એમ સુંદરમૂર્તિએ બીબીસીને જણાવ્યું.

13 ઑક્ટોબરે ગિરિજા ધર્મપુરીમાં દીકરાને મળ્યાં હતાં. બીજા દિવસે તેઓ તેને લઈને કોયમ્બતુર ગયાં અને ત્યાં દીકરી સાથે તેની મુલાકાત કરાવી. ગિરિજાએ જણાવ્યું કે દીપક હાલ તેના મોટા ભાઈના ઘરે છે.

ગિરિજાએ કહ્યું, “મારી દીકરી યુકેજીમાં ભણતી હતી ત્યારે તેનો ભાઈ ઘર છોડીને જતો રહ્યો હતો. સમય જતાં તે પોતાના ભાઈને ભૂલી ગઈ હતી. બંને મળ્યાં ત્યારે તે રડી પડી અને કહેવા લાગી કે જાણે પિતાને ફરી જોઈ રહી હોય એમ લાગે છે.”

માતા અને પરિવાર સાથેના પુનર્મિલન વિશે દીપક રાજાએ કહ્યું, “આ બધું અચાનક બની ગયું છે. આટલાં વર્ષો પછી મારી માતા, ભાઈ અને બહેનને મળીને મને આનંદ થયો છે. પરંતુ પિતાનું અવસાન થયું છે એ વાત હું હજી સ્વીકારી શકતો નથી. એટલે અત્યારે મારાથી કંઈ બોલાતું નથી.”

દીપકે આ વાત ભારે દુઃખ સાથે કહી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS