Home તાજા સમાચાર gujrati બટવારા 1947: લાહોરમાં એકલી રહેલી હિન્દુ ‘માઈ’ની કહાણી, વિભાજન બાદ પણ પાકિસ્તાન...

બટવારા 1947: લાહોરમાં એકલી રહેલી હિન્દુ ‘માઈ’ની કહાણી, વિભાજન બાદ પણ પાકિસ્તાન ન છોડનાર મહિલાનું શું થયું

6
0

Source : BBC NEWS

બોલીવૂડ, બંટવારા, ફિલ્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AK

પ્રકાશિત

વાંચવાનો સમય: 6 મિનિટ

“અમ્મા, આપણે લોકો અને માઈ એક જ ઘરમાં ભેગા રહી શકીએ છીએ, તો હિન્‍દુસ્તાનમાં હિન્‍દુ અને મુસલમાન ભેગા કેમ ન રહી શક્યા?”

આ સવાલ દસ-અગિયાર વરસની તન્નો પોતાની માતા અને પરિવારને પૂછે છે.

આ મુસ્લિમ પરિવાર ભારતના ભાગલા પછી લખનૌથી ઊખડીને લાહોરમાં એક હિન્દુ હવેલીમાં રહેવા આવે છે.

લાહોરની એક એવી ભવ્ય હવેલી, જેની માલિકણ એક વૃદ્ધ મહિલા છે. વિભાજનમાં પરિવાર ગુમાવી ચૂકેલી એ મહિલા મુસ્લિમ મહોલ્લામાં એકલી બચી ગયેલી હિન્દુ મહિલા છે.

હવે તેને મોતનો ડર નથી અને પોતાનું લાહોર છોડીને ભારત જવા માટે તે રાજી નથી.

આ દૃશ્ય અસગર વજાહતના નાટક ‘જિસ લાહૌર નઈ વેખ્યા ઓ જમ્યાઈ નઈ’નું છે.

આ જ નાટક પરથી આમિર ખાન અને રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘બટવારા 1947’ બની છે, જેમાં સની દેઓલ અને પ્રીતિ ઝિન્‍ટાએ મિર્ઝા પરિવારના સભ્યોની ભૂમિકા ભજવી છે. નાટકની વૃદ્ધ હિન્દુ મહિલા એટલે કે માઈની ભૂમિકા શબાના આઝમીએ ભજવી છે.

શબાનાનું પાત્ર હકીકત કે કલ્પના

બોલીવૂડ, બંટવારા, ફિલ્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AK

નાટકમાં વૃદ્ધ હિન્દુ સ્ત્રી (શબાના આઝમી)નું પાત્ર લેખક અસગર વજાહતની કલ્પના નહીં, હકીકત હતું.

તેમના મિત્ર અને ઉર્દૂ પત્રકાર સંતોષકુમાર વિભાજન પછી ફરી પોતાના શહેર લાહોર પાછા ફર્યા હતા અને તેમણે પોતાનાં સ્મરણો લખેલાં, જેમાં આ વૃદ્ધ સ્ત્રીનો ઉલ્લેખ કર્યો હતો.

લાહોરની આ હિન્દુ વૃદ્ધ મહિલા અસગર વજાહતના મનમાં વસી ગઈ.

1980ની આસપાસ આ જ પાત્ર અન્ય કાલ્પનિક પાત્રો સાથે મળીને નાટકના સ્વરૂપમાં રૂપાંતરિત થવા લાગ્યું.

નાટકમાં આ પાત્રનું કોઈ નામ પણ નહોતું. માત્ર ‘માઈ’.

જિસ લાહૌર નહીં વેખ્યા…


બોલીવૂડ, બંટવારા, ફિલ્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Vani Prakashan

90ના દાયકામાં હબીબ તન્વીરે ભારતમાં ‘જિસ લાહૌર નઈ વેખ્યા ઓ જમ્યાઈ નઈ’ નાટકનો શો કર્યો હતો અને એ જ અરસામાં પાકિસ્તાનમાં આ નાટક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

નાટકના લેખક અસગર વજાહતે પોતાના નાટકના પરિચયમાં લખ્યું છે કે કરાચીના રંગકર્મી ખાલિદ અહમદને કરાચીના પોલીસ કમિશનરે નાટક રજૂ કરવાની મંજૂરી આપી નહોતી.

આમ છતાં, કલાકારોએ કરાચીના જર્મન ઇન્ફર્મેશન સેન્ટરમાં આ નાટક ભજવ્યું.

બીબીસી સાથેની વાતચીતમાં અસગર વજાહતે કહ્યું હતું, “કરાચીના પોલીસ કમિશનરે દિગ્દર્શકને તેનું કારણ એ જણાવેલું કે નાટકમાં મૌલવીની હત્યા થઈ જાય છે, તેથી તેનું મંચન પાકિસ્તાનમાં થઈ શકે નહીં. આ મૌલવી હિન્દુ મહોલ્લામાં બચી ગયેલી એક માત્ર હિન્દુ મહિલાનું ન કેવળ સન્માન કરે છે, એ મહિલાના મૃત્યુ પછી એમ પણ કહે છે કે તેના અંતિમ સંસ્કાર હિન્દુ રીતરિવાજ પ્રમાણે કરવામાં આવે.”

“મને લાગે છે કે પોલીસ અધિકારી નાટકને સમજી ન શક્યા. તેમને બીજો વાંધો એ હતો કે આ ભારતીય લેખકનું નાટક છે.”

નવી પેઢી પર વિભાજનના આઘાતની કેવી અસર થઈ?

બોલીવૂડ, બંટવારા, ફિલ્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AK

મને એ જાણવામાં રસ છે કે 79 વર્ષ પહેલાં થયેલા વિભાજન પર હવે બની રહેલી ફિલ્મોમાં યુવા પેઢીને કેટલી દિલચસ્પી છે?

ગીતાંજલિ પંજાબમાં રાજપુરાનાં નિવાસી છે અને તેમણે ઍન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો છે.

તેઓ જણાવે છે, “મારાં દાદી ત્યારે 9 વર્ષનાં હતાં. દાદીએ જણાવ્યું હતું કે તેમનો પરિવાર પાકિસ્તાનથી ટ્રેનમાં આવી રહ્યો હતો ત્યારે સાથે ગરમ તેલની એક કઢાઈ સાથે રાખીને નીકળેલા. બધી છોકરીઓને તેમની પાસે બેસાડવામાં આવેલી, જેથી હુમલો થાય તો બધી મહિલાઓને ગરમ તેલની કઢાઈમાં ઝીંકી દેવામાં આવે.”

“વિભાજન પર ફિલ્મો બનવી જોઈએ, જેથી નવી પેઢીના લોકો પણ આ બધું જાણી શકે. શાળામાં મને પૂછવામાં આવતું કે તમારું ગામ કયું, ત્યારે અમારી મજાક ઉડાવવામાં આવતી, કારણ કે ભારતમાં અમારું કોઈ ગામ હતું જ નહીં. એ પાકિસ્તાનમાં હતું. આ આઘાત પેઢી દર પેઢી ચાલ્યો આવે છે.”

બીજી તરફ, યુપીએસસીની તૈયારી કરી રહેલાં ખુશપ્રીત જણાવે છે, “મારા ઘણાં મિત્રો અને આસપાસના લોકો મને કહે છે કે હવે આ બધી વાતો જૂની થઈ ગઈ છે, એને ભૂલી જાવ.”

“તેમના પરિવારે ભાગલાની વેદના જોઈ નથી. તેઓ હિન્દુસ્તાન-પાકિસ્તાનની નફરતમાંથી બહાર આવવા માગતા નથી. આવી ફિલ્મો જોવી મારા માટે પીડાદાયક, છતાં જરૂરી છે.”

“સૌથી વધારે સહન કદાચ મહિલાઓએ કર્યું. પરંતુ વિચિત્ર વાત એ છે કે મેં ઘણા વૃદ્ધો સાથે વાત કરી ત્યારે કોઈએ મને જણાવ્યું નહીં કે બંને તરફની સ્ત્રીઓ સાથે શું થયું હતું.”

“અમૃતસરના પાર્ટિશન મ્યુઝિયમમાં હું ગઈ ત્યારે મને પહેલી વાર ખબર પડી કે મહિલાઓ સાથે શી રીતે બળાત્કાર થયા અને તેમનું અપહરણ કરવામાં આવ્યું. આ મહિલાઓની કહાણી ફિલ્મોમાં દેખાડવી જોઈએ.”

‘મૈં વાપસ આઉંગા’ની સહલેખિકા નયનિકા મમતાની જણાવે છે, “મારાં નાની લગ્ન કરીને દિલ્હી આવી ચૂકેલાં. એ પછી વિભાજન થયું, પણ સરગોધામાં નાનીના પરિવારે પોતાનું ઘર છોડવાની ના પાડી દીધી.”

“મુસ્લિમ પડોશીઓએ તેમનું રક્ષણ કર્યું અને પરિવાર પાકિસ્તાનમાં જ રહી ગયો. પરંતુ નાની પોતાના પરિવારથી સદાય માટે વિખૂટાં પડી ગયાં.”

વિભાજનની ‘અનઅટૅચ્ડ’ મહિલાઓ કોણ છે?

બોલીવૂડ, બંટવારા, ફિલ્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AK

ફિલ્મ ‘બટવારા 1947’માં ભલે સની દેઓલને એક એવા નાયક તરીકે રજૂ કરવામાં આવ્યા હોય, જે નફરત સામે અડીખમ ઊભો રહે છે. પણ મૂળ નાટકની સૌથી મોટી નાયિકા તો માઈ એટલે કે વિશાળ હૃદય ધરાવતી એ વૃદ્ધ મહિલા જ છે.

ઇતિહાસ આવી મહિલાઓની સાચી કથાઓથી ભરેલો છે—એ મહિલાઓ, જેમના પરિવારો વિભાજન પછી સરહદપાર ચાલ્યા ગયા, પણ તેઓ પાછળ રહી ગઈ અથવા તેમને પાછળ છોડી દેવામાં આવી.

વિભાજન પછી ભારતમાં વિધિવત્ રીતે ‘મિનિસ્ટ્રી ઑફ રિલીફ ઍન્ડ રિહેબિલિટેશન’ની રચના કરવામાં આવી હતી અને આવી તમામ મહિલાઓને એક અનોખી શ્રેણીમાં મૂકવામાં આવી—’અનઅટૅચ્ડ વુમન’.

એવી મહિલાઓ, જેમનું રમખાણો દરમિયાન અપહરણ કરવામાં આવ્યું અને તેઓ મળી આવી ત્યારે પરિવારોએ તેમને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો.

એવી માતાઓ, જેમણે વિભાજન પછી બાળકોને જન્મ આપ્યો અને બાળકોને તેમની પાસેથી છીનવી લેવામાં આવ્યાં.

એવી મહિલાઓ, જેમની સાથે કોઈ પુરુષ નહોતો—સેક્સ વર્કર્સ, અપરિણીત, છૂટાછેડા લીધેલી અથવા વિધવા. જેમ કે, ‘બટવારા 1947’ની વૃદ્ધ હિન્દુ માઈ.

‘બટવારા 1947’ની ભાવનાત્મક અસર બાબતે શબાના આઝમી કહે છે, “ફિલ્મના એક દૃશ્યમાં ખલનાયક મને ઢસડે છે અને મારો કુર્તો ફાડી નાખે છે. એ ક્ષણે મારી જાતને હું જેટલી અસુરક્ષિત અને નિઃસહાય અનુભવતી હતી, એવી કદાચ ક્યારેય અનુભવી નહીં હોય.”

ફિલ્મમાં માઈનું રક્ષણ કરતાં સની દેઓલ કહે છે, “માને હિન્દુ-મુસલમાનમાં વિભાજિત ન કરો. મા પોતે જ એક ધર્મ છે. દરેક માણસનો પહેલો ધર્મ મા છે.”

ઇસ્મત ચુગતાઈની ‘અમ્મા’

બોલીવૂડ, બંટવારા, ફિલ્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Penguin Books

આવી સાચી કહાણીઓ હવે ધીમે ધીમે લોકોની સ્મૃતિમાંથી ભૂંસાઈ રહી છે, પરંતુ પુસ્તકો, વાર્તાઓ અને નાટકોએ તેમને જીવંત રાખી છે.

ઇસ્મત ચુગતાઈની વાર્તા ‘જડેં’માંની અમ્મા પણ અસગર વજાહતની માઈ જેવી જ છે— વિભાજન થવા છતાં અમ્મા પોતાની હવેલીમાંથી તસુભાર ખસી નહીં; વાવાઝોડાંમાં અડગ રહેતાં વિશાળ વૃક્ષનાં મૂળિયાંની જેમ તે પોતાની જગ્યાએ અડગ રહી.

કે પછી રાજિન્દરસિંહ બેદીની વાર્તા ‘લાજવંતી’, જેમાં સુંદરલાલ દિલોજાનથી એક અભિયાન ચલાવે છે—ભાગલા દરમિયાન અપહરણ કરાયેલી સ્ત્રીઓ પાછી મળે, ત્યારે તેમનાં પરિવારો તેમને સ્વીકારી લે.

અચાનક તેની અપહરણ કરાયેલી પત્ની લાજવંતી પાછી ભારત આવે છે, ત્યારે અગાઉ તેને મારતો સુંદરલાલ હવે તેને દેવીની જેમ રાખે છે, પણ તેને કદી દિલથી સ્વીકારી શકતો નથી.

નાટકનો સિકંદર અને ‘બટવારા 1947’નો સની દેઓલ

બોલીવૂડ, બંટવારા, ફિલ્મ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AK

પાછા ‘જિસ લાહૌર નઈ વેખ્યા ઓ જમ્યાઈ નઈ’ નાટક અને ‘બટવારા 1947’ની વાત પર આવીએ તો નાટકનો સિકંદર મિર્ઝા (સની દેઓલ) ફિલ્મ ‘બટવારા 1947’માં દેખાડવામાં આવ્યો છે એટલો મજબૂત કે દિલદાર નથી.

જેમ કે, ફિલ્મમાં સની દેઓલનો દીકરો ગુંડાઓને કહે છે—”તું મારા બાપને ઓળખતો નથી. એ નહીં ઘર જુએ કે ન સરહદ. સીધો ઘૂસીને મારશે.”

જ્યારે નાટકનો સની દેઓલ એક તબક્કે માઈ (શબાના આઝમી)ને મરાવી નાખવા માટે ગુંડાઓ સાથે વાત પણ કરી લે છે.

પરંતુ પાકિસ્તાન અને હિન્દુસ્તાનની સરહદો વચ્ચેની નફરતના માહોલમાં આ જ પરાયી વૃદ્ધ મહિલા સાથે તેને ધીમે ધીમે એક અનોખું આત્મીય જોડાણ અનુભવાય છે—એવી સ્ત્રી સાથે, જેને ભાગલા પછી ‘અનઅટૅચ્ડ’ જાહેર કરવામાં આવી હતી.

ધર્મના નામે એ મહિલાની હત્યા કરવાનો પ્રયાસ સુધ્ધાં થાય છે, તેનું પોતાનું શહેર લાહોર તેને છોડી દે છે… પરંતુ એ વૃદ્ધ મહિલા લાહોર છોડતી નથી, કારણ કે તેને વિશ્વાસ છે કે ‘જિસ લાહૌર નઈ વેખ્યા ઓ જમ્યાઈ નઈ.’

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS