Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Alpesh dabhi/bbc
ભાવનગર શહેરમાં સાતમ-આઠમના દિવસે બનેલી એક ઘટનાની રાજ્યમાં ચર્ચા થઈ રહી છે.
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કથિત રીતે એક વ્યક્તિ બસ સ્ટેશન પર એક યુવતીને માર મારી રહી છે.
કહેવાય છે કે, 3 સપ્ટેમ્બરે આ ઘટના ઘટી હતી.
આ મામલે વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલી યુવતીને હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયું હતું.
પોલીસ ફરિયાદ પ્રમાણે આરોપીએ ‘યુવતી પર હુમલો’ કરતા તેનું મોત થયું હતું. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારબાદ હવે પોલીસે આ ઘટનાના આરોપીને શહેરમાં જાહેરમાં ડંડા ફટકાર્યાના વીડિયો વાઇરલ થયા છે.
મામલો સંવેદનશીલ હોવાને કારણે અમે આરોપી અને મૃતક યુવતીનાં નામ જાહેર કર્યાં નથી.
(આ અહેવાલની કેટલીક વિગતો વાચકોને વિચલિત કરી શકે છે)
શું છે આખો મામલો?
ઇમેજ સ્રોત, Alpesh dabhi/bbc
પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક યુવતી અને આરોપી બંને લાંબા સમયથી સાથે રહેતાં હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
પોલીસે જણાવ્યા મુજબ, માત્ર આઠ દિવસ અગાઉ જ મૃતક યુવતીએ આરોપીને જેલમાંથી જામીન પર છોડાવ્યો હતો.
ભાવનગરનું એસટી બસ સ્ટેશન એ નીલમબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે.
નીલમબાગ પોલીસ સ્ટેશનના ડીવાયએસપી આર. આર. સિંઘાલે મીડિયા સાથેની વાતચીતમાં સમગ્ર વિગતો જણાવી હતી.
તેમણે કહ્યું કે “આરોપી અને મૃતક યુવતી છેલ્લાં સાત વર્ષથી સાથે રહેતાં હતાં. આરોપી વિરુદ્ધ લૂંટ સહિતના અનેક ગુના અગાઉ દાખલ થયેલા છે. આરોપી થોડા દિવસ પહેલાં એક ગુનામાં જેલમાં હતો અને હાલમાં બહાર આવ્યો છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે “આરોપી જેલમાં બહાર આવ્યો ત્યારે તેને શંકા ગઈ કે તેની સાથે રહેતી આ યુવતી તેના એક મિત્ર સાથે સંબંધ ધરાવે છે, એનું મનદુ:ખ રાખીને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.”
“બાદમાં આરોપીએ મૃતક યુવતીને મૂઢ માર માર્યો હતો. ઈજા થતાં યુવતીને સર. ટી. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને ટૂંકી સારવાર બાદમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.”
આ મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા પોસ્ટમૉર્ટમની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી ફૂટપાથ પર રહેતો હતો. મફતમાં જમવાનું મળતું એ જમીને સૂઈ જતો હતો.
મૃતક યુવતી અને આરોપી યુવક લાંબા સમયથી ‘સાથે’ રહેતાં હતાં
ઇમેજ સ્રોત, Alpesh dabhi/bbc
પોલીસે મૃતક યુવતીનાં માતાને ‘તેમની દીકરીનું મોત થયું’ હોવાનું જણાવતાં તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યાં હતાં અને પછી ફરિયાદ નોંધાવી હતી.
મૃતક યુવતીનાં માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેમની પુત્રી (40 વર્ષ)નાં લગ્ન થયાં બાદ છૂટાછેડા થઈ ગયા હતા અને પછી તેઓ ઘરેથી નીકળી ગયાં હતાં.
ત્યાર બાદ ભાવનગર એસટી બસ સ્ટેશનના ફૂટપાથ પર રહેતાં હતાં. યુવતીનાં માતાએ જણાવ્યું,”આ દરમિયાન તેમનો પરિચય આ આરોપી સાથે થયો હતો અને બંને લાંબા સમયથી સાથે રહેતાં હતાં.”
તેમજ બંને વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે.
પોલીસ ફરિયાદ પ્રમાણે, આરોપીએ બોલાચાલી થયા બાદ યુવતીને ગળા, માથા, પીઢના ભાગે ઢોર માર માર્યો હતો અને બાદ તે બેભાન થઈ હતી.
મૃતક યુવતીનાં માતા ભાડાના મકાનમાં રહે છે અને મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. તેમના જણાવ્યા પ્રમાણે, તેમના પતિનું પાંચેક વર્ષે પહેલાં અવસાન થઈ ગયું હતું. તેમને ત્રણ સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે.
પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ પ્રમાણે મૃતક યુવતી તેમના પરિવારજનો સાથે કોઈ વ્યવહાર રાખતી નહોતી.
માતાએ લખાવેલી પોલીસ ફરિયાદમાં આરોપીએ તેમની દીકરીને માર મારીને મૃત્યુ નીપજાવ્યું હોવાથી યોગ્ય કાર્યવાહીની માગ કરી હતી.
આ મામલે બીબીસીએ આરોપીના પક્ષે અને યુવતીના પરિવારજનો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. તેમજ હજુ સુધી બંને પક્ષો તરફથી કોઈ આ મામલે કંઈ પણ બોલવા સામે પણ આવ્યું નથી.
આરોપીને પોલીસે ‘જાહેરમાં માર મારતા’ વિવાદ
ઇમેજ સ્રોત, Alpesh dabhi/bbc
પોલીસે ભાવનગર શહેરના એસટી બસ સ્ટેશનમાં બનેલી ઘટનાના બે દિવસ બાદ આરોપીનું રિંકન્ટ્રક્શન કરાયું હતું.
તેમજ પોલીસ આરોપીને પોલીસની ગાડી પાછળ રાખીને ‘માર મારતી’ હોવાનો કથિત વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે. અનેક લોકો આ રીતે જાહેરમાં આરોપીને માર મારવાની ટીકા કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા વીડિયોમાં પોલીસ કાર્યવાહીની ટીકા પણ થઈ રહી છે.
ભાવનગર પોલીસની આ કાર્યવાહી સામે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર અનેક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.
અનુભવ શર્માના નામના એક યૂઝરે લખ્યું, “શું આ દેશમાં હવે પણ કોર્ટોની જરૂર છે? વર્દીમાં રહેલો કોઈ માણસ, કોઈ ટોળું અથવા કોઈ સ્થાનિક અસામાજિક તત્ત્વ પોતાને જ ન્યાયાધીશ, જ્યૂરી અને સજા આપનાર તરીકે જાહેર કરી શકે છે. દરેક વ્યક્તિ પોતાની સમજ મુજબ ‘ન્યાય’ આપવા લાગી છે. આ ન્યાય નથી. આ તો કાયદાકીય પ્રક્રિયાના સંપૂર્ણ પતન અને ન્યાયની મૂળભૂત ભાવનાના ધ્વંસ સમાન છે.”
ઇમેજ સ્રોત, X/Nehafolksinger
શ્યામ યાદવ એસપી નામના એક યૂઝરે લખ્યું કે “કોઈ પણ ગુનેગારની સજા આ ન હોઈ શકે કે રસ્તા પર ગુનેગારને બાંધીને પોલીસ તેના પર લાઠીઓ વરસાવે. આ એકસાથે બે અપરાધ છે. ગુનેગારોને સજા આપવા માટે ન્યાયિક વ્યવસ્થા બની છે, ન કે રસ્તા વચ્ચે પોલીસ દ્વારા લાઠીઓ વરસાવવા માટે.”
ખાન અફરોઝ નામના યૂઝરે લખ્યું કે “પોલીસ જેને મારી રહી છે…, જેના પર હત્યાનો આરોપ છે. તેને ગાડીમાં બાધીને સતત 107 લાઠી રસ્તા વચ્ચે મારી. ગુનેગાર કોઈ પણ હોય, સજા કાયદા પ્રમાણે કોર્ટ આપશે. સવાલ એ છે કે પોલીસ પાસે આ રીતે અંધાધૂંધ લાઠીઓ વરસાવવાની મંજૂરી હતી?”
નેહાસિંહ રાઠોડ નામના એક યૂઝરે લખ્યું, “શું પોલીસ કોઈ આરોપીને દોરીથી બાંધીને તેને મારી શકે? શું પોલીસ તેને ડંડાથી મારીને સજા આપી શકે?”
ઇમેજ સ્રોત, Gopal italia/fb
જોકે, આમ આદમી પાર્ટીના વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ મામલે ફેસબુકમાં એક પોસ્ટ લખી છે.
તેમણે લખ્યું કે ‘માત્ર જનતાની આંખમાં ધૂળ નાખવા અને રીલ બનાવવા માટે કાઢવામાં આવતા વરઘોડા ઉર્ફે રિકન્સ્ટ્રક્શનનો હું બિલકુલ વિરોધી છું, પરંતુ ભાવનગર એસટી ડેપોમાં થયેલી દીકરીની હત્યાના રિકન્સ્ટ્રક્શન સમયે કોઈ પીઆઈ દ્વારા આપવામાં આવેલી ટ્રીટમેન્ટ બિલકુલ વ્યાજબી છે.’
‘એ પીઆઈને હું નામથી કે ચહેરાથી ઓળખતો નથી, પરંતુ એમણે ખૂનના આરોપીને જે સરભરા કરી છે એ એકદમ યોગ્ય છે અને આવી હિંમત કરનાર અધિકારીઓ હોવા જોઈએ.’
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અગાઉ પણ આરોપીને જાહેરમાં લાવીને પોલીસ માર મારતી હોવાના અનેક વીડિયો પણ વાઇરલ થઈ ચૂક્યા છે.
ગુજરાતમાં આરોપીને જાહેરમાં મારવાની ઘટનાઓ સામે આવી છે
જાણકારો કહે છે કે ડી. કે. બસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્યના એક કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતાં પોલીસ માટે ગાઇડલાઈન જારી કરી હતી, પરંતુ તેનું પાલન આંશિક ધોરણે જ થાય છે અને તહોમતદારોના હકોની જાળવણી થતી નથી.
નોંધનીય છે કે પોલીસ કોઈ ગુના હેઠળ કોઈને પકડે છે ત્યારે તે માત્ર તહોમતદાર જ છે. કોર્ટ જ્યાં સુધી દોષિત જાહેર ના કરે ત્યાં સુધી જે-તે વ્યક્તિ માત્ર આરોપી જ છે, ગુનેગાર નથી.
માનવાધિકાર સાથે સંકળાયેલા કર્મશીલો ગુજરાતમાં પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં માર મારવાની ઘટનાને વખોડતા આવ્યા છે.
ગુજરાતના પૂર્વ એડીજીપી ડૉ. રાજન પ્રિયદર્શીએ અગાઉ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહ્યું હતું કે “પોલીસ જજ નથી. આરોપીના મનુષ્ય હોવાનું ગૌરવ જાળવવું જોઈએ. આરોપીને મારો, તેનું મુંડન કરો, તેને જાહેરમાં સરઘસ કાઢીને ફેરવો – એ યોગ્ય નથી. આ કંઈ અંગ્રેજોના જમાનાની પોલીસ નથી.”
તો ગુજરાતના નિવૃત્ત એસીપી દીપક વ્યાસે અગાઉની વાતચીતમાં આ પ્રકારની પોલીસ કાર્યવાહીને માનવાધિકારનું ઉલ્લંઘન ગણાવી હતી.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું, “સરઘસ કાઢીને આરોપીની જાહેરમાં માનહાનિ ન કરી શકાય. ઊલટું, પોલીસે આરોપી સામે પુરાવા ભેગા કરીને કોર્ટમાં તેને કડકમાં કડક સજા થાય તે માટેની મહેનત કરવી જોઈએ. આ પ્રકારની જાહેરમાં આપવામાં આવતી સજાને કારણે પ્રજામાં પોલીસ પ્રત્યેનો ભય ઊભો થાય છે જ્યારે પોલીસ તો પ્રજાની મિત્ર હોવી જોઈએ, જેથી તે નિડર બનીને પોતાના ન્યાય માટે પોલીસ સમક્ષ ફરિયાદ કરી શકે. થર્ડ ડીગ્રી એ માનવાધિકારનો ભંગ છે.”
જોકે, ભાવનગર પોલીસ આ બધા આરોપોને ફગાવે છે.
ભાવનગર સિટી ડીવાયએસપી આર. આર. સિંઘાલે આ મામલે બીબીસી ગુજરાતીના સહયોગી અલ્પેશ ડાભીને જણાવ્યું કે ‘આરોપીને રિકન્સ્ટ્રક્શન કરવા હેતુ લઈ જવામાં આવ્યો હતો.”
ડી. કે. બસુ દિશાનિર્દેશ
ડી. કે. બસુ દિશાનિર્દેશ અને સંવિધાનની કલમ 22 તથા ફોજદારી કાયદામાં નાગરિકને પ્રાપ્ત મૌલિક અધિકાર
- ધરપકડ કે પૂછપરછ સમયે તપાસકર્તા પોલીસ અધિકારીની ઓળખ અને નામનું ટેગ હોવું જોઈએ અને તે પોતાના ગણવેશમાં હોવા જોઈએ. ઉપરાંત તેમણે જે તેમની ધરપકડ કરી છે તેને રેકૉર્ડ પર લેવી જોઈએ.
- ધરપકડ થાય તે સમયે એક સાક્ષી તથા ધરપકડ કરાયેલા તહોમતદારની સહી લેવી જોઈએ. તથા ધરપકડ સમયે તહોમતદારને તેમના એક મિત્ર કે સબંધી સાથે વાતચીતની તક મળવી જોઇએ.
- ધરપકડ કરાયેલી વ્યક્તિને તેના અધિકારો અંગેની સૂચના મળવી જોઈએ.
- ધરપકડ કરાયેલી વ્યક્તિની તબીબી તપાસ થવી જોઈએ અને આ તપાસના રિપોર્ટ પર તપાસકર્તા તબીબ અને તહોમતદારની સહી હોવી જોઈએ. તહોમતદારને તેના વકીલો સાથે મુલાકાત કરવા દેવી જોઈએ. તહોમતદારની પોલીસ તપાસ બાદ પણ તહોમતદારને તેના વકીલોને મળવાનો અધિકાર છે. જોકે તપાસ દરમિયાન નહીં.
- જો ધરપકડ કરાયેલી વ્યક્તિનો સબંધી કે દોસ્ત કે જેનો તે સંપર્ક સાધવા માગે છે તે જિલ્લાની બહાર રહેતા હોય તો ધરપકડ કર્યાના 8થી 12 કલાકની અંદર તેની ધરપકડની જગ્યા, કારણો અને અન્ય માહિતી તેના સબંધીને મોકલવી.
- ધરપકડ સમયે તહોમતદારને એ જાણકારી હોવી જોઈએ કે તેમની ધરપકડ કયાં કારણોને લઈને થઈ રહી છે.
- ધરપકડના 24 કલાકમાં પોલીસે તહોમતદારને મેજિસ્ટ્રેટ સમક્ષ પેશ કરવો જોઈએ. તેની ધરપકડ મામલાના તમામ દસ્તાવેજો તપાસકર્તા પોલીસ અધિકારીએ મેજિસ્ટ્રેટને મોકલવાના રહેશે.
- પોલીસ સમક્ષ આપેલા નિવેદનને આરોપી સામેના પુરાવા તરીકે માન્ય ન રાખી શકાય.
- ધરપકડ કરાએલી વ્યક્તિને પોલીસ કસ્ટડી દરમિયાન પોલીસ દ્વારા કોઈ દુર્વ્યવહાર કે યાતનાથી બચવાનો અધિકાર છે.
- 15 વર્ષથી ઓછી ઉંમરના બાળક કે કોઈ પણ મહિલાને માત્ર સવાલ પૂછવાના બહાને પોલીસ સ્ટેશનમાં ન બોલાવી શકાય.
- તહોમતદારની ધરપકડ બાદ તપાસકર્તા પોલીસ અધિકારીએ તેની જાણ જિલ્લાના પોલીસ કંટ્રોલને કરવાની રહેશે જેથી તેની વિગતો પોલીસ કંટ્રોલ રૂમના નોટિસબોર્ડ પર અને રેકૉર્ડમાં પણ રહે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




