Home તાજા સમાચાર gujrati બૉસના નંબર પરથી ‘મૅસેજ કરીને 1.5 કરોડ રૂપિયા મંગાવ્યા’, શું છે આ...

બૉસના નંબર પરથી ‘મૅસેજ કરીને 1.5 કરોડ રૂપિયા મંગાવ્યા’, શું છે આ Boss Scam, તેનાથી કેવી રીતે બચવું?

5
0

Source : BBC NEWS

વોટ્સએપની એક પ્રતીકારત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

  • પ્રકાશિત

  • વાંચવાનો સમય: 6 મિનિટ

એક મૅસેજ, એક ZIP ફાઇલ અને ત્યારબાદ માત્ર થોડા કલાકોમાં કંપનીના ખાતામાંથી 1.5 કરોડ રૂપિયાનું ટ્રાન્સફર.

અમદાવાદમાં સામે આવેલા ‘BOSS Scam’માં સાયબર ગુનેગારો કંપનીના બૉસની ઓળખનો ઉપયોગ કરીને કર્મચારીઓને નાણાં ટ્રાન્સફર કરાવી લેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ પ્રકારના સ્કૅમમાં કંપનીના બૉસનું નામ અને પ્રોફાઇલ ફોટોનો ઉપયોગ કરીને કંપનીના ઍકાઉન્ટન્ટ અથવા ફાઇનાન્સ વિભાગના કર્મચારીને વૉટ્સઍપ પર મૅસેજ કરવામાં આવે છે. મૅસેજમાં કોઈ ચોક્કસ ખાતામાં તાત્કાલિક રકમ ટ્રાન્સફર કરવાની સૂચના આપવામાં આવે છે.

મૅસેજ ખરેખર બૉસના નંબર પરથી આવ્યો ન હોવા છતાં કર્મચારીના ફોનમાં તે બૉસના નામે દેખાય છે. આથી કર્મચારીને મૅસેજની ખરાઈ કર્યા વગર નાણાં ટ્રાન્સફર કરવાનું જોખમ રહે છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં આ પ્રકારની છેતરપિંડી પાછળ ડમી સિમ કાર્ડ, OTP, વૉટ્સઍપ ઍકાઉન્ટ અને માલવેરનો ઉપયોગ કરતી સંગઠિત વ્યવસ્થા સામે આવી છે.

પોલીસે આશરે 4,500 સિમ કાર્ડ સાથે જોડાયેલી માહિતીના આધારે દેશનાં 26 રાજ્યોમાં નોંધાયેલી 251 ફરિયાદોનું વિશ્લેષણ કર્યું હતું. તેમાં ત્રણ ‘BOSS Scam’ની ફરિયાદોનો સમાવેશ થાય છે.

પોલીસે આ નેટવર્કના તાર ચીન, પાકિસ્તાન, ભારત અને હૉંગકૉંગ સાથે જોડાયેલા હોવાની પ્રાથમિક માહિતી મળી હોવાનું જણાવ્યું છે. આ અંગે તપાસ ચાલુ છે.

કેવી રીતે સામે આવ્યું બૉસ સ્કેમ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રવીણ નાગજીભાઈ બવાળિયાએ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 23 જૂન, 2026ના રોજ તેમને અજાણ્યા મોબાઇલ નંબર પરથી વૉટ્સઍપ મૅસેજ મળ્યો હતો.

મૅસેજ મોકલનારે પોતાને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના (આરબીઆઈ) ‘રિસ્ક કંટ્રોલ’ વિભાગ સાથે સંકળાયેલા હોવાનું દર્શાવ્યું હતું.

મૅસેજમાં તેમની કંપનીના બૅન્ક ખાતામાં ‘અસામાન્ય લેવડ-દેવડની પ્રવૃત્તિઓ’ (Unusual Transaction Activities) થઈ રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું અને ખાતા સામે Restriction અથવા Suspensionની કાર્યવાહી થઈ શકે છે તેમ જણાવવામાં આવ્યું હતું. મૅસેજ સાથે એક ZIP ફાઇલ પણ મોકલવામાં આવી હતી.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પ્રવીણભાઈએ જણાવ્યું કે, “છેલ્લા છ મહિનાથી મને વારંવાર આવા મૅસેજ મળતાં હતા. શરૂઆતમાં હું તેના પર ધ્યાન આપતો નહોતો પરંતુ સતત આવી લિંક્સ આવતી હોવાથી મને લાગ્યું કે કદાચ આ RBI તરફથી આવેલા સંદેશા હોઈ શકે છે.”

“આથી મેં એક લિંક મારી રિયલ ઍસ્ટેટ કંપનીના ઍકાઉન્ટન્ટને ફૉરવર્ડ કરી અને ખાતું સીઝ ન થાય તે માટે તેની વિગતો તપાસવા કહ્યું.”

તેમના જણાવ્યા પ્રમાણે ઍકાઉન્ટન્ટે પોતાના ડેસ્કટૉપ પર લિંક ખોલી હતી અને ફાઇલ ડાઉનલોડ કરી હતી.

ફાઇલ ડાઉનલોડ થયા બાદ હૅકરને મારા વૉટ્સઍપના કૉન્ટેક્ટ્સ અને ડેસ્કટૉપ પરથી થતું વૉટ્સઍપ કમ્યુનિકેશન દેખાવા લાગ્યું હતું.

પ્રવીણભાઈ સાથે જ્યારે આ થયું ત્યારે તેઓ લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે ઉદયપુર ગયા હતા. તેમના જણાવ્યા પ્રમાણે, હૅકરને તેમની આ સ્થિતિની પણ જાણ હતી. બીજા દિવસે વહેલી સવારે હૅકરે પ્રવીણભાઈના નામે તેમના ઍકાઉન્ટન્ટને મૅસેજ કર્યો અને કોલકાતાની એક ગાર્મેન્ટ કંપનીમાં તાત્કાલિક 1.5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું. ઍકાઉન્ટન્ટે RTGS મારફતે 1.5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા.

ટ્રાન્ઝેક્શનની જાણ થતાં પ્રવીણભાઈએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે 1930 હેલ્પલાઇન પર જાણ કરવામાં આવી હતી અને ફ્રૉડમાં ગયેલી રકમમાંથી 1,13,53,700 રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. આશરે 25 લાખ રૂપિયાની રકમ વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

પોલીસે આ સ્કૅમમાં સામેલ ઇરામ અલી પીયાદા અને ઇન્ઝામુલ મોલ્લાની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરી છે. પોલીસ અનુસાર હાલ તપાસ ચાલી રહી છે.

બીબીસીએ બંને આરોપીઓના વકીલ અથવા પરિવાર સાથે વાત કરીને તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ લેખ લખાય છે ત્યાં સુધી તેમની સાથે સંપર્ક થઈ શક્યો નહોતો. તેમનો પક્ષ મળશે તો અહીં અપડેટ કરવામાં આવશે.

બૉસ સ્કૅમની મોડસ ઑપરેન્ડી શું છે?

પ્રતીકારત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ સ્કૅમ કેવી રીતે આચરવામાં આવ્યું હતું તે વિશે વધુ જાણવા માટે બીબીસીએ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચનાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ લવીના સિંહા સાથે વાત કરી હતી.

તેઓ કહે છે કે, સાયબર ગુનેગારો શરૂઆતમાં આરબીઆઈ અથવા કોઈ સરકારી સંસ્થાના અધિકારી તરીકે ઓળખ આપીને કંપનીના સીઈઓ, ડિરેક્ટર અથવા કર્મચારીને વૉટ્સઍપના અથવા ઈમેલ મારફતે ઝિપ (ZIP) ફાઇલ મોકલે છે.

“આ ઝિપ ફાઇલમાં .exe અથવા .dll જેવી દૂષિત ફાઇલો હોય છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, જો આવી ફાઇલ WhatsApp Web મારફતે કંપનીના કમ્પ્યુટર અથવા લેપટૉપમાં ચલાવવામાં આવે તો ગુનેગાર WhatsApp Web Session પર કબજો મેળવી શકે છે.”

“ત્યારબાદ કંપનીના સીઈઓ અથવા ડિરેક્ટકની ઓળખનો ઉપયોગ કરીને અને પ્રોફાઇલ ફોટો લગાવીને પોતાનો મોબાઇલ નંબર બૉસના નામે સેવ કરે છે.”

“નંબર સેવ કર્યા બાદ કંપનીનાં ઍકાઉન્ટ્સ અથવા ફાયનાન્સ વિભાગના કર્મચારીને તાત્કાલિક નાણાં ટ્રાન્સફર કરવાનો મૅસેજ મોકલવામાં આવે છે. આ પ્રક્રિયામાં ડમી સિમ કાર્ડ અને OTP પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.”

પોલીસના જણાવ્યા પ્રમાણે, ગ્રાહકોના નામે મેળવવામાં આવેલા સિમ કાર્ડમાંથી તેમની જાણ બહાર મોબાઇલ નંબર ઍક્ટિવેટ કરીને ડમી સિમ તૈયાર કરવામાં આવતા હતા. આ સિમ અલગઅલગ ફોનમાં ઉપયોગમાં લેવાતાં હતાં અને નંબરની વિગતો સાયબર ગુનેગારોને આપવામાં આવતી હતી.

જ્યારે આ નંબર પરથી વૉટ્સઍપ ઍકાઉન્ટ ઍક્ટિવેટ કરવામાં આવતું ત્યારે જરૂરી ઓટીપી ડમી સિમ પર મેળવવામાં આવતું હતું જે બાદમાં સાયબર ગુનેગારોને આપવામાં આવતી હતી.

આ રીતે ગુનેગારોને WhatsApp આધારિત સંચાર વ્યવસ્થા તૈયાર કરવામાં મદદ મળતી હતી.

અમદાવાદ પોલીસની તપાસમાં આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, એક આરોપી સાયબર ફ્રૉડ સાથે સંકળાયેલા લોકોના સંપર્કમાં હતો.

આ વ્યક્તિ તેમને મોબાઇલ નંબર, ડમી સિમ તથા વૉટ્સઍપ આધારિત સંચાર વ્યવસ્થામાં મદદ કરતો હતો.

બીજો આરોપી ઍરટેલ, જિયો, Vi અને બી.એસ.એન.એલ. જેવી ટેલિકૉમ કંપનીઓ માટે વેચાણ કેન્દ્ર તરીકે કામ કરતો હતો.

પોલીસનો આરોપ છે કે આ વ્યક્તિ ગ્રાહકોના બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અને ટેલિકૉમ સર્વિસ પ્રોવાઇડરની ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને ગ્રાહકોના નામે સિમ કાર્ડ મેળવતો અને તેમની જાણ બહાર અન્ય સિમમાં મોબાઇલ નંબર ઍક્ટિવેટ કરતો હતો.

Cybercrime-as-a-Service શું છે?

સાઈબર ક્રાઇમની એક પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સાયબર ક્રાઇમની દુનિયામાં હવે દરેક ગુનેગારને પોતે જ આખું ટેક્નિકલ માળખું ઊભું કરવું પડે એવું નથી.

કોઈ વ્યક્તિ ડમી સિમ આપે છે, કોઈ OTP પૂરો પાડે છે, કોઈ વૉટ્સઍપ ઍકાઉન્ટ તૈયાર કરે છે અને અન્ય વ્યક્તિ પીડિત સાથે વાત કરીને પૈસા ટ્રાન્સફર કરાવે છે.

અમદાવાદ પોલીસના પ્રેસનોટમાં આવી રેડી-ટુ-યૂઝ ડિજિટલ સર્વિસિસ, ગ્રૂપ્સ અને રિસોર્સિઝને ‘સાયબરક્રાઇમ-ઍઝ-એ-સર્વિસ’ અથવા CaaSનું ઉદાહરણ ગણાવવામાં આવ્યું છે.

અર્થાત્, સાયબર ગુનો કરવા માટે જરૂરી ડિજિટલ સાધનો અને સેવાઓ પણ તૈયાર સ્વરૂપે ઉપલબ્ધ થઈ શકે છે.

આ કેસની તપાસ દરમિયાન મળેલા આશરે 4,500 સિમ કાર્ડની માહિતીના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે 26 રાજ્યોમાં નોંધાયેલી 251 NCRP ફરિયાદોનું વિશ્લેષણ કર્યું.

આ ફરિયાદોમાં 194 ઑનલાઇન નાણાકીય છેતરપિંડી, ત્રણ બૉસ સ્કૅમ અને 29 ઑનલાઇન તથા સોશિયલ મીડિયા સંબંધિત ગુનાની ફરિયાદો હતી.

આ ઉપરાંત અન્ય પ્રકારના સાયબર ગુનાઓ, હૅકિંગ, sexually explicit content (સ્પષ્ટ રીતે યૌન સામગ્રી) અને બાળકોના જાતીય શોષણ સંબંધિત ફરિયાદો પણ આ ડેટામાં સામેલ હતી.

પોલીસે જણાવ્યું છે કે આ તપાસ દરમિયાન 10 હજારથી વધુ સંક્રમિત ડિવાઇસ સુરક્ષિત કરવામાં આવ્યાં છે.

આરોપીઓ પાસેથી સાત મોબાઇલ ફોન અને એક ઍરટેલ રાઉટર પણ જપ્ત કરવામાં આવ્યા છે.

જપ્ત કરાયેલા ડિવાઇસમાં રહેલા વૉટ્સઍપ ચૅટ, ગ્રૂપ, મોબાઇલ નંબર અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે વધુ આરોપીઓ અને નેટવર્કના મુખ્ય સંચાલકો અંગે તપાસ ચાલી રહી છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને I4Cના ટેક્નિકલ તથા નેટવર્ક વિશ્લેષણ અંગે પોલીસ પ્રમાણે આ કેસમાં વપરાયેલા માલવેરને ચીન સાથે સંકળાયેલા સાયબર ગુનેગારો દ્વારા વિકસાવવામાં આવ્યું હોવાની આશંકા છે.

બૉસ સ્કૅમથી કેવી રીતે બચવું?

અમદાવાદ પોલીસે આવા સાયબર ફ્રૉડથી બચવા માટે કેટલીક સાવચેતી રાખવાની સલાહ આપી છે.

અજાણ્યા મોબાઇલ નંબર અથવા ઇમેલ પરથી મળેલી ZIP, .exe, .dll કે .apk ફાઇલ ડાઉનલોડ કે ઓપન ન કરવી.

આ વિશે સિન્હા કહે છે કે, “વૉટ્સઍપ અથવા ઇમેલ પર નાણાં ટ્રાન્સફર કરવાની સૂચના મળે તો તેની સ્વતંત્ર રીતે ખરાઈ કર્યા વગર નાણાં ટ્રાન્સફર ન કરવા.”

“બૉસ અથવા CEO તરફથી તાત્કાલિક પેમેન્ટ કરવાનું કહેવામાં આવે તો તેમના જાણીતા અથવા વૈકલ્પિક નંબર પર ફોન, વીડિયો કૉલ અથવા રૂબરૂ સંપર્ક કરીને ખાતરી કરવી.”

તેઓ એ પણ કહે છ કે, “વૉટ્સઍપના Linked Devices નિયમિત રીતે તપાસવા અને કોઈ અજાણ્યું ડિવાઇસ જોડાયેલું હોય તો તેને તરત લૉગ આઉટ કરવું. વૉટ્સઍપમાં ટુ-ફૅક્ટર ઑથેન્ટિકેશન ચાલુ રાખવું.”

કંપનીઓએ અજાણી .exe અને .dll ફાઇલો ચલાવી ન શકાય તેવી સૉફ્ટવેયર રેસ્ટ્રિક્શન પૉલિસી લાગુ કરવી અને વિન્ડોઝ, ઍન્ટિવાયરસ તથા ઍન્ડપૉઇન્ટ સિક્યૉરિટી અપડેટ રાખવા.

આ પ્રકારની છેતરપિંડીમાં સમય સૌથી મહત્ત્વનો છે. અમદાવાદ પોલીસ લોકોને તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરવા અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવા કહે છે.

પ્રવીણભાઈના કેસમાં પણ છેતરપિંડીની જાણ થયા બાદ તરત ફરિયાદ કરવામાં આવી હતી અને પોલીસની કાર્યવાહીથી મોટી રકમ ફ્રીઝ અથવા રિકવર થઈ શકી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS